ચાય કે સાથ કુકીઝ હો જાએ...

29 November, 2019 02:20 PM IST  |  Mumbai | Hansa Karia

ચાય કે સાથ કુકીઝ હો જાએ...

ચા અને કુકીઝ

કોઈ પણ સીઝનમાં બપોરની ચા સાથે મન્ચિંગ કરવાની મજા જ કંઈક ઑર છે. આ એવો સમય હોય છે જેમાં કંઈ ભારે ખાવાની ઇચ્છા નથી હોતી, પણ એકલી ચા પીવાને બદલે સાથે બે બિસ્કિટ પણ ખાધાં હોય તો એ ફીલગુડ કરાવે છે. બહારનાં રેડીમેડ બિસ્કિટનાં પૅકેટ્સ ઘરમાં ભરી રાખવાને બદલે એકદમ ઓછી મહેનતે શુદ્ધ, સ્વાદિષ્ટ અને કરકરી કુકીઝ કે નાનખટાઈ તમે બનાવી શકો છો. આ ચીજો લાંબો સમય સુધી ફ્રેશ પણ રહે છે

નાનખટાઈ 

સામગ્રી

☞ એક કપ મેંદો 

☞ અડદો કપ ઘી 

☞ અડધો કપ દળેલી સાકર 

☞ અડધી નાની ચમચી એલચી પાઉડર 

☞ નાની પા ચમચી બેકિંગ પાઉડર

☞ પા કપ સોડા બાય કાર્બોનેટ 

બનાવવાની રીત

ઘી, દળેલી સાકર અને સોડાને ફીણીને વ્યવસ્થિત ભેળવી લો. એમાં મેંદો અને એલચી એસેન્સ નાખો. હળવા હાથે કણક બનાવી લો. હવે બેકિંગ ટ્રેને ગ્રીસ કરી એટલે કે માત્ર થોડી માત્રામાં ઘી લઈ એના પર ફેરવી દો જેથી નાનખટાઈ સહેલાઇથી ઊખડી શકે અને ટ્રેમાં ચોંટી ન જાય. આ પછી પહેલાં બનાવીને તૈયાર રાખેલા કણકમાંથી નાનખટાઈના નાના-નાના ભાગ કરી નંગ તૈયાર કરી લો. હવે ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર એને બેક કરી લો.  ૧૦થી ૧૨ મિનિટ થાય એટલે  થાળીમાં ઠંડી કરો અને એક હવાચુસ્ત ડબામાં મૂકી દો અને જ્યારે મન થાય ત્યારે આ નાની નાનખટાઈની મજા લો અને મહેમાનોને પણ આપો.

મોકા બિસ્કિટ્સ

સામગ્રી

☞ અડધો કપ મેંદો

☞ અડધો કપ દળેલી સાકર 

☞ નાની પા ચમચી બેકિંગ પાઉડર

☞ નાની પા ચમચી કૉફી એસેન્સ

☞ નાની અડધી ચમચી વેનિલા એસેન્સ

☞ ત્રણ મોટી ચમચી બટર 

☞ એક મોટી ચમચી માર્ગરિન

☞ બે મોટી ચમચી કોકો પાઉડર

બનાવવાની રીત

બટર, સાકર, માર્ગરિન, બેકિંગ પાઉડરને સારી રીતે ભેળવી એમાં મેંદો, કૉફી એસેન્સ, વેનિલા એસેન્સ અને કોકો પાઉડર ઉમેરો. હવે જે માપનાં જોઈએ એ પ્રમાણે બિસ્કિટના ભાગ કરી લો અને એને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦થી ૧૨ મિનિટ સુધી બેક થવા દો.  હવે એક થાળીમાં બિસ્કિટમાંથી વરાળનો ભાગ નીકળી જાય અને ઠંડા થાય એટલે એક ડબામાં ભરી દો.

કેસર નાનખટાઈ

સામગ્રી

☞ નાનખટાઈની બધી સામગ્રી 

☞ થોડાં ટીપાં કેસર એલચી એસેન્સ 

બનાવવાની રીત

ઘી, દળેલી સાકર અને સોડાને એવી રીતે ભેળવો કે એ મિશ્રણ હળવું થઈ જાય, પછી મેંદો અને કેસર એલચીનું એસેન્સ ભેળવો. હવે કણક બનાવી લો. પછી  બેકિંગ ટ્રેને ગ્રીસ કરી લો.  નાનખટાઈના નાના-નાના ભાગ કરો. ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર એને બેક કરી લો, પછી ૧૦થી ૧૨ મિનિટ પછી એને થાળીમાં કાઢી લો. કેસર નાનખટાઈ શિયાળામાં ખાવાની મજા અનેરી છે.

જીરા બિસ્કિટ 

સામગ્રી

☞ પોણો કપ મેંદો

☞ એક મોટી ચમચી રવો

☞ અડધી નાની ચમચી દળેલી સાકર

☞ ત્રણ મોટી ચમચી બટર

☞ એક મોટી ચમચી ઘી

☞ એક મોટી ચમચી અધકચરું વાટેલું જીરું

☞ નાની પા ચમચી બેકિંગ પાઉડર

☞ નાની પોણી ચમચી મીઠું

☞ જરૂરિયાત મુજબ દૂધ

બનાવવાની રીત

બધી સામગ્રીને ભેળવી એમાં જરૂરિયાત પ્રામણે દૂધ નાખો. હવે તૈયાર થયેલા લોટમાંથી રોટલી જેવી વણી લો. એ પછી કાંટાથી એમાં નખિયાં કરો. હવે કુકી કટર વડે શેપ આપીને કાપી લો. એને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૮થી ૯ મિનિટ બેક કરો. તૈયાર છે જીરા બિસ્કિટ.

સ્ટફ કુકીઝ 

સામગ્રી

☞ એક કપ મેંદો 

☞ અડધો કપ દળેલી સાકર 

☞ નાની પા ચમચીથી ઓછો બેકિંગ પાઉડર 

☞ નાની પા ચમચી વેનિલા એસેન્સ

☞ અડધો કપ બટર

બનાવવાની રીત

ઉપરની બધી સામગ્રી એકસાથે ભેળવી એમાંથી નાની કુકીઝ બનાવો. એને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર બેક કરી લેવી. એ સહેજ ઠંડી પડે એટલે બે કુકીઝની વચ્ચે ફ્રૂટ જૅમ અથવા તો ઓગાળેલી ડાર્ક અથવા મિલ્ક ચૉકલેટ સ્ટફ કરીને મૂકો. એને બરાબર ઠંડી પડવા દેશો એટલે બન્ને પડ એકબીજા સાથે ચોંટી જશે અને સ્ટફ કુકીઝ તૈયાર થઈ જશે.

ઓટ્સ કોકોનટ કુકીઝ 

સામગ્રી

☞ અડધો કપ ઘઉંનો લોટ 

☞ ચાર મોટી ચમચી ઓટ્સ

☞ અડધો કપ બટર 

☞ અડધો કપ દળેલી બ્રાઉન સાકર

☞ બે મોટી ચમચી છીણેલું કોપરું 

☞ પા ચમચી સોડા બાય કાર્બોનેટ 

☞ બેથી ત્રણ મોટી ચમચી (અંદાજે) દૂધ 

બનાવવાની રીત

બટર અને સાકરને ફેંટીને ફીણ આવે એવું હળવું બનાવો. બાકી બધી સામગ્રી પણ વ્યવસ્થિત ભેળવી લો.  નાના નાના ભાગ કરી કુકીઝને પહેલેથી ગરમ કરેલા અવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૨થી ૧૫ મિનિટ સુધી રાખો. હવે ઓટ્સ કોકોનટ કુકીઝ તૈયાર છે. 

વ્હીટ જિંજર બિસ્કિટ

સામગ્રી

☞ અડધો કપ ઘઉંનો લોટ

☞ એક મોટી ચમચી સૂંઠનો પાઉડર

☞ પા ચમચી બેકિંગ પાઉડર

☞ ત્રણ મોટી ચમચી બટર

☞ એક મોટી ચમચી ઘી

☞ અડધી ચમચી વેનિલા એસેન્સ

☞ અડધી ચમચી દળેલી સાકર

☞ અડધી ચમચી કૅરમલ લિક્વિડ

બનાવવાની રીત

ઘઉંનો લોટ, સૂંઠ, બટર અને સાકર મિક્સ કરીને બરાબર ફીણો. બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં એસેન્સ, કૅરેમલ લિક્વિડ અને બેકિંગ પાઉડર મેળવીને એના મિડિયમ સાઇઝ લૂઆ બનાવો. હાર્ટ શેપ, સ્ટાર શેપ કે અન્ય કોઈ પણ શેપના કુકી-કટરથી એને શેપ આપો. ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રી-હીટેડ અવનમાં મૂકીને ૧૦થી ૧૨ મિનિટ માટે બેક કરી લો.

બહાર કાઢીને ઠરે એટલે ડબામાં ભરી લો.

કુકીઝનો આવિષ્કાર

કુકીઝ માટે એમ કહેવાય છે કે સૌપ્રથમ ચૉકલેટ કુકીની શોધ પર્શિયા એટલે કે હાલના ઈરાનમાં થઈ હતી.  આને કદાચ શોધ ન કહી શકાય, કારણ અવનનું તાપમાન તપાસવા માટે બેકર્સ કેકનું ટેસ્ટિંગ કરવા માટે મૂકતા. એ દરમ્યાન કડક થઈ જતી કેક મોઢામાં મૂકતાં પીગળી જતી જે પછીથી કુકીઝ તરીકે પ્રચલિત થઈ અને એણે રેસિપીઓનાં પુસ્તકોમાં પોતાનું સ્થાન કાયમ કર્યું.

કુકીઝ એ પશ્ચિમી સંસ્કૃતિનું  ચલણ છે, પરંતુ ભારતમાં પણ આ એટલી જ લોકપ્રિય વસ્તુ છે, માત્ર આનું સ્વરૂપ કદાચ જુદું હોઈ શકે. ભારતીય લોકપ્રિય કુકીઝ એટલે મસ્તમજાની કડક દેખાતી, પણ અંદરથી કોમળ એવી નાનખટાઈ. આ નાનખટાઈ બનાવતાં પહેલાં સ્ત્રીઓ અમુક દુકાનોમાં જતી હતી અને એને બેક કરાવતી હતી. હવે નાનખટાઈ, બિસ્કિટ અને કુકીઝના  વિવિધ પ્રકાર ઘરે સહેલાઈથી બની શકે છે.

indian food mumbai food Gujarati food life and style