શું કાંગડા ચા પણ કોરોના વાઇરસ સામે રોગપ્રતિકારકતા વધારે છે?

27 May, 2020 09:57 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

શું કાંગડા ચા પણ કોરોના વાઇરસ સામે રોગપ્રતિકારકતા વધારે છે?

કોરોનાને માત આપવામાં શું અસરકારક રહેશે એ શોધવા માટે દરેક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાઈખપૂચીને પડી છે.

કોરોનાને માત આપવામાં શું અસરકારક રહેશે એ શોધવા માટે દરેક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાઈખપૂચીને પડી છે. આજકાલ ઘરગથ્થુ પ્રયોગો અને નૅચરલ તત્ત્વો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને એવામાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના નેજા હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન બાયારિસૉર્સ ટેક્નૉલૉજીના નિષ્ણાતોનો દાવો છે કે કાંગડા ટીમાં ખાસ એવા તત્ત્વો છે જે શરીરની કોરોના સામેની રોગપ્રતિકારક ક્ષમતા સુધારે છે. આ સંસ્થાના ડિરેક્ટર ડૉ. સંજીવ કુમારનું કહેવું છે કે ચામાં કોરોનાથી બચાવ થઈ શકે એવાં કેમિકલ્સ છે. એમાંય જો કાંગડા ચા વાપરવામાં આવે તો એ ઉત્તમ લાભ આપે છે. આ સંસ્થાએ ચામાંથી મળતા આ કેમિકલમાંથી ખાસ આલ્કોહોલ બેઝ્ડ સૅનિટાઇઝર અને સોપ બનાવવા પર ભાર મૂક્યો છે. 

કાંગડા ચામાં ૬૫ એવાં બાયોઍક્ટિવ કેમિકલ્સ અને પૉલિફિનૉલ્સ છે જે કોરોના અને એચઆઇવી જેવા વાઇરસના ગ્રોથને અટકાવે છે અને એને કારણે વાઇરસને હ્યુમન બૉડીમાં સર્વાઇવ થવું અઘરું થઈ જાય છે. તો શું આવા સંશોધનો વિશે જાણીને આપણે ચા પીવા મંડી પડવું જોઈએ? ચામાં ખૂબ મોટી માત્રામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રહેલાં છે જે વરસો પહેલાં સાબિત થઈ ચૂક્યું છે. જોકે આપણે ચાને ઉકાળીને વાપરીએ છીએ ત્યારે એમાંના પોષક તત્ત્વો નાશ પામે છે. આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે કે, ‘ચા હોય કે કોરોના માટે તૈયાર કરાયેલો ઉકાળો, એને વધુમાં વધુ ૧૦૦ સેકન્ડ્સ માટે જ ગરમ કરવામાં આવ્યું હોય એ જરૂરી છે. વધુ લાંબો સમય ગરમ કરવાથી એમાંના ઊડ્ડયનશીલ તત્ત્વો જતા રહે છે અને એ પછી બચે છે જસ્ટ ચાનું ટેનિનવાળું ગરમ પાણી.’

indian food health tips