દર મહિનાના પહેલા અને છેલ્લા દિવસે બને દાલ-ચાવલ પલીદુ

12 October, 2020 10:52 PM IST  |  Mumbai | Puja Sangani

દર મહિનાના પહેલા અને છેલ્લા દિવસે બને દાલ-ચાવલ પલીદુ

વ્હોરા સ્ત્રીઓ પૂછે કે આજે કયો વાર છે અને કઈ તારીખ છે? એ મુજબ જ ભોજન બને છે.

ભોજનને કોઈ ધર્મ નથી હોતો, નથી હોતી કોઈ જાતિ કે નથી હોતી કોઈ ભાષાની સરહદો. ભોજન તો એક ભોજન છે અને લોકોના ટેસ્ટ અને પસંદગી ઉપર આધારિત હોય છે. વિશ્વના એક ખૂણેથી બીજા ખૂણે જાઓ તો દરેક ક્ષેત્રની પોતાની આગવી અને વિવિધ વાનગીઓ જોવા મળશે. એક વાર જો ટેસ્ટ ગમી જાય તો પછી એની આદત પડે છે અને આદત પછી સંસ્કૃતિમાં અને છેવટે દૈનિક અથવા નિયમિત ભોજન વ્યવસ્થામાં ભળી જાય છે. આપણે ગુજરાતમાં એવી કેટલીય વાનગીઓ ખાઈએ છીએ કે જે મૂળ ગુજરાતી નથી પરંતુ અલગ-અલગ સંસ્કૃતિમાંથી આવેલી છે અને આપણે ટેસથી આરોગીએ છીએ.
અગાઉ પણે પારસી ફૂડ પર લખ્યું હતું અને આજે આપણે દાઉદી વહોરા સમુદાયના ફૂડ વિશે ચર્ચા કરીશું. દાઉદી વહોરા સમુદાય મુળ ઈસ્માઇલી શિયા સમુદાયનો ભોગ છે અને એનાં મૂળિયાં મધ્ય-પૂર્વના દેશ યમનમાં રહેલાં છે અને તેમની ખાન-પાનની પદ્ધતિમાં અરેબિક અને મધ્યપૂર્વની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. પરંતુ ગુજરાતનાં અનેક શહેરો તેમ જ મુંબઈમાં વહોરા સમુદાયની ખાસ્સી વસ્તી જોવા મળે છે. મુંબઈમાં વરલી ખાતે ‘ધ બહોરી કિચન’ નામની જગ્યા છે જ્યાં અસલ વહોરા સમુદાયનું ફૂડ પીરસવામાં આવે છે અને એ ખૂબ જ ખ્યાતિ ધરાવે છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, ભાવનગર, વડોદરા અને ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં વહોરા સમુદાયની ખૂબ મોટી વસાહતો છે. સિદ્ધપુર તો વહોરા આર્કિટેક્ચર અને ફૂડની બેનમૂન જગ્યા છે. ત્યાં માત્ર વહોરી મીઠાઈ વેચતી દુકાનો પણ છે.   
ભારતમાં વહોરા સમુદાયનાં મૂળિયાં ગુજરાતમાં હોવાથી તેઓ ક્યાંય પણ રહેતા હોય ગુજરાતી તો આવડે જ. તેઓ એક ખાસ લઢણમાં ગુજરાતી બોલતા હોય છે. તેમના ભોજનમાં પણ ગુજરાતી ભોજનની છાંટ છે. તેઓ વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન બન્ને પ્રકારનું ભોજન બનાવે છે જે આરોગવાની ખૂબ જ મજા આવે છે. જોકે આપણે ત્યાં અફઘાની કે બીજા દેશોની વાનગીઓ પીરસતી રેસ્ટોરાં છે પરંતુ કમનસીબે વહોરા ફૂડની કોઈ નથી. તમામ વહોરા ગુજરાતી જ હોય છે અને હિન્દીભાષી લોકો તેને  ‘બોહરા’ કહે છે અને તેમના ભોજનને ‘બોહરી ભોજન’ તરીકે ઓળખે છે. તેમની ખાન-પાનની આદતો અને પદ્ધતિ વિશિષ્ટ પ્રકારની હોય છે.


અમદાવાદમાં રહેતા હવ્વા ટિનવાલાએ શહેરની પહેલી બોહરી ભોજન પીરસતી ટેક અવે રેસ્ટોરન્ટ ‘બોહરી ઝાયકા’ શરૂ કરી છે જેમાં સ્ટાર્ટર, કરી, થાળ, મીઠાઈ અને બિરયાની પીરસવામાં આવે છે.  બોહરી ખાન-પાનની વિશેષતા વિશે તેઓ છે કે ‘ફૅમિલી અથવા કમ્યુનિટી ગેધરિંગ વખતે એક થાળ પીરસાય છે. જમીન પર ઊંધા અથવા આડા પગ કરી જેમ આપણે યોગમાં બેસીએ એ રીતે ગોળ ટોળામાં આઠથી નવ જણ બેસે. પછી જમીન પર પ્લાસ્ટિક અથવા ચોરસ કપડું જેને સફરો કહેવાય એ પાથરે. એની ઉપર સ્ટીલની કુંડલી ગોઠવે અને એની ઉપર થાળ પીરસાય. થાળ એટલે સ્ટીલની મોટી થાળી. આ થાળ માં વેજ, નૉન-વેજ, મિષ્ટાન્ન, પાન, મુખવાસનો સમાવેશ થાય. જમતી વખતે સ્ત્રીઓ માથે ઓઢે અને પુરુષ ટોપી પહેરે. જમતી વખતે કોળિયો પાંચેય આંગળી જોડે જ મોઢામાં મૂકવાનો એવો નિયમ.’
થાળ આરોગવાની પણ ખાસ પદ્ધતિ હોય છે એમ જણાવતાં હવ્વા ટિનવાલા કહે છે, ‘સૌપ્રથમ ભોજનની શરૂઆત ચપટી મીઠાથી કરે જેની પાછળનો હેતુ એ છે કે આ કરવાથી ઘણા રોગ (૭૬ પ્રકારના રોગ)થી મુક્ત થવાય છે અને પાચનશક્તિમાં લાભદાયક છે. પછી બીજા તબક્કે મિષ્ટાન્ન હોય. એની પાછળનો હેતુ એ છે કે કઈ પણ ખાતાં પહેલાં મીઠાઈથી શરૂઆત કરીએ એ શુભ ગણાય. પછી સૂપ, સ્ટાર્ટર અને મુખ્ય ભોજન. ત્યાર બાદ ફ્રૂટ ખવાય છે જેનો હેતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે. ત્યાર બાદ પાન અને મુખવાસ ખાઈને છેલ્લે ચપટી મીઠું ખાઈ થાળ ભોજન સમાપ્ત કરે છે. બોહરી લોકો મીઠાશ (એટલે મિષ્ટાન્ન) જેમાં તેઓ હલવો અને સંચાનો આઇસક્રીમ વધારે આરોગે છે અને ખારાશ (ખારી વાનગી) જેમાં ગુજરાતી લોકોમાં બનતી વેજ વાનગીઓ અને તેમના વહોરા સમુદાયની ઑથેન્ટિક વાનગીઓના ચાહક હોય છે. ’
વહોરી થાળ આ વાનગીઓ વિના અધૂરો
બે મુખ્ય વેજ વાનગી જે વહોરા સમુદાયની ખાસિયત છે અને થાળમાં પણ પીરસાય છે અને તહેવારો અને શુભ પ્રસંગે બને છે: 
૧. દાલ-ચાવલ પલીદુ: આ વાનગીમાં ઓસાવેલો ભાત હોય છે અને ઘીમાં જીરાથી વઘારેલી છુટ્ટી દાળ જેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખી બનાવાય છે જેને ભાતની ઉપર લેયર કરી ઉપર કોથમીરથી સજાવી દાળના પાણીથી બનેલું પલીદુ સાથે પીરસાય છે જેમાં દાળ બાફતી વખતે વાપરવામાં આવેલું પાણી જેનું ગુજરાતી લોકો ઓસામણ બનાવે છે એનું બોહરી લોકો પલીદુ બનાવે છે. એની બનાવવાની પદ્ધતિ એકદમ અલગ અને નિરાળી છે. આ પલીદુ ઓસામણની જેમ પાતળું નહીં પણ બેસન નાખીને ઘટ્ટ બનાવેલું હોય છે. આ વાનગીનો ટેસ્ટ કોકમ અને મેથીના દાણાથી અદ્ભુત આવે છે. શાકભાજીમાં સરાગવાની શિંગ, દૂધી અને ટામેટાનો સમાવેશ છે. આ વાનગી બનતાં અડધો કલાક થાય. દર મહિનાની પહેલી અને છેલ્લી તારીખે, મોહરમમાં, પહેલી રાત અને કોઈ પણ શુભ પ્રસંગે બને છે.
૨. ખુરદી ખીચડી: (વેજ ખુરદી): તુવેર દાળનું પાણી એટલે દાળ સ્ટૉક + દૂધ + ઘઉંના લોટમાંથી બને. એમાં મીઠું અને લીંબુ પીરસતી વખતે નાખવામાં આવે. આ વાનગીમાં તુવેર દાળને પહેલાં મોટા ખુલ્લા તપેલામાં બાફે છે. એનું પાણી ગાળીને ખુરદી બનાવાય અને દાળનો ઉપયોગ ખીચડીમાં કરવામાં આવે છે. ખુરદી બનાવવાની રીત એ છે કે ઘીમાં જીરું, આખા મસાલા અને ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે શેકાય છે. લોટ શેકાઈ જાય એટલે દાળનું પાણી ઉમેરી તીખાશ માટે મરીનો ભૂકો, આદુ, લસણ અને લીલાં મરચાંની પેસ્ટ ઉમેરાય છે. સરસ રીતે એને પકવવામાં આવે છે. પછી એમાં દૂધ ઉમેરાય છે અને પછી એકરસ થાય તેમ ઉકાળાય છે. પીરસતી વખતે મીઠું અને લીંબુ નાખી દાળ ખીચડી સાથે પીરસાય છે.
ફૂડ અને ફૅશન બ્લૉગર તેમ જ વહોરા ભોજન નિષ્ણાત સોફિયા ખેરીચા કહે છે, ‘દાઉદી વહોરાઓમાં એક વિશિષ્ટ પરંપરા છે. વહોરા ઘરોમાં કોઈ પણ વાર કે તિથિ મુજબ જ જમવાનું બનાવવામાં આવે છે. સવારે વ્હોરા સ્ત્રીઓ પૂછે કે આજે કયો વાર છે અને કઈ તારીખ છે? એ મુજબ જ ભોજન બને છે. દાખલા તરીખે સોમવારે મસૂર ચાવલ, મંગળ અને બુધવારે બકાલુ (બટાટાની લીલા મસાલાની સબ્જી) અને ગુરુવારે દાળ-ભાત, શુક્રવાર અને રવિવાર નૉન-વેજ અને શનિવારે અડદની દાળ અને  બાજરાના રોટલા. દર મહિનાની પહેલી તારીખ અને મહિનાનો છેલ્લો દિવસ જેને ‘પહેલી રાત’ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે દાલ-ચાવલ પલીદુ અચૂક બને. દર મહિનાની બાવીસમી તારીખે વહોરાનાં ઘરોમાં ખીર-પૂરી ખાવાનો રિવાજ છે.’ 

મસ્ત મીઠાઈઓ 
વહોરા લોકોના મિષ્ટાન્નમાં અલગ-અલગ પ્રકારના હલવા હોય છે જેમ કે ડ્રાયફ્રૂટ હલવા, બદામનો હલવો, ખારેક, ખજૂર, અંજીર હલવા, મગની દાળનો હલવો, દૂધી-ગાજરનો મિક્સ માવા હલવો અને સીઝનલ ફ્રૂટમાં મોસંબી, સીતાફળ, સ્ટ્રૉબેરી, પાઇનૅપલ હલવાનો સમાવેશ થાય છે. ઑથેન્ટિક મિષ્ટાન્નમાં માવા કલમરો, મલિદો, સેવ ઝરદો (ગુજરાતી બીરંજ), સેવૈયા, મલાઈ ખાજા, સુપેલ (ફ્રૂટ સૅલડ વિથ આઇસક્રીમ જેમાં આઇસક્રીમ છેલ્લે નાખવામાં આવે છે), રવા ફિરની, એગલેસ કસ્ટર્ડ (ચાઇના ગ્રાસ નાખી બનાવે), થૂલી (ગુજરાતી કંસાર) જેવાં મિષ્ટાન્નનો સમાવેશ થાય છે.

Gujarati food life and style