કારેલાં બહુ કડવાં છે એટલે જ ગુણકારી છે

31 July, 2026 02:14 PM IST  |  Mumbai | Heena Patel

કડવા સ્વાદને કારણે કારેલાં ઘણા લોકો ટાળે છે, પરંતુ આયુર્વેદ અનુસાર ચોમાસામાં પાચન સુધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ઇન્ફેક્શનથી બચવા માટે યોગ્ય માત્રામાં કારેલાંનું સેવન ખૂબ લાભદાયક માનવામાં આવે છે.

કારેલા

કારેલાં એવું શાક છે જેને લોકો એના કડવા સ્વાદને કારણે ઘણી વાર ટાળે છે, પરંતુ આયુર્વેદમાં આ જ કડવાશને એનો સૌથી મોટો ઔષધીય ગુણ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાચનશક્તિ નબળી પડવાની અને ઇન્ફેક્શનનું જોખમ વધવાની શક્યતા રહે છે ત્યારે કારેલાંનું સેવન શરીર માટે લાભદાયક માનવામાં આવે છે. જોકે કારેલાં ગુણકારી હોવા છતાં એને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ખાવાં એટલાં જ જરૂરી છે

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક. બાળપણમાં લગભગ દરેકે આ કવિતા ગાઈ હશે. ચોમાસાનું નામ આવે એટલે ગરમાગરમ ભોજનની યાદો તાજી થઈ જાય છે અને એમાં કારેલાંનું શાક પણ અનેક ઘરોના મેનુમાં ખાસ સ્થાન ધરાવે છે. ભલે એનો કડવો સ્વાદ સૌને પસંદ ન હોય, પરંતુ વર્ષોથી ભારતીય રસોડામાં ચોમાસા દરમ્યાન કારેલાંનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ આ ઋતુમાં કારેલાંને પાચન સુધારવા અને ઋતુજન્ય તકલીફોથી બચવામાં મદદરૂપ શાકભાજી તરીકે ગણાવવામાં આવે છે. જોકે કારેલાં ગુણકારી હોવા છતાં એનું યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે સેવન કરવું એટલું જ જરૂરી છે. આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. શ્વેતાબા જાડેજા પાસેથી જાણીએ કે ચોમાસામાં કારેલાં ખાવાથી શું ફાયદા થાય છે, એને ખાવાની યોગ્ય રીત કઈ છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

કડવાશ છે ગુણકારી

આયુર્વેદ મુજબ ચોમાસામાં શરીરની પાચનશક્તિ એટલે કે જઠરાગ્નિ સ્થિર નથી રહેતી. વાતાવરણમાં વધતા ભેજ અને પવનને કારણે અગ્નિ ક્યારેક નબળો પડી જાય છે તો ક્યારેક અચાનક ભૂખ વધી જાય છે. આ અનિયમિતતાને કારણે વાતદોષ વધે છે. જ્યારે વાતદોષ વધે છે ત્યારે એ શરીરમાં રહેલા પિત્તને પણ ઉશ્કેરે છે. આ બન્ને દોષોના અસંતુલનને કારણે ખોરાકનું યોગ્ય પાચન થતું નથી અને પેટમાં ગૅસ, આફરો, ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, ઍસિડિટી તેમ જ શરીરમાં ઇન્ફ્લમેશન જેવી સમસ્યાઓ જોવા મળે છે. આવી સ્થિતિમાં કારેલાંનો તિક્ત (કડવો) રસ દોષોને સંતુલિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આયુર્વેદમાં કારેલાંને પિત્તશામક માનવામાં આવે છે. એ શરીરની વધેલી ગરમી ઓછી કરે છે, બળતરામાં રાહત આપે છે અને પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. એથી જ ચોમાસામાં કારેલાંને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

કારેલાં કઈ સમસ્યામાં છે ઉપયોગી?

કારેલાંમાં એવાં કુદરતી તત્ત્વો હોય છે જે શરીરના મેટાબોલિઝમને સક્રિય રાખવામાં મદદ કરે છે. એટલે કે ખોરાકનું પાચન, પોષક તત્ત્વોનું શોષણ અને શરીરમાં ઊર્જાનું ઉત્પાદન જેવી પ્રક્રિયાઓને ટેકો મળે છે. કારેલાંમાં એવા ગુણો છે જે બ્લડ-શુગરના નિયંત્રણમાં પણ ઉપયોગી સાબિત થયા છે. આ જ કારણ છે કે પરંપરાગત રીતે ડાયાબિટીઝ ધરાવતા લોકો પણ પોતાના આહારમાં કારેલાંનો સમાવેશ કરતા આવ્યા છે. ચોમાસામાં ત્વચાની સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શન, ખંજવાળ, ફોલ્લીઓ અને રેશીઝ જેવી તકલીફો વધી શકે છે. આયુર્વેદમાં કારેલાંને રક્તશોધક એટલે કે લોહી શુદ્ધ કરનારા માનવામાં આવે છે. રક્ત શુદ્ધીકરણના એના ગુણોને કારણે ખીલ, ફોલ્લી અને ત્વચાની અન્ય કેટલીક સમસ્યાઓમાં પણ કારેલાં લાભદાયક ગણાય છે. ઘણા લોકો ચોમાસામાં કરિયાતું જેવી કડવી ઔષધિઓનું પણ સેવન કરે છે. એનું કારણ એ છે કે આયુર્વેદમાં કડવા રસને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવનારો માનવામાં આવ્યો છે. કારેલાંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઇમ્યુન સિસ્ટમ આપણા શરીરની કુદરતી સંરક્ષણ-વ્યવસ્થા છે, જે બૅક્ટેરિયા, વાઇરસ અને અન્ય હાનિકારક જીવાણુઓ સામે રક્ષણ આપે છે. ચોમાસામાં કારેલાં માત્ર એક શાક નથી, ઋતુ પ્રમાણે શરીરને અનુકૂળ રાખતો ઔષધીય ગુણો ધરાવતો આહાર છે. એની કડવાશ જ એની સૌથી મોટી વિશેષતા છે જે પાચન સુધારવાથી લઈને દોષોના સંતુલન, રક્તશુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કડવાશ ઘટાડીને ગોળ સાથે લો

કારેલાંના ઔષધીય ગુણોનો ફાયદો મેળવવા માટે એને શાકના રૂપમાં ખાવું જ ઉત્તમ છે. કાચાં કારેલાંનું વધારે પડતું સેવન શરીરમાં વાયુ ઉત્પન્ન કરે છે, જેનાથી અનેક નવી તકલીફો ઊભી થઈ શકે છે. આયુર્વેદ મુજબ ઘી, જીરું અને હિંગ સાથે કરેલો કારેલાંનો વઘાર એના વાયુ વધારનારા ગુણને ઘટાડે છે. આ મસાલા કારેલાંની પચવામાં ભારે અને રુક્ષ પ્રકૃતિને બદલીને એને પચવામાં સરળ બનાવે છે અને વાયુનો પ્રકોપ અટકાવે છે. કારેલાંમાં મીઠું નાખી એની કડવાશ કાઢીને ચપટીક ગોળ સાથે લેવાથી એ શરીર માટે સંતુલિત બને છે. ગોળ યોગવાહી છે એટલે કે એ જે ઔષધિ કે શાક સાથે ભળે છે 
એના ગુણોને શરીરમાં ઊંડે સુધી પહોંચાડે છે અને એની અસરમાં વધારો કરે છે. ગોળ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે અને ખોરાક પચાવવામાં  મદદ કરે છે. કારેલાંની કડવાશ પણ ભૂખ વધારે છે એટલે આ બન્નેનું મિશ્રણ પાચનતંત્ર માટે સર્વોત્તમ છે. કારેલાં લોહી શુદ્ધ કરવા માટે જાણીતાં છે. ગોળમાં રહેલું આયર્ન અને એના શુદ્ધીકરણના ગુણો કારેલાં સાથે મળીને ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે અને લોહી સાફ કરે છે. કારેલાં સ્વભાવે વાયુ વધારે છે. ગોળ સ્નિગ્ધ અને મધુર હોવાથી એ વાતદોષને શાંત કરે છે, જેનાથી કારેલાં ખાધા પછી શરીરમાં વાયુ વધતો નથી. 

સેવન કરતી વખતે સાવચેતી જરૂરી

 ખાલી પેટે વધુ પ્રમાણમાં કારેલાંનો જૂસ ન પીવો. એનાથી કેટલાક લોકોને ઍસિડિટી, પેટમાં દુખાવો અથવા બ્લડ-શુગર ખૂબ ઘટી જવાની સમસ્યા થઈ શકે છે.
 ડાયાબિટીઝની દવા લેતા લોકો સાવચેત રહે. કારેલાં બ્લડ-શુગર ઘટાડવામાં મદદરૂપ હોઈ શકે છે. એથી દવા સાથે વધુ માત્રામાં કારેલાં લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.
 ગર્ભવતી મહિલાઓએ વધુ પ્રમાણમાં કારેલાં કે એનો જૂસ લેવાનું ટાળવું. સામાન્ય માત્રામાં શાક તરીકે ખાવું ચાલે, પરંતુ ઔષધીય માત્રામાં લેવું યોગ્ય નથી.
 નાનાં બાળકોને કારેલાંનો જૂસ આપવાનું ટાળવું. બાળકો માટે કારેલાં સામાન્ય શાક તરીકે મર્યાદિત માત્રામાં જ આપવાં.
 અઠવાડિયામાં ૨–૩ વખત ખાવાં પૂરતું છે. દરરોજ મોટી માત્રામાં કારેલાં ખાવાથી ખાસ વધારાનો ફાયદો મળતો નથી.
 સંતુલિત આહારનો ભાગ બનાવો. કારેલાં કોઈ ચમત્કારી દવા નથી. એને અન્ય શાકભાજી, ફળો, પ્રોટીન અને અનાજ સાથે સંતુલિત આહારમાં સામેલ કરો.
 જો કારેલાં ખાધા પછી પેટમાં તકલીફ, ઊલટી, ચક્કર કે 
બ્લડ-શુગર ખૂબ ઘટવાનાં લક્ષણો દેખાય તો એનું સેવન બંધ કરીને તબીબી સલાહ લેવી.
કારેલાં પોષક તત્ત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે લાભદાયક શાક છે, પરંતુ એનો લાભ યોગ્ય માત્રામાં અને વ્યક્તિની તબિયતને ધ્યાનમાં રાખીને જ મળે છે.

કારેલાંની છાલનાં મૂઠિયાંની રેસિપી

એક બાઉલ ભરીને કારેલાંની છાલ હોય તો એને બરાબર સાફ કરીને ધોઈ લેવી. એમાં એક ચમચી જેટલું નમક નાખીને ૧૦-૧૫ મિનિટ રાખી મૂકવી. એમાંથી પાણી છૂટું પડે એટલે બરાબર  નિચોવી લેવી. લગભગ ૨૫૦થી ૩૦૦ ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લેવો અને એક ચમચો ભરીને ચણાનો લોટ લેવો. લોટમાં મોણ નાખીને એમાં આદું-મરચાંની પેસ્ટ, તલ, હળદર, મરચું અને નમક સ્વાદાનુસાર નાખવું. કડવાશ ઓછી જોઈતી હોય તો એમાં સહેજ ગોળ અને થોડુંક લીંબુ ​િનચોવવું. દહીં કે છાશ નાખીને લોટ બાંધી લેવો. મૂઠિયાં માટેનો ઢીલો લોટ બાંધ્યા પછી છેલ્લે એમાં ચપટીક ખાવાનો સોડા નાખીને એના વાટા વાળો. આ વાટાને મૂઠિયાં બાફવા માટેના કૂકરમાં મૂકીને બાફી લો. ૧૫-૨૦ મિનિટમાં બફાઈ જશે. એ પછી એને ઠંડા પડવા દો. વાટાના ટુકડા કરીને એને તેલમાં રાઈ, તલ, સૂકાં મરચાં અને હિંગ નાખીને વઘારી લો. આ મૂઠિયાંને જો બાફવાં ન હોય તો થોડાક તેલમાં શૅલો ફ્રાય પણ કરી શકાય છે. આ ફ્રાય કરેલાં મૂઠિયાં ત્રણથી ચાર દિવસ ટકે પણ છે. 

કારેલાંનો જૂસ સારો કે શાક? 

કારેલાંની કડવાશ વધુપડતી માત્રામાં લેવામાં આવે તો એ પિત્ત કરે છે અને ત્વચાની સમસ્યાઓ વધારે છે. એટલે બને ત્યાં સુધી એને કાચાં લેવાને બદલે રાંધીને જ વાપરવાં. શાક બનાવવું ઉત્તમ રહેશે. કારેલાંની છાલમાં ફાઇબર ખૂબ સારી માત્રામાં છે એટલે એને ફેંકી ન દેવી. દૂધી અને મેથીનાં મૂઠિયાં બનાવવામાં આવે છે એવી જ રીતે કારેલાંની છાલનાં મૂઠિયાં બની શકે છે. શાક બનાવવું હોય કે છાલમાંથી મૂઠિયાં, બન્ને માટે એમાંથી થોડીક કડવાશ દૂર કરવી જરૂરી છે. સમારેલાં કારેલાં અને છાલમાં થોડુંક મીઠું અને પાણી નાખીને પાંચ-છ મિનિટ માટે મૂકી રાખવાં. એ પછી બરાબર મસળીને એમાંથી પાણી નિચોવી લેવું. મીઠું વધુપડતું અંદર ન રહી જાય એ માટે કારેલાંને ફરી 
એક વાર સાદા પાણીથી ધોઈને નિચોવી લેવાથી કડવાશ ઘટી જશે અને 
શરીર માટે જરૂરી હોય એટલી જ કડવાશ રહેશે. 
કારેલાંનું શાક બનાવતી વખતે તેલમાં કંજૂસાઈ ન કરવી. ડ્રાય સબ્ઝી બનાવવી હોય તો પણ એમાં પૂરતું તેલ નાખવું જરૂરી છે. અલબત્ત, કારેલાંને સાવ જ તળીને કડક કરી નાખવાથી પણ એનું ન્યુટ્રિશન વહી જશે એટલે પૂરતું ઑઇલ રાખવું, વધુપડતું નહીં. 

 

lifestyle news life and style ayurveda food and drink food news health tips healthy living