આવી ગઈ છે મકાઈની મોસમ

20 July, 2020 06:04 PM IST  |  Mumbai | Pooja Sangani

આવી ગઈ છે મકાઈની મોસમ

મકાઇની અનેક વાનગી બની શક છે

વરસાદની મોસમ આવી ગઈ છે અને વરસાદી મોસમમાં ભજિયાં પછી જો સૌથી વધારે જેની વાનગી ખાવાનું મન થાય છે એ છે મકાઈ. યસ... મકાઈ. નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. હવે તો બારેમાસ મકાઈ મળે. ખાસ કરીને ફરવાનાં અને વધુ ભીડ ભેગી થતી હોય એવાં સ્થળોએ બાફેલી મકાઈ ખાવાની તો મોજ જ કંઈક અલગ છે. અમદાવાદના એસ. જી. હાઇવે, લૉ ગાર્ડન, કાંકરિયા જાઓ તો બાફેલી મકાઈની લારીઓની હારમાળા હોય છે અને તમામ ફેરિયાઓ વચ્ચે એટલીબધી કૉમ્પિટિશન હોય છે કે ખાસ એક માણસને ગ્રાહકોને પોતાની તરફ ખેંચી જવા માટે ઊભો રાખવામાં આવ્યો હોય. પણ મારા અનુભવ પ્રમાણે તમામ જગ્યાએ સ્વાદ તો સરખો જ હોય છે.
ટ્રેન્ડમાં છે બાફેલી મકાઈ
વર્ષો પહેલાં તો સુકાઈ ગયેલી મકાઈ મળતી. એટલે કે એનો દાણો કડક હોય. અંદર થોડો ભેજ હોય, પરંતુ તમને ચાવવામાં કડક લાગે. એને ખાવા માટે દાંત સારા જોઈએ. ઘરે સગડી ઉપર શેકીને ઉપર મીઠું, મરચું અને સંચળનો ભૂકો તૈયાર કરીને લીંબુનું અડધુ ફાડિયું એમાં ડુબાડીને પછી શેકેલી મકાઈ ઉપર ડુબાડી દો એટલે એનો કાળો અને પીળો તગતગતો રંગ નિખરે. એ પછી એ ખાધા વિના રહી ન શકાય. પહેલાં તો અમે મિત્રો વચ્ચે મકાઈ ઝડપથી ખાઈ જવાની સ્પર્ધા જામતી. પાંચ મિનિટમાં તો આખી મકાઈ ઓહિયા કરી જતા. પછી વડીલો ખિજાઈ જાય કે મકાઈ તો ચાવીને ખાવી જોઈએ, તો જ પ્રોટીન અને બીજાં પૌષ્ટિક તત્ત્વો મળે.
છેલ્લા બે દાયકાથી સૉફ્ટ, ઘાટી પીળી અને સહેજ મીઠો સ્વાદ આપતી સ્વીટ કૉર્ન કે જેને અમેરિકન મકાઈ કહેવામાં આવે છે એની ખૂબ બોલબાલા છે. અનેક પ્રકારની વાનગીઓમાં એનો ઉપયોગ થાય છે અને છોટી સી ભૂખ માટે તો જાણે અકસીર છે. ઘરે તમે મકાઈ લાવી રાખી હોય તો દસ મિનિટમાં તો બફાઈ જાય. પછી દાણા કાઢી લઈને એની ઉપર લીંબુ અને મસાલો નાખીને ખાઓ એટલે ખૂબ મજા આવે. એની લોકપ્રિયતા એ બાબત પરથી માપી શકાય છે કે મકાઈના દાણા સરળતાથી આખા નીકળે એ માટે રસોડાનું એક સાધન પણ મળે છે. આંખના પલકારામાં મકાઈના દાણા કડડભૂસ કરતાં વાસણમાં આવી જાય અને બાકીનો ભાગ ફેંકી દેવાનો.
લારીઓમાં હવે જાતજાતના સ્વાદમાં મકાઈ મળે છે. બટર મકાઈ, ચીઝ મકાઈ, મેયોનીઝ મકાઈ, ગાર્લિક મકાઈ... તમે માગો એ માલ મળે.
જાતજાતનાં સૅલડ
મકાઈ બેઝ હોય એવાં તમે જાતજાતનાં સૅલડ બનાવી શકો છો. આમ પણ સૅલડ એક એવી વાનગી છે કે તમે કલ્પના કરો એટલા સ્વાદમાં બનાવી શકો છો. એની અંદર ઝીણી સમારેલી ડુંગળીથી લઈને દેશી ચણા, કાબુલી ચણા, પનીર, ચીઝ, ટમેટા, કૅપ્સિકમ, બીન્સ, બાફેલા લીલા વટાણા, બટાટા વગેરે નાખીને ખાઈ શકાય. સ્વીટ કૉર્ન સૂપ તો જેણે પીધું ન હોય તે નાતબહાર જેવી હાલત છે.
મકાઈના રોટલા, મક્કે દી રોટી 
મકાઈના રોટલાની વાત શું કરું? મહેનતકશ લોકોનો કહેવાતો આ રોટલો આજે ઘર-ઘરનો મહેમાન બની ગયો છે. મકાઈના લોટના રોટલા સગડી ઉપર શેક્યા પછી જે સોનેરી કિનાર સાથે પીળો રંગ પકડે ત્યારે એમ થાય કે એને ખાવો કે પછી ફોટો પાડીને જોયા જ કરવો? પણ ખાવો તો પડે જ. કોઈ પણ શાક સાથે એને ખાવાની મોજ જ મોજ. મકાઈનો રોટલો બનાવો કે ભાખરી, બધા જ સાથે ભળી જાય છે. ગરમ-ગરમ રોટલા ઉપર માખણનો લચકો નાખો અને પછી એ ધીરે-ધીરે પીગળતો જોઈને આખા રોટલા ઉપર પ્રસરી જાય પછી જે ખાવાની મોજ આવે એની કલ્પના નહીં કરતા, તમે ખાઈ જોજો. બીજી કોઈ વસ્તુની જરૂર નથી. પંજાબ અને ઉત્તર ભારતની વાનગી મક્કે દી રોટી અને સરસોં દા સાગ (સરસવની ભાજીનું શાક) તો આખા હિન્દુસ્તાનમાં ધૂમ મચાવી રહ્યાં છે. 
મકાઈની સબ્ઝીઓ
જો મકાઈની સબ્ઝીની વાત કરું તો  પાલક-કૉર્ન, ટમૅટો-કૉર્ન, પનીર-કૉર્ન, કૅપ્સિકમ-કૉર્ન, કૉર્ન કોફતા કરી, બેબી કૉર્ન કરીનો સમાવેશ થાય છે. મકાઈના દાણાનો ભૂકો ભરેલી પૅટીસ પણ બહુ ટેસ્ટી લાગે. મકાઈનાં  ભજિયાં, મકાઈની ભેળ. વાહ... વાહ. કેટલી મજા આવે ખાવાની!
ઇન્દોરની ભુટ્ટે કી કીસ
આપણને બધાને ખબર જ છે કે મકાઈને ભુટ્ટો પણ કહેવામાં આવે છે. આપણે ગુજરાતીમાં મકાઈનો ડોડો કહીએ. મધ્ય પ્રદેશમાં ઇન્દોરમાં ‘ભુટ્ટે કી કીસ’ નામની વાનગી જબરદસ્ત લોકપ્રિય અને પ્રખ્યાત છે. આપણી ગુજરાતી સેવખમણી સાથે મળતી આવતી આ વાનગીમાં મકાઈનો ભૂકો હોય છે. એને દૂધ અને લીલા મસાલામાં શેકીને સેવખમણી જેવી વાનગી તૈયાર કરવામાં આવે છે. એ ખાવાની ખૂબ મજા આવે છે. ઇન્દોરના પ્રખ્યાત સરાફા બજાર (અમદાવાદના માણેકચોકના રાત્રિબજાર જેવું જ) ખાતે ભુટ્ટે કી કીસ બહુ વખણાય છે.
મકાઈનો હલવો
મકાઈ ભલે તીખા અને નમકીન ખોરાકમાં માનવામાં આવે, પરંતુ એનું છીણ કરીને દૂધ અને ઘીમાં બરાબર શેકીને અંદર ડ્રાયફ્રૂટ સાથે મકાઈનો હલવો જોરદાર બને છે. કોઈ વાર ખાઈ જોજો. મોજ જ મોજ છે. મકાઈના લોટની રાબ પણ બહુ ગુણકારી હોય છે. બીમાર માણસમાં શક્તિનો સંચાર કરે છે. કોઈક દિવસ મકાઈના લોટનું ખીચું પણ બનાવી જોજો.  
પૉપકૉર્ન – પૉપકૉર્ન તો કોણે નહીં ખાધા હોય? બસ, પૉપકૉર્નમાં પણ હવે બે ડઝનથી વધુ વરાઇટી આવે છે. પૉપકૉર્ન બનાવવા માટે ખાસ પ્રકારના મકાઈના દાણા આવે છે જે કડક અને ઉપરથી બી જેવા અણીદાર અથવા તો મોતી જેવા ગોળ હોય છે.
તમારી પાસે મકાઈની કોઈ યુનિક રેસિપી હોય તો મને મોકલજો. તો અમે  પણ અમારા વાચક મિત્રોને જણાવીશું. એના માટે ઈ-મેઇલ કરજો. બાકી આવતા સપ્તાહે ફરી મળીશું અને કરો ખાઈપીને મોજ.

મકાઈનું મેક્સિકન કનેક્શન

એક અંદાજ મુજબ વિશ્વમાં સૌથી વધુ ખવાઈ રહેલા ધાન્યમાં ચોખા, ઘઉં અને પછી મકાઈનો વારો આવે છે. આપણે એનો કેવી રીતે ઉદ્ભવ થયો એની બહુ પળોજણમાં પડતા નથી, પરંતુ ભારતની જ એક સરકારી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેઝ (મકાઈ) રિસર્ચના જણાવ્યા અનુસાર મકાઈ મૂળ મેક્સિકોની હોવાનું જાણવા મળે છે એટલે ત્યાંના ભોજનમાં એ એક મુખ્ય પદાર્થ છે. હવે તો ભારતમાં પણ મેક્સિકન નાચોઝ અને ટાકોઝે ધૂમ મચાવી છે. આપણે જેમ ઘઉંના લોટની ગોળ પૂરી ખાઈએ એવી આ ત્રિકોણ આકારના નાચોઝ ઉપર મેયોનીઝ, ચીઝ ડિપ અને જાતજાતનાં સૅલડ નાખીને ખાવાની જે મોજ છે એ તો યુવાનોને ખબર જ હશે. પરંતુ મૂળ વાત એ છે કે મકાઈનો ઉદ્ભવ મેક્સિકોમાં થયો હોવાનું ભારતીય સંસ્થા કહે છે એટલે ત્યાંની વાનગી તો વિશ્વભરમાં ધૂમ મચાવે જ એમાં શી નવાઈ.

આ પણ ટ્રાય કરજો
મકાઈ ફ્રાય – બેબી કૉર્ન અથવા તો અમેરિકન મકાઈના ફ્રેન્ચ ફ્રાઇસની સાઇઝના ટુકડા કરીને એને કૉર્ન ફ્લોર (એ પણ મકાઈનો મેંદા જેવો લોટ)ના ખીરામાં બોળીને ઉપર તીખા મસાલા છાંટીને તળેલા ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમારે ઉપર ખીરું ન લગાવવું હોય તો એમનેમ પણ બેબી કૉર્ન ફ્રાય બહુ ટેસ્ટી લાગે છે.

indian food life and style