લાલભાઈનું સેવઉસળ અને એની સિસકારા મરાવી દેતી તીખાશ

16 December, 2021 09:26 AM IST  |  Mumbai | Sanjay Goradia

મહાકાળી પછી વડોદરામાં જો કોઈનું સેવઉસળ ફેમસ હોય તો એ લાલાભાઈનું છે. સવારે સાતથી સવારે પાંચ સુધી મળતા આ સેવઉસળનો ભાવ સાંભળીને તમારા મોઢામાં એમ જ પાણી આવી જશે એ નક્કી છે

સેવઉસળનો ટેસ્ટ

અમારા નાટક ‘દે તાળી કોના બાપની દિવાળી’ની વડોદરા ટૂર દરમ્યાન કરેલી ‘મિ.પફ’ની ફૂડ ડ્રાઇવ પછી મને થયું કે વડોદરામાં જે ફેમસ છે એ સેવઉસળનો ટેસ્ટ કરવો જોઈએ. આમ તો અગાઉ આપણે વડોદરાના ફેમસ મહાકાળીના સેવઉસળનો આસ્વાદ કર્યો છે પણ એવું તો હોય નહીં કે શહેરમાં એક જ સેવઉસળવાળો જાણીતો હોય. ખાસ તો એવા સમયે જ્યારે આખું વડોદરા સેવઉસળ ખાતું હોય. વડોદરાના અમુક વિસ્તારમાંથી તમે પસાર થાઓ તો રસ્તાની બન્ને બાજુએ તમને એક જ ફૂડની લારી જોવા મળે, સેવઉસળની.
મહાકાળી સિવાય કોનું સેવઉસળ ટેસ્ટફુલ છે એની તપાસ ચાલુ કરી તો મને ખબર પડી કે લાલાભાઈનું સેવઉસળ ફેમસ. મારા નાટક ‘સુંદર બે બાયડીવાળો’ અને ‘જોકસમ્રાટ’માં કામ કરી ચૂકેલા સાગર રાવલે પણ મને લાલાભાઈના સેવઉસળનું કહ્યું એટલે મેં મારા અત્યારના નાટકના ઍક્ટર અને મૂળ વડોદરાવાસી એવા અચલેશ પંડ્યાને ફોન કરી સાંજે બોલાવી લીધો. અચલેશ અને સાગર બન્ને આવી ગયા અને અમારી સવારી ઊપડી વડોદરાના માંડવી વિસ્તારમાં, લાલાભાઈનું સેવઉસળ ખાવા. 
માંડવી વિસ્તારમાં ચોખંડી પાસે લાલાભાઈની લારી ઊભી રહે છે. હવે આ લારી લાલાભાઈનો દીકરો મનોજ સંભાળે છે. ૧૯૮૩માં લાલાભાઈએ શરૂઆત કરી ત્યારે તેમને ત્યાં એક રૂપિયામાં સેવઉસળ મળતું. એ સમયનો રૂપિયો એટલે આજના વીસ અને ત્રીસ રૂપિયા. હા, આજે પણ લાલાભાઈને ત્યાં સેવઉસળ ત્રીસ રૂપિયામાં મળે છે. દસ રૂપિયા એક્સ્ટ્રા આપો એટલે પાંચ બન પણ સાથે મળે. વીસ રૂપિયામાં સેવતરી મળે અને ત્રીસ રૂપિયામાં પૌંઆતરી મળે. આ બન્ને વરાઇટી પણ યુનિક છે. કહું તમને એની વાત પણ એની પહેલાં તમને સેવનો એક ખુલાસો કરું. સેવ વાંચીને તમે એવું નહીં માનતા કે આપણે ત્યાં મળે છે એવી ઝીણી સેવ. ના, ભાવનગરી ગાંઠિયાને એ લોકો સેવ કહે છે. સેવતરીમાં સેવ હોય, એના પર જાડી તરી અને રેગ્યુલર તરી નાખી એમાં કાંદા-કોથમીર અને કોબીનું સૅલડ છાંટીને આપે. પૌંઆમાં પણ એવી જ રીતે. ઉપર તરી અને કાંદા-કોથમીરનું સૅલડ નાખીને તમને આપે.
લાલાભાઈના સેવઉસળમાં જો કોઈ ખાસિયત હોય તો એ તેમની તરીની છે. આ તરી તે જુદી નથી બનાવતા. ઉસળ બનાવતી વખતે એનો વઘાર કર્યા પછી જે રસો ઉપર આવી જાય એનો જ તરી તરીકે ઉપયોગ કરવામાં આવે. ચારથી પાંચ કલાકે ઉસળ તૈયાર થાય છે. ઉસળમાં સામાન્ય રીતે ગુજરાતમાં ઘોલર મરચું વાપરવામાં આવે છે પણ સિસકારા કઢાવી દે એવા લાલાભાઈના સેવ ઉસળમાં નંદુરબારનું મરચું વાપરવામાં આવે છે તો ગરમ મસાલા પણ તૈયાર નહીં વાપરવાના. સૂંઠ, તજ, લવિંગ અને બીજા તેજાના જાતે ખાંડીને ઘરે જ ગરમ મસાલો બનાવવાનો, જેને લીધે એ શુદ્ધતા પણ ઉસળના દરેક કોળિયામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
સવારના સાત વાગ્યાથી લાલાભાઈનું સેવઉસળ મળવા માંડે, જે રાતે બાર સુધી મળે પણ જો તમે લારીની પાછળ જ આવેલા ઘરનો દરવાજો ખખડાવો તો તમને બાર પછી પણ ઉસળ મળી જાય; કારણ કે એ ઘર લાલાભાઈનું જ છે. લૉકડાઉનમાં વડોદરાવાસીઓને કંઈ નહોતું મળતું ત્યારે લાલાભાઈએ જ બધાને સેવઉસળ ખવડાવ્યું હતું. આ ઉસળની એક ખાસિયત કહું તમને. એ તમે મોઢામાં મૂકો ત્યારે એમાં સહેજ ગળાશ લાગે પણ એ પછી એની તીખાશ રીતસરનો ચટકારો બોલાવી દે. પણ એ ચટકારાની મજા છે. જો તીખાશ ગમતી હોય, ભાવતી હોય તો લાલાભાઈના સેવઉસળનો ટેસ્ટ કરવા જેવો ખરો.

columnists Sanjay Goradia