શ્રીલંકા ગયા વિના ત્યાંના હૉપર્સ અને કોત્તુ ટ્રાય કરવા છે?

17 March, 2020 04:45 PM IST  |  Mumbai | Sejal Patel

શ્રીલંકા ગયા વિના ત્યાંના હૉપર્સ અને કોત્તુ ટ્રાય કરવા છે?

ચીઝ પોલ કોત્તુ : આ શ્રીલંકન સ્ટ્રીટ-ફૂડ છે. જેમ આપણે રાતની વધેલી રોટલીને વઘારીને ખાઈએ એમ શ્રીલંકન સ્થાનિકો વધેલું શાક, પરાઠા અને કરીઝને મિક્સ કરી લો એટલે બની જાય કોત્તુ. એક વાટકો ભરીને આ ખાઓ એટલે પેટ ભરાઈ જ જાય.

તો પહોંચી જાઓ ઓવલ મેદાનની સામે આવેલા શ્રીલંકન ક્વિઝીન પીરસતા હૉપ્પમ રેસ્ટોરાંમાં. સાઉથ ઇન્ડિયન કલ્ચર સાથે ઘણું સામ્ય ધરાવતા આપણા પાડોશી દેશની વાનગીઓમાં દક્ષિણની છાંટ હોવાથી અહીંની વાનગીઓ તમને રોજિંદા ફૂડ જેવી મળતી આવતી લાગશે અને છતાં તમારા જીભ પર કંઈક નવી ફ્લેવર છોડી જશે એની ગૅરન્ટી

ભારતથી હજારો માઇલ દૂર આવેલા મિડલ-ઈસ્ટ, યુરોપ અને અમેરિકાના વિવિધ દેશોની ઘણી વાનગીઓ આપણે ત્યાં બહુ ફેમસ છે અને એનાં જાતજાતનાં વર્ઝન પણ મળે છે. પાડોશી દેશ ચીનની વાનગીઓ તો ઇન્ડિયાની ગલીએગલીએ મળે છે, તો આપણા પાડોશી દેશ શ્રીલંકાએ શું ગુનો કર્યો? શું તમે ક્યારેય શ્રીલંકન ક્વિઝીન ટ્રાય કર્યું છે? ટુ બી વેરી ફ્રૅન્ક અમે પણ નહોતું કર્યું. કેમ કે આ ક્વિઝીન વિશે બહુ ઓછી ચર્ચાઓ થઈ છે. કોઈક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં એકલ-દોકલ શ્રીલંકન ડિશ સર્વ થતી હોય એવું હોઈ શકે છે, પણ અમારે ઑથેન્ટિક અને વરાયટી ડિશીઝ ટ્રાય કરવી હતી એટલે પહોંચ્યા ચર્ચગેટ પાસે આવેલી શ્રીલંકન ક્વિઝીનને ડેડિકેટેડ રેસ્ટોરાં હૉપ્પમમાં.

હૉપ્પમની આ બીજી બ્રાન્ચ છે. લગભગ દોઢેક વર્ષ પહેલાં બાંદરા-વેસ્ટમાં પહેલી બ્રાન્ચ ખૂલેલી. ટૂંકા ગાળામાં ફૅન્ટાસ્ટિક પ્રતિસાદને પગલે થોડા સમય પહેલાં જ સાઉથ મુંબઈમાં એનો બીજો આઉટલેટ શરૂ થયો છે. બાંદરાની જગ્યા એકદમ ખોબલા જેવડી નાની છે જ્યારે ચર્ચગેટમાં બેસવાની થોડીક મોકળાશ હોવાથી અમે ત્યાંના આઉટલેટની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

હૉપ્પમની શરૂઆત આમ તો લગભગ ત્રણેક વર્ષ પહેલાં પૉપ-અપ્સથી થઈ હતી. ત્રણ મિત્રોએ એનો પાયો નાખેલો. મૂળ મૅન્ગલોરના શેફ લક્ષિત શેટ્ટી શહેરની ફાઇવ-સ્ટાર હોટેલમાં સાઉથના ક્વિઝીનનો સેગ્મેન્ટ સંભાળતા હતા. એવામાં તેમને કૅટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા જય વાધવા અને સાહિલ વાધવાનો સાથ મળ્યો. સાઉથના ક્વિઝીનમાં માસ્ટરી હોવાથી શેફ લક્ષિતને પહેલેથી જ શ્રીલંકન ફૂડમાં બહુ રસ હતો. શેફ લક્ષિત કહે છે, ‘મને શ્રીલંકન ફૂડ બહુ પોતીકું લાગતું. બીજાં ક્વિઝીન ભલે ગમેએટલાં વરાયટીવાળાં હોય, પણ આ રોજિંદા ખોરાક જેવું જ લાગે. ખાધા પછી તૃપ્તિ પણ થાય અને રુટિન કરતાં નવો ટેસ્ટ પણ હોય. અલબત્ત, અમે જ્યારે પૉપ-અપ્સ શરૂ કર્યાં ત્યારે પહેલાં તો ઑથેન્ટિક શ્રીલંકન ફૂડની આંટીઘૂંટીઓ સમજવા માટે શ્રીલંકાની ફૂડ-ટ્રિપ્સ બહુ કરી. ત્યાંના સ્ટ્રીટ-ફૂડ સ્પેશ્યલિસ્ટોના કિચનમાં ઘૂસીને બધું જોયું, જાણ્યું અને પછી જાતે પ્રયોગો કર્યા. બહુ શીખવા મળ્યું અને આજે એનો નિષ્કર્ષ હૉપ્પમના મેન્યૂમાં દેખાય છે.’

શ્રીલંકન વાનગીઓના નામ આમ તો જીભના લોચા વળી જાય એવા હોય છે, પણ હૉપ્પમમાં એનું ઘણું સરળીકરણ કરી નાખવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો અમે તરસ છીપાવવા માટે કંઈક ઠંડું પીણું મગાવ્યું. સૌથી પહેલાં આલમ નીર ટેસ્ટ કર્યું. આલમ નીર એટલે આદું, લીંબુ અને ગોળનું સ્ટ્રૉન્ગ પીણું. આ સાવ શરબત જેવું નથી, પરંતુ એની અંદર આદું અને લીંબુનો સ્ટ્રૉન્ગ ટેસ્ટ છે જેને ઑર્ગેનિક ગોળ દ્વારા પેસિફાય કરવામાં આવ્યો છે. અડધો ગ્લાસ આ પીણું પીઓ તો જબરજસ્ત ભૂખ ઊઘડી જશે એની ગૅરન્ટી. એક વણમાગી સલાહ એ કે આ પીણું આખેઆખું ગટગટાવી જવું નહીં, બે-ત્રણ જણ શૅર કરે એ જ બહેતર રહેશે. એ ઉપરાંત બીજાં બે પીણાં પણ મજાનાં છે. એક છે ટૅમરિન્ડ સૉર. આ પીણાનો બેઝ કોકોનટ વૉટરથી બનેલો છે અને નામ મુજબ એમાં આમલી છે. એની અંદર ખૂબ જ થોડીક માત્રામાં પૅશન ફ્રૂટ છે. ખટાશપડતું પીણું જેમને ભાવતું હોય એમના માટે બેસ્ટ. ગરમીની સીઝનમાં અહીં કૂલર ડ્રિન્ક પણ છે જે વૉટરમેલન અને ઍલપીનો ચિલીની ફ્લેવરનું છે. આમ તો તરબૂચનો જ જૂસ છે, પરંતુ એને ગળામાં ઉતારો એટલે ઍલપીનોનો ટિપિકલ સ્વાદ જીભ પર વર્તાય. ત્રણેય ડ્રિન્ક સ્વાદમાં એકદમ જુદાં અને એકમેકથી ચડિયાતાં છે.

વાતો કરતાં-કરતાં અમે એક-બે સ્ટાર્ટર્સ પર પણ હાથ અજમાવ્યો. પહેલી ડિશ હતી પોલોઝ રોલ્સ. દેખાવમાં આપણા ગુજરાતી ઘૂઘરા જેવી, પણ અંદર બેબી જૅકફ્રૂટ્સનો ગર અને શ્રીલંકન કરી મસાલાઓ હતો. આ ઘૂઘરા જેવી પફ પેસ્ટ્રી મોજુ ડિપ અને કોચીચી મેયો ડિપ સાથે સર્વ થાય છે. કૉર્નનાં વડાં પણ હતાં જે કૉર્નની પૂરી જેવાં દેખાતાં હતાં. આ પૂરી કાજુના ડિપ સાથે વધુ સારી લાગી. શેફ લક્ષિતે ઑથેન્ટિક શ્રીલંકનની સાથે રુટિન ટેસ્ટ ધરાવતા લોકોને પણ પસંદ આવે એવી બે વાનગીઓ ઉમેરી છે. એ છે પનીર ૬૫ અને ચીઝ પોલ રોટી. ફૂડ સર્વિસ ઍપ્સ પર આ બન્ને વાનગીઓને કસ્ટમર્સે ભરીભરીને સ્ટાર આપ્યા છે. પનીર ૬૫ને દહીંમાં રગદોળીને કરી લીફની ગ્રેવીમાં તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ચીઝ પોલ રોટી આપણી પૂરણપોળી જેવી છે. એમાં પૂરણ તરીકે ચીઝ અને કોકોનટ ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યું છે. આ વાનગીની ખાસિયત એની પર ચોપડવામાં આવેલા બટરમાં સમાયેલી છે. કાજુ અને મીઠા લીમડાના ફ્રેશ પાનના ફ્લેવરનું બટર ગરમાગરમ ચીઝ પોળી પર લગાવવામાં આવ્યું છે. ચીઝ, ફ્રેશ કોપરું, બટર, મીઠો લીમડો... આહા.. જબરજસ્ત કૉમ્બિનેશન છે. હા, અહીંની દરેક વાનગી એની સાથે પીરસાતા સામ્બોલ એટલે કે ચટણીઓને કારણે જ ફ્લેવરફુલ બની છે.

હવે મેઇન કોર્સમાં તો હૉપર્સ જ ખાવાનાં હોયને! હૉપર્સ એટલે એક પ્રકારનાં અપ્પમ. ચોખા અને દાળના બૅટરમાંથી બનાવેલા બાઉલ શેપના અપ્પમ સામાન્ય રીતે ઢીલાંઢસ હોય છે, પણ હૉપર એકદમ ક્રિસ્પી હોય. મોટા ભાગે તમે જે કરી સાથે હૉપર ઑર્ડર કર્યું હોય એની કરી હૉપરની વચ્ચે જ સર્વ કરવામાં આવે. બાજુમાં ચટણીઓ હોય એટલે કિનારીએથી હૉપર રોટલીની જેમ કાપતા જાઓ અને ચટણી તેમ જ કરીમાં બોળીને આરોગો. અને હા, અહીં છરી-કાંટા વાપરવાની ફૉર્માલિટી કરવાની કોઈ જરૂર નથી. આ ફૂડ હાથેથી જ ખાવાની મજા આવે છે. અમે મલ્ટિગ્રેઇન, ચિલી ચીઝ અને સ્પિનૅચ હૉપર્સ ટેસ્ટ કર્યાં. હેલ્થ કૉન્શ્યસ હો તો મલ્ટિગ્રેઇન ઇઝ બેસ્ટ, પણ સ્વાદરસિયા હો તો ચિલી ચીઝ હૉપરમાં વધુ મજા આવશે. હૉપરની ખરી શાન એની સાથે પિરસાતી કરીઓમાં છે. કોકોનટ મિલ્કમાં ખૂબબધાં ફ્રેશ વેજિટેબલ્સ નાખેલી વેજ મોઇલી કરી કોકોનટ મિલ્કના રસિયાઓ માટે બેસ્ટ છે. બડાપુ વામ્બતુ નામની કરી છે જે ખાધા પછીયે ખબર જ નહીં પડે કે એ રીંગણમાંથી બનેલી છે. ફ્રેશ ફ્રૂટ્સના શોખીનો માટે સહેજ ખાટીમીઠી પાઇનેપલ કરી અને તીખું ખાનારાઓ માટે સ્પાઇસી મશરૂમ કરી છે. કોકોનટ મિલ્કની ફ્લેવર જરાય ન જોઈતી હોય તો અહીં બ્લૅક પટેટો કરી છે. એમાં ખૂબબધાં શ્રીલંકન સ્પાઇસીસને અવનમાં બાળી નાખીને એના પાઉડરમાં બટાટાની કરી તૈયાર થઈ છે. સહેજ આમલીનો ચટકારો ડિશને ખાટી-તીખી બનાવે છે.

જાતજાતની ફ્લેવર માણ્યા પછી ભોજનનો અંત સ્વીટથી ન થાય એવું કેમ બને? અહીં ડિઝર્ટમાં પણ હૉપરનો ઑપ્શન છે. હૉપરની વચ્ચે ક્રીમ ચીઝ, કૅરેમલ અને ફ્રેશ સ્ટ્રૉબેરીના ચન્ક્સ છે. સીઝન મુજબ આ ડિશમાં ફ્રૂટની ચૉઇસ બદલાતી રહી શકે છે. જોકે પર્સનલ ફેવરિટ ડિઝર્ટ હતું એલચીના ફ્લેવરનું કન્ડેન્સ્ડ કોકોનટ મિલ્ક અને ગોળની પેસ્ટનું વાળું ટ્રેડિશનલ હૉપર. એક વાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. અલબત્ત, ત્રણ-ચાર જણ હોય તો જ આ ડિઝર્ટ પૂરું કરી શકશો એટલે જે એકલ-દોકલ ગયા હો તો કોકોનટ આઇસક્રીમ કે જૅકફ્રૂટ્સનો આઇસક્રીમ ટ્રાય કરી શકાય.

જો તમે સાઉથ ઇન્ડિયન ફૂડના ફૅન હો તો નૅચરલી જ તમને શ્રીલંકન ફૂડ ચાખવાની તાલાવેલી હશે જ, પણ જો તમે સાઉથ ઇન્ડિયન ફૂડના ફૅન ન હો તો પણ તમને આ ફૂડ ચોક્કસ કંઈક નવો અનુભવ આપશે.

indian food mumbai food sejal patel