અહીંનો અર્લ-ગ્રે આઇસક્રીમ ખાઈને બોલી ઊઠશો, વાહ!

12 March, 2020 02:55 PM IST  |  Mumbai | Sejal Patel

અહીંનો અર્લ-ગ્રે આઇસક્રીમ ખાઈને બોલી ઊઠશો, વાહ!

અર્લ-ગ્રે આઇસક્રીમઃ લેવન્ડર કલરનો આ આઇસક્રીમ આંખને જ નહીં, જીભ અને દિલને પણ ઠંડક પહોંચાડે એવો છે.

જૅપનીઝ, થાઈ, ચાઇનીઝ, ભુતાનીઝ ખાણાની લહેજત માણવી હોય તો વિલે પાર્લે-વેસ્ટના જુહુ તારા રોડ પર આવેલી ધ પાર્ક હોટેલમાં આ બધું એક જ જગ્યાએ પીરસતી એશિયન રેસ્ટોરાં મિશી છે. કપ્લીટ ઑર્ગેનિક ફૂડ-ઇન્ગ્રિડિયન્ટ્સ યુઝ કરતી આ ફાઇવ-સ્ટાર રેસ્ટોરાં મોંઘી જરૂર લાગી શકે, એટલે જેમને પેટ ભરવા માટે નહીં, ભોજન માણવાનો એક્સપિરિયન્સ લેવા જવું હોય તો આ ઑપ્શન છે.

વૈશ્વિક ફૂડની કોઈ પણ વરાયટી ઇન્ડિયામાં આવે ત્યારે સૌપ્રથમ એ દિલ્હી અને મુંબઈમાં જ શરૂ થાય છે. જોકે મોટા ભાગની ઑથેન્ટિક ફૉરેન ડિશીઝ હજી સુધી ફાઇવ-સ્ટાર અને ફાઇન-ડાઇન રેસ્ટોરાંઓમાં જ મળે છે. એશિયન ફૂડની વાત કરીએ તો મુંબઈમાં હજીયે બહુ ગણીગાંઠી જગ્યાઓ છે જ્યાં ઑથેન્ટિસિટી હોય. હજી ગયા વર્ષે જ ખૂલેલી આવી જ એક એશિયન રેસ્ટોરાંમાં અમે એશિયન ફૂડની લહેજત માણવાનું વિચાર્યું. ધ પાર્ક હોટેલની આ રેસ્ટોરાં છે મિશી. જુહુ-તારા રોડ પર આવેલી મિશીમાં સિક્યૉરિટી ચેક કરીને અંદર પ્રવેશો એટલે સ્માઇલિંગ ફેસ સાથે રૂપકડી રિસેપ્શનિસ્ટ તમને આવકારે છે. આમ તો ડાર્ક એમ્બિયન્સ છે, પરંતુ દિવસના સમયે પડદા ખુલ્લા હોવાથી પૂરતો ઉજાશ વર્તાતો હતો.

મિશીમાં અમે શું-શું ખાધું અને એ કેવું લાગ્યું એની વાત કરતાં પહેલાં અહીંની કેટલીક ખાસિયતો જાણવા જેવી છે. સૌથી પહેલી વાત તો એ કે આ રેસ્ટોરાંના તમામ શેફ્સ અન્ડર થર્ટી છે. જસ્ટ ૨૯ વર્ષના એક્ઝીક્યુટિવ અલ્તમસ પટેલની રેસિપીઝમાં ફ્રેશનેસ અને પ્લેફુલનેસ જોવા મળે છે. જૅપનીઝ, થાઇ અને ચાઇનીઝ ડિશીઝની વાત આવે તો સ્વાભાવિકપણે અહીં નૉન-વેજ જ વધુ હશે એવું ધારી લેવાનું મન થાય, પરંતુ અહીં એનાથી ઊંધું છે એમ જણાવતાં શેફ અલ્તમસ કહે છે, ‘સામાન્ય રીતે જૅપનીઝ અને થાઇ ક્વિઝીનમાં નૉન-વેજ વધુ હોય. યુઝવલી ફાઇવ-સ્ટાર રેસ્ટોરાંમાં ૭૦ ટકા નૉન-વેજ હોય, પરંતુ અમારે ત્યાં ૭૦ ટકા વેજિટેરિયન ડિશીઝ છે. તાતાકી અને કાપાચિયો જેવી ફ્રેશ મીટમાંથી જ બનતી હોય એવી વાનગીઓના પણ અમે વેજિટેરિયન વર્ઝન તૈયાર કર્યાં છે. ભાગ્યે જ ક્યાંક આવું વેજ વર્ઝન તમને જોવા મળશે.’

ઍસ્પરગસ સુશીઃ ઇન્ડિયન ચોખા વાપરીને બનેલી આ વેજ સુશી અને સાથેનું ફ્રેશ વસાબી ચાખવા જેવું છે.

વેજિટેરિયનિઝમ પર વધુ ભાર મૂકવા સાથે અહીંની ડિશમાં વપરાતા તમામ ઇન્ગ્રિડિયન્ટ્સ પણ ઑર્ગેનિક હોય છે. ફ્રેશ પ્રોડ્યુસનો જ ઉપયોગ કરવામાં આવે છે, ફ્રોઝન નહીં. એ વિશેની સ્પષ્ટતા કરતાં શેફ અલ્તમસ કહે છે, ‘જો તમારી ડિશ યુનિક અને આઉટસ્ટેન્ડિંગ બનાવવી હોય તો એમાં વપરાતા રૉ-ઇન્ગ્રિડિયન્ટ્સ બાબતે બહુ જ ચીવટ જાળવવી પડે. હું એ બાબતમાં બહુ ચીકણો છું. જે-તે ચીજ ઑર્ગેનિક હોય એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે એ ફ્રેશ હોય. અમુક ફળો અને વેજિટેબલ્સ અમુક ચોક્કસ સીઝનમાં જ મળતા હોય છે, પરંતુ સપ્લાયરો એને ફ્રોઝન કરીને રાખી મૂકે અને ઑલસીઝન વેચે. ફ્રોઝન વેજિટેબલ્સ કે ફ્રૂટ્સની ડિશમાં તમે ફ્રેશનેસ ગોતવા જાઓ તો ક્યાંથી મળે? બીજું, ઑર્ગેનિક ચીજો માત્ર બહારથી જ ઇમ્પોર્ટ કરવી પડશે એવું નથી હોતું. હું બને ત્યાં સુધી દરેક વાનગી માટે જે-તે જગ્યાનું લોકલ ફૂડ વાપરવાનું જ પ્રીફર કરું છું. જોકે આપણે ત્યાં અહીં ઊગતી ચીજો બાબતે જ બહુ ઉદાસીનતા દાખવવામાં આવે છે. પમ્પકિન, શક્કરિયાં, શિંગોડાં, પાઇન નટ્સ, કમળકાકડી જેવાં આપણે ત્યાં બહુ ઓછા વપરાતા વેજિટેબલ્સનો આ મેન્યૂમાં ઇનોવેશન સાથે સમાવેશ કરવાનો ટ્રાય કર્યો છે.’

ઍક્ટિવેટેડ ચારકોલ ડ્રિન્ક : આ પીણાંના કાળા રંગને જોવાની જરૂર નથી. ફ્લાવરની ફ્લેવર સાથેનું આ પીણું મસ્ટ ટ્રાય છે.

વાતો તો ચાલતી રહે એ દરમ્યાન અમે શરૂઆત મંચિગ સાથે થાય એમ વિચારીને એક થાઇ સૅલડ યમ પાક રમ અને બ્રોકલી અને પાઇનનટ્સ ક્રિસ્ટલ ડિમસમ ઑર્ડર કર્યાં. આ સૅલડની ખાસિયત એ છે કે એ ક્રન્ચી હોય છે. ક્રન્ચીનેસ ત્યારે જ આવે જ્યારે એમાં વપરાયેલાં વેજિટેબલ્સ સુપરફ્રેશ હોય. બ્રોકલી, ઍસ્પરગસ, લેટસ સૅલડ લીવ્સની સાથે એક વિશિષ્ટ વાઇટ ફંગસ એમાં છે. ઑલિવ ઑઇલના સ્વીટ ડ્રેસિંગ સાથે પીરસાયેલા આ સૅલડમાં એકસ્ટ્રા કન્ચીનેસ ઉમેરવા માટે હળવા બ્રાઉનિશ તળેલા કાજુ હતા. શાકભાજીની સાથે કાજુ? એ વળી કેવું લાગે? એવા વિચાર સાથે અમે બાઇટ લીધું. કાજુ આઉટસ્ટૅન્ડિંગ હતા જ, પણ એમાં વપરાયેલા શાકભાજી પણ મસ્ત ક્રન્ચી હતા. એમાં વપરાયેલા વાઇટ ફંગસનાં ફૂલ પણ કન્ચી. લિટરલી ચાવતી વખતે અવાજ આવે એવી ક્રિસ્પીનેસ. એમાં પાછી કાજુની નટી ફ્લેવર. પહેલી વાર આવું કૉમ્બિનેશન ટ્રાય કર્યું, પણ વર્થ ઇટ.

એ પછી ટ્રાય કર્યાં ડિમસમ. જરાક કહી દઉં કે ડિમસમને ઘણા લોકો મોમોઝ સાથે સરખાવે છે પણ એ બન્નેમાં બહુ ફરક છે. ડિમસમનું પડ બહુ જ પાતળું હોય છે. અહીંના બ્રોકલી ડિમસમનું પડ પાતળું હોવા સાથે ઑલમોસ્ટ ટ્રાન્સપરન્ટ જેવું હતું. સાબુદાણાના સ્ટાર્ચમાંથી આ પડ બનેલું. એનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો એને કારણે ડિમસમનું અંદરનું ફિલિંગ એકદમ ઓરિજિનલ ટેસ્ટ સાથે માણવા મળ્યો. બ્રોકલીની સાથે અગેઇન એકદમ બારીક સ્ટારશેપના પાઇનનટ્સને કારણે નટી ફ્લેવર મસ્ત હતી.

જૅપનીઝ રેસ્ટોરાં હોય અને સુશી ટ્રાય ન કરીએ એવું બને? કાળાં સીવીડના પડવાળી સુશી બહુ ભાવતી ન હોવાથી અમે ઓપન સુશી એટલે કે માકી ટ્રાય કરી. ઍસ્પરગસ ટમ્પુરા માકી અને કૅલિફૉર્નિયા માકી. સ્વાભાવિક રીતે સુશીમાં વપરાતા ચોખા બહુ ચીકણા અને ચાવવા પડે એવા હોય છે, જ્યારે અહીંની સુશીનું બહારનું લેયર ક્રિસ્પી હતું. શેફ અલ્તમસ કહે છે મોટા ભાગે સુશી માટે લોકો બહારથી રાઇસ ઇમ્પોર્ટ કરે છે, પણ મેં અહીં આંબેમોર જાતના ભારતીય ઑર્ગેનિક ચોખા વાપર્યા છે. બેમાંથી એકની પસંદગી કરવાની આવે તો ઍસ્પરગસવાળી સુશી વધુ ફ્લેવરફુલ હતી. જોકે આ સુશીની સાથે વસાબી સૉસનું ટપકું પાડેલું દેખાશે. જો તમે વિચારતા હો કે સાવ વટાણાના દાણા જેટલું જ કેમ પિરસ્યું હશે? પણ ટેસ્ટ કરશો તો એનો જવાબ મળી જશે. આ વસાબી રેડીમેડ નહીં, પણ ફ્રેશ બનાવેલું હોવાથી એટલું સ્ટ્રૉન્ગ છે કે ચપટીક રાઈના દાણા જેટલું પણ મોંમાં મૂકવામાં આવે તો એની પંજન્ટનેસ છેક નાક, કાન અને માથા સુધી ચડી જશે.

થાઈ અને જૅપનીઝ ડિશ ટ્રાય કર્યાં પછી શેફ કહે છે બધું સારું-સારું વિદેશી ડિશીઝમાં જ હોય છે એવું ન માનવું જોઈએ. તેમના રેકમેન્ડેશનથી અમે ભુતાનીઝ ડિશ દાત્છી ટ્રાય કરી. આ ડિશ આમ જુઓ તો રાઇસ અને કરી જેવી સિમ્પલ ડિશ છે. જોકે અહીં ટ્‍્વિસ્ટ માટે રેડ રાઇસ છે અને ભરપૂર ચીઝવાળી કરી સાથે એ પીરસાય છે. ક્રીમ રંગની કરી જોઈને તમને થાય કે આ બહુ બ્લૅન્ડ હશે, પણ એવા ભ્રમમાં રહેવાય એવું નથી. કેમ કે આ ચીજ માત્ર ચીઝ અને ચિલી એ બે ચીજોથી જ બનેલી આઇટમ છે. એમાં ત્રણ પ્રકારનાં મરચાં નાખવામાં આવે છે. આ મરચાંની તીખાશ એટલી છે કે નાનીની નાની યાદ આવી જાય. અંદર મોટા ટુકડામાં કાપેલા એક-બે મરચાંના ટુકડાને પહેલેથી પારખીને અલગ તારવી દેવામાં જ સાર છે. એના એક કોળિયામાં રેડ રાઇસની ચ્યુઇનેસ મજાની છે અને એમાં તીખી ચીઝ કરીને કારણે કોળિયો ગળામાંથી ઊતર્યા પછી જીભ પર તમતમાટ વર્તાશે.

બહુ તીખું ખાધા પછી કંઈક ગળ્યું તો ખાવું જ પડે અને એ માટે મારી ફેવરિટ અર્લ-ગ્રે ફ્લેવરનું ડિઝર્ટ અમે ટ્રાય કર્યું. અર્લ-ગ્રે એક ખાસ પ્રકારનાં ફૂલોની ફ્લેવર છે જે મોટા ભાગે ટીમાં જ ટ્રાય કરવામાં આવે છે. અહીં એ પહેલી વાર આઇસક્રીમ સાથે સર્વ કરવામાં આવ્યું છે. પહેલી નજરે પર્પલ રંગના આઇસક્રીમને જાણે માટી પર મૂકવામાં આવ્યો છે એવું લાગે, પણ નીચેનો બેઝ માટી નહીં, ખૂબ ઉકાળીને ઘટ્ટ કરીને બાળેલું કસ્ટર્ડ મિલ્ક છે અને ઉપર ચૉકલેટ પાઉડર છે. જોકે અર્લ-ગ્રે ફ્લેવર જેમને બહુ ગમતી હોય એવા લોકો માટે તો આ આઇસક્રીમનો એક સ્કૂપ જ જન્નત સમાન છે.

indian food mumbai food sejal patel