હું મારી મમ્મી પાસેથી નહીં પણ પપ્પા પાસેથી રોટલી-શાક બનાવતાં શીખી છું

22 January, 2020 03:15 PM IST  |  Mumbai | Shailesh Nayak

હું મારી મમ્મી પાસેથી નહીં પણ પપ્પા પાસેથી રોટલી-શાક બનાવતાં શીખી છું

કિંજલ દવે

રાંધો મારી સાથે

ચાર ચાર બંગડીવાળી ગાડી... ગીત દ્વારા દેશ-વિદેશના ગુજરાતીઓમાં નામના કમાયેલી કિંજલ દવેનો અવાજ જેટલો મધમીઠો છે એટલી જ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. આઠ વર્ષની ઉંમરે ગરબા ગાવાનું અને રસોઈ બનાવતાં સાથે જ શીખવાનું શરૂ કરેલું. કૉલેજના થર્ડ યરમાં ભણતી ગરબાક્વીન કિંજલ કિચનમાં હોય ત્યારે પણ તેની કલાકારી કેવી છવાઈ જાય છે એ વિશેની તેણે શૈલેષ નાયક સાથે કરેલીમજાની વાતો તેના જ શબ્દોમાં વાંચો

ઍક્ચ્યુઅલી મારાં મૉમ-ડૅડ છેલ્લાં ૨૫ વર્ષથી અમદાવાદમાં રહે છે. અમે અહીં રહીએ છીએ, પણ અમારા સામાજિક વ્યવહારો બધા ગામડે એટલે ગામડે જવાનું થાય. લગ્નપ્રસંગ હોય કે સારાનરસા પ્રસંગે મમ્મી કે પપ્પાને ગામડે જવાનું થાય. મારા ડૅડ હીરા ઘસતા એટલે કેવું હોય કે જો મારા પપ્પા રજા પાડે તો તેમને ૪૦૦ રૂપિયાની રજા પડે. એટલે કોઈ ઑફફ થઈ ગયું હોય કે લગ્નપ્રસંગ હોય તો મોસ્ટલી મમ્મી મારા ભાઈને લઈને ગામડે જાય. એટલે હું ને મારા ડૅડ અહીં એકલાં. ત્યારે એવી પરિસ્થિતિ નહોતી કે હોટેલમાં ખાઈ શકીએ. મને કોઈએ રસોઈ બનાવતાં શિખવાડ્યું જ નથી, પણ હું આઠ વર્ષની હતી તે સમયે મારા ડૅડ સાથે હું ધીમે-ધીમે રસોઈ બનાવતાં શીખી, કારણ કે હું અને મારા ડૅડ એકલાં રહેતાં ત્યારે મારા પપ્પા લોટ બાંધે અને હું શાક સુધારું. એક-બે વાર પપ્પાએ શાક વઘારતાં શિખવાડેલું, કારણ કે મારા પપ્પા નાનપણથી એકલા રહેલા છે. હીરા ઘસતા એટલે પપ્પાને બધું જમવાનું બનાવતાં આવડે. પપ્પા અને હું, અમે બન્ને ભેગાં થઈ રસોઈ બનાવતાં હતાં. ૮ વર્ષની ઉંમરથી રસોઈ બનાવતાં થોડું-થોડું શીખી અને બે-ત્રણ વર્ષ પછી રસોઈ બનાવતાં મને આવડી ગઈ. એટલે જાતે શાક, રોટલી, દાળ, ભાત બનાવી લઉં. અત્યારે મને સાઉથ ઇન્ડિયન બનાવતાં આવડે, ચાઇનીઝમાં એક-બે આઇટમ બનાવતાં આવડે, પંજાબીમાં બધાં શાક બનાવતાં આવડે, ગુજરાતી–કાઠિયાવાડીમાં બધું જ બનાવતાં આવડે.

જ્યારે પ્રોગ્રામ ન હોય અને ફ્રી ટાઇમ હોય ત્યારે કુકિંગ કરવાનો મને શોખ છે. અત્યારે ઘરે કામવાળા છે પણ પહેલાં હું મારાં મમ્મીને કહેતી કે હું વાસણ નહીં ઘસું, હું રોટલી કરું કે શાક વઘારું પણ વાસણ નહીં ઘસું. મને પહેલાંથી રાંધવાનો શોખ છે. અત્યારે પણ કાર્યક્રમ ન હોય અને હું ફ્રી હોઉં તો ઘરમાં કંઈ ને કંઈ બનાવતાં હોઈએ. મારા પપ્પાને સારું-સારું જમવાનો બહુ શોખ નથી; પણ મારા ભાઈ આકાશને, મારી મમ્મી ભાનુબહેનને અને મને અમને ત્રણ જણને જમવાનો શોખ ખરો એટલે હું બનાવું. હા, પપ્પા પાસેથી પહેલાં શાક–રોટલી બનાવતાં ખાલી શીખી. મમ્મી પાસેથી નહીં, પપ્પા પાસેથી રસોઈ શીખી.

કાઠિયાવાડી બાઈઓ રસોઈમાં બહુ હોશિયાર. એ લોકોની રસોઈ બહુ જ ટેસ્ટી બને. પહેલાં અમે જેમના ઘરમાં ભાડે રહેતાં હતાં તે કાઠિયાવાડી હતાં. તેમની દીકરીનું નામ કાજલ હતું. તે બહુ સરસ રસોઈ બનાવતી હતી. અડધું હું તેની પાસેથી શીખી. તે બનાવે ત્યારે તેમની જોડે ઊભી રહું અને પછી જોઉં અને ઘરે આવીને બનાવું, ધીમે-ધીમે ટ્રાય કરું. કાઠિયાવાડમાં કળીનું શાક બનાવે. કાજલદીદી કળીનું શાક બનાવે. જાતે ગાંઠિયાનો લોટ બનાવી અને છાશ વઘારીને કળીનું શાક બનાવે એ મને બહુ ભાવતું.
એક દિવસ મેં કાજલદીદીને કહ્યું કે મને શિખવાડશો તમે? તો તેમણે હા પાડી. હું તેમના ઘરે ગઈ. તેમને એવું હતું કે આટલી નાની છોકરી શું બનાવે? એક વાર મેં કળીનું શાક બનાવવાની ટ્રાય કરી તો મારાથી ગાંઠિયા ન પડ્યા. તળવાના ઝારામાં ગાંઠિયા વણવાના. પણ પડ્યા નહીં.

સાવ રગડા જેવું શાક થઈ ગયું. ત્યાર પછી બીજી વાર ટ્રાય કરી તો સરખું બન્યું. પછી ધીમે-ધીમે બધું શીખી.
એક વાર હું અમારે ગામ જેસંગપુરા ગઈ હતી. ત્યારે અમારા ગામડે કેવું કે બધી નાની-નાની છોકરીઓ જમવાનું બનાવે, કારણ કે મમ્મી–પપ્પા બધા ખેતરનું કામ કરતાં હોય એટલે છોકરીઓ ઘરે હોય. હું ને મારાં ફોઈની છોકરી હેતલ એકલાં હતાં. બીજા બધા લગનમાં ગયા હતા અને મારા દાદા મણાદાદા ઘરે હતા. મારા દાદાએ મને અને મારાં ફોઈની છોકરીને કહ્યું કે તમે લોકો બેટા રોટલી બનાવો અને ચટણી બનાવો, આપણે શાક નથી બનાવવું. આપણે રોટલી, ચટણી ને છાશ ખાઈ લઈશું. લગભગ સાત વર્ષની ઉંમર હશે મારી અને હેતલ મારાથી થોડી મોટી હતી. અમે બન્નેએ લોટ બાંધવાનું શરૂ કર્યું ને લોટ સાવ રગડા જેવો થઈ ગયો. આટલો લોટ નાખીએ પાછું થોડું પાણી નાખીએ પણ લોટ સાવ રગડા જેવો થઈ જાય. એકદમ પાણી જેવો લોટ થઈ ગયો. કલાક સુધી ટ્રાય કરી, પણ લોટ બંધાય જ નહીં અને અમે બન્નેએ એ લોટ દાદાથી છુપાઈને વાડમાં નાખી આવ્યાં. એ દિવસનો પ્રસંગ હજી મને યાદ છે.

અત્યારે યુટ્યુબનો જમાનો છે એટલે કંઈ પણ શીખવું હોય તો એક વાર રેસિપી જોઈ લઈએ. આવડી તો જાય જ બધી રસોઈ બનાવતાં. મને પંજાબી રસોઈ નહોતી આવડતી. મારી મમ્મીની ઇચ્છા હતી કે હું પંજાબી રસોઈ પણ શીખું એટલે યુટ્યુબ પર ચાર-પાંચ પંજાબી શાકની રેસિપી જોઈને બનાવ્યાં તો આવડી ગયું. યુટ્યુબ પરથી હું હમણાં પનીર-મસાલા પછી મટર-પનીર, પાલક-પનીર પછી પનીર લવાબદાર આ બધાં પનીરનાં શાક બનાવતાં શીખી.

મને મોસ્ટલી કાઠિયાવાડી ખાવાનું વધારે ભાવે. લાઇક વઘારેલી ખીચડી છે, બાજરાનો રોટલો અને કઢી. હું વધારે આલૂ પરાંઠાં બનાવું. હું જે રસોઈ બનાવું એ ઘરમાં બધાને ભાવે જ છે, પણ સ્પેશ્યલી વઘારેલી ખીચડી અને કઢી. રોટલા બનાવતાં હજી મને નથી આવડતું. એ મમ્મી પાસેથી શીખવાના બાકી છે હોં. પેલા ટીપીને રોટલા બનાવે એ મને નથી આવડતું. કહેવાયને કે ઓરિજિનલ જે હાથનો ટેસ્ટ એ હાથનો ટેસ્ટ. હવે શીખી જઈશ.

એક વાર હું અને પપ્પા એકલા હતા. નાની હતી એટલે રસોઈ બનાવવામાં શાકની ક્વૉન્ટિટીમાં આપણને ખ્યાલ ન રહે કે કેટલું બનાવવું એટલે મેં આટલું મોટું આખું છાબલું ભરીને બટાટાનું શાક બનાવ્યું ને ખાવાવાળાં હું અને મારા પપ્પા એકલાં જ. આટલું શાક ખાધું ને બીજું બહુ વધ્યું. જ્યારે મેં પહેલી વાર કઢી બનાવી હતી ત્યારે મેં બેસન થોડું વધારે નાખી દીધું હતું તો કઢી એકદમ જાડી થઈ ગઈ હતી. જોકે ટેસ્ટી બની હતી. આવાં તો કંઈક છબરડાઓ કર્યા હતા અને દરેક વખતે પપ્પાએ મને ઉપયોગી ટિપ્સ આપીને શીખવ્યું હતું.

હમણાં ઑક્ટોબર મહિનામાં ગરબાનો પોગ્રામ કરવા અમેરિકા ગઈ હતી. અમારે કહેવું છે કે બહાર જઈએ તો ખાસ ગુજરાતી ખાવાનું જ જોઈએ. ગુજરાતીઓ કેવા છે કે ગુજરાતમાં ચાઇનીઝ–પંજાબી શોધતા હોય અને બહાર જાય તો ગુજરાતી થાળી શોધતા હોય એટલે અમેરિકામાં શિકાગોમાં અમારા પ્રમોટર સંજયભાઈના ઘરે રોકાયાં હતાં. તેમનાં વાઇફ એક દિવસ માટે બહાર ગયાં હતાં. પપ્પા અને હું તેમ જ સંજયભાઈ ઘરે હતાં. પછી સંજયભાઇએ મારા પપ્પાને કહ્યું કે ભાઈ આપણે બહારથી કંઈક મંગાવી લઈએ. પીત્ઝા ઑર્ડર કરી દઈએ. ત્યારે પપ્પાએ કહ્યું કે કંઈ વાંધો નહીં ભાઈ, હું છુંને. લોટ બાંધીને ભાખરી કરું ને કિંજલ સેવ-ટમેટાંનું શાક બનાવે. પછી સેવ-ટમેટાંનું શાક બનાવ્યું, મરચાં ફ્રાય કર્યાં, છાશ બનાવી અને ભાખરી બનાવી. ત્રણેય જણાએ ખાધું અને પછી સાંજે ગરબાનો પોગ્રામ કરવા ગયાં.

હું બહુ ઓછી સ્વીટ ખાઉં છું, પણ મને મોતીચૂરના લાડુ ભાવે. ગોળના ચૂરમાના લાડુ અને ગાજરનો હલવો ભાવે છે. મારા ગળાને કંઈ ગળ્યું ખાવાની ઍલર્જી નથી, પણ મને ઠંડાની ઍલર્જી છે. હું ઠંડું ખાવાનું અવોઇડ કરતી હોઉં છું.

મને લાઇવ ઢોકળાં બહુ ભાવે. ખાસ કરીને હું જૂના ઘરે ન્યુ નરોડામાં રહેતી હતી ત્યાં છોટા હાથી (એક વાહન) લઈને એક ભાઈ ઊભા રહે છે. મને તેમનું નામ નથી આવડતું પણ તેમનાં લાઇવ ઢોકળાં બેસ્ટ છે. રસોઈની બાબતમાં મને મમ્મી મને ખિજાયાં હોય એવું ક્યારેય બન્યું નથી, કારણ કે રસોઈ બનાવવી એ મારી ઇન્ટરેસ્ટની વસ્તુ ખરીને એટલે એકદમ ઇન્ટરેસ્ટથી જ રસોઈ બનાવી હોય.

કિંજલની ખીચડી અને તવા પુલાવના ફૅન કોણ?

ગીતાબહેન રબારી (ગુજરાતની જાણીતી લોકગાયિકા)ને સિલેક્ટેડ ખાવાનું જ ભાવે. તે બહુ બહારનું ખાતાં નથી. તેમને મારા હાથની વઘારેલી ખીચડી બહુ ભાવે. ક્યારેક ફ્રી હોય અને આવ્યાં હોય તો મારા હાથની વઘારેલી ખીચડી ખાય. તેમણે બે-ત્રણ વાર મારા હાથની વઘારેલી ખીચડી ખાધી છે. અહીંના રોટલા તેમને ઓછા ભાવે. તે ગામમાં રહેલાં છે ને અમારે અહીં સગડી પર રોટલા બને, ત્યાં તેમની મમ્મી ચૂલા પર રોટલા બનાવે. મોટા-મોટા સરસ રોટલા બનાવે. મારા ફિયાન્સેને મારા હાથનો તવા પુલાવ બહુ ભાવે છે. તે તો મારા પહેલેથી ફૅન હતા. તેમને ખબર જ નહીં કે આ છોકરી સાથે મારાં મૅરેજ થઈ શકે. ભગવાને લેખ લખ્યા હશે. તેમના ઘરના બધા મારા ફૅન છે. અમે લોકો સમાજના ફંક્શનમાં મળતાં હતાં. મમ્મી-પપ્પાએ વાત ચલાવી, એકબીજાની ફૅમિલીને ગમ્યું અને અમે એકબીજા સાથે વાતચીત કરી અને સગાઈ કરી. મૅરેજને હજી વાર છે.

મને મોસ્ટલી કાઠિયાવાડી ખાવાનું વધારે ભાવે. લાઇક વઘારેલી ખીચડી છે, બાજરાનો રોટલો અને કઢી. હું વધારે આલૂ પરાંઠાં બનાવું. હું જે રસોઈ બનાવું એ ઘરમાં બધાને ભાવે જ છે, પણ સ્પેશ્યલી વઘારેલી ખીચડી અને કઢી. રોટલા બનાવતાં હજી મને નથી આવડતું. એ મમ્મી પાસેથી શીખવાના બાકી છે.

Gujarati food mumbai food kinjal dave shailesh nayak