રેસિપી કોન્ટેસ્ટ: મળી લો આજના વિનર્સને....

24 May, 2022 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો ઠંડાઈ રબડી માવા રોલ્સ,ફરાળી મેક્સિકન ટાકોઝ અને ડાયટ સ્પેશ્યલ થ્રી-ઇન-વન ઓટ્સ મખાણા ટિક્કી

રેસિપી કોન્ટેસ્ટ

ઠંડાઈ રબડી માવા રોલ્સ

ઠંડાઈ રબડી માવા રોલ્સ, સ્વાતિ માધવદાસ શ્રોફ, મલાડ-વેસ્ટ

સામગ્રી ઃ રબડી માટે : અઢી કપ દૂધ, બે ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, ૩ ટેબલસ્પૂન સાકર, અડધી ચમચી ઇલાયચી પાઉડર, ચાર તાંતણા કેસર પાણીમાં પલાળેલું, ૧ ટેબલસ્પૂન બાદશાહ ઠંડાઈ મસાલા પાઉડર
ઘરના માવા માટે ઃ ૧ ટેબલસ્પૂન ઘી, અડધો કપ દૂધ, બે ટેબલસ્પૂન સાકર, ૧ કપ દૂધનો પાઉડર, અડધી ચમચી ઇલાયચી પાઉડર, ૧ ચમચી બાદશાહ ઠંડાઈ પાઉડર, છ નંગ તાજી બ્રેડ.
ડેકોરેશન માટે : ૧ ચમચી કેસરવાળું દૂધ
રીત ઃ રબડી માટે: એક ટોપમાં દૂધ, મિલ્ક પાઉડર, સાકર, ઇલાયચી પાઉડર, કેસર અને બાદશાહ ઠંડાઈ મસાલા મિક્સ કરી ધીમા તાપે દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળો. 
હોમ મેડ માવા માટે : એક નૉનસ્ટિક પૅનમાં ઘી લઈ એમાં દૂધ, સાકર અને દૂધનો પાઉડર મિક્સ કરી ધીમા તાપે માવા જેવું થાય અને નૉનસ્ટિક પૅનની સાઇડ છોડે અને ગોળ ફરે ત્યાં સુધી સતત હલાવતા રહો. ગૅસ બંધ કરી ઇલાયચી પાઉડર અને ઠંડાઈ મસાલો મિક્સ કરો. તાજી બ્રેડ લઈ એની સાઇડ કાપી એને પાતળી વણી લો. માવો ઠંડો થાય એટલે બ્રેડની લંબાઈના રોલ બનાવી લો અને બ્રેડના છેડે મૂકી એનો રોલ વાળી છેડા પર દૂધ અથવા રબડી લગાડી સીલ કરી દો. હવે સર્વિંગ પ્લેટમાં બ્રેડ રોલ્સ ગોઠવી ઉપરથી રબડી રેડો. ફિલિંગવાળા માવાના નાના બૉલ્સ કરી, વચ્ચે ખાડો કરી રોલ્સ પર સજાવો અને ખાડામાં કેસરનું દૂધ લગાડો. હવે એને ફ્રિજમાં બેથી ૩ કલાક ઠંડું કરી સર્વ કરો. તમને આ મીઠાઈ વારંવાર બનાવવાનું ગમશે અને એ ખાઈને મહેમાનોનું દિલ પણ ખુશ થઈ જશે. 

ફરાળી મેક્સિકન ટાકોઝ

ફરાળી મેક્સિકન ટાકોઝ, મંજુ અતુલ પરીખ, પુણે

સામગ્રી ઃ મિક્સ ફરાળી લોટ ૧ કપ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ચિલી ફ્લેક્સ, પા ચમચી લીલાં વાટેલાં મરચાં, બે ચમચી ઘી મોણ માટે, તળવા માટે તેલ
સ્ટફિંગ ઃ બાફેલા બટાટાના ટુકડા કરી લીલી ચટણી, બાફેલા સીંગદાણા, કાકડી જુલિયન કટ અથવા બારીક કાપીને કૅપ્સિકમ ઝીણાં, બી કાઢેલાં ટમેટાં, મીઠું, લીંબુનો રસ
ચટણી ઃ લીલી ચટણીમાં કોથમીર, ફુદીના-મરચાંની ચટણીમાં બાંધેલું ઘટ્ટ દહીં(હંગ કર્ડ) મિક્સ કરવું. ખજૂર-આમલીની મીઠી ચટણી, આલૂ-ભુજિયા સેવ, બટાટાની સળી, દાડમ, તળેલા સીંગદાણા ઉપર ભભરાવવા. 
રીત ઃ ફરાળી મિક્સ લોટમાં સિંધવ મીઠું, મરચું, ચિલી ફ્લેક્સ, લીલાં વાટેલાં મરચાં, ઘીનું મોણ નાખી લોટ બાંધી પૂરી વણી એમાં ચપ્પુથી કાપા પાડી તળવી. થોડી તળાય એટલે પૂરીને ફેરવી ફોલ્ડ કરી દબાવી રાખવી અને ટાકોઝનો આકાર આપી કડક કરવી. બીજો નીચેનો ભાગ દબાવી તળવો. ઠંડી કરવી. 
સ્ટફિંગ ઃ બાફેલા બટાટાના પીસ કરી કડાઈમાં તેલ મૂકી સાંતળવા. એમાં લીલી ચટણી નાખી મિક્સ કરવું. એમાં મરચું, જીરું પાઉડર, મીઠું નાખી બે મિનિટ બધું સરખું મિક્સ કરવું. પહેલાં ટાકોઝના પીસમાં દહીંવાળી ચટણી લગાડી ઉપર સાંતળેલા બટાટાનો સાંજો મૂકી એની ઉપર સીંગદાણા, દહીં, કાકડી, કૅપ્સિકમ, ટમેટાં, મીઠું, લીંબુનો રસ નાખી ફરી દહીં, આલૂ-ભુજિયા સેવ, દાડમ, કોથમીર, બટાટાની સળી નાખી સજાવટ કરવી. ગાજરના છીણનો બેડ બનાવી એના ઉપર તૈયાર થયેલા ટાકોઝ મૂકી સર્વ કરવા.

ડાયટ સ્પેશ્યલ થ્રી-ઇન-વન ઓટ્સ મખાણા ટિક્કી

ડાયટ સ્પેશ્યલ થ્રી-ઇન-વન ઓટ્સ મખાણા ટિક્કી,રીના ચિરાગ શેઠિયા, મુલુંડ-વેસ્ટ

સામગ્રી ઃ ૧ કપ શેકીને પીસેલો ઓટ્સ, ૧ કપ શેકીને પીસેલા મખાણા, બેથી ૩ મીડિયમ બાફેલા બટાટા, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જરૂર પ્રમાણે, થોડી સમારેલી કોથમીર
ચાટ બનાવવા માટેની સામગ્રીઃ તીખી ચટણી, મીઠી ચટણી, દહીં, કોથમીર, દાડમના દાણા, સેવ, ચાટ મસાલો, કાંદા બારીક સમારેલા
રગડા પૅટીસ બનાવવા માટેની સામગ્રીઃ વટાણાનો રગડો (તમે તમારી રીત પ્રમાણે બનાવી શકો છો)
રીત ઃ સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાટા મૅશ કરી એમાં સ્વાદ પ્રમાણે આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી ચાટ મસાલો અને કોથમીર ઉમેરવાં. ત્યાર બાદ એમાં શેકેલા ઓટ્સનો ભૂકો નાખી દેવો જે ટિક્કી બનાવવા માટે બાઇન્ડિંગનું કામ કરશે. આ રીતે બટાટા અને ઓટ્સનું પૂરણ તૈયાર કરી લેવું. 
તૈયાર થયેલા પૂરણમાંથી હાથથી વાળીને ગોળ ચપટી ટિક્કી તૈયાર કરી લેવી. આ ટિક્કીને મખાણાના ભૂકામાં કોટ કરી લેવી (જે રીતે આપણે બ્રેડક્રમ્સ લગાડીએ એ રીતે). તૈયાર થયેલી ટિક્કીને નૉનસ્ટિક પૅનમાં થોડા તેલમાં શૅલો ફ્રાય કરી લેવી. 
તૈયાર થયેલી ગોલ્ડન બ્રાઉન ટિક્કી તમે એકલી પણ ખાઈ શકો છો. 
તૈયાર થયેલી ટિક્કીમાંથી તમે ચાટ પણ બનાવી શકો છો. ચાટ બનાવવા માટે ટિક્કી ઉપર દહીં, તીખી, મીઠી ચટણી, ચાટ મસાલો નાખી એના પર સેવ, દાડમના દાણા અને કોથમીર ભભરાવી ચાટ તૈયાર કરી શકો છો. 
આ જ ટિક્કીમાં તમે રગડા પૅટીસ પણ કરી શકો છો. ટિક્કી પર રગડો નાખી તીખી-મીઠી ચટણી નાખી રગડા પૅટીસ પણ તૈયાર કરી શકો છો. તૈયાર છે બહુ જ ઓછા તેલમાં બની જતી હેલ્ધી ઓટ્સ મખાણા ટિક્કી, જે નાના-મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. 
નોંધ: આ ટિક્કી જૈન બનાવવા માટે તમે બટાટાને બદલે કાચાં કેળાંનો ઉપયોગ કરી શકો છો.

indian food