રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

19 May, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો એક્ઝૉટિક વેજી પૉકેટ્સ વિથ સાલ્સા ઍન્ડ બેસિલ ડિપ, પ્રોટીન ખમણ ઢોકળાં અને બાજરા રિસોટો વેજ ઈટાલિયન ફ્યુઝન ડિશ વિશે

રેસિપી કૉન્ટેસ્ટ

એક્ઝૉટિક વેજી પૉકેટ્સ વિથ સાલ્સા ઍન્ડ બેસિલ ડિપ

એક્ઝૉટિક વેજી પૉકેટ્સ વિથ સાલ્સા ઍન્ડ બેસિલ ડિપ,કવિતા વિપુલ શાહ ગોરેગામ-વેસ્ટ

સામગ્રી : વેજી પૉકેટ્સ : ૧ કપ મેંદો, અડધો કપ રેડ, યલો, ગ્રીન કૅપ્સિકમ, પા કપ મકાઈના દાણા, પા કપ કોબીજ બારીક સમારેલી, સો ગ્રામ બારીક સમારેલા બેબી કૉર્ન, અડધો કપ પનીર ખમણેલું
સાલ્સા : ૧ કપ સમારેલાં ટમેટાં, ૧ કપ સમારેલાં લીલાં કૅપ્સિકમ, ૧ ટેબલસ્પૂન ચિલી પાઉડર, ૧ ટીસ્પૂન ઑરેગૅનો, ૧ ટીસ્પૂન ટમૅટો કેચપ, મરી પાઉડર અને મીઠું સ્વાદ પ્રમાણે
બેસિલ ડિપ : ૧ કપ બેસિલ લીવ્ઝ, ૨ ટીસ્પૂન મેયોનીઝ, ૨ લીલાં મરચાં, મીઠું સ્વાદ પ્રમાણે
રીત : મેંદાના લોટને સમોસાના લોટની જેમ બાંધવો. પછી બધા વેજી નાના ચૉપ કરી એક બાઉલમાં મિક્સ કરવા. એમાં આદું-મરચાંની પેસ્ટ, ઑરેગૅનો, બાઇન્ડ કરવા જેટલું મેયોનીઝ, ચીઝ, પનીર અને મીઠું નાખી મિક્સ કરવું. ત્યાર બાદ નાની પૂરી વણી એમાં આ સ્ટફિંગ ભરી પૉકેટ્સ જેવો ચોરસ આકાર કરી પૅક કરી દેવું અથવા ઘૂઘરા જેવું વાળી એને તળી લેવા. 
સાલ્સા બનાવવા માટે એક પૅનમાં બે ટેબલસ્પૂન તેલ લેવું. એમાં ગ્રીન કૅપ્સિકમ અને ત્યાર પછી ઝીણાં સમારેલાં ટમેટાં સાંતળવાં. લાલ મરચું પાઉડર, ટમૅટો સૉસ, ઑરેગૅનો, મરી પાઉડર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવાં. 
બેસિલ ડિપ બનાવવા ૧ કપ બેસિલ અને બે ચમચા મેયોનીઝ, બે લીલાં મરચાં નાખી બેસિલ ચટણી તૈયાર કરવી. ત્યાર પછી ફોટોમાં બતાવ્યા પ્રમાણે એક પ્લેટમાં સર્વ કરવું અથવા નાના ગ્લાસમાં સાલ્સા નાખી એના પર પૉકેટ્સ મૂકી બેસિલ ચટણી નાખી સર્વ કરો.

પ્રોટીન ખમણ ઢોકળાં

પ્રોટીન ખમણ ઢોકળાં, હિના મેહુલ દેઢિયા બોરીવલી-વેસ્ટ

સામગ્રી : અડધો કપ મગની ફોતરાંવાળી દાળ, અડધો કપ મસૂર દાળ, અડધો કપ અડદ દાળ, અડધો કપ તુવેર દાળ, અડધો કપ જાડા ચોખા, મીઠું સ્વાદ અનુસાર, ૧ ચમચી લીંબુનો રસ, અડધી ચમચી ખાવાનો સોડા, દોઢ ચમચી સાકર, પા ચમચી હળદર, બે ચમચા તેલ, વઘાર માટે રાઈ, જીરું, તલ, લીમડો, લીલાં મરચાં, સજાવટ માટે સમારેલી કોથમીર, ખમણેલું નારિયેળ
રીત : બધી દાળ અને ચોખા મિક્સ કરી સરખી રીતે ધોઈને ૭થી ૮ કલાક પલાળી રાખો. ત્યાર બાદ મિક્સરમાં હળદર અને મીઠું નાખી પલાળેલી દાળ અને ચોખાને બારીક વાટી લો. હવે આ મિશ્રણમાં ખાવાનો સોડા નાખી ઉપર લીંબુનો રસ રેડી સરખી રીતે હલાવીને તેલ લગાવેલી થાળીમાં ૧૫ મિનિટ માટે બાફી લો. ઢોકળાં બફાઈ જાય એટલે થાળીને બહાર કાઢી ઢોકળાંના કાપા પાડી ટુકડા કરી લો. એક વઘારિયામાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, તલ, હિંગ નાખી એમાં લીમડો, મરચાં નાખી એક કપ જેટલું પાણી અને સાકર ઉમેરી એક મિનિટ સુધી ઊકળવા દો. હવે આ વઘારને ઢોકળાં પર જરૂર મુજબ રેડી દો. ઉપરથી ખમણેલું નારિયેળ અને કોથમીર ભભરાવી સજાવીને સર્વ કરો.  

બાજરા રિસોટો વેજ ઇટાલિયન ફ્યુઝન ડિશ

બાજરા રિસોટો વેજ ઇટાલિયન ફ્યુઝન ડિશ, પૂનમ સાગર નાગડા ભાંડુપ-વેસ્ટ

સામગ્રી : ૪ કપ બાજરી ૧૨ કલાક પલાળીને સૂકવીને બૉઇલ કરેલી, ૧ કપ દૂધ, દોઢ કપ અસૉર્ટેડ વેજિટેબલ્સ (કાંદો, લાલ-પીળાં બેલ પેપર, ઝુકિની, મકાઈના દાણા, કૅપ્સિકમ, ગાજર) પોતાની પસંદગી પ્રમાણે લઈ શકાય.
પાર્મેસન ચીઝ : ૧ ટેબલસ્પૂન બેસિલ લીવ્ઝ, બે ટેબલસ્પૂન બાફેલા મગ, બે ટેબલસ્પૂન ચિલી ફ્લેક્સ, ૨-૩ લસણની પેસ્ટ, બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ, ૧ ટેબલસ્પૂન બટર, બે કપ વેજિટેબલ સ્ટૉક, મીઠું સ્વાદ અનુસાર, ૧ ચપટી મરીનો ભૂકો  
રીત : સૌપ્રથમ એક કડાઈમાં ઑલિવ ઑઇલ લેવું. એમાં બટર નાખવું. બટર ઓગળે એટલે એમાં કાંદો સાંતળવો. કાંદા થોડા સંતળાય એટલે એમાં લસણની પેસ્ટ ઉમેરી હલાવવું. ત્યાર બાદ તમારી પસંદગીના સમારેલાં વેજિટેબલ્સ બે મિનિટ હલાવતા રહી એમાં ૧ કપ દૂધ ઉમેરો અને બે કપ વેજિટેબલ સ્ટૉક નાખી થોડી વાર હલાવતા રહો. 
આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે 
એમાં મીઠું, મરી, ચીઝ, બેસિલ, ચિલી ફ્લેક્સ અને ગમતું હોય તો ડ્રાય હર્બ્સ ઉમેરવાં. બૉઇલ કરેલી બાજરી ઉમેરવી. 
૧ મિનિટ સુધી હલાવતા રહેવું. જેવી કન્સિસ્ટન્સી 
ઘટ્ટ અને ક્રીમી થાય એટલે ગૅસ બંધ કરી દેવો. તૈયાર છે હેલ્ધી બાજરા રિસોટો. ઉનાળાની સીઝનમાં બાજરાને બદલે જુવાર, ફાડા વગેરેનો રિસોટો બનાવી શકાય છે. બાકીની રેસિપી 
એ જ રીતની રાખવી. અને ક્યારેક વધેલા ભાતનો પણ આવી રીતે 
રિસોટો બનાવી શકાય છે. ગરમાગરમ સર્વ કરવું. ઉપર કોથમીર કે પાર્સલીથી ગાર્નિશ કરવું.

 

mumbai news borivali