થાઇલૅન્ડની ફેમસ ડિઝર્ટ વરાઇટી મૅન્ગો સ્ટિકી રાઇસ અહીં મળે છે

13 June, 2026 05:23 PM IST  |  Mumbai | Darshini Vashi

કાંદિવલીના મહાવીરનગરમાં નિકિતા શાહે શરૂ કરેલી ક્લાઉડ કિચન-કમ-રેસ્ટોરાંમાં ઇન્ડિયાથી લઈને ઇટલી સુધીની વૈવિધ્યસભર વરાઇટીની ડિશ મળે છે

થાઇલૅન્ડની ફેમસ ડિઝર્ટ વરાઇટી મૅન્ગો સ્ટિકી રાઇસ અહીં મળે છે

પંચાવન વર્ષનાં ગુજરાતી લેડીએ આજથી દોઢેક વર્ષ પહેલાં સાહસ કરીને પોતાની ક્લાઉડ કિચન-કમ-રેસ્ટોરાં શરૂ કરી હતી. અહીં દેશી-વિદેશી તમામ ફેમસ ફૂડ-આઇટમ્સ મળે છે અને કેટલીક વિદેશી ટ્રેન્ડિંગ ડિશ પણ મળે છે જે અહીં ભાગ્યે જ બીજે કશે મળે છે. આ સિવાય અહીં બીજું શું મળે છે એની વાત શરૂ કરતાં પહેલાં જાણીએ આ ગુજરાતી સાહસિક લેડીની સ્ટોરી જેમણે પંચાવન વર્ષની ઉંમર બાદ પોતાનું ક્લાઉડ કિચન શરૂ કરવાનું સપનું સેવ્યું અને એને હકીકતમાં ફેરવી પણ દીધું.

કાંદિવલીના મહાવીરનગરમાં રહેતાં નિકિતા શાહ પાકકલામાં નિષ્ણાત છે તેમ જ રસોઈ કરવામાં પણ ખૂબ જ ઝડપી છે. પંચાવન વર્ષની ઉંમરે ઘરની જવાબદારીમાંથી થોડા હળવા થયા બાદ તેમને વિચાર આવ્યો કે હું મારી આ રસોઈની કળાને બિઝનેસમાં કેમ ન ફેરવું? આ સાથે નિક્કી’સ કિચનનો શુભારંભ થયો. આ વિશે વધુ જણાવતાં નિક્કી’સ કિચનનાં નિકિતા શાહ કહે છે, ‘મેં મારા બિઝનેસની શરૂઆત ઘરથી જ કરી હતી. મારા ઘરમાં જ મેં ક્લાઉડ કિચન ઊભું કર્યું હતું. જેમ-જેમ લોકોની ડિમાન્ડ આવે તેમ-તેમ હું તેમને ફૂડની ડિશ બનાવીને મોકલતી હતી, પણ મારા બિલ્ડિંગના કેટલાક રહેવાસીઓએ ઘરમાં ક્લાઉડ કિચન ચલાવવાની સામે વિરોધ કર્યો એટલે મેં ઘરમાં ક્લાઉડ કિચન બંધ કરી દીધું. જોકે મારી અંદર રહેલી ઘેલછા અને ઇચ્છાને હું મારી શકી નહીં અને મેં હિંમત કરીને નવી જગ્યાએ ક્લાઉડ કિચન શરૂ કર્યું. મેં ટિફિન બનાવીને મોકલવાની શરૂઆત કરી. આજે પણ મારાં ટિફિન સવાર-સાંજ ચર્ચગેટ સુધી જતાં હોય છે. મારી આ જગ્યા મોટી છે એટલે મેં અહીં બેસવાની વ્યવસ્થા કરી અને ત્યાં નાનકડી રેસ્ટોરાં બનાવી દીધી. અહીં હું કસ્ટમર્સની ડિમાન્ડ પ્રમાણે તેમને વાનગી બનાવીને આપું છું. દર થોડા-થોડા દિવસે અમે અમારા મેનુમાં નવીનતા પણ લાવીએ છીએ. સવારથી લઈને રાત સુધી અમારું કિચન ચાલુ જ રહેતું હોય છે. મારી વહુ હેમા હવે નિક્કી’સ કિચનમાં સારી રીતે ઇન્વૉલ થઈ ગઈ છે એટલે મને ઘણી રાહત મળી ગઈ છે. તે પણ સીઝન અને ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને નવી-નવી વરાઇટીની ડિશ લાવે છે.’

અહીંના ફૂડની વાત કરીએ તો અહીં ઘણુંબધું મળે છે. પાસ્તાથી લઈને પીત્ઝા સુધીનું બધું અહીં મળે છે. જોકે અહીંની યુનિક આઇટમની વાત કરીએ તો એમાં પહેલું નામ મૅન્ગો સ્ટિકી રાઇસનું આવે. એ થાઇલૅન્ડની ડિઝર્ટ આઇટમ છે અને ખાસ કરીને સમર સીઝનમાં જ મળે છે. આ ડિઝર્ટને કાચના ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. એમાં નીચે કોકોનટ મિલ્કમાં પકવેલા ચોખા, મૅન્ગો જૂસ, મૅન્ગોના ટુકડા અને કોકોનટ ક્રીમ નાખીને સર્વ કરવામાં આવે છે. અહીં મળતા ચૉકોલર્સ પાસ્તા પણ યુનિક છે. એમાં ચૉકલેટ પાસ્તા પર વૅનિલા આઇસક્રીમ નાખીને આપવામાં આવે છે. એનો લુક ખૂબ અટ્રૅક્ટિવ હોય છે. એવી જ રીતે અહીં પુષ્પા પાસ્તા મળે છે. પુષ્પા નામની જેમ આ પાસ્તામાં ફાયરની ઇફેક્ટ છે. આ પાસ્તાની ગ્રેવી ઑરેન્જ સૉસ અને મોઝરેલા ચીઝમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા તૈયાર થઈ ગયા બાદ બ્લો ટૉર્ચની મદદથી એના પર ફ્લેમ આપવામાં આવે છે. પાસ્તાની અંદર સ્ટફ પાસ્તાની વરાઇટી પણ તેઓ સર્વ કરે છે. એમાં બે વેરિઅન્ટ છે. એક છે રુબી પાસ્તા જેમાં પાલક, ચીઝ અને પનીરનું સ્ટફિંગ આવે છે. એ સ્વીટ અને સ્પાઇસી સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. બીજા છે ગ્રીન ગૉડેસ પાસ્તા. એમાં કૉર્ન અને ચીઝનું સ્ટફિંગ આવે છે. આ સિવાય ફુદીના પાંઉભાજી, મેક્સિકન રાઇસ, પેસ્તો રાઇસ વિથ પેપરિકા સૉસ જેવી વરાઇટી પણ ટેસ્ટ કરવા જેવી છે. જૈનની અંદર પણ અહીં લગભગ બધી જ વરાઇટી મળી રહે છે. પર્યુષણ દરમ્યાન તેમનું વિશેષ મેનુ પણ હોય છે.

ક્યાં છે? : નિક્કી’સ કિચન, રાધે ઢોકળાંની બાજુમાં, મ્હાડા કૉલોની, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ.

darshini vashi food and drink food news street food Gujarati food mumbai food indian food thailand