વૉફલ્સ ભેલ : આ ચટપટી નહીં પણ સ્વીટ આઇટમ છે

11 April, 2026 05:55 PM IST  |  Mumbai | Darshini Vashi

મુલુંડમાં આવેલા હનીબની ડિઝર્ટ નામના સ્ટૉલમાં વૉફલ્સ ભેલ જ નહીં, પિન્ક કૉર્ન જેવી યુનિક ડિશ પણ મળે છે...

હનીબની ડિઝર્ટ

ડિઝર્ટની યાદીમાં રોજ નિતનવાં નામ ઉમેરાઈ રહ્યાં છે. હવે બીજું એક નામ સંભળાયું છે જે છે વૉફલ્સ ભેલ. જેમ ભેળની અંદર અલગ-અલગ વેજિટેબલ્સ, સેવ, ચટણી વગેરે મિક્સ કરીને ચટપટી ભેળ બનાવવામાં આવે છે એમ અહીં વૉફલ્સ ભેલમાં બ્રાઉની, ચૉકલેટ, અલગ-અલગ ક્રીમ, ટૉપિંગ વગેરે ઉમેરીને ડિઝર્ટની ભેળ બનાવવામાં આવે છે અને બાસ્કેટ જેવા શેપના વૉફલ્સમાં સર્વ કરવામાં આવે છે.

આવા યુનિક કહી શકાય એવા ડિઝર્ટનો આઇડિયા કેવી રીતે આવ્યો એ વિશે માહિતી આપતાં હનીબની ડિઝર્ટ શૉપનાં કો-ઓનર ખુશ્બૂ ઐયા કહે છે, ‘હનીબની મેં અને મારી ફ્રેન્ડ હર્ષિતા સાવંતે સાથે મળીને શરૂ કરી છે. મને ભેળ ખૂબ જ ભાવે છે. મેં લગભગ દરેક ઠેકાણેની ભેળ ખાધી છે. એક દિવસ અમે એક જગ્યાએ ભેળ ખાઈ રહ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો કે ચૉકલેટ ભેળ પણ હોય તો કેવી મજા આવે? એમાં આપણે આપણાં મનપસંદ ટૉપિંગ પણ ઉમેરી શકીએ. બસ, આ વિચાર મનમાં એવો ક્લિક થઈ ગયો કે એને અમલી બનાવવા માટે અમે મંડી પડ્યા. આમ પણ મને વૉફલ્સ અને કૉર્નની અંદર કંઈક નવું લાવવું જ હતું. આમ વૉફલ્સ ભેળનું સર્જન થયું જેના માટે મારી મમ્મી અને ભાઈએ મને ખૂબ જ મદદ કરી છે. વૉફલ્સ ભેળ માટે અમે એક સ્પેશ્યલ મશીન લીધું જેમાં બાસ્કેટ જેવી પૂરી બનાવી જેથી એની અંદર બધું રહી શકે. પછી એની અંદર બ્રાઉનીનો ભૂકો, વૉફલ્સનો ભૂકો, ચૉકલેટના પીસ, અલગ-અલગ ક્રીમ અને વિવિધ ટૉપિંગ નાખીને સર્વ કરીએ છીએ. લોકોને એ ખૂબ ભાવી પણ રહી છે. એવી રીતે મેં પિન્ક કૉર્નની અંદર ચીઝ કેક પણ લૉન્ચ કરી છે જે મુંબઈ માટે તદ્દન અલગ અને નવી વરાઇટી છે. રેડ વેલ્વેટ વૉફલ્સ કૉર્ન લોકોને પસંદ પડી રહી છે જેની અંદર બ્રાઉનીનું લેયર, પછી ચૉકલેટનું લેયર, વચ્ચે સ્ટ્રૉબેરીના ટુકડા અને ફરી ઉપર આવું જ લેયર આવે છે. હવે અમે મૅન્ગો ચીઝ કેક ઇન કૉર્ન પણ લાવી રહ્યા છીએ.’

ક્યાં મળશે? : હનીબની ડિઝર્ટ, RRT રોડ, અગ્રવાલ હૉસ્પિટલની સામે, 
મુલુંડ-વેસ્ટ.

mulund food and drink food news street food life and style lifestyle news