સ્કૂટરવાલા સૅલડ: જેટલું નામ યુનિક એટલી જ અહીંની વરાઇટી

06 December, 2025 12:19 PM IST  |  Mumbai | Darshini Vashi

આજે ફૂડ-સ્ટૉલ શરૂ કરવો પણ એક પૅશન બની ગયું છે. એવું નથી કે જેને જરૂરિયાત હોય તેઓ જ ફૂડ-સ્ટૉલ શરૂ કરતા હોય છે. આજે જેઓ પોતાનું કંઈક શરૂ કરવાની ઇચ્છા ધરાવતા હોય અથવા તો ફૂડ ક્ષેત્રે પૅશન ધરાવતા હોય તેઓ પણ ફૂડ-સ્ટૉલ શરૂ કરે છે.

સ્કૂટરવાલા સૅલડ

આજે ફૂડ-સ્ટૉલ શરૂ કરવો પણ એક પૅશન બની ગયું છે. એવું નથી કે જેને જરૂરિયાત હોય તેઓ જ ફૂડ-સ્ટૉલ શરૂ કરતા હોય છે. આજે જેઓ પોતાનું કંઈક શરૂ કરવાની ઇચ્છા ધરાવતા હોય અથવા તો ફૂડ ક્ષેત્રે પૅશન ધરાવતા હોય તેઓ પણ ફૂડ-સ્ટૉલ શરૂ કરે છે જેનું એક ઉદાહરણ ચેમ્બુરમાં જોવા મળ્યું છે. ચેમ્બુરમાં રહેતી અને વ્યવસાયે બિઝનેસ ઍનૅલિસ્ટ એવી માનસી વારિયાએ પોતાના પૅશનને ફૂડ-સ્ટૉલના રૂપમાં ઉતાર્યું છે. તે હોમમેડ સૅલડ બનાવીને અહીં સેલ કરે છે.

ચેમ્બુરમાં તિલકનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ સ્કૂટરવાલા સૅલડ નામક એક સ્ટૉલ શરૂ કરવામાં આવ્યો છે. જોકે નામ સાંભળીને તમને એમ થશે કે આ સ્ટૉલ કદાચ સ્કૂટર પર હશે, પરંતુ એવું નથી. એની પાછળ પણ એક સ્ટોરી છે એટલું જ નહીં, આ સ્ટૉલ શરૂ કરવા પાછળ પણ એક સ્ટોરી છે. આ વિશે માહિતી આપતાં સ્ટૉલનાં ઓનર માનસી વારિયા કહે છે, ‘ફૂડ મારું પૅશન છે એ વાત સાચી છે અને મને એમાં કંઈક કરવું હતું એ પણ સો ટકા વાત સાચી છે, પણ આ સ્ટૉલ શરૂ કરવા પાછળનું એક કારણ મારાં મૅરેજ બાદ મારા પેરન્ટ્સને રનિંગ ઇન્કમ મળતી રહે એ પણ છે. અત્યારે આ સ્ટૉલ હું જ નહીં, મારા પેરન્ટ્સ પણ સંભાળે છે. હું આખો દિવસ ઑફિસમાં હોઉં છું એટલે રોજેરોજ વેજિટેબલ્સથી લઈને ફ્રૂટ્સ વગેરે મારા પપ્પા જ માર્કેટમાંથી લઈ આવે છે અને મારાં મમ્મી સૅલડ બનાવવા પહેલાંની પૂર્વતૈયારી કરી રાખે છે. હું ઑફિસથી સીધી સ્ટૉલ પર જાઉં છું અને પછી જેમ-જેમ કસ્ટમર આવે એમ જરૂરિયાત મુજબ સૅલડ બાઉલ તૈયાર કરી રાખું છું. હું સૅલડમાં વેજિટેબલ્સ, સીડ્સ, કઠોળ, સીઝનલ ફ્રૂટ્સ, પનીર વગેરે વાપરું છું. તેમ જ એમાં ઍડ કરવામાં આવતો હેલ્ધી સૉસ પણ હું ઘરે જ બનાવું છું. આ સિવાય પણ મારી પાસે બીજા સૉસ છે. અત્યારે અહીં સદાબહાર સૅલડ સૌથી હિટ છે જેમાં લેટસ, કાકડી, ટમેટાં, બીટ, દાડમ, વૉલનટ અને પમ્પકિનનાં સીડ્સ, પનીર અને ચણા આવે છે. જ્યારે સ્વીટ, ટેન્ગી, સાવર ઍન્ડ ટૅન્ગી સૅલડ પણ અત્યારે એટલાં જ ટ્રેન્ડ થઈ રહ્યાં છે જેમાં લેટસ, ઑરેન્જ, સ્વીટ લાઇમ, દાડમ, પનીર અને કેટલાંક સીડ્સ નાખવામાં આવે છે. અને વાત રહી મારા લોગો અને સ્ટૉલના નામની તો મારો ડૉગી મને બહુ વહાલો છે. હું જ્યારે પણ ફ્રી થાઉં ત્યારે એની સાથે સ્કૂટર પર ફરવા નીકળી પડું છું. એટલે મેં એ યાદને લોગોરૂપે અહીં મૂકી છે જેમાં હું અને મારો ડૉગી સ્કૂટર પર જતાં હોઈએ એવું 
દેખાશે અને નામ પણ એટલે એવું જ રાખ્યું છે.’

ક્યાં મળશે? : સ્કૂટરવાલા સૅલડ, સહ્યાદ્રિ ગ્રાઉન્ડ, તિલકનગર, ચેમ્બુર.
સમય : સોમવારથી રવિવાર સાંજે ૬ વાગ્યા પછી.

healthy living health tips chembur food news food and drink street food mumbai food life and style lifestyle news