માધવબાગ પાસેની માતૃ સમાજ સંસ્થામાં મળશે માના હાથના ભોજનનો સ્વાદ

20 August, 2019 02:42 PM IST  |  મુંબઈ | ફૂડ સેવા - દિવ્યાશા દોશી

માધવબાગ પાસેની માતૃ સમાજ સંસ્થામાં મળશે માના હાથના ભોજનનો સ્વાદ

માતૃ સમાજ સંસ્થા

છેલ્લાં સાઠ વરસથી માધવબાગસ્થિત માતૃ સમાજ ઉદ્યોગ ગૃહ દ્વારા લોકોને સ્વચ્છ અને સ્વાદિષ્ટ ઘર જેવું ભોજન અને નાસ્તા મળી રહ્યા છે. આ એક અનોખી અને પ્રથમ એવી સંસ્થા છે જે બહેનો દ્વારા શરૂ થઈ, બહેનો દ્વારા સંચાલન થાય છે અને બહેનોને જ એમાં કામ મળે છે. વળી એકદમ ગુજરાતી સ્વાદ ધરાવતા આ નાસ્તાઓ ઘરમાં જ બનાવ્યા હોય એવો સ્વાદ ધરાવે છે એવું કહેવું પડે, કારણ કે ઘર જેવું જ્યારે બોલાય છે ત્યારે ઘર જેવું ખાવાનું ખરેખર હોતું નથી.

અહીંનો સ્વાદ આપણી દાદીઓ બનાવતી હતી એવો છે. એનું કારણ છે કે અહીં બનતી દરેક વાનગી આજે પણ કોલસાની સગડી પર બને છે. હાંડવો, બાજરીનાં વડાં, ભાખરવડીનો સ્વાદ વરસોથી એનો એ જ જળવાયો છે, કારણ કે આ લખનારે પચાસ વરસથી અહીંની વાનગીઓ ખાધી છે. 

દક્ષિણ મુંબઈમાં સી. પી. ટૅન્ક પાસે આવેલા માધવબાગના દરવાજાની બહાર અડીને ડાબી બાજુ નાનકડી દુકાન છે, જેને હવે સાઠ વરસ થવા આવશે. એમાં ત્રણેક બહેનો અને નાસ્તાના ડબ્બાઓ સમાઈ શકે એટલી જ વ્યવસ્થા છે. લગભગ ત્રીસેક વરસ પહેલાં માતૃ સમાજનું બીજું આઉટલેટ સી. પી. ટૅન્ક, કોઠારી હૉસ્પિટલની બાજુમાં છે. માતૃ સમાજ ઉદ્યોગ ગૃહ વિશે ખૂબ છૂટક-છૂટક માહિતી મળે છે. આ સંસ્થા ચિંચણીવાળા સંતબાલજીની પ્રેરણાથી શરૂ થઈ છે. સંસ્થાનું રસોડું સી. પી. ટૅન્કમાં જ એક મકાનમાં છે. અમે ત્યાં પહોંચીને ખાતરી કરીએ છીએ કે વાનગીઓ ખરેખર સગડી પર બને છે.

પંદરેક બહેનો નીચે બેસીને સગડી પર કામ કરી રહી હતી. ધુમાડો જવા માટે ઉપર ચિમનીઓ હતી. કોઈક થેપલાં બનાવી રહ્યું હતું તો કોઈક ગોળપાપડી તો કોઈક કચોરી અને સમોસા તળી રહ્યું હતું તો કોઈક ભાખરી બનાવી રહ્યું હતું. દરેક સ્ત્રી મોટી વયની હતી. બહાર ઑફિસમાં કેટલીક બહેનો કમ્પ્યુટર પર હિસાબ કરી રહી હતી તો કેટલીક કોથમીર અને મરચાં સાફ કરી રહી હતી.

શ્વેતા શિંદે મૅનેજર છે, યુવાન છે. તેઓ કહે છે, ‘હવે સગડી પર ભોજન બનાવવા માટે નવી બહેનો મળતી નથી. અમે વરસોથી આ જ રીતે કામ કરી રહ્યાં છીએ એટલે જ એનો સ્વાદ જળવાય છે, પણ ખબર નહીં ભવિષ્યમાં બદલાવું પણ પડે. હમણાં તો ચાલે છે અને ઑર્ડર પણ પૂરા કરી શકીએ છીએ.’

માતૃ સમાજની શરૂઆત કઈ રીતે અને કોણે કરી એ વિશે પૂછ્યું તો શ્વેતાબહેન એનાથી અજાણ્યાં લાગ્યાં, પણ ત્યાં જ ઑફિસમાં બેઠેલાં ગુજરાતી ઢબે પહેરેલી લીલી સાડીવાળાં લલિતાબહેન ચાવડા બોલવા માંડે છે, ‘આ ઉપર ફોટો જુઓ છોને? તે ચંચળબા છે. અમે બધાં તેમને બાના નામે જ ઓળખીએ. તેમને સંસાર છોડીને દીક્ષા લેવી હતી. સાધ્વી બની જવું હતું. એટલે તેઓ સંતબાલજી પાસે ગયાં. સંતબાલજીએ કહ્યું કે સાધ્વી બનીને તું ફક્ત તારું જ કલ્યાણ કરીશ. એનો શો ફાયદો? એના કરતાં કંઈક એવું કામ કર કે બીજાઓને પણ તું ઉપયોગી થઈ શકે અને સમાજનુંય કલ્યાણ થાય. ચંચળબાએ પાંચ સ્ત્રીઓ સાથે ચંદાવાડીમાં ૧૯૬૦ની સાલમાં ગુજરાતી વાનગીઓ બનાવીને વેચવાનું શરૂ કર્યું. એવી સંસ્થા સ્થાપી કે જેને કારણે જે મજબૂર સ્ત્રીઓ હોય તેને કામ મળે અને સ્વમાનથી જીવન જીવી શકે. આ સંસ્થામાં વિધવા, છૂટાછેડા લીધેલી તેમ જ ગરીબ ઘરની સ્ત્રીઓને પહેલાં કામ મળે છે. એ પાંચ બહેનોમાં મારી માતા પણ હતી, હીરાબહેન ચાવડા. મારા પિતા ગુજરી ગયા હતા. મારી માતાએ અહીં કામ કરતાં જ અમને ઉછેર્યાં, ભણાવ્યાં. અમને નાનાં હતાં ત્યારથી અહીં લઈ આવતી. મેથી સાફ કરવાના દસ પૈસા મળતા. પછી તો મેં પણ અહીં કામ કરવાનું શરૂ કર્યું. લગ્ન થયાં પણ ગરીબી તો હતી જ એટલે અહીં કામ કરતાં અમે ઘર બનાવ્યું. આ સંસ્થાએ અમારું માની જેમ જતન કર્યું છે. અહીં દરેક વસ્તુ અમે દિલથી બનાવીએ છીએ. અથાણાં બનાવીને સ્ટૉક ભરી રાખીએ છીએ.’

સંસ્થા ‘નો પ્રૉફિટ નો લૉસ’ પર ચાલતી હોય એવું લાગે. વાનગીઓ સ્વાદિષ્ટ હોય. એને બનાવવામાં કોઈ બાંધછોડ ન થાય, પણ પગારધોરણ આજના જમાના પ્રમાણે ન હોવા છતાં સ્ત્રીઓ અહીં કામ કરીને સંતુષ્ટ હોય એવું લાગ્યું. ૭૬ વરસનાં કોકિલાબહેન રાવલ ૧૯૭૮ની સાલથી અહીં કામ કરે છે. છૂટાછેડા લીધા બાદ માતૃ સમાજમાં કામ કરીને સ્વમાનભેર જીવન જીવી રહ્યાં છે.

આ પણ વાંચો : શાંતિ કાશ્મીરનીઃ હિન્દુસ્તાને હંમેશાં પીઠ પાછળ ઘા ખાવાનો અનુભવ કર્યો છે, સબૂર

અહીં અથાણાં, મસાલા, નાસ્તા, ભોજન અને મુખવાસ પણ મળે છે. સવારે જાઓ તો રોટલી, ભાખરી, થેપલા અને શાક પણ મળી શકે. ગુવાર-ઢોકળી, ભરેલા ભીંડા, સૂકી ભાજી વગેરે શાક અહીં ૨૫ રૂપિયામાં સો ગ્રામ મળે. કરકરી, કડક અને જાડી પણ પોચી ભાખરી ૧૦ રૂપિયાની એક તો રોટલી, થેપલા કિલોના ભાવે મળે. શાક, રોટલી, ભાખરી બપોર થતાં સુધીમાં ખતમ થઈ જાય. ભાખરવડીનો સ્વાદ અહીં આગવો છે. પોચી, ખાટી, મીઠી અને તલથી ભરપૂર ભાખરવડી એક વાર ચાખવા જેવી. બાજરીનાં વડાં અને મેથીનાં મૂઠિયાં. આ મૂઠિયાં તળેલાં અને ક્રિસ્પી હોય. ઢોકળાં, ખાંડવી, મિક્સ ચવાણું, સેવ, કડક પૂરી, ખસ્તા કચોરી, સમોસા નાસ્તા દરરોજ તાજા અને શિંગતેલમાં જ બને. ખાખરામાં પણ બે કે ત્રણ જ સ્વાદ. ઘી, મેથી, કોરા, બાજરીના અને માંગરોળી. મીઠાઈમાં ગોળના લાડુ, મગસ, ગોળપાપડી મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી. દિવાળીમાં ઘૂઘરા પણ બને. ચાનો મસાલો, ખાખરા સાથે ખાવાનો મસાલો, મેથી સંભાર વગેરે વાનગીઓની યાદી ઘણી લાંબી છે. એવું કરો કે જાતે જ જઈને એક વાર આ માતૃ સમાજ સંસ્થાની મુલાકાત લઈ આવો. કોઈ આડંબર કે ઝાકઝમાળ વિના સાદી, ચોખ્ખી પ્રેમથી બનાવેલી વીસરાયેલા સ્વાદને જીવંત કરતી વાનગીઓની સાથે આપણો ભવ્ય ભૂતકાળ મમળાવવા જેવો ખરો.

mumbai food