રાજકોટ ગયા હો તો અચૂક ખાજો ચાપડી-તાવો

04 February, 2020 03:28 PM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટ ગયા હો તો અચૂક ખાજો ચાપડી-તાવો

ચાપડી-તાવો

તાવાની શરૂઆત ધાર્મિક આશયથી થઈ હતી, પણ માતાજીના નૈવેદ્ય માટે બનતી આ વાનગીનો સ્વાદ એવો દાઢે વળગ્યો કે એ શિયાળા પાર્ટીની શાન બની ગઈ. હવે તો સૌરાષ્ટ્રમાં બારેમાસ તાવો મળે. સૌરાષ્ટ્રની આ કાઠિયાવાડી વરાઇટીનો ટેસ્ટ કર્યા વિના તમામ કાઠિયાવાડી ખાણાની લિજ્જત માણ્યાનો તમારો દાવો અધૂરો કહેવાય.

તાવો, આમ જોઈએ તો નામ એક છે, પણ આ વરાઇટીમાં પ્લેટ આખી ભરાઈ જાય. તાવો મગાવો એટલે ચાપડી પણ આવે અને સાથે ઊંધિયું પણ આવે, પરંતુ તાવામાં આવતું ઊંધિયું એ સુરતી કે પછી રેગ્યુલર મળતા ઊંધિયા જેવું નથી. આ ઊંધિયું જુદા પ્રકારનું છે અને એની બનાવવાની રીત પણ જુદી છે. હકીકત તો એ છે કે તાવાની શરૂઆત સાવ જુદા જ આધાર વચ્ચે થઈ હતી. ધાર્મિક આશયથી શરૂ થયેલો તાવો એ પછી એવો તો પ્રચલિત થયો કે તાવો શિયાળા પાર્ટીની નિશાની બની ગયો. એ પછી પણ તાવાનો સ્વાદ જીભે લાગેલો રહ્યો એટલે તાવો કાઠિયાવાડની નિયમિત વરાઇટી બની ગઈ. આજે એકલા રાજકોટમાં તાવો વેચતી ૧૦૦થી વધુ રેસ્ટોરાં અને એટલી જ લારી થઈ ગઈ છે, તો સૌરાષ્ટ્રભરમાં તાવો વેચતી હોય એવી રેસ્ટોરાંની સંખ્યા ૩૦૦થી પણ વધારે થઈ ગઈ છે. એક સમય હતો કે તાવો શિયાળામાં ખવાતો, પરંતુ કાળ પૂરો થઈ ગયાને પણ આજે દસકો વીતી ગયો છે. હવે તાવો બારેમાસ ખવાય છે અને માત્ર તાવા-આધારિત કહી શકાય એવી રેસ્ટોરાં પણ હવે ખૂલી ગઈ છે, જ્યાં વર્ષ દરમ્યાન બીજી કોઈ વરાઇટી નહીં, પણ માત્ર તાવો જ મળે છે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર માત્ર તાવો ખવડાવતા સંતોષ તાવા સેન્ટરના માલિક હીરજીભાઈ ઠુમ્મર કહે છે, ‘તાવો તંદુરસ્તી માટે સૌથી બેસ્ટ છે એવું કહીએ તો ચાલે. એની ચાપડીમાં ભારોભાર મોણ પડે અને એ ભાખરી જેવા કરકરા લોટમાંથી બનાવવામાં આવે છે. તાવા સાથે મળતા ઊંધિયામાં બધાં શાકભાજી હોય, ગ્રેવી હોય એટલે જાડી ચાપડીની અંદર એનો રસો ઊતરી જાય, જેને લીધે ગળે ઊતરવામાં ક્યાંય એ ચાપડી લાગે નહીં. તાવાની સાથે છાસ, પાપડ, તળેલાં મરચાં, કચુંબર જેવી વરાઇટી પણ હોય જે બધું શરીરને લાભકારી છે.’

કહેવાય છે કે તાવાની શરૂઆત આઝાદીના સમયકાળથી એટલે કે ૭૦ વર્ષ પહેલાં રાજકોટમાં થઈ હતી. રાજકોટમાં આજી નદીના કાંઠે આવેલા રાંદલ માતાજીના મંદિરે જ તાવો બનતો અને એ જ જગ્યાએ એની પ્રસાદી લેવામાં આવતી. રાંદલ માતાજીની માનતા માનવા માટે આજુબાજુનાં ગામના લોકો આવતા અને માનતા પૂરી થાય એટલે માતાજીના મંદિરના પટાંગણમાં ચૂલા પર ચાપડી-ઊંધિયું બનાવીને પ્રસાદરૂપે બધા જમતા. આ પરંપરાને સમજતાં પહેલાં ‘તાવો’ શબ્દનો અર્થ સમજી લેવો જોઈએ. ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંડળમાં તાવો શબ્દના અર્થમાં કહેવાયું છે કે માતાજીનું નૈવેદ્ય. હા, આ સાચું છે, પણ આ પરંપરાગત નૈવેદ્ય તરીકે ખાણું ખાવામાં નહોતું આવતું. આ માનતા સાથે જોડવામાં આવેલું ખાણું હતું એટલે એને તાવો કહેવામાં આવતો. સંતાનપ્રાપ્તિથી માંડીને દીકરીના લગ્નપ્રસંગ માટે કે પછી પારિવારિક કજિયામાં સુખરૂપ નિવેડો આવે એ બધા માટે રાંદલ માતાના મંદિરે માનતા રાખવામાં આવતી. જાણીતા ઇતિહાસકાર કિશોરભાઈ પુરોહિત કહે છે કે ‘આ માનતામાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવતી કે માનતા પૂરી થાય એટલે સામેના પક્ષ સાથે મંદિરે આવીને માતાજીની હાજરીમાં બધા સાથે બેસીને પ્રસાદ જમીશું. દીકરીનાં લગ્નની માનતા હોય તો દીકરી-જમાઈ સાથે આવવાનું, સંતાનપ્રાપ્તિની માનતા હોય તો સંતાન સાથે માતાપિતા બન્નેના પરિવારજનો સાથે આવીને પ્રસાદ લેવાનો, કજિયાનો પ્રશ્ન હોય તો સુખરૂપ બધું પતે એટલે કજિયો જેની સાથે ચાલતો હોય તેની સાથે આવીને અહીં માતાજીને સુખનું નૈવેદ્ય ધરીને સાથે પ્રસાદ લેવાનો.’

એ સમયે તાવો બનાવવા માટેના કેટલાક કડક નિયમો પણ હતા. તાવો બનાવવા માટે વાડીમાંથી સીધાં તોડેલાં શાકભાજી જ લેવાનાં રહેતાં, જે માગીને લઈ આવવામાં આવતાં. શાકભાજી ખરીદી શકાતાં નહીં, એને માટે હાથ ફેલાવવાનો રહેતો. આવું કરવા પાછળ ફિલોસૉફિકલ સંદેશ પણ હતો. માત્ર માતાજી પાસે જ નહીં, બીજા પાસે પણ હાથ ફેલાવીને નાના બનતાં શીખો.

તાવો બનાવવાની કોઈ તૈયારી ઘરે થતી નહીં. બધેબધું તમારે તમારી સાથે લઈ જવું પડતું. તેલ-ઘીથી માંડીને હળદર, મરચું, મીઠું, બીજા મરીમસાલાથી માંડીને લોટ પણ ઘરેથી લઈ જવાનો અને બધી તૈયારી મંદિરે જઈને કરવાની. બીજો નિયમ, બધાં કામ પુરુષોએ કરવાનાં, મહિલાઓ આવી હોય તો તેણે બેસી રહેવાનું, પણ કામમાં કોઈ મદદ નહીં કરાવવાની. હા, સલાહ-સૂચન આપી શકે, પણ હાથ તો પુરુષોએ જ ચલાવવાના. શાક સુધારવાનું કામ પણ તેમણે જ કરવાનું અને લોટ બાંધવાનું કામ પણ પુરુષોએ જ કરવાનું. ત્રીજો નિયમ, શાક સુધારવામાં ક્યાંય છરી-ચાકુ વાપરવાનાં નહીં. બટાટાથી માંડીને રીંગણાં સહિતનું તમામ શાક આખું વાપરવાનું અને કાં તો હાથ વડે તોડવાનું. જેમ કે દૂધી હોય તો એના નાના ટુકડા હાથથી કરવાના. ચોથો નિયમ, ચાપડી તળવાની હોય ત્યારે એ ચાપડી તેલમાંથી બહાર કાઢતી વખતે ઝારાનો ઉપયોગ કરવાનો નહીં, ઊકળતા તેલમાંથી એ નર્યા હાથથી જ બહાર કાઢવાની! એ વાત જુદી છે કે ઊકળતા તેલમાંથી ચાપડી બહાર કાઢવા માટે પહેલાં બે ચાપડીને કાચીપાકી સેકી લેવામાં આવતી અને એ ચાપડીઓની મદદથી તેલમાંથી ચાપડી કાઢવાનું કામ કરવામાં આવતું.

આ રીતે તૈયાર થયેલો તાવો પહેલાં માતાજીને ધરવામાં આવતો અને અડધા કલાક પછી એ તાવાનો પ્રસાદ સૌકોઈ સાથે જમતા. માતાજીના નૈવેદ્ય તરીકે જમવામાં આવતા તાવાને મંદિરમાંથી બહાર લઈ આવવાનું કામ ફાર્મહાઉસના માલિકો દ્વારા થતું. રાજકોટ જિલ્લામાં આવેલાં ૧૦૦૦થી વધારે ફાર્મહાઉસના માલિકોએ દસેક વર્ષ પહેલાં પોતાના ફાર્મ પર તાવો બનાવવાનું શરૂ કર્યું હતું. તાવો તૈયાર થાય એટલે ફાર્મહાઉસમાં જ માતાજીને ધરાવવામાં આવતો, નૈવેદ્ય કાઢીને બાજુ પર રાખી દેવામાં આવતો અને સૌકોઈ જમી લે એટલે એ પ્રસાદ ગાયને ખવડાવવામાં આવતો, પણ સમય જતાં આ પ્રથા પણ નીકળી ગઈ અને માનતા માનવામાં નથી આવતી એટલે પ્રસાદની કોઈ આવશ્યકતા રહેતી નથી એવું સાદું ગણિત વાપરીને નૈવેદ્ય ધરાવવાનું કામ બંધ થયું અને એ બંધ થવાની સાથે, તાવો બનાવવા માટે જેકોઈ નિયમ બનાવવામાં આવ્યા હતા એ બધાનો પણ ક્ષય થયો. તાવો હવે ઘર-ઘર સુધી પહોંચી ગયો અને કાઠિયાવાડી આઇટમમાં શિરમોર બની ગયો.

તાવો બને કેવી રીતે?

તાવાની એક પ્લેટમાં ચાપડી અને ઊંધિયું હોય. જે ચાપડી હોય એ બાટી જેવી જાડી પણ એના જેવી ગોળ નહીં, પણ ભાખરી જેવી ગોળ હોય છે. ભાખરી બનાવવા માટે જે પ્રકારનો જાડો લોટ વાપરવામાં આવે છે એવા જ જાડા લોટની ચાપડી બને છે તો ઊંધિયું શિયાળુ ઊંધિયા જેવું નહીં, રસાવાળું હોય છે. ચાપડીના ઝીણા ટુકડા કરીને એમાં ઊંધિયું નાખીને એ ખાવાનું હોય છે. ચાપડી-ઊંધિયા સાથે ખાવા માટે કચુંબર, કાંદા, તળેલાં મરચાં, છાસ, પાપડ અને લસણની ચટણી હોય છે તો જમ્યા પછી જાંબુ પણ ખાવામાં આવે છે.

સામાન્ય રીતે તાવાની એક પ્લેટના ૭૫થી ૧૫૦ રૂપિયા જેવા ભાવ લેવામાં આવે છે જેમાં બે ચાપડી, ઊંધિયું, છાસ, પાપડ અને લસણની ચટણી આપવામાં આવે છે. તાવો આજે કાઠિયાવાડની ટૂસ્ટાર કૅટેગરીની રેસ્ટોરાંમાં પણ મળતો થયો છે.

તાવો બહાર મળવાનો શરૂ થયો ત્યારે શરૂઆતના સમયમાં એ મજૂરવર્ગનું ફેવરિટ ફૂડ હતું, પણ એ પછી હવે બધા ક્લાસ તાવો ખાતા થયા છે. તાવો ઘરમાં પણ બનવા માંડ્યો છે. બનેલી ચાપડી અઠવાડિયું રહી શકતી હોવાથી કેટલાંક ઘરોમાં તો ચાપડી તૈયાર કરી લીધા પછી અઠવાડિયામાં બે-ત્રણ વાર તાવા-પાર્ટી કરી નાખે છે.

તાવામાં ઊંધિયું બનાવવાની રીત હવે સામાન્ય શાક જેવી બની ગઈ છે, પણ પહેલાં બધાં શાકભાજીને માટલામાં બાફવામાં આવતાં હતાં. હવે કુકરમાં શાક બાફીને ઊંધિયું બનાવવામાં આવે છે. ઊંધિયામાં અમુક રેસ્ટોરાંવાળા મૂઠિયાં નાખે છે, પણ મૂળ તાવામાં મૂઠિયાં નાખવામાં આવતાં નહોતાં.

Gujarati food rajkot Rashmin Shah