અહીંના છોલે-સમોસા ફેમસ છે, પણ અમે કહીશું કે ટિક્કી-છોલે અચૂક ખાજો

10 January, 2020 05:05 PM IST  |  Mumbai | Divyasha Doshi

અહીંના છોલે-સમોસા ફેમસ છે, પણ અમે કહીશું કે ટિક્કી-છોલે અચૂક ખાજો

ગુરુકૃપા

મુંબઈના સિનેમાઘરોમાં હજીયે સાયનની ગુરુકૃપાના સમોસાં પિરસાય છે. હિન્દી ફિલ્મ શોલે આવી એ પછી ફેમસ થયેલી આ રેસ્ટોરાંમાં હવે માત્ર સમોસાં જ નહીં, બીજું પણ ઘણું ખાવા જેવું છે. અહીંનો ગાજરનો હલવો, સિંધી કઢી, દહીંવડાં અને જાતજાતની મીઠાઈઓમાંથી શાની પર પસંદગી ઉતારવી એ આજે જાણો.

એક બપોરે સાયન સ્ટેશનથી પગપાળા જઈ શકાય એટલે આવેલી ‘ગુરુકૃપા’માં નાસ્તો કરવા જવાનું નક્કી કર્યું. બપોરે એટલે કે શાંતિથી ખાઈ શકાય અને ચાલુ દિવસ હોવાથી ભીડ ન હોય એવી ગણતરી હતી. સાયન સ્ટેશનથી વેસ્ટમાં એસઆઇએસ કૉલેજ તરફ ચાલ્યા એટલે મેઇન રોડનો ટ્રાફિક ઓછો થયો. લગભગ શાંત કહી શકાય એવા રોડ પર ચાલતાં ‘ગુરુકૃપા’ પહોંચ્યા તો અંદર જવા માટે લાઇન લાગી હતી. કાઉન્ટર પહોળું હતું, પણ દરેક કાઉન્ટર પર ભીડ. બહાર લોકો શાંતિથી ટેબલ પર ડિશ મૂકીને ખાઈ રહ્યા હતા. અંદર બેસવાની વ્યવસ્થા હતી પણ એ માટે લાંબી લાઇન હતી. બે કાઉન્ટર ચાલુ હતાં. પહેલાં કૂપન લો અને પછી તમને જે જોઈએ એ પીરસાય. લગભગ દરેક વાનગી અહીં મળે છે.

સૅન્ડવિચથી લઈને ઢોસા, પાંઉભાજી, પાણીપૂરી અને હા, સમોસા-છોલે, છોલે-પૅટીસ અને મીઠાઈઓ પણ મળે છે. એમ છતાં જરા પણ કન્ફ્યુઝ થયા વિના અમે છોલે-સમોસા અને છોલે-પૅટીસનો ઑર્ડર આપ્યો. હાથમાં ડિશ લઈને જગ્યા શોધવાની મથામણ અને ડિશમાંની વાનગી ઢોળાય નહીં એ માટે સજાગતા રાખવાની. ઉફ્ફ ખાવા માટે કેટલી મહેનત અને એ પણ ભરબપોરે. કાઉન્ટર પર બેઠેલા માણસને તો વાત કરવાની પણ ફુરસદ નથી. તમે જો હજી વિચારતા હો કે શું ઑર્ડર આપવો તો તે તરત જ તમારા પછીની વ્યક્તિના પૈસા લઈને કૂપન આપી દેશે. સમોસાને તોડતાં વિચાર આવ્યો કે આ એ જ સમોસાં છે જે બાળપણથી મેં અનેક સિનેમાઘરોમાં ખાધાં છે. મુંબઈના દરેક સિનેમા થિયેટરમાં ‘ગુરુકૃપા’નાં સમોસાં વેચાય છે. સમોસાને તોડીને સાથે આપેલા છોલે અને ચટણીને મિક્સ કરીને મોઢામાં મૂકતાં જ સ્વાદના ફુવારા છૂટ્યા. સમજાયું કે અહીં ભીડ કેમ છે. ટિક્કી એટલે કે બટાટાની પૅટીસને છોલે સાથે ખાતાં જ લાગ્યું કે આ તો સમોસા કરતાં પણ વધુ સ્વાદિષ્ટ છે. ભીડ, ગરમી અને ઊભા રહેવાનું દુઃખ ગાયબ. છોલેનો રંગ સિમ્પલ છે. બાફેલા હોય એવું વધુ લાગે. મસાલા વર્તાય નહીં. તીખાશ ઓછી હતી, પણ સ્વાદ અને સુગંધ પ્યૉર પંજાબી.

પંજાબી કેવી રીતે, આ હોટેલ તો સિંધીની છે. મૂળ કરાચીથી આવેલું વાધવા કુટુંબ ભારતનાં અનેક શહેરોમાં ફરતું મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા સ્થાયી થયું. ૧૯૭૫ની સાલથી આ ગુરુકૃપા હોટેલ છે એવું તમે અહીંના મેનુ પર વાંચી શકો. સિંધી ખરા, પણ પંજાબ પ્રાંતથી આવેલા હોઈ તેઓ પંજાબી ભોજન બનાવવામાં પણ માહેર હોય છે. મુંબઈમાં સ્વાદિષ્ટ પંજાબી ખાવાનું પીરસનારા મોટા ભાગે સિંધી હોવાની શક્યતા હોય છે. સમોસા અને ટિક્કીની સાઇઝ મોટી છે. એક પ્લેટ ખાતાં જ પેટ ભરાઈ જાય. પણ અહીં સુધી ખાવા જાઓ તો ભૂખ્યા પેટે જ જવું પડે. અહીં પચાસથી સાઠ રૂપિયામાં પેટ ભરીને નાસ્તો કરી શકાય. અહીંનાં સમોસાં ફેમસ છે પણ અમે ટિક્કી ખાવાની સલાહ આપીશું. એનો સ્વાદ આગવો છે.

સિંધી હોવાને કારણે સિંધી કઢી પણ અહીં મળે જ છે. સિંધી કઢી અને રાઇસ સ્વાદિષ્ટ છે જ. સિંધી કઢીમાં ખૂબ સરગવો અને શાક જોવા મળે. સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને માટે સારાં છે. થાળી ખાવી હોય તો બે શાક, પરાઠાં, રોટલી કે પૂરી અને પાપડ, રાઈતું તેમ જ રાઇસ-દાલ પણ ખરાં જ. સાથે મલાઈદાર લસ્સી પીઓ. ખાટી નહીં, ઓછી સાકર અને મલાઈ મારકે લસ્સી પેટ ફુલ કરી દેશે. પણ ગાજર હલવો ખાધા વગર નહીં જતા. સીઝનમાં અહીં તાજો ગાજર હલવો મળે. સગડી પર પિત્તળની થાળમાં મેવામસાલા અને માવાથી ભરપૂર ગાજર હલવો અદ્ભુત ટેસ્ટી છે. અહીંનો હલવો કદાચ સીઝનનો બેસ્ટ હલવો હતો. અમે ચાખેલો. ગુલાબજાંબુ અવૉઇડ કરી શકો. ઘરે બાંધીને લઈ જવી હોય તો મીઠાઈઓ અપરંપાર છે. માવાની મીઠાઈઓના અનેક પ્રકાર મૅન્ગો, બદામ વગેરે દરેકનો સ્વાદ તમારે ચાખીને જ નક્કી કરવો. અમને તો ખૂબ ભાવ્યો. સાયન દૂર કેમ છે એવોય સવાલ થયો. પાણીપૂરી પણ અહીં સારી જ મળે છે અને પાલક ભજિયાં ચાટ વગેરે પણ સરસ છે. પરંતુ એક વારમાં આ બધું ન ખાઈ  શકાય. અનેક વાર અહીં જઈ જ શકાય, પણ ટિક્કી-છોલે કે સમોસા-છોલે તો ખાવાનું મન થાય જ. દિલ્હીની ચાટને યાદ કરાવી દે એવો માહોલ અને સ્વાદ અહીં છે.

સમોસાં અને સિનેમાને જોડનાર આ વાધવાજીને મળવાનું શક્ય ન બન્યું, પણ તેમનો આભાર માનવો પડે. સિનેમા જોતી સમયે ખિસ્સાને પરવડે એવા સમોસા પીરસવા માટે. જોકે હવે તો મલ્ટિપ્લેક્સે એ પણ મોંઘા કરી દીધા. વળી હવે તો સમોસાં પણ શોધવાં પડે અનેક વરાઇટી વચ્ચે ત્યારે યાદ આવે એ જૂના દિવસો, એ જમાનો કે જ્યારે ત્રીસ રૂપિયામાં સમોસા અને દસ રૂપિયામાં ચા સાથે વીસ કે ત્રીસ રૂપિયાની ફિલ્મની ટિકિટ. જલસો પડી જતો. હજીયે અનેક લોકોને યાદ હશે એ સમોસાનો સ્વાદ. કહે છે કે ‘શોલે’ ફિલ્મમાં હાઉસફુલ પબ્લિક રહેવાથી સમોસાંની ખપત વધી ગઈ હતી. ત્યારથી ‘ગુરુકૃપા’નાં સમોસાં પ્રસિદ્ધ થયાં અને સિનેમાઘરોમાં વેચાવા લાગ્યાં. ‘શોલે’, સમોસા અને સિનેમા એક જ રાશિ છે. એક જમાનામાં રોજનાં ત્રીસ હજાર કે તેથી વધુ સમોસા ગુરુકૃપા મુંબઈને ખવડાવતી હતી એવું જાણવા મળે ત્યારે ગુરુકૃપામાં જઈને તાજાં સમોસા-છોલે ખાવાં જ પડે. થિયેટરમાં સમોસાંનો સ્વાદ આવે એ કરતાં તાજાં સમોસા અને છોલે અદ્ભુત જ લાગે અને વળી એમાં પણ તમે છેક સાયન સુધી લાંબા થાઓ. હવે લોકોને વરાઇટીની આદત પડી ગઈ હોવાથી જ કદાચ ગુરુકૃપાના મેનુમાં પાંઉભાજી અને ઢોસાની વરાઇટી પણ છે. 

એક વાત તો માનવી પડે કે દક્ષિણ ભારતીય લોકાલિટીમાં સિંધી અને પંજાબી ભોજન માટે આટલી ભીડ થાય એવી ગુણવત્તા અને સ્વાદ અહીં મળે છે. આટલીબધી વરાઇટી અહીં મળે છે એ છતાં છોલે-ભટૂરે અને સમોસા-ટિક્કી છોલે વધુ ખવાતાં હતાં એ જોઈ શકાય. મીઠાઈ કાઉન્ટર પર પણ ભીડ હોય એય નવાઈ લાગે. સિંધીઓ પણ સિંધથી આવીને સ્વાદ દ્વારા ભારતીયોને રીઝવી શક્યા છે એવું કહી શકાય. અહીંનાં સ્વાદિષ્ટ સમોસા અને ટિક્કીની અનેક બૉલીવુડ સેલિબ્રિટી પણ ફૅન હોય એમાં નવાઈ નહીં લાગે. દિલીપકુમાર અને રાજ કપૂર તો રેગ્યુલર ગ્રાહક હતા. હવેનાં હીરો-હિરોઇન તો ઘરે જ મંગાવી લેતાં હશે. ૧૯૭૫થી લઈને ૨૦૨૦માં પણ ‘ગુરુકૃપા’ના છોલે- સમોસા અને ટિક્કી-છોલે બેસ્ટ છે એમાં કોઈ શક નથી. 

સિનેમા, ‘શોલે’ અને સમોસા

૧૯૭૫ની ગુરુકૃપાની શરૂઆત કરનારા નવેન્દરામ વાધવા ફિલ્મોના જબરા શોખીન. તેમના સમોસાં એ વખતે પણ અમુક થિયેટરોમાં વેચાતાં. એ જ વર્ષે શોલે ફિલ્મ આવેલી. અમિતાભ બચ્ચનના અભિયનથી અભિતૂત થઈને તેઓ એક ટોપલો ભરીને પોતાની દુકાનનાં સમોસાં લઈને તેમના ઘરે પહોંચી ગયા. અમિતજીએ પણ એ ચાખીને એના વખાણ કર્યાં. આ ઘટના વિશે લોકોમાં જાણ થતાં લગભગ બધા જ સિનેમાઘરોમાં ગુરુકૃપાના સમોસાંની ડિમાન્ડ વધી ગઈ. એક તબક્કે રોજનાં ૩૦,૦૦૦થી વધુ સમોસાં થિયેટરોમાં વેચતાં હતાં. રાજ કપૂર પણ ગુરુકૃપાના સમોસા અને મીઠાઈઓના દીવાના હતા.

indian food mumbai food sion