સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે આ ફૂડ-બ્લૉગર જોડીઓ

04 May, 2020 08:52 PM IST  |  Mumbai | Pooja Sangani

સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે આ ફૂડ-બ્લૉગર જોડીઓ

જલ્પાના કિચનની કમાલ.

જલ્પા મિસ્ત્રી અને રુચિ શાહ

બન્ને બહનો તો મૂળ ભાવનગર જિલ્લાના પ્રખ્યાત જૈન તીર્થ પાલિતાણાની વતની અને ખ્યાતનામ તબીબની પુત્રીઓ છે, પરંતુ લગ્ન કરીને મોટી બહેન જલ્પા અમદાવાદ સ્થાયી થઈ છે જ્યારે તેનાથી દોઢ વર્ષ નાની રુચિ ચેન્નઈ રહે છે. બન્ને ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી જલ્પાએ માસ્ટર ઑફ સાયન્સ તેમ જ નાની બહેને હ્યુમન રિસોર્સમાં એમબીએ કર્યું છે. તમને એમ થતું હશે તો-તો બન્ને બહેનો ક્યાંક કૉર્પોરેટ કંપનીમાં નોકરી કરીને સારું કમાતી હશે. પરંતુ ના, બન્નેએ લગ્ન કરીને ઘર-પરિવાર સંભાળ્યા છે અને સાથે પોતાના શોખને જ વ્યવસાય બનાવીને એક નોકરીમાં પગાર મળે એટલું તો કમાઈ જ લે છે સાથે તેઓની ખૂબ નામના છે એ તો લટકામાં.
હકીકતમાં બન્ને બહેનોને કુકિંગ અને ભોજનનો શોખ તેમની માતાથી વારસામાં મળ્યો છે. પરંતુ નાની બહેન રુચિને એમાં સવિશેષ રુચિ હતી અને તેણે પાંચ વર્ષ પહેલાં ફેસબુક પર વાનગીઓના ફોટો બનાવીને મૂક્યા અને પછી પોતાનું ફેસબુક પેજ, વેબસાઇટ અને ચૅનલ શરૂ કર્યાં અને એ પછી પાછું વળીને જોયું નથી. તેની વેબસાઇટમાં 290થી વધુ રેસિપી જ્યારે યુટ્યુબ ચૅનલમાં 90 જેટલા વિડિયો મૂક્યા છે. જ્યારે ફેસબુક પેજમાં 27 હજાર ફૉલોઅર્સ છે.
રુચિ કહે છે, ‘અભ્યાસ બાદ અમદાવાદની પ્રાઇવેટ કંપનીમાં એક વર્ષ જૉબ કરી હતી ત્યાર પછી લગ્ન બાદ ચેન્નઈમાં સ્થાયી છું. મારે એક 8 વર્ષની દીકરી છે. લગ્ન બાદ જ્યારે લાગ્યું કે મારી પ્રોફેશનલ કરીઅર આગળ નહીં વધે તો હતાશ કે દુઃખી થયા વિના મેં રસ્તા શોધવાનો પ્રયત્ન કર્યો.. મેં મારા શોખ - રસોઈને નિખારવાનું કામ કર્યું. અવનવી વાનગીઓ બનાવવી તો ગમતી જ હતી. પછી મેં એ વાનગીઓના ફોટો પાડી ફેસબુકમાં ગ્રુપમાં પોસ્ટ કરવાના શરૂ કર્યા. એમાંથી ઘણું શીખવા મળ્યું. ધીરે-ધીરે જેમ વ્યસન લાગે એવો ચસકો લાગી ગયો. આજે પાંચ વર્ષ ઉપરનો સમય થઈ ગયો અને હું ખુશ છું કે મારો શોખ, મારું પૅશન જ મારો પ્રોફેશન બની ગયા છે.’
જલ્પા મિસ્ત્રી વિશે વાત કરીએ તો તેની યુટ્યુબ ચૅનલના 58 હજાર જેટલા સબસ્ક્રાઇબર છે અને ફેસબુક પેજમાં 10 હજાર ફૉલોઅર્સ છે. લગ્ન પછી તેઓ અમદાવાદની એક જાણીતી કંપનીમાં કામ કરતા હતા, પરંતુ પાંચ મહિનાની પ્રેગ્નન્સી  પછી જૉબ છોડી દીધી. આજે આ યુટ્યુબ ચૅનલ ચલાવીને એક નોકરી જેટલી જ કમાણી ઉપરાંત નામના થઈ છે. જલ્પા કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાં મારી બહેને મને પોતાની સાથે એક વેબસાઇટમાં ફૂડ વિશે લખવા માટે પ્રેરણા આપી ને પછી તો મેં મારો શોખ વ્યવસાયમાં બદલી નાખ્યો. અમારી ચૅનલમાં હું બધી અલગ-અલગ વેજિટેરિયન વાનગી બનાવવાના વિડિઓ પોસ્ટ કરું છું જેને જોઈને કોઈ પણ સરળતાથી મારી રેસિપી તેમના ઘરે બનાવી શકે છે. હું ખૂબ હેલ્થ કૉન્શિયસ છું અને મારા ઘરે પણ હંમેશાં હેલ્ધી ફૂડ બનાવવાનો આગ્રહ રાખું છું. હું ઘરમાં સરળતાથી મળી રહે એવી સામગ્રીઓનો ઉપયોગ કરીને અને ખાસ કરીને બાળકોના ટિફિન માટેની વાનગીઓ બનાવું છું.’

કમલેશ મોદી અને ભાવેશ ઉર્ફે રૉની મોદી

બન્ને  ભાઈઓનો જન્મ વડોદરા ખાતે થયેલો. પછી પરિવાર સ્થળાંતર કરીને મહેસાણા ખાતે આવી ગયો હતો. નસીબ જોર કરતું હશે તો કમલેશભાઈ મહેસાણાથી જોજનો દૂર મોરબી ખાતે સ્થાયી થઈ ગયા હતા. શરૂઆતમાં સંઘર્ષ કરીને મોબાઇલની દુકાનમાં નોકરી કરી, પછી પોતાની મોબાઇલની શૉપ બનાવીને હાલ તેઓ યુટ્યુબ ચૅનલ ચલાવે છે. તેમનું જોઈને નાના ભાઈ રૉની મોદી કે જે મહેસાણા જ રહે છે તેમને પ્રેરણા મળી અને તેમણે પણ ચૅનલ શરૂ કરીને સારુંએવું નામ અને કમાણી કરે છે.
કમલેશભાઈએ માત્ર અઢી વર્ષના સમયગાળામાં ગામેગામ ફરીને 750 જેટલા વિડિયોઝ અપલોડ કર્યા છે અને આજે તેમના અઢી લાખ આસપાસ સબસ્ક્રાઇબર છે. તેઓ ગુજરાતના વિવિધ ભાગોમાં મળતા સ્ટ્રીટ ફૂડ વિશે વિડિયો બનાવે છે. દસમા ધોરણમાં છ વિષયમાં નાપાસ થયેલા આ ભાઈની આવક કોઈ કંપનીના મૅનેજર કરતાં પણ વધુ છે અને ગુજરાતનું લગભગ કોઈ શહેર બાકી રાખ્યું નથી. તેઓ કહે છે, ‘રોજ સાંજે નાસ્તો કરવા બહાર જાઉં અને એક વખત મોરબીમાં બટાટા અને ભૂંગળાનો નાસ્તો કરીને વિડિયો અપલોડ કર્યો હતો ત્યારે એને 600 જણે જોયો હતો. બસ, ત્યારથી મેં અને મારા મિત્ર રાજભાઈએ વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. મારો મૂળ વ્યવસાય મોબાઇલ શૉપનો છે.’
કમલેશભાઈ કહે છે, ‘મારો હેતુ એવો છે કે મારા વિડિયોથી નાના વેપારીઓ આગળ આવે અને બે પૈસાનો  ધંધો વધે. એમાં અમને ખૂબ આનંદ થતો હોય છે. સાથોસાથ ગુજરાતી ફૂડ વિશે વિશ્વને જાણ થાય. મોરબીથી શરૂઆત કરીને ગુજરાતનાં વિવિધ શહેરોમાં પહોંચીને થોડા સમય અગાઉ અમે મુંબઈ અને રાજસ્થાન જઈને ત્યાં ફૂડ વિડિયો બનાવીને લોકો સમક્ષ મૂક્યા હતા. મારી એક મિલ્યન સબસ્કાઇબર કરવાની અભિલાષા છે.’
જો કમલેશભાઈના અનુજ એવા ભાવેશ ઉર્ફે રૉનીની વાત કરીએ તો તેમણે મોટા ભાઈની પ્રેરણા લઈને એક વર્ષ અગાઉ જ ફૂડ ચૅનલ મહેસાણાથી શરૂ કરી છે અને આજે તેમના પણ 45 હજારથી વધુ સબસ્ક્રાઇબર છે. તેમને એન્જિનિયરિંગ કરવું હતું પરંતુ દસમા ધોરણમાં નાપાસ થતાં નાસીપાસ થયા વગર વધુ મહેનત કરી દસમું પાસ કરીને ઇલેક્ટ્રૉનિક ઍન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિપ્લોમા લીધો હતો. તેમને ફોટોગ્રાફી અને ફોટોશૉપનો શોખ હતો આથી પાર્ટટાઇમ નોકરી કરીને ઘરે કમ્પ્યુટર વસાવ્યું. ત્યાર બાદ લગ્નની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીને વ્યવસાય બનાવ્યો. પરંતુ એક વ્યવસાય બંધ થાય તો બીજી સગવડ રાખવી પડે એ ન્યાયે યુટ્યુબ ચૅનલ શરૂ કરી.
ભાવેશ કહે છે, ‘મારા જીવનમાં બે  જ મંત્ર છે. એક તો એ કે પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજી દૂર છે અને બીજો કે જ્યાં સુધી તમે પડતાં નહીં શીખોને ત્યાં સુધી સફળતા નહીં પચાવી શકો. હું અત્યાર સુધીમાં મહેસાણા, વિસનગર, કડી, કલોલ, અમદાવાદ, પાલનપુર, ઊંઝા, મોઢેરા, સિદ્ધપુર ઘણાં અન્ય શહેરમાં ફર્યો અને વિડિયો બનાવ્યા છે અને લોકો મને એટલા માટે ફૉલો કરે છે કે હું ફૂડનાં એવાં સ્થળ પસંદ કરું છું જ્યાંના વિશે કોઈને ખબર ન હોય અને સર્વશ્રેષ્ઠ ફૂડ મળતું હોય.’

Gujarati food indian food