મુંબઈગરાને ચટાકો લગાવ્યો છે કેળનાં પાનમાં સાદા, સ્વચ્છ અને ઉડિપી ભોજને

11 October, 2019 04:14 PM IST  |  મુંબઈ | ફેમસ ફૂડ અડ્ડા - દિવ્યાશા દોશી

મુંબઈગરાને ચટાકો લગાવ્યો છે કેળનાં પાનમાં સાદા, સ્વચ્છ અને ઉડિપી ભોજને

પ્રતીકાત્મક તસવીર

૧૯૪૨ની સાલમાં જ્યારે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ થઈ ત્યારે સેન્ટ્રલ માટુંગા સ્ટેશનની જસ્ટ બહાર શરૂ થયેલું રામા નાયક ઉડિપી શ્રી કૃષ્ણ બોર્ડિંગ આજે ૭૮ વર્ષ પછીયે એ જ સ્વાદ સાથે શુદ્ધ શાકાહારી દક્ષિણ ભારતીય ભોજન પિરસે છે. ગૌડ સારસ્વત બ્રાહ્મણનું આ ભોજનાલય છે જ્યાં બધું જ કોકોનટ ઑઇલમાં બનેલું છે અને ૧૧૫ રૂપિયાની લિમિટેડ થાળી ખાનારના પેટ અને મન બન્નેને સંતૃપ્તિ આપે છે.

સેન્ટ્રલ માટુંગામાં સ્ટેશનની બહાર નીકળતાં જ લાલ બહાદુર શાસ્ત્રી માર્કેટ મકાનમાં પહેલાં માળે એ રામા નાયક ઉડિપી શ્રી કૃષ્ણ બોર્ડિંગ આવેલું છે. પાટાને લગોલગ આવેલા કમ્પાઉન્ડમાંથી દાદર ચઢીને પહેલાં માળે જવાનું. જો રજાના દિવસે ગયા હોવ તો અંદર જઈ કુપન લઈ તમારો નંબર આવે તેની રાહ જોવાની. મોટા પેસેજમાં થોડા લોકો બેસી શકે તેની વ્યવસ્થા છે. ત્યાં જ ઉપર ડિજિટલ નંબર બ્લિન્ક થાય. અંદર ડાબી બાજુના રૂમમાં લિમિટેડ થાળી જમનારા બેસે અને સામે મોટા હોલમાં અનલિમિટેડ ભોજન જમનારા બેસે. ભાંડુપ, અંધેરી, મુલુંડ, દક્ષિણ મુંબઈથી અહીં જમવા આવનારા છે.

ભોજનાલયમાં એસી રૂમ નથી. સાદા બાંકડા અને લાંબું ટૅબલ ટિપિકલ લોજની યાદ અપાવે. અંદર દાખલ થતાં જ સતીષ રામા નાયક ગલ્લા પર બેસેલા દેખાય. સતીષજીને અમે પૂછ્યું કે વરસોથી આ ભોજનાલયમાં કોઈ ફરક નથી તો તમને જમાનાની સાથે બદલાવ લાવવાની ઇચ્છા નથી થતી. સતીષજી તરત જ કહે છે કે, “નોઓઓઓ, અમારા પિતાજીએ જ્યારે આ ભોજનાલય શરૂ કર્યું હતું ત્યારે એક ભાવના એમાં હતી. મારા પિતાજી રામા નાયક અગિયાર વરસની ઉંમરે તેમના પિતાજીનું મૃત્યુ થતાં કમાણી માટે અક્કર નામના ઉડિપી ગામમાંથી મેંગલોર થઈને મુંબઈ આવ્યા. લગભગ ૧૯૧૩-૧૪ની સાલ હશે. મુંબઈમાં એકાદ બે રેસ્ટોરન્ટમાં કામ કરીને ભોજન બનાવવાથી લઈને કૅશ કાઉન્ટર સંભાળવા સુધીનાં દરેક કામ શીખ્યાં. એમને ખ્યાલ આવ્યો કે મુંબઈમાં ઉડિપી ભોજન ત્યારે મળતું નહોતું. ઉડિપી ભોજન કોકોનટ ઑઇલમાં જ બને! વળી તેમના પર ગાંધીજીની પણ અસર હતી. તે સમયે એટલે કે આઝાદી પહેલાં દરેક હોટલના નામ ઉપરથી જાતિ-જ્ઞાતિ ખબર પડતી! જો ગૌડ સારસ્વત બ્રાહ્મણની હોટલ હોય તો બ્રાહ્મણો જ જમવાનું બનાવે અને એટલે બ્રાહ્મણો જ જમી શકે, એવું માની લેવામાં આવતું. ૧૯૪૨ની સાલમાં જ્યારે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ થઈ ત્યારે મારા પિતાજીએ આ બોર્ડિંગ હાઉસ શરૂ કર્યું, ત્યારે એમણે નક્કી કર્યું હતું કે અહીં દરેક વ્યક્તિ ભોજન કરવા આવી શકે, બીજું કે તે સસ્તું હોવું જોઈએ કે જેથી દરેકને પરવડે અને ત્રીજું, સ્વાસ્થ્યપ્રદ ભોજન હોવું જોઈએ. એ જ પરંપરા આજે પણ અમે ચાલુ રાખી છે.”

થોડું અટકીને કહે, “આ શુદ્ધ શાકાહારી ભોજનલાય ખરેખર તો મિલ વર્કરોને સસ્તા દરે અને શુદ્ધ ભોજન મળે તે માટે શરૂ કરેલું. આજે ૭૮ વરસ પછી પણ આ ભોજનાલય સસ્તું અને શુદ્ધ શાકાહારી દક્ષિણ ભારતીય ભોજન પીરસે છે. એ પરંપરામાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી લાગતી. અમારા ભોજનની કુલ કૅલેરી ફક્ત ૧પ૦૦ છે. અમારા પિતાજીનો જે સિદ્ધાંત હતો કે 'સર્વ વ્હોટ યુ કેન ઈટ', એ જ અમે જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા રસોડામાં કોઈ પણ જઈને જોઈ શકે છે. અમારે વધારે પૈસા કમાવા નથી. જે મળે છે તેમાં સંતોષ છે એટલે આ ભોજનાલય હંમેશ સાદું, સ્વચ્છ અને સસ્તું જ રહેશે!”

રસોડામાં દરેક વ્યક્તિ પગમાં ચપ્પલ પહેર્યા વિના કામ કરે છે. એક વ્યક્તિ સતત ફર્શ સાફ રાખે. આખું ય ભોજન વરાળથી બને એટલે રસોડામાં ગરમી નથી લાગતી. દરેક વ્યક્તિ ટૉવેલ અને બનિયન પહેરીને જ કામ કરતી હતી. ગુજરાતીઓનો વિસ્તાર હોવાથી અને જૈનો પણ ખાઈ શકે એવું ભોજન હોવાથી હવે રોટલી પણ મળે છે અને ગરમાગરમ ફૂલકાં ઉતરતી બહાર જમવા બેસો તોપણ જોઈ શકાય. રસોડાનાં બારણાં અહીં ખુલ્લા રાખવામાં આવે છે.

આજે રામા નાયકની ત્રીજી પેઢી એટલે કે તેમનો ચાલીસ વરસનો પૌત્ર શશાંત નાયક પણ દેખરેખ રાખે છે. તે એમબીએ થયો છે પણ પોતાના દાદા અને પિતા સતીષ રામા નાયક દ્વારા સંચાલિત આ ભોજનાલયની પરંપરા જાળવવામાં માને છે. નૉન-એસી પણ સુઘડ સ્વચ્છ આ ભોજનાલય તમને તેના સ્વાદિષ્ટ ભોજન માટે જરૂર લલચાવે. એક તો અહીં ફક્ત ૧૧૫ રૂપિયામાં લિમિટેડ થાળી મળે છે, સ્વીટ ડિશ થોડા રૂપિયા આપી લઈ શકાય. લિમિટેડ થાળીમાં બે રોટલી, બે વાટકી ભાત, બે શાક, એક કઠોળ, રસમ, દાળ, સાંભાર, દહીં, છાશ અને પાપડ અથાણું પણ ખરું જ! સામાન્ય ખોરાક ખાતી વ્યક્તિ માટે પૂરતું છે. બીજું, ૨૧૦ રૂપિયામાં અનલિમિટેડ થાળી મળે જેમાં ફક્ત સ્વીટ એક જ વખત મળે, બાકી બધું અનલિમિટેડ. કેળનાં પાન પર કે સ્ટીલની થાળીમાં તમારે જે રીતે ખાવું હોય તેની છૂટ. દરેક શાકમાં ગ્રેવી રૂપે કે એમ ને એમ પણ ઉડીપી રીતે બનાવેલું હોય એટલે કોપરું તો હોય જ. પણ તેલ અને મરચું પ્રમાણસર જરાય વધારે નહીં. ખાતી વખતે તમારા હાથ ચીકણા થાય નહીં. એટલે પૌષ્ટિક તો ખરું જ. દહીં મોળું, અથાણાંમાં ય તેલ નહીં, અથાણાંમાં રાઈનો સ્વાદિષ્ટ સ્વાદ જીભને ચટાકા કરવા પૂરતો છે. રસમ અહીં દરરોજ અલગ હોય છે. સોમવારે આ ભોજનલાય બંધ હોય છે. એટલે મંગળવારે કોકમ, બુધવારે મસાલા, ગુરુવારે આમચૂર, શુક્રવારે ચણા, શનિવારે લેમન અને રવિવારે ટૉમેટો રસમ મળે. તો દક્ષિણ ભારતીય સ્વીટ પાયસમ પણ રોજ જુદી હોય. દૂઘમાં બનતી આ સ્વીટ ડીશ જરૂર ચાખવા જેવી છે. મંગળવારે રવા, બુધવારે સેવૈયા, ગુરુવારે મગની દાળ, શુક્રવારે લાપસી, શનિવારે સાબુદાણા અને રવિવારે બાસમતી ચોખાનું પાયસમ મળે. કઠોળ પણ દરરોજ જુદું; સ્પ્રાઉટ મગ, ચણા, તુવેર, પૂનાવાલા વાલ એમ વારાફરતી. અહીં ભોજનમાં વપરાતું ઘી પણ તેઓ ઘરનું જ બનાવેલું વાપરે છે.

આ પણ વાંચો : માનું દૂધ છોડાવો ત્યારે આ કાંજીઓ જરૂર પીવડાવજો

એ સિવાય અઠવાડિયામાં એકાદ બે વાર ફ્રૂટ હલવો હોય છે. સફરજન, મેંદો, ચણાનો લોટ વડે બનાવેલો આ હલવો એટલે કે શીરો દેખાવે અને સ્વાદે પણ હટકે હોય છે. અહીં દાળ ફક્ત બાફેલી અને મીઠું નાખેલી હોય છે. પણ સાંભાર સ્વાદિષ્ટ હોય છે અને રસમ તો સુપની જેમ જ પીવાનો હોય. અહીં બોર્ડ મારેલું છે કે રસમ કે સાંભારનો બગાડ કરનાર પાસેથી ૧૫ રૂપિયા વધારાના ચાર્જ કરવામાં આવશે. સતીષ નાયક કહે છે કે, “અમે ઇચ્છીએ કે ભારતીય તરીકે આપણે ભોજનને પ્રસાદ રૂપે જોઈએ અને તેનો બગાડ ન કરીએ. આપણે નસીબદાર છીએ કે આપણને ભોજન મળે છે. ભૂખ્યા લોકોનો વિચાર કરીને પણ જેટલું ખાઈ શકીએ તેટલું જ ખાવું જોઈએ અને હા, ભોજન લેતાં સમયે મોબાઇલ પર કે અંદરોઅંદર વાત ન કરતાં ભોજનને ન્યાય આપો તો આરોગ્ય માટે સારું. “શશાંત કે સતીષ નાયક જે હાજર હોય તે અહીં જ ભોજન કરે છે. પાણી ફિલ્ટર્ડ કરેલું હોય છે. છાશમાં આદું, મરચાં અને કોથમરી નાખવામાં આવે છે જેથી ભોજન સુપાચ્ય બને. હા, ફક્ત પાપડ તળેલો હોય છે. ગૌડ સારસ્વત બ્રાહ્મણનું ભોજનાલય છે તેઓ ભોજનને ભગવાનનો ભોગ ગણીને જ ખાય છે અને પીરસે છે. અહીં મિત્રોને કે સ્વજનોને બેજીજક પાર્ટી માટે લઈ જઈ શકાય છે.

indian food mumbai food Gujarati food