ખડતલ બનાવતી ખજૂર આ રીતે પણ ખાઈ જુઓ

09 December, 2019 02:56 PM IST  |  Mumbai | Pooja Sangani

ખડતલ બનાવતી ખજૂર આ રીતે પણ ખાઈ જુઓ

ખજૂરની વિવિધ વાનગીઓ

કેમ છો મારા ફુડી મિત્રો. સૌ મજામાં જ હશોને? બસ, ગુજરાતમાં તો શિયાળો બેસી ગયો છે અને સૂસવાટા ભર્યા પવન સાથે ઠંડું અને આહલાદક વાતાવરણ થઈ ગયું છે. ઠંડા વાતાવરણમાં ભોજનનું પાચન જલદી થઈ જાય અને ભૂખ પણ જલદી લાગે. કકડીને ભૂખ લાગે તો ખાવું શું? કુદરતે તો બધી જ વ્યવસ્થા કરી છે. શિયાળામાં શાકભાજી અને ફળો ખૂબ આવે અને એ પણ આખા વર્ષની શક્તિ મળે એ પ્રકારના ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ હોય છે. તો આજે આપણે શિયાળામાં શરીરને પોષણ અને પ્રચંડ શક્તિ આપતા ખજૂર વિશે વાતો કરીશું.

ખજૂર મૂળ રણપ્રદેશમાં ઊગતો ખોરાક છે અને એ ખૂબ શક્તિવર્ધક હોય છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે. આ એક એવું ફળ છે કે જે શિયાળા અને ઉનાળામાં પણ ખાઓ તો વાંધો ન આવે. બે-ચાર ખજૂર ખાઈને ઉપર એક ગ્લાસ ભરીને પાણી પી જાવ તો ચાર કલાક સુધી ભૂખ ન લાગે. આથી જ રણપ્રદેશમાં પ્રવાસ કરતા આરબો હંમેશાં ભરપૂર પ્રમાણમાં ખજૂર સાથે રાખે છે. ખજૂર ખાવાથી તરસ પણ ઓછી લાગે છે.

જો એના બીજા ફાયદાઓની વાતો કરું તો બ્લડ-પ્રેશર કાબૂમાં રાખે છે, હાડકાં મજબૂત કરે છે. એમાં ફાઇબર હોવાથી પાચન પણ ઝડપથી થાય છે અને અપચો હોય તો મદદરૂપ છે. જેને પગમાં વા હોય તેના માટે અક્સીર છે, ઠંડીથી રક્ષણ આપે છે. શરીરમાં ઝેરી તત્ત્વો સામે રક્ષણ આપે છે. ઉપરાંત એ સ્વાદમાં પણ ઉત્તમ છે. ખજૂર મૂળ ઇરાકનું ફળ છે અને ઇજિપ્તમાં એનો વાઇન બનાવવામાં આવતો હોવાથી રણપ્રદેશમાં ઊગતી આ વનસ્પતિ ખૂબ લોકપ્રિય થઈ ગઈ છે. વિશ્વભરમાં એની ૩૦ જેટલી વરાઇટી મળે છે. ખજૂરનો ભાવ ૧૫૦થી ૧૫૦૦ રૂપિયે કિલોના ભાવે ઉપલબ્ધ છે. હવે તો ખજૂરીની સીરપ પણ મળે છે જે મધની જેમ મીઠી હોવાથી તમે મનગમતી વાનગી ઉપર નાખી શકો છો. ડાયાબિટીઝ હોય એવા લોકો પણ ખાતા હોય છે, પરંતુ અમુક તબીબો ડાયાબિટીઝ હોય તેમને ખજૂર ન ખાવો જોઈએ એવી સલાહ આપે છે. સૌ પોતાના શરીરની તાસીર અને તબીબની સલાહ મુજબ ચાલે એ જ હિતાવહ છે.

જોકે ખજૂર ખાવાની રીત પણ

અલગ-અલગ હોય છે. જ્યારે ખૂબ ઠંડી પડતી હોય ત્યારે બે-ત્રણ ખજૂરને ગરમ પાણીમાં ઉકાળીને એમાં ચપટી કાળા મરીને ભૂકો અને તજનો ભૂકો નાખીને એ પાણી પી જાવ પછી જુઓ કમાલ. તમારું શરીર કુદરતી રીતે ગરમ રહે અને ઠંડી સામે ખૂબ રક્ષણ મળે છે. સ્કૂલે બાળક જતું હોય તો નાસ્તાની સાથે બે-ત્રણ નંગ ખજૂર આપવાથી શરીર સારું રહે છે. એવી જ રીતે ખજૂર, સૂંઠ અને ગંઠોડાનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે. દૂધમાં નાખવાના ખજૂર અલગ આવે છે. એમાંથી ઠળિયો કાઢી લઈને નાના-નાના કટકા કરીને ઊકળતા દૂધમાં બેથી ત્રણ વખત ઊભરો આવે ત્યાં સુધી ઉકાળવા. ત્યાર બાદ જરૂર મુજબ ખાંડ નાખી દેવી. પીરસતી વખતે સૂંઠ, ગંઠોડા અને સૂકી વરિયાળીનો પાઉડર છાંટીને ગરમાગરમ પીવાની મોજ જ મોજ છે. આ જ રીતે બનાવેલો ખજૂરનો મિલ્ક-શેક પણ મસ્ત લાગે.

ઉપરોક્ત રીતે ઉકાળેલું દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું ઠરી જાય પછી મિક્સરમાં ક્રશ કરી નાખવું અને પછી રેફ્રીજરેટરમાં મૂકીને ગ્લાસમાં સર્વ કરવું. ખજૂર અને અંજીરનો મિલ્ક-શેક ખૂબ મળે છે. હવે તો ખજૂરનો આઇસક્રીમ પણ મળે છે. ગુજરાતમાં ઉત્તરાયણ આવશે એટલે ખજૂર ખૂબ ખવાશે. મારી મમ્મી મને ઘીમાં બોળેલા ખજૂર ખવડાવે છે આજની તારીખમાં પણ. ખજૂરનાં ઠળિયાં કાઢી લેવાં અને સાઇડમાં રાખી મૂકવા. શુદ્ધ ઘીને એક તવીમાં ગરમ કરીને એમાં ખજૂર નાખીને પાંચ મિનિટ હલાવવા. ત્યાર બાદ એને એક વાસણમાં મૂકી રાખવા અને ઠંડા પાડી દેવા. બસ, ઠંડીમાં ખજૂર ઉપર ઘીનું પડ થઈ જશે અને જે ખાવાની મજા આવશે. સવારે નાસ્તામાં આ ખાઈને ઉપર ગરમ-ગરમ દૂધ પી લ્યો એટલે શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય.

ખજૂરનો હલવો પણ બહુ મસ્ત બને. દૂધ ઉકાળીને એનો ઉભરો આવે એટલે અંદર સમારેલા ખજૂર નાખીની સતત હલાવતા રહેવું કે જ્યાં સુધી દૂધ માવાના સ્વરૂપમાં ફેરવાઈ ન જાય. ત્યાર બાદ એની અંદર એલચીનો ભૂકો નાખીને ઠંડું કરવું. આ માવો ખૂબ  ટેસ્ટી લાગે છે અને એની અંદર ખાંડ નાખવાની જરૂર નથી રહેતી. કુદરતી જ મીઠો આવે છે.

મોટા ભાગના મસાલા ચાટવાળા આંબલી કે આંબોળિયાની ખાટી-મીઠી ચટણી બનાવતા હોય છે, પરંતુ ખજૂર-આંબોળિયાની ચટણી બનાવીને ભેળ, આલુ ટીક્કી, સમોસા, કચોરી કે પાણીપૂરીમાં નાખીને ખાઈ જોજો, કઈક અલગ જ મજા આવશે અને શરીરને નડશે પણ નહીં, કારણ કે ખજૂર અને કાચી કેરીમાંથી સૂકાવીને બનેલા આબોળિયા બન્ને ગુણકારી છે, મીઠાશ અને ખટાશનો સમન્વય પણ મસ્ત લાગશે.

તમામ પ્રકારના સૅલડ, ફ્રૂટ સૅલડ અને ક્રીમ સૅલડમાં ખજૂરનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ઘણા આરબ દેશોમાં મહેમાન આવે ત્યારે તેઓને ખજૂર ધરીને તેમનું સ્વાગત કરવામાં આવે છે. આથી ખજૂર ભરપૂર ખાવ અને એ ખૂબ ગુણકારી હોવાથી શરીરમાં શક્તિનો સંચાર થશે એમાં કોઈ બેમત નથી. તો મિત્રો મળીશું આવતા સોમવારે એક નવા ટૉપિક સાથે.

ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ

ગુજરાતની અનેક મીઠાઈની દુકાનોમાં હવે ખજૂર પાક મળે છે જેને લોકો સુગર ફ્રી મીઠાઈ ગણીને આરોગે છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં સૂકો-મેવો નાખીને એને રોલ કરીને કાપીને ગોળાકાર કરવાથી એ ખજૂર-ડ્રાયફ્રૂટ્સ રોલ કહેવાશે અને ટેસ્ટ પણ ગજબ હોય છે.

ખજૂરપાક

ખજૂરપાક પણ બહુ ટેસ્ટી લાગે. ખજૂરપાક બનાવવા માટે પહેલાં ગુંદરને ઘીમાં તળીને અધકચરો ક્રશ કરી લેવો. એવી જ રીતે કાજુ અને બદામ પણ તળી લેવા. ત્યાર બાદ ખજૂરનાં ઠળિયા કાઢીને તેને છૂંદી નાખવા. ત્યાર બાદ ઘી ગરમ કરીને ખજૂર નાખવાના હોય છે. પાંચ મિનિટ હલાવીને તેની અંદર ગુંદર અને ડ્રાયફ્રૂટ્સ નાખીને હલાવી દેવું. ત્યાર બાદ એને થાળીમાં પાથરીને ચોરસ કટકા કરી લેવા અથવા તો લાડવા વાળીને સ્ટોર કરી શકાય. રોજ સવાર-સાંજ બે કટકા ખાઈ શકાય. શિયાળામાં નૉર્મલ ભોજનમાં બે રોટલી ઓછી ખાઈને ખજૂરની વાનગીઓ ખાઈ શકાય.

ખીર

ખજૂરની ખીર પણ બને. જેને ખજૂર ફીરની પણ કહેવામાં આવે છે. એક વાસણમાં દૂધ ગરમ કરીને એમાં બાફેલા ભાત અને ખજૂરના કટકા નાખીને ઉકાળી લેવું. ત્યાર બાદ એને મિક્સરમાં પીસી લઈને જાડી રબડી જેવી ખજૂર ખીર સર્વ કરશો તો મહેમાનોમાં વટ પડી જશે તમારો.

ખજૂરનો ગોળ

ખજૂરીનો ગોળ પણ બનાવવામાં આવે છે જે ઘરે બનાવવો સંભવ નથી, પરંતુ માર્કેટમાં તૈયાર મળે છે અને નૅચરલ ગોળની ગરજ સારે છે.

શીરા કેક

શીરા-ખજૂરની કેક પણ બને છે. રવાનો શીરો બનાવીને એને ઠારી લો. ત્યાર બાદ ખજૂરને છુંદીને ઘીમાં ગરમ કરી લેવા. ત્યાર બાદ કેકનો મોલ્ડ લઈને એક પડ ખજૂર અને એક પડ શીરો મૂકીને પછી એને મોલ્ડમાંથી કાઢીને ઉપર ડ્રાયફ્રૂટ્સથી સજાવીને ખાવાની ખૂબ મજા આવશે.

આઇસક્રીમ

ખજૂર-અંજીર, ખજૂર-ચીકુ, કાજુ-ખજૂર ફ્લેવરમાં આઇસક્રીમ પણ હવે મળે છે. જેમ ચીકુની બરફી બને છે એવી રીતે ખજૂરની બરફી પણ બને અને મળે. એની અંદર માવામાં ખજૂર હોય.

ખજૂરપોળી

જેમ તુવેર અને ચણાદાળની પૂરણપોળી બને છે એવી જ રીતે ડેટ્સમાંથી ખજૂરપોળી પણ બની શકે છે. એ પહેલાં ખજૂરને ઘીમાં શેકીને હલવા જેવું બનાવી લેવું અને પછી પૂરણપોળીના પૂરણ તરીકે એ માવો ભરીને રોટલીઓ બનાવીને ઘીમાં શેકી લેવાની. આ શુગર-ફ્રી પોળીની ગરજ સારે છે.

Gujarati food indian food mumbai food