શાકભાજીને નૂડલના ફૉર્મમાં પિરસાશે ત્યારે ખબર જ નહીં પડે કે આ સૅલડ છે

25 February, 2020 04:06 PM IST  |  Mumbai | Sejal Patel

શાકભાજીને નૂડલના ફૉર્મમાં પિરસાશે ત્યારે ખબર જ નહીં પડે કે આ સૅલડ છે

સૅલડ

હેલ્ધી ફૂડ બહુ ફિક્કું અને બેસ્વાદ હોય છે એવી આપણી માન્યતા રહી છે. વાત કંઈ ખોટી પણ નથી. ફ્રેશ વેજિટેબલ્સ કે ફળોને જો એમ જ કાચાં ખાવાના હોય તો જીભને મનગમતો ચટાકો મિસ થાય જને! જોકે વિલે પાર્લે-ઈસ્ટના સુભાષ રોડ પર આવેલા ટચૂકડા ગાર્ડ મૉન્જેર કૅફેમાં તમે સૅલડ અને સ્ટાર્ટર ટ્રાય કરશો તો દિલ ખુશ થઈ જશે.

દેખાવમાં આ કૅફે ઘણું નાનું છે. ગણીને ચાર ટેબલ અંદર છે અને બહારની પરસાળમાં બીજા ચારેક ટેબલ્સ છે. બહારની સજાવટ ગ્રીનરી સાથેની છે અને અંદર કૉઝી ઍટમોસ્ફિયર. એમાંય શેફ પરવિન્દર સિંહનો સ્માઇલિંગ ચહેરો વાતાવરણમાં ઑર ફ્રેશનેસ ઉમેરે છે. બપોરે લંચના સમયે કૅફે પર પહોંચ્યા ત્યારે એટલી ગરમી લાગતી હતી કે પહેલાં કંઈક ઠંડું અને સ્વીટ ટ્રાય કરવાનું મન થયું. બેવરેજિસમાં જોયું તો એમાં અલગ ક્લાઉડ મેન્યૂ હતું. આ ક્લાઉડ મેન્યૂ શું વળી શું છે એ સમજવા અમે બે ચીજ ઑર્ડર કરી. સિનેમન કોલ્ડ કૉફી અને વૉટરમેલન ક્લાઉડ પર પસંદગી ઊતારી.

જરાક કહી દઉં કે અહીં ક્લાઉડ એટલે કૅન્ડી ફ્લૉસ છે. બાળકોને આવી કૅન્ડી ફ્લૉસ બહુ પસંદ હોય છે, જોકે અહીં જે રીતે ફૂડ સાથે એનું પ્રેઝન્ટેશન થાય છે એ જોઈને તમારું પણ ‘દિલ તો બચ્ચા હૈ જી’ થઈ જશે. કોલ્ડ કૉફીની અંદર તમને ચૉકલેટ સિરપ અને તજનો પાઉડર લગાવેલા ખાલી ગ્લાસની ઉપર સફેદ કૅન્ડી ફ્લૉસ લગાવીને આપે છે અને સાથે ખૂબ ફેંટવાથી ફીણ આવી ગયું હોય એવી કૉફી અલગથી અપાય. તમે ઉપરથી ક્લાઉડ પર કૉફી રેડો એટલે ધીમે-ધીમે કરતાં કૅન્ડી ફ્લૉસ અંદર સમાઈ જાય. કૅન્ડી ફ્લૉસની માત્રા એટલી પ્રમાણસર છે કે કૉફીમાં મીઠાશ પણ ખૂબ માઇલ્ડ આવે છે. સિનેમનનો સ્વાદ જેને ભાવતો હોય એના માટે આ પીણું મસ્ટ ટ્રાય છે. ગરમીમાં ઠંડક આપે એવું વૉટરમેલ ક્લાઉડ પેટને ઠંડક આપે એ પહેલાં નજરને ઠંડક આપી ગયું. એમાં પણ અગેઇન પ્રેઝન્ટેશનની જ કમાલ છે. સાદા તરબૂચની અંદરનો ગર કાઢીને બહારના શેલને અકબંધ બોલ જેવું રાખીને અંદર તરબૂચના ટુકડા કરી મૂક્યા છે અને ઉપર કૅન્ડી ફ્લૉસનો ડુંગર છે. બાજુમાં તમને તરબૂચનો પ્યૉર જૂસ કાઢીને સર્વ કર્યો છે. તમારે ફ્લૉસના ઢગલા પર તરબૂચનો રસ રેડતા જવાનો એટલે ફ્લૉસ ધીમે-ધીમે અંદર સમાઈ જાય. તરબૂચ પોતે પણ મીઠું હોય તો કૅન્ડી ફ્લૉસની મીઠાશ થોડીક વધારે લાગી શકે છે. જોકે અમે એમાં ચપટીક ચાટ મસાલો મગાવીને નાખ્યો તો સ્વાદ એકદમ મીઠો અને ચટપટો થઈ ગયો.

હેલ્ધી ફૂડ ટ્રાય કરવું હોવાથી અમે ઝૂડલ્સ અને બ્લૅક રાઇસ સૅલડ મગાવ્યું. બાઉલ સર્વ થયો ત્યારે સૅલડને બદલે નૂડલ્સ આવી ગઈ હોય એવું લાગ્યું. જોકે એમાં એક નૂડલ નહોતી બલકે નકરા વેજિટેબલ્સથી ભરેલો બાઉલ હતો જેને અરેબિએતા સૉસ સાથે સર્વ કરવામાં આવેલું. ઝુકીનીની લાંબી સેવ જેવી કતરી એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ હતું. સાથે ગાજર, બીટની સેવ પણ પાડેલી જેને ઑલિવઑઇલના ડ્રેસિંગમાં તૈયાર કરેલી. ખરેખર આવું સૅલડ હોય તો રોજ વાટકો ભરીને ખાઈ જવાય.

કહેવાય છે કે બ્લૅક રાઇસ સૌથી હેલ્ધી રાઇસ કહેવાય છે અને એક જમાનામાં માત્ર રાજામહારાજાઓના ભોજનમાં જ એ જોવા મળતા. અહીં રાઇસને બહુ સરસ બાફી દેવામાં આવ્યા છે અને સાથે લેટસ, પાર્સલી, પર્પલ કૅબેજ, ઑલિવ્સ, ટમેટા અને બેલપેપરનું રંગબેરંગી ટૉપિંગ ડિશને સ્વાદમાં તો બહેતરીન બનાવે જ છે, પણ જોવામાંય મજાની છે.

સૅલડની સાથે અમે ટમેટો બેસિલ ઓપન બ્રુશેટા ટ્રાય કર્યું. બેસિલની સ્પષ્ટ ફ્લેવર અને પાર્મસન ચીઝનું અદ્ભુત કૉમ્બિનેશન આ બ્રુશેટામાં છે. બ્રેડનો બેઝ પણ સપ્રમાણ ક્રિસ્પી છે. એમાં પણ બ્રેડની ઉપરના ટૉપિંગ્સમાં વેજિટેબલ્સનો ભરપૂર ઉપયોગ ડિશને ફાઇબરથી બૅલૅન્સ કરે છે.

મેઇન ડિશમાં અમે વરાયટીને બદલે સિમ્પલ ડિશ ટ્રાય કરવાનું વિચાર્યું. એક તો ગ્રીનહાઉસ ફ્લૅટબ્રેડ અને પનીર ટિકા સ્ટિક. ગ્રીનહાઉસ એ નાચણીની ભાખરી જેવી બ્રેડ પર પીત્ઝાના ટૉપિંગ સાથે સર્વ થાય છે. અગેઇન એમાં જે પણ ટૉપિંગ છે એ ગ્રીન રંગનું છે. બેસિલ લીવ્સ, ગ્રીન લેટસ લીવ્સ, ઓલિવ્સ અને એકદમ થોડુંક છીણેલું ચીઝ. બેક કરવાની કળા એટલી જબરજસ્ત છે કે નાચણીનો બેઝ ક્રિસ્પી હોવા છતાં કડક નથી લાગતો. આ પીત્ઝાની ઉપર જે ફ્રેશ ઑરેગાનોના પાન વાપરવામાં આવ્યા છે એનો સ્વાદ અને ફ્લેવર ખૂબ જ સ્પષ્ટ અને સરસ આવી રહી છે. પનીર ટિકા સ્ટિક્સ કૂસકૂસ અથવા તો કીન્વાહ એમ બન્ને સાથે આવે છે. અમે આમાં કીન્વાહવાળી ડિશ ટ્રાય કરી. પનીરની સાથે થોડુંક તોફુ પણ ઉમેરવાનું કહેલું. જ્યારે પણ કોઈ રેસ્ટોરાંની ફૂડ ક્વૉલિટી કેવી છે એનો અંદાજ માંડવો હોય તો પનીર કેવું છે એ જોવું જોઈએ. તોફુ એ સોયાબીનના દૂધમાંથી બનતું પ્રોટીન છે. જોકે એને રાંધવાથી એ ચવ્વડ થઈ જાય એવી સંભાવનાઓ વધુ રહે છે. અહીંના પનીર ટિકામાં તોફુ અને પનીર બન્ને સૉફ્ટ અને મોંમાં મૂકતાં જ પીગળી જાય એવા હતા. ઓવરઑલ બૅલૅન્સ્ડ કૉમ્બિનેશન હતું.

જાતજાતની વાનગીઓની સાથે અમે વચ્ચે-વચ્ચે શેફ પરમિન્દર સિંહની સાથે પણ વાતો કરી. દરેક રેસિપી તૈયાર કરવા પાછળ તેમણે કરેલી જહેમત દેખાય છે. ક્લાઉડ મેન્યૂમાં કૅન્ડી ફ્લૉસની માત્રા કેટલી હોય તો ખપપૂરતી જ મીઠાશ ડિશમાં ભળે એનાપ્રયોગ વિશે વાત કરતાં શેફ કહે છે, ‘અમે દરેક વાનગીના પોર્શન, એમાં વપરાતા ઘટકોનું ન્યુટ્રિશન અને બનાવવાની રીતમાં ઓછામાં ઓછું પ્રોસેસિંગ કરીને હેલ્ધી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારો ઉદ્દેશ એટલો જ છે કે અહીં આવીને લોકો હેલ્ધી ફૂડ ખાય અને એ તેમને ટેસ્ટી પણ લાગે. અમારે ત્યાં રિફાઇન્ડ શુગર જરાય વપરાતી નથી. ગળપણની જરૂર હોય ત્યાં ઑર્ગેનિક ગોળ વાપરીએ છીએ. ડિઝર્ટમાં પણ બને ત્યાં સુધી નૅચરલ ફળોની જ સ્વીટનેસ હોય છે.’

સ્વીટની વાત આવી તો હવે કંઈક ડિઝર્ટ તો ટ્રાય કરવું જ પડે. અમે બનાના ડેટ પરફેટ ટ્રાય કરી. આ એક પ્રકારનું ફ્રેન્ચ ડિઝર્ટ છે જેમાં મ્યુઝલીના બેઝ પર યૉગર્ટમાં કેળા અને ખજૂરની ફ્લેવર છે. સજાવટમાં પણ બનાના અને ખજૂરની પાતળી કતરીઓ વપરાયેલી છે. એની પર બે સુંદરમજાના ફ્લાવર્સ છે જે સફેદ ડિશની રોનક બદલી નાખે છે. આ છે પી ફ્લાવર. આ ફ્લાવર પણ ખાઈ શકાય એવા અને હેલ્થ માટે અનેક ફાયદા ધરાવે છે.

ઑન્લી વેજ કૅફે

પરવિન્દર સિંહનું આ કૅફે ઑન્લી વેજ ડિશ જ સર્વ કરે છે. સિંહપરિવાર વર્ષોથી કેટરિંગના બિઝનેસમાં હતો અને પરવિન્દરજીના પપ્પાની ઇચ્છા હતી કે દીકરો મુંબઈમાં માત્ર વેજિટેરિયન યુનિક કૅફે બનાવે. શેફે આ કૅફે પપ્પાને સરપ્રાઇઝ ગિફ્ટ કર્યું  છે અને અહીં માત્ર વેજિટેરિયન વાનગીઓ જ મળશે એવું નકકી કર્યું હતું. આ જગ્યા વીગન અને જૈનો માટે પણ સ્વર્ગ સમાન છે.

indian food mumbai food sejal patel