તમે તરબૂચનો સફેદ ભાગ ફેંકી દો છો?હવે બનાવો ઢોસા, ઢોકળાં અને ટૂટીફ્રૂટી

23 April, 2020 07:11 PM IST  |  Mumbai Desk | Sejal Patel

તમે તરબૂચનો સફેદ ભાગ ફેંકી દો છો?હવે બનાવો ઢોસા, ઢોકળાં અને ટૂટીફ્રૂટી

વૉટરમેલન ઢોકળાં

ફળોનાં છોતરાં તો ફેંકી જ દેવાનાં હોયને! ભલે તમે અત્યારે એવું માનતા હો, પણ આ લેખ વાંચીને હવે એમાંથી પણ વાનગી બનાવતા થઈ જશો. ગુજરાતી ટીવી-ચૅનલો પર રસોઈના નિષ્ણાત તરીકે જેમના શો થાય છે એવાં કુકિંગ-એક્સપર્ટ નેહા ઠક્કર પાસેથી જાણીએ તરબૂચનાં છીલકાંની વાનગીઓ

અત્યારે વૉટરમેલનની સીઝન આવી છે. બળબળતી ગરમીમાં ખૂબબધું પાણી ધરાવતું આ ફળ ઠંડક પણ આપે છે અને તરસ પણ છિપાવે છે. ઘરમાં જ રહેવાનું હોવાથી બહુ ભૂખ લાગે અને બપોરની ભૂખમાં આચરકૂચર ખાવાનું પસંદ કરો એના કરતાં ફળો ખાઈએ તો બહેતર રહે. મોટા ભાગનાં ફળોનાં છીલકાં આપણે ફેંકી દઈએ છીએ. એમાંય તરબૂચ લાવ્યા હોઈએ તો એના ખાઈ શકાય એવા લાલચટક ગર કરતાં વધુ સફેદ ભાગ તો ફેંકી જ દેતા હોઈએ. જોકે ખાઈ શકાય એવી દરેક ચીજનો મૅક્સિમમ ઉપયોગ કરવામાં માનનારાં રસોઈ-નિષ્ણાત નેહા ઠક્કર પાસે આવાં છીલકાંમાંથી જાતજાતની વસ્તુઓ બનાવવાના આઇડિયા છે. નેહાબહેન કહે છે, ‘મોટા ભાગે તરબૂચનો સફેદ ભાગ સીધો કચરા-ટોપલીમાં જ જાય છે, પણ તમને ખબર છે એમાંથી ઢોકળાં, હાંડવો, થેપલાં બધું જ બની શકે છે? સામાન્ય રીતે ટૂટીફ્રૂટી પપૈયામાંથી બનતી હોય છે, પણ હું એ પણ તરબૂચનાં છીલકાંમાંથી બનાવું છું. એ પણ એકદમ બહાર મળે છે એવી જ સૉફ્ટ અને સ્વાદિષ્ટ. બચ્ચાંપાર્ટીને એ બહુ ભાવે. આ  ટૂટીફ્રૂટી તમે આઇસક્રીમ, કેક, મિલ્ક-શેક બધામાં નાખીને ખાઈ શકો. હું માનું છું કે ફળ હોય કે શાકભાજી, એનો એકેય ભાગ બને ત્યાં સુધી વેસ્ટેજમાં ન જવો જોઈએ. અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે અને બહાર જવાનું, ખાવાપીવાનું બંધ છે. ઇડલી-ઢોસાનું ખીરું પણ નથી મળી રહ્યું ત્યારે એમાં પણ તરબૂચના સફેદ પાર્ટ કામ આવશે.’

સામગ્રી

☞ ૧ તરબૂચની છાલની નાની-નાની કટકી

☞ ૨ વાટકી ખાંડ

☞ ૩ વાટકી આશરે પાણી

☞ તમને જે ગમતા હો એ ફૂડ-કલર

☞ ૨-૩ ટીપાં વૅનિલા એસેન્સ

બનાવવાની રીત

 સૌપ્રથમ તરબૂચની છાલ કાઢી નાની-નાની કટકી કરવી. પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઈને હલાવતા રહેવું. પાણીમાં ખાંડ ઓગળે એટલે એમાં તરબૂચની કટકી ઉમેરી દેવી. ૩-૪ મિનિટ ઢાંકીને રાખવી, પછી ગૅસ બંધ કરી ૫-૬ મિનિટ એમનેમ ઢાંકીને રહેવા દેવું. પછી એમાં વૅનિલા એસેન્સ ઉમેરી હલાવીને જેટલા કલરની કરવી હોય એટલા બોલમાં લેવી. દરેક બોલમાં અલગ-અલગ કલર ઉમેરી દેવો અને હલાવીને ૨૪ કલાક એમનેમ રહેવા દેવું.

એ પછી દૂધ ઢાંકવા માટે અથવા રોટલી રાખવા માટે કાણાવાળી ડિશ હોય એના પર ટૂટીફ્રૂટી રાખતું જવાનું. ધ્યાન રહે કે જેના પર ટૂટીફ્રૂટી સૂકવી હોય એની નીચે પ્લેટ રાખવાની અને એમાં પાણી રાખવાનું જેથી કીડી ન ચડે. આ ટૂટીફ્રૂટીને હવામાં બેથી ત્રણ દિવસ સુકાવા દેવી, જ્યાંસુધી બધી ચાસણી સુકાઈ જાય અથવા ચીપ ચીપ ન થાય ત્યાં સુધી સૂકવવી. એ પછીઍરટાઇટ ડબ્બામાં ભરી દેવી.

તો તૈયાર છે તરબૂચની છાલની ટૂટીફ્રૂટી.

તરબૂચના ઢોસા (ટેસ્ટી અને હેલ્ધી)

સામગ્રી

☞ ૧ બોલ - તરબૂચનાં છીલકાંના ટુકડા (ગ્રીન પાર્ટ સાથે)

☞ ૧/૨ કપ રવો

☞ ૧/૨ કપ ચોખાનો લોટ

☞ ૧ ચમચો બેસન

☞ પાણી જરૂરિયાત મુજબ

☞ મીઠું જરૂર મુજબ

બનાવવાની રીત

સૌપ્રથમ તરબૂચનાં છીલકાંના ટુકડા ગ્રીન પાર્ટ સાથે કરીને એક મિક્સર જારમાં લેવા. પછી એમાં રવો, ચોખાનો લોટ, બેસન અને પાણી નાખી ગ્રાઇન્ડ કરી લેવું.

હવે એમાં જોઈતા પ્રમાણમાં પાણી અને મીઠું નાખીને મિક્સ કરી લેવું.

ઢોસા જેવું બેટર તૈયાર કરી લેવુ. એને ઢાંકીને ૧૦થી ૧૫ મિનિટ રેસ્ટ

આપવો. ઢોસાની તવી ગરમ મૂકવી અને એને મીઠાવાળા પાણીથી લૂછી લેવી. એના પર ઢોસાનું બેટર પાથરી ક્રિસ્પી ઢોસા ઉતારવા.

ગરમાગરમ ઢોસા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા.

તરબૂચના સફેદ ભાગનાં ઢોકળાં

સામગ્રી

☞ ૨ કપ - તરબૂચનાં છીલકાંનું છીણ

☞ પા કપ ઘઉંનો લોટ

☞ અડધો કપ રવો

☞ અડધો કપ ચોખાનો લોટ

☞ બે ચમચી આદું-મરચાંની પેસ્ટ

☞ બે ચમચી તલ

☞ અડધો કપ દહીં

☞ મીઠું,

☞ ચપટીક હળદર અને હિંગ વઘાર માટે

☞ બે ચમચી તેલ

☞ એક ચમચી રાઈ

☞ બે લીલાં મરચાંની ચીર

☞ ડેકોરેશન માટે લીલા ધાણા

બનાવવાની રીત

સૌપ્રથમ એક બોલ લઈ એમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, રવો લઈ એમાં તરબૂચનું છીણ, આદું મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, દહીં નાખીને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી ખીરું બનાવવું.

ઢોકળિયું ગરમ કરવા મૂકવું. થાળીને તેલથી ગ્રીસ કરી લેવી અને એમાં ખીરું નાખીને ઢોકળાં બાફીએ એમ જ ઢોકળાં બનાવવાનાં. ૧૦થી ૧૫ મિનિટમાં

ઢોકળાં ચડી જાય એ પછી એને ઉતારીને ઠરવા દેવું.

વઘાર માટે તેલ ગરમ કરવું. એમાં રાઈ, તલ, મરચાંની ચીર, હિંગ નાખી વઘાર ઢોકળાં પર રેડવો. એના પર લીલા ધાણા નાખીને પછી એના પીસ કરી ગરમાગરમ સર્વે કરવાં.

તો તૈયાર છે વેસ્ટમાંથી બેસ્ટ રેસિપી એકદમ ડેલિશિયસ તરબૂચનાં ઢોકળાં.

સંતરાંની છાલની કૅન્ડી

અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે ત્યારે જૂસ માટે સંતરાં પણ લાવતા જ હશો. આ સંતરાની છાલ પણ ફેંકી દેવા જેવી નથી. એમાંથી પણ બાળકોને મજા પડી જાય એવી કૅન્ડી બનાવી શકાય છે.

સામગ્રી

☞ બે કપ સંતરાંની છાલ

☞ બે કપ ખાંડ

☞ પાણી જરૂરિયાત પ્રમાણે

☞ મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત

સંતરાંની છાલની લાંબી ચીરી કરવી.

એક તપેલીમાં પાણી ગરમ મૂકી એમાં આ બધી છાલના ટુકડા નાખી એક ઉકાળો આવે એટલે ગૅસ બંધ કરી પાણી નિતારી લેવું.

ફરી એક વાર આ પ્રોસેસ કરવાની છે. એક ઉકાળો આવે એટલે પાણી નિતારી નાખવાનું છે.

જો કડવાશ લાગે તો ફરી કરવાનું. ચારેક વાર આમ કરવાથી ચોક્કસ કડવાશ નીકળી જાય છે.

એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી ચાસણી કરી લેવી. એમાં આ બધી ચીરી નાખીને ઉકાળવી અને જાડી થાય ત્યાં સુધી ઉકાળતા રહેવું.

પછી એને થાળીમાં પાથરવી અને સુકાવા દેવી. સુકાઈ જાય એ પછી ડબ્બામાં ભરી દેવી.

Gujarati food mumbai food indian food sejal patel