શું ગુજરાતી થાળી ખરેખર ગુજરાતી રહી છે?

24 February, 2020 04:27 PM IST  |  Mumbai | Pooja Sangani

શું ગુજરાતી થાળી ખરેખર ગુજરાતી રહી છે?

ગુજરાતી થાળી

કાઠિયાવાડી, રાજસ્થાની, પંજાબી અને ચાઇનીઝ ચીજોનો પગપેસારો ગુજરાતી થાળીમાં થવા લાગ્યો છે ત્યારે સવા લાખનો સવાલ એ થાય કે ખાટી-મીઠી દાળ, કઢી, બટાટાનું શાક અને એકાદ ફરસાણ સિવાય થાળીની મોટા ભાગની વાનગીઓમાં ફ્યુઝન થવા લાગ્યું છે. સ્વાદરસિયા તરીકે શું તમને એ ગમે છે કે એક જ ઑર્ડરમાં તમને વિવિધ ટેસ્ટ ટ્રાય કરવા મળી જાય છે કે પછી ઑથેન્ટિક ગુજરાતી વાનગીઓ તમે આ થાળીમાં મિસ કરો છો?

કેમ છો મિત્રો? સૌ મજામાં છો? અને આશા રાખું છું કે સૌ ખાઈપીને મોજ કરતા હશો. મારે આજે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે ગુજરાતી થાળી ખાવા જાઓ છો તો એ ખરેખર ગુજરાતી હોય છે? એમાં કેટલી ગુજરાતી વાનગીઓ હોય છે? ગુજરાતી સિવાયની કેટલી વાનગીઓ હોય છે? તો પછી એ ગુજરાતી થાળી કેવી રીતે થઈ? તો પછી એનું નામ શું હોવું જોઈએ એનો પણ વિચાર કરજો અને મને ઈ-મેઇલમાં સજેસ્ટ કરજો.

આજે આપણે વટલાઈ ગયેલી ગુજરાતી થાળીની વાતો કરીશું. હા, આ બાબતે નકારાત્મક ચર્ચા કરવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ હકીકત જે છે એને સ્વીકારવાની અને એ માટે ચર્ચા તો થઈ જ શકેને? 

હાલની થાળીમાં શું છે અને કેમ છે એનું વિશ્લેષણ કરતાં પહેલાં સૌથી પહેલો સવાલ એ આવે કે ગુજરાતી થાળીનો કન્સેપ્ટ કેવી રીતે શરૂ થયો? એના માટે બહુ જૂનો ઇતિહાસ શોધવાની જરૂર નથી. એનાં બે કારણો હોઈ શકે. એક કારણ એ હોઈ શકે કે અમદાવાદ અને બીજાં મોટાં શહેરોમાં ખરીદી માટે લોકોની અવરજવર તેમ જ શુદ્ધ ગુજરાતી ભોજનની જરૂરિયાત અને બીજું કારણ એ હોઈ શકે કે ગુજરાતના લોકો પ્રવાસ ખૂબ કરે છે ત્યારે તેમને શુદ્ધ ગુજરાતી ભોજન આપવા માટે ગુજરાતી થાળીનો ઉદ્ભવ થયો હોવો જોઈએ.

જો અમદાવાદની વાત કરીએ તો માણેકચોક, સોની બજાર અને રતનપોળ કાપડ બજાર અગાઉના સમયમાં આખા ગુજરાત અને રાજ્ય બહારના ગુજરાતીઓને આકર્ષતું બજાર હતું અને છે. આ  ઉપરાંત ત્યાં સોનાના દાગીના, કાપડનો જથ્થાબંધ વેપાર રતનપોળને અડીને આવેલા ગાંધી રોડ પર ઇલેક્ટ્રિક ડેકોરેટિવ પ્રોડક્ટ્સનું ગુજરાતનું સૌથી મોટું બજાર હોવાથી વેપારીઓની પણ ખાસ્સી અવરજવર રહેતી હતી. ટૂંકમાં જે જૂનું અમદાવાદ છે એ તમામ પ્રકારના વેપારનું કેન્દ્ર ગણાય. આથી બહારગામથી વેપારીઓ અને ગ્રાહકો ખરીદી કરવા આવે ત્યારે તેમને ગુજરાતી ભોજન મળી રહે એ માટે અહીં પચાસ વર્ષ પહેલાં અનેક ડાઇનિંગ હૉલ ખૂલી ગયા હતા અને તેઓ સવાર-સાંજ માત્ર ગુજરાતી ભોજન પીરસતા.

એ ડાઇનિંગ હૉલની વાત કરું તો રતનપોળના માણેકચોક બાજુના નાકે ‘ચંદ્ર વિલાસ’, ‘વૈભવ’, ‘રાધે’ રતનપોળના રિલીફ રોડવાળા છેડે ‘ચેતના’ પાંચ કૂવા પાસે ‘પુરોહિત’ જેવા ડાઇનિંગ હૉલ ધમધમતા હતા. બીજી રેસ્ટૉરાં કરતાં તેમનો કન્સેપ્ટ જુદો હતો. તેઓ માત્ર અનલિમિટેડ ભોજન જ પીરસતા હતા. ગ્રાહકો ખરીદી કરીને થાકીને આવ્યા હોય અને મોજથી અલગ-અલગ પ્રકારની વાનગીઓ જેવી કે ગુજરાતી દાળ, ભાત, બે શાક, રોટલી અથવા પૂરી, એક ફરસાણ અને એક મિષ્ટાન તેમ જ સૅલડ-અથાણાં-પાપડ-છાશ. બસ, આ જ પ્રમાણેની થાળી હતી. પરંતુ સમય જતાં ફિક્સ થાળી પણ શરૂ થઈ, કારણ કે જે લોકોને વાજબી ભાવમાં ખાવું હોય તેમના માટે લિમિટેડ ફૂડ સાથેનો વિકલ્પ શરૂ થયો હતો. એક આડવાત કરવાનું તો ભુલાઈ જ ગયું કે અહીં જેનો ઉલ્લેખ થયો છે એ મોટા ભાગના ડાઇનિંગ હૉલ ભલે ગુજરાતી ભોજન પીરસતા હોય, પરંતુ એના માલિક અને રસોઈયા રાજસ્થાની હતા. આ જ પ્રમાણે ગુજરાત ઉપરાંત બીજાં શહેરોમાં પણ ડાઇનિંગ હૉલ ગુજરાતી થાળી પીરસે. ધાર્મિક અને ફરવાના સ્થળે જાઓ ત્યાં પણ ધરમશાળાઓમાં ગુજરાતી થાળી અને નાસ્તા મળે.

પરંતુ ખરી વાત હવે શરૂ થાય છે. ગુજરાતી થાળીઓ ખૂબ લોકપ્રિય થઈ અને એ પીરસતા ડાઇનિંગ હૉલ સમૃદ્ધ થયા એટલે શહેરના બીજા વિસ્તારોમાં ખાસ ગુજરાતી થાળીની રેસ્ટૉરાં કે ડાઇનિંગ હૉલ શરૂ થયા. એણે પણ ધૂમ મચાવી. લોકોને પણ ઘર કરતાં કંઈક અલગ ટેસ્ટનું ગુજરાતી ભોજન મળવા લાગ્યું એટલે પરિવર્તન માટે જવા લાગ્યા. પરંતુ જેમ-જેમ નવી પેઢી આવતી ગઈ, નવી-નવી રેસ્ટૉરાં આવતી ગઈ, સ્પર્ધા વધી તેમ-તેમ એમાં ફેરફાર થવા લાગ્યા. સ્પર્ધાના કારણે પહેલાં જે મર્યાદિત વાનગીઓ હતી એમાં વધારો થવા લાગ્યો, લોકોને અવનવી વસ્તુ બનાવીને આકર્ષવા માટે અને નવી પેઢીના સ્વાદને ધ્યાનમાં રાખીને ગુજરાતી સિવાયની વાનગીઓ હવે ગુજરાતી થાળીમાં ઘર કરવા લાગી હતી.

સૌ પહેલાં ગુજરાતી વાનગીઓની સાથે કાઠિયાવાડી, પછી રાજસ્થાની, ત્યાર બાદ પંજાબી, એનાથી આગળ વધીને ચાઇનીઝ અને હવે તો દુનિયાભરના સ્વાદ ગુજરાતી થાળીમાં સમાઈ ગયા જેમાં મિની પીત્ઝા, પાસ્તા, મેક્સિન ટાકોઝ અને નાચોઝ, મિની ઢોસા અને ઉત્તપા... શુંનું શું મળે છે! શાક, ફરસાણ, મિષ્ટાન બધામાં ફ્યુઝન ફૂડ થઈ ગયું જેમાં ગણતરીની વાનગીઓ જેવી કે ગુજરાતી ખાટી-મીઠી દાળ, કઢી, બટાટાનું શાક અને એકાદ ફરસાણ જ ગુજરાતી રહ્યું; બાકી આખા દેશ અને વિદેશની વાનગીઓ થાળીમાં ગોઠવાઈ ગઈ. વાનગીઓનું ફ્યુઝન તો ઠીક પણ એની સંખ્યા પણ એટલીબધી કે ન પૂછો વાત. એટલીબધી વરાઇટીની વાનગીઓ થાળીમાં મળે છે કે સર્વ થાય એટલે બધું એક વાર ચાખવામાં જ પેટ ભરાઈ જાય.

વાનગીઓમાં ગુજરાતીપણું નથી રહ્યું એ તો ઠીક પણ એની સાથે ગુજરાતી થાળીઓ મોંઘી પણ બહુ થઈ ગઈ. હવે તો સામાન્ય ડાઇનિંગ હૉલમાં પણ ચાર જણનો પરિવાર જમવા જાય તો ૧૦૦૦ની ઉપરનો ખર્ચ થઈ જાય છે. મિનિમમ ૩૦૦ રૂપિયાનો ભાવ થઈ ગયો છે. અમુક જગ્યાએ તો ૮૦૦ અને ૧૦૦૦ રૂપિયાનો થાળીદીઠ ભાવ હોય છે અને એટલીબધી વાનગીઓ ખવડાવે કે આખા વર્ષમાં જે વસ્તુ ખાવાની ઇચ્છા હોય એ એક જ દિવસમાં પૂરી થઈ જાય.

૪૨ વર્ષ જૂના ગોપી ડાઇનિંગ હૉલના દિલીપ ઠક્કર ગુજરાતી થાળીઓમાં કેવું ફ્યુઝન થઈ ગયું છે એ વિશે વાત કરતાં ગરબાનું ઉદાહરણ આપીને કહે છે, ‘ગરબા આપણું પરંપરાગત નૃત્ય છે અને પહેલાં શેરી ગરબા જ થતા, પરંતુ જેમ-જેમ જમાનો બદલાતો ગયો તેમ-તેમ પાર્ટી પ્લૉટમાં થવા લાગ્યા અને શેરી ગરબા જવલ્લે જ જોવા મળે છે.

એવી જ રીતે નવી પેઢીને ગુજરાતી સિવાયનું નવું-નવું ખાવું હોય છે તેથી નવી-નવી વાનગીઓ પીરસાય છે. વાલીઓ પોતાના બાળક પણ ટેસથી ખાય એ માટે બિનગુજરાતી સ્વાદની વાનગીઓ માગતા થઈ ગયા છે. બીજું, સમયની સાથે ગુજરાતી ઉપરાંત બિનગુજરાતી લોકો પણ ગુજરાતમાં વસવા લાગ્યા છે. એને કારણે હવે ગુજરાતી થાળી સંપૂર્ણ રીતે ગુજરાતી રહી નથી.’

જોકે મને આવું લાગે છે કે ગુજરાતમાં જ આ પ્રમાણે થયું હશે. તમે ઉત્તર ભારત, દક્ષિણ ભારત કે દેશના અન્ય ભાગોમાં જાઓ તો આવું જોવા મળતું નથી. પંજાબ, દિલ્હી, બિહાર કે ઉત્તર પ્રદેશમાં ત્યાંની સ્થાનિક વાનગીઓ જ થાળીમાં અપાય છે. જોકે ત્યાં થાળીને કન્સેપ્ટ એટલોબધો પ્રચલિત પણ નથી. તેઓ રાજમા-ચાવલ, કઢી-ચાવલ,

છોલે-કુલ્ચા, લીટ્ટી-ચોખા, બેડમી પૂરી જેવા કન્સેપ્ટ પ્રચલિત છે. દક્ષિણ ભારતમાં જાઓ તો પણ ત્યાં તમને ત્યાંના ટેસ્ટ સિવાયની કોઈ વાનગી મળતી નથી. જો કોઈ ગુજરાતી કે પંજાબી જાય તો રોટલી, ભાખરી કે પરાંઠાં મળતાં નથી. ત્યાંનાં પરાંઠાંનો અલગ જ ટેસ્ટ હોય છે. રાજસ્થાનમાં પણ ત્યાંની પરંપરાગત વાનગીઓ જ પીરસવામાં આવે છે. તો પછી આપણા ગુજરાતીઓએ તો બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે અને વસુધૈવ કુટુંબકમની ઉક્તિ સાર્થક કરીને દેશ-વિદેશની તમામ વાનગીઓ પોતાની થાળીમાં અને ટેસ્ટમાં અપનાવી લીધી છે અને પ્રેમથી આરોગે છે. તો બોલો ગુજરાતીઓનો જય જયકાર.

ચાલો મિત્રો, તો હવે તમે મને કહો કે ગુજરાતી થાળીમાં માત્ર ગુજરાતી વાનગીઓ જ હોવી જોઈએ કે એમાં બિનગુજરાતી વાનગીઓની જયાફત ઉડાવી શકાય?

Gujarati food indian food mumbai food