બેસતા વર્ષે મહેમાનોને કંઈક એવું પીરસો જે તેમણે ક્યાંય ન ચાખ્યું હોય

24 October, 2019 04:45 PM IST  |  મુંબઈ | દિવાળી સ્પેશ્યલ - મીતા ભરવાડા

બેસતા વર્ષે મહેમાનોને કંઈક એવું પીરસો જે તેમણે ક્યાંય ન ચાખ્યું હોય

દિવાળીમાં મહેમાનોને પિરસો નવી વાનગીઓ

મોટા ભાગે દિવાળી અને બેસતા વર્ષે હવે એકબીજાના ઘરે વિશ કરવા જવાનો વહેવાર બહુ ઘટી ગયો છે. એમ છતાં ખૂબ નજીકના સંબંધીઓ, વડીલો અને ફ્રેન્ડસર્કલમાં એકબીજાના ઘરે આવરોજાવરો રહેતો હોય છે. આ મુલાકાતો બહુ લાંબી નથી હોતી. થોડીક વાર બેસવાનું, ઊભડક વાતચીત કરવાની અને મોં મીઠું કરીને નીકળી જવાનું. ભલે આ મુલાકાત બહુ ટૂંકી હોય છે, પણ એમાં તમે શું પીરસો છો એ બહુ મહત્વનું છે. મહેમાનો બધે જ એકસરખા ફરસાણ, ડ્રાયફ્રુટ્સની મીઠાઈ, ચૉકલેટ્સ વગેરે ખાઈને કંટાળ્યા હોય છે ત્યારે તમે જો કંઈક દેખાવમાં પણ હટકે લાગે અને સ્વાદમાં પણ જુદું લાગે એવું પિરસો તો મજા પડી જાય. જોકે ઘણી ગૃહિણીઓ એવું માને છે કે ઘરે કંઈક બનાવવું એટલે તો બહુ કૂંથો થાય. કંઈક નવું બનાવવું હોય તો આખો દિવસ રસોડામાં જાય અને તહેવારમાં કોણ એવું કરે? બીજું, આપણે ઘરના બજેટને પણ ધ્યાનમાં રાખવાનું હોય એટલે મહેમાનોને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં બહારથી મોંઘીદાટ ચીજો લાવીને પણ ન પીરસી શકીએ. પણ સ્માર્ટ ગૃહિણી એને જ કહેવાય જે ઓછામાં ઓછો સમય કિચનમાં ગાળીને પણ કંઈક ડિફરન્ટ ક્રીએટ કરે અને એ ઘરના બજેટમાં પણ વધુ ભાર ન કરે. એ માટે તમારે થોડુંક બહારનું અને થોડુંક ઘરનું એમ મિક્સ ફ્યુઝન કરવું જોઈએ. ચાલો, તો આજે હું તમને એવી કૂકિંગ-ટિપ્સ આપું છું જેની મદદથી તમે ફ્યુઝન ક્રીએટ કરીને એવી કેવી ચીજો બનાવી શકો જે ચાખીને તમારા મહેમાનોના મોંમાંથી વાહ શબ્દ નીકળી જાય.

સૌથી પહેલી વાત તો એ કે તમે કયા તહેવાર માટેની તૈયારી કરો છો એ ધ્યાનમાં રાખવું. બીજું, એ કયા પ્રસંગ માટે છે. અત્યારે દિવાળીમાં જ્યારે મિત્રો-સ્નેહીઓ આવતા હોય છે ત્યારે તેમને આખી થાળી ભરીને વાનગીઓ પિરસવાની નથી હોતી. તમે પીરસો તોય લોકો માત્ર એકાદ બાઇટ જેટલું જ એમાંથી લેતા હોય છે. એટલે આજે આપણે એવી ચીજો જોઈશું જે બાઇટ સાઇઝની હોય. લોકો એક ટુકડો મોંમાં લે અને એનો સ્વાદ જીભ પર ઊતરતાં જ ‘ઓહો આવું તો કદી નથી ખાધું...’ એવો ઉદગાર નીકળી જાય તો તમારી મહેનત લેખે લાગી કહેવાય.

અને હા, આપણે જે વાનગીઓ બનાવીએ છીએ એ સ્વાદમાં તો અવ્વલ હોવી જ જોઈએ, પણ એનું પ્રેઝન્ટેશન પણ વિશિષ્ટ હોય તો અડધી બાજી તો તમે ત્યાં જ જીતી જાઓ. ચાલો, તો આજે જોઈએ શૉર્ટ ઍન્ડ સ્વીટ, ઇન્સ્ટન્ટ બની જાય એવી ફ્યુઝન વાનગીઓ. 

લોકલ બાસ્કેટ

સ્ટાર્ટર જેવી બાઇટ-સાઇઝ વાનગી પિરસવી હોય તો આ વાનગી બેસ્ટ છે. જોતાં જ મોંમાંથી પાણી આવી જાય એવી સજાવટ હશે તો બાસ્કેટનો સ્વાદ ઑર નિખરી ઊઠશે. સારી ક્વૉલિટીની ખસ્તા કચોરીઓ બહારથી લાવવા સિવાય બહુ મોટો ખર્ચ કરવાનો નથી. સમય પણ લાગશે દસેક મિનિટનો. બધાએ ખાસ્તા કચોરીમાં દહીં-ચટણી નાખીને તો ખાધું જ હશે, પણ તમે જે અલગ પૂરણ તૈયાર કરશો એ જ આ ડિશને યુનિક બનાવશે.

સામગ્રી

ચાર નાની ખાસ્તા કચોરી, અડધો કપ બટાટા (બાફીને ઝીણા સમારેલા), બે ટેબલસ્પૂન સિંગદાણા (બાફેલા), બે ટેબલ સ્પૂન મકાઈના દાણા (બાફેલા), એક ટેબલ સ્પૂન ગરમ મસાલો, એક ટેબલ સ્પૂન ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, જરૂર મુજબનો સ્વીટ ચિલી સૉસ

બનાવવાની રીત

કચોરીને એકદમ વચ્ચેથી કાપીને સરખા બે ભાગ કરી લેવાના. એમ કરવાથી બે વાટકી જેવું તૈયાર થશે. બીજી તરફ બટાટામાં બધી સામગ્રી નાખી મિક્સ કરી લેવું. તૈયાર કરેલી કચોરી વાટીમાં એ મિશ્રણ ભરી ઉપરથી સ્વીટ ચિલી સૉસ નાખી કોથમીરથી સજાવીને પિરસવું.

મહેમાનો એક બાઇટ કચોરી બાસ્કેટ ચાખશે ત્યાં જ વાહ બોલી ઊઠશે.

ખારી ચીઝી બાઇટ્સ

ઘઉંની નાની બાઇટ સાઇઝની ખારી બિસ્કિટનું એક પૅકેટ લાવી રાખ્યું હોય તો એમાં લગભગ ૩૦-૪૦ પીસ આવે. બાકી ઘરમાં રુટિન શાકભાજી તો હોય જ. ખાસ કાંદો કૅપ્સિકમ, કોથમીર-મરચાં જેવી ચીજો જ વાપરવાની રહેશે અને સમય પણ લાગશે વધુમાં વધુ દસથી પંદર મિનિટ.

સામગ્રી

૬-૮ મસ્કા ખારી બિસ્કિટ, એક કાંદો બારીક સમારેલો, એક કૅપ્સિકમ, બારીક સમારેલું, બે લીલાં મરચાં, બારીક સમારેલાં, પા કપ કોથમીર, સમારેલી, ૧ ટેબલ સ્પૂન ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, બે ચીઝ ક્યુબ, ખમણેલું

બનાવવાની રીત

મસ્કા ખારી બિસ્કિટમાં વચ્ચેથી કાણાં પાડો. કાંદા સાથેની બધી સામગ્રી મિક્સ કરો. એક બેકિંગ ડિશમાં બિસ્કિટ ગોઠવી લેવા. ઉપર સ્ટફિંગ સ્પ્રેડ કરો. તેના પર ચીઝ છાંટી પ્રી-હીટેડ અવનમાં નાખી પાંચ મિનિટ બેક કરીને સર્વ કરો.

ખારી બિસ્કિટ પણ ડેલિશ્યસ બની શકે છે કેમ કે તમે કયા કૉમ્બિનેશન અને પ્રેઝન્ટેશન સાથે રજૂ કરો છો એ મહત્વનું છે. 

રેડ મૂન ડીલાઇટ

આ વાનગી ‌ડિઝર્ટ અથવા તો ડ્રિન્કની ગરજ સારે એમ છે. એ માટે તમારે લગભગ પાંચથી દસ મિનિટ જ કિચનમાં ગાળવી પડશે. માત્ર કલિંગર લાવીને એનો જૂસ કાઢવાની મહેનત થાય. બાકી, બજારમાંથી સારી ક્વૉલિટીનાં નાનાં રસગુલ્લા લાવવા. અંગૂરી રબડીમાં વપરાય અેવાં અંગૂરી રસગુલ્લા હોય તો બેસ્ટ. પ્રમાણમાપ કેવું રાખવાનું એ જાણીએ.

સામગ્રી

૧૦૦ ગ્રામ નાના રસગુલ્લા

૪ કપ કલિંગરનો જૂસ

બનાવવાની રીત

જે દિવસે મહેમાનો વધુ આવવાના હોય એ દિવસે એક કલિંગર કાપીને એનો જૂસ કાઢી લેવો. પલ્પ સાથે જ એમાં અંગૂરી રસગુલ્લા નાખી ફ્રીઝમાં મૂકી દેવું. ત્રણથી પાંચ કલાક ઠંડું થશે એટલે રસગુલ્લામાં કલિંગરનો જૂસ એકદમ સરસ રીતે ઊતરી જશે.

જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે નાનાં શૉટ્સ માટેની પ્યાલી જેવા ગ્લાસમાં બે રસગુલ્લા સાથે વૉટરમેલન જૂસ સર્વ કરવો.

મહેમાન ચમચીથી રસગુલ્લા ખાશે ત્યારે તેમને ડિફરન્ટ ફ્લેવરના રસગુલ્લા ખાવાં મળશે અને વૉટરમૅલન જૂસને સ્વીટ કરવા માટે એકસ્ટ્રા કોઈ શુગર પણ નહીં વાપરવી પડે

indian food mumbai food