હું જે કાંઈ શીખી એ બધું મમ્મીને હેલ્પ કરતાં-કરતાં જ શીખી છું

21 October, 2020 03:41 PM IST  |  Mumbai | Rashmin Shah

હું જે કાંઈ શીખી એ બધું મમ્મીને હેલ્પ કરતાં-કરતાં જ શીખી છું

ભક્તિ રાઠોડ

અઢળક ગુજરાતી નાટક, અનેક ગુજરાતી ફિલ્મો અને સિરિયલ તથા હમણાં ભાખરવડીમાં ઊર્મિલા ઠક્કર બનીને ઑડિયન્સનું દિલ જીતી લેનારી ભક્તિ રાઠોડ માને છે કે ડાયટ કરતાં પણ ફૂડ-પૅટર્ન ચેન્જ કરવી અગત્યની છે. ભક્તિ પોતે રસોઈ બનાવતાં મમ્મી પાસેથી નથી શીખી, પણ મમ્મીને જોઈ-જોઈને શીખી છે. મિડ-ડેના રશ્મિન શાહ પાસે પોતાના ફૂડ-પ્રેમની વાત કરતાં ભક્તિ કહે છે, ‘શૂટિંગ અને શોને લીધે મને કુકિંગનો વધારે સમય નથી મળતો, પણ જ્યારે સમય મળે ત્યારે બ્લન્ડર મારવા માટે પણ હું કિચનમાં અચૂક જઈ આવું’

ફૂડની બાબતમાં હું ક્યારેય કોઈને એવું ન કહું કે હું ફૂડી છું. ના, જરાય નહીં. હું એમ કહું કે ફૂડની વાત આવે એટલે મારામાં ગાંડપણ જાગે. આ હકીકત છે. મેં જેટલું અને જેવું સ્ટ્રીટ-ફૂડ ટ્રાય કર્યું હશે એટલું કદાચ ગુજરાતી સ્ટેજ પર કોઈ ઍક્ટરે કદાચ નહીં કર્યું હોય. હું ખાવાની ગજબનાક શોખીન છું. બીજી વાત, મેં ક્યારેય કોઈ જાતનું ડાયટ કે ડાયટમાં જે રિસ્ટ્રિક્શન આવે એ ફૉલો નથી કર્યાં. સતત કામને કારણે બૉડી મેઇન્ટેન રાખવાનું હોય એ નૅચરલ છે અને એવું કરવા માટે તમારે ઘણી ફૂડ-આઇટમ છોડવી પડે એવું પણ બને. આવું ઘણા ઍક્ટર કરતા હોય છે, પણ મારા માટે આ સાચું નથી. હું તદ્દન ઊંધું કરતી હોઉં છું. મને જ્યારે પણ મારા ડાયટિશ્યન ફૂડ-ચાર્ટ આપે ત્યારે હું એ ચાર્ટમાં મારી રીતે ફેરફાર કરું અને એમાં જે આઇટમ લખી હોય એના કરતાં વિરુદ્ધની પણ હેલ્થની દૃષ્ટિએ એકદમ પૌષ્ટિક ગણાય એવી આઇટમ્સ એમાં ઍડ કરાવું અને પછી એ ચાર્ટનો ઉપયોગ કરું. મારું માનવું છે કે સવારે અને રાતે બૉડીને પ્રોટીન અને બાકીના સમયમાં બૉડીને પૂરતા પ્રમાણમાં આયર્ન અને કૅલ્શિયમ મળતાં રહેવાં જોઈએ. એક વાત મારે બધાને કહેવી છે કે તમે એક્સરસાઇઝ કરીને બૉડીને શેપઅપ કરી શકો, ટોનઅપ કરી શકો અને વધારાની ફૅટ ઉતારી પણ શકો, પણ બૉડીને હેલ્ધી રાખવા માટે તમારે ખોરાક પર જ ધ્યાન આપવું જોઈએ. મારે જ્યારે પણ બૉડીમાં જરૂરિયાત મુજબ ચેન્જ કરવાનું હોય ત્યારે હું ખાવાનું ઓછું નથી કરતી, પણ હું મારી ફૂડ-પૅટર્ન ચેન્જ કરું છું. દાખલા તરીકે રોજ લંચમાં શાક-રોટલી, દાળ-ભાત લેતી હોઉં તો હું એમાંથી ભાત બંધ કરી દઉં કે પછી લંચમાં બીજી કોઈ એક આઇટમ ચેન્જ કરી એની જગ્યાએ ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ જેવું કંઈ ઍડ કરું એટલે બૉડીને એની જરૂરિયાત મુજબ બધું મળી જાય. આખું ટિફિન ખાવાનું બંધ કરીને કે પછી માત્ર ફ્રૂટ કે પ્રોટીન બાર પર જીવવું મારા માટે અશક્ય છે. ખાલી પ્રોટીન બાર ખાઈને પેટ ભરવું કેવું લાગે! જમવામાં મને આખું લંચ જ જોઈએ અને બધી વરાઇટી જોઈએ. પ્રોટીન બાર કે ફ્રૂટ્સ હકીકતમાં ઇમર્જન્સી સાચવવા માટે છે. તમે કોઈ મીટિંગમાં છો કે પછી બીજા કામમાં છો અને તમને લંચ માટે ટાઇમ નથી મળવાનો તો એવા સમયે તમે પ્રોટીન બાર કે ચૉકલેટ ખાઈને થોડા સમય માટે તમારું લંચ ટાળી શકો, પણ આખું લંચ સ્કિપ કરવું મારી દૃષ્ટિએ યોગ્ય નથી.
મારી ફૂડ-પૅટર્નની વાત કરું તો હું સવારે જાગીને સૌથી પહેલાં ગરમ પાણી પીઉં. ગરમ પાણી સાથે લીંબુ અને સંચળ નાખવાનું મન થાય તો નાખું. સવારમાં પીધેલું ગરમ પાણી મેટાબોલિઝ્મ માટે સારું છે. ગરમ પાણી પછી ફ્રેશ થઈ થોડાં ડ્રાયફ્રુટ્સ અને એ પછી ચા. ચા મને સવારે જોઈએ જ. ચા વગર મારા દિવસની શરૂઆત ન થાય. ચા પીધા પછી કે પછી ઘણી વાર ચા સાથે નાસ્તો. નાસ્તામાં ભાખરી કે ખાખરા હોય, ચીલા હોય, પૂડલા હોય. એ પછી સીધું લંચ. લંચમાં મેં તમને કહ્યું એમ બધું હોવું જોઈએ; રોટલી-શાક, દાળ-ભાત, ફરસાણ અને અથાણું. અથાણાં મને અનહદ વહાલાં એટલે જમવામાં અથાણું તો જોઈએ જ. મમ્મી નીલાબહેન અમારે ત્યાં અથાણાં મોકલાવે છે. મમ્મીને વર્ષોની આદત કે એ જાતે જ અથાણાં બનાવે અને અમને બન્ને બહેનોને સાસરે મોકલે. ગોળકેરી, ગૂંદા-કેરીનું ખાટું અથાણું, ખાટાં-તીખાં મરચાંનું અથાણું. મમ્મી પૉલિટિક્સ સાથે સંકળાયેલાં છે એટલે કોઈ વર્ષે એવું બને કે અથાણું બનાવી ન શકે તો મમ્મીની ફ્રેન્ડ્સ અમારા માટે અથાણું બનાવીને મોકલાવે પણ અથાણું તો મારા ઘરે હોય જ હોય. લંચ પછી સાંજે ચા કે થોડો નાસ્તો. નાસ્તામાં મોસ્ટ્લી ફ્રૂટ્સ કે જૂસ હોય અને પછી ડિનર. ડિનરમાં દાળભાત કે સાઉથ ઇન્ડિયન આઇટમ હોય. વીકમાં એકાદ વાર ભાખરી અને ચા પણ હોય. મારી ડાયટિશ્યન મારા ફૂડમાં કિનોઆ, પાસ્તા ઍડ કરાવે, પણ હું એ બધું કઢાવીને એમાં ખીચડી, ભાખરી, પૂડલા જેવી આપણી ટ્રેડિશનલ આઇટમ ઍડ કરાવું. મેં તમને કહ્યું એમ, તમારા શરીરને યોગ્ય માત્રામાં હેલ્ધી ખોરાક મળે એ જરૂરી છે, પછી એ કયા સ્વરૂપમાં મળે છે એનું મહત્ત્વ રહેતું નથી. યાદ રાખજો કે એક્સરસાઇઝ ૨૦ ટકા, પણ તમારું ડાયટ તમારી હેલ્થ પર ૮૦ ટકા ભાગ ભજવે છે. જમ્યા પછી બધાને સ્વીટ જોઈએ, પણ મને ખાટું ભાવે એટલે જમ્યા પછી હું લીંબુ ઉપર થોડું સંચળ ભભરાવીને એનો ટેસ્ટ લઉં. મેટાબોલિઝ્મ માટે લીંબુ લાભદાયી છે.
બહારના ફૂડમાં મને ટિપિકલ અને ઑથેન્ટિક ફૂડ બહુ ગમે. મળે તો મેં એ ટ્રાય કર્યું જ હોય. હમણાં અમે ગોવા ગયાં હતાં. જો તમારે ટિપિકલ ગોવનીઝ ફૂડ ખાવું હોય તો તમારે નૉનવેજ ખાવું પડે. ગોવા જતાં પહેલાં જ મેં રિસર્ચ કરીને ૧૦૦ વર્ષ જૂની એક રેસ્ટોરાં શોધી, પણ એ લોકોએ પ્યૉર વેજ ફૂડ માટે ના પાડી દીધી. અરે, બિરયાની પણ બનાવી દેવાની ના પાડી એટલે ગોવાનીઝ ફૂડ ટેસ્ટ કરવા મળ્યું નહીં. બંગાળ જાઉં ત્યારે અચૂક ત્યાં પૂચકા ખાવાનાં. પૂચકા એટલે આપણી પાણીપૂરી. એ પાણીપૂરી તમે અહીં ખાઓ અને ત્યાં ખાઓ એમાં બહુ મોટો ફરક છે. ત્યાં પૂરી મોટી અને પાણી આંખમાંથી પાણી આવી જાય એવું તીખું હોય. અહીં મુંબઈમાં તમે ૧૦ પૂરી ખાઈ શકો અને ત્યાં ૩૦-૩૫ પૂચકા ખાધા પછી પણ તમને એમ જ થાય કે હજી ખાઈએ. બંગાળમાં સ્વીટ્સ તો ખાવાની જ. ઓડિશા જાઓ તો ત્યાં ગુપચુપ ખાવાનાં, ગુપચુપ એટલે આપણી પાણીપૂરી. મારાં મામા-મામી ઓડિશશ રહે છે એટલે જવાનું બને ખરું. ત્યાં રીતસર શરત લાગે કે કોણ વધારે ગુપચુપ ખાઈ શકે. ઓડિશામાં આલમ દહીંવડાં મળે. આલમ દહીંવડાં એટલે આલુ-દમ દહીંવડાં પણ આલુ-દમનું અપભ્રંશ થઈને એ આલમ દહીંવડાં બની ગયાં. આલમ દહીંવડાંમાં એક પાત્ર આપે, એમાં બટાટા નાખે, પછી એમાં વઘારેલી છાશમાં બોળેલાં વડાં નાખે. દહીં નાખે, ગ્રેવી હોય અને બધું પત્યા પછી એના પર રાગ નામનો સુક્કો મસાલો નાખે અને તમને ખાવા આપે. શું સ્વાદ હોય છે એનો. નાની હતી ત્યારે આ દહીંવડાં ૩ રૂપિયામાં મળતાં, અત્યારે એનો ભાવ ૪૦ રૂપિયા છે. સૌરાષ્ટ્રમાં ગયા હો એટલે લસણિયા બટાટા, ભાખરી, કાજુ-ગાંઠિયાનું શાક અચૂક ખાવાનું. પંજાબ ગયા હો તો ત્યાં કાલી દાલ અચૂક ખાવાની. મહારાષ્ટ્રમાં કોલ્હાપુર પાસે ઇન્દ્રાણી ભાત મળે છે. જાડો અને ચીકણો ભાત હોય, એમાં ઉપરથી ઘી નાખવાનું અને સાથે ઢેચો નામની આપણી લસણની ચટણી જેવી ચટણી હોય. અમારી નાટકની ટૂરમાં જો નજીક એટલે ૨૦૦-૩૦૦ કિલોમીટર સુધી જવાનું હોય તો હું મારી ગાડી લઈને જ જાઉં. રસ્તામાં જેટલાં ફૂડ-સ્ટૉપ કરવાં હોય એ કરવા મળે એવા પર્પઝથી.
ફૂડ-મેકિંગની વાત કરું તો એ મારાં મમ્મીએ મને શીખવ્યું છે, પણ બાજુમાં ઊભાં રહીને કે પછી ખાસ ટ્રેઇનિંગ આપતાં હોય એ રીતે નહીં. મમ્મી કામમાં બિઝી હોય, તેમનું કામ સતત ચાલતું હોય એટલે આખો દિવસ તેઓ બહાર હોય. બપોરના સમયે ૧૫ મિનિટ ઘરે આવે અને ફટાફટ બધી રસોઈ બનાવી નાખે, તેમનો હાથ કામમાં બહુ ફાસ્ટ. આવા સમયે જો ઘરે હોઈએ તો મમ્મીને કામમાં હેલ્પ કરવાની અને સાથે-સાથે શીખતાં જવાનું.


બ્લન્ડર તો થાય, પણ એનીયે મજા છે
કિચનમાં મારા હાથે બ્લન્ડર થાય, બહુ થાય, પણ એની પણ એક મજા છે. તમારા કિચન એક્સ્પીરિયન્સમાં નવો તડકો ઉમેરાઈ જાય. મારાં લગ્નને બે વર્ષ થયાં. હમણાં જ એક બ્લન્ડર માર્યું મેં. મારા હસબન્ડ ધીરજને ઇમ્પ્રેસ કરવા મેં ભીંડાનું શાક બનાવવાનું નક્કી કર્યું. મેં ભીંડા તો પલાળ્યા, પણ ભીંડા પલાળો એટલે ચીકણા થઈ જાય. મને તો એમ હતું કે મસ્ત ટેસ્ટી ભીંડા બનાવીશ, પણ બન્યું ઊંધું. ભીંડા ચીકણા થઈ ગયા એટલે મેં એમાં મીઠું-મરચું અને જીરુંનો મસાલો ઍડ કર્યો અને પછી ઉપરથી ચણાનો લોટ ભભરાવ્યો અને શાક બનાવ્યું. ચણાનો લોટ ચીકાશ સોશી લે. શાક તૈયાર થઈ ગયું અને સારું બન્યું. શાક પણ મારે જે બનાવવું હતું એનાથી સાવ જુદું જ બન્યું. બનેલા એ નવા શાકનું નામકરણ હજી કર્યું નથી. હું માનું છું કે તમે નૅચરલ રહીને રસોઈ બનાવો એ બહુ જરૂરી છે, બાકી બ્લન્ડર લાગે જ લાગે, પણ જો સહજ રીતે રસોઈ કરો તો જરાય બ્લન્ડર ન થાય અને ટેસ્ટી રસોઈ બને.

મારી ડાયટિશ્યન ફૂડ-ચાર્ટમાં કિનોઆ, પાસ્તા ઍડ કરાવે, પણ હું એ બધું કઢાવીને એમાં ખીચડી, ભાખરી, પૂડલા જેવી આપણી ટ્રેડિશનલ આઇટમ ઍડ કરાવું. મેં તમને કહ્યું એમ, તમારા શરીરને યોગ્ય માત્રામાં હેલ્ધી ખોરાક મળે એ જરૂરી છે, પછી એ કયા સ્વરૂપમાં મળે છે એનું મહત્ત્વ રહેતું નથી. જમ્યા પછી બધાને સ્વીટ જોઈએ, પણ મને ખાટું ભાવે એટલે જમ્યા પછી હું લીંબુ ઉપર થોડું સંચળ ભભરાવીને એનો ટેસ્ટ લઉં. મેટાબોલિઝ્મ માટે લીંબુ લાભદાયી છે.

Gujarati food Rashmin Shah