05 December, 2023 08:48 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
ઘઉં બરાબર પચતા નથી? તો ખપલી ઘઉં વાપરો, આવી સલાહ ન્યુટ્રિશનિસ્ટો દ્વારા કૉમન અપાતી થઈ ગઈ છે. ડાયટ કૉન્શિયસ લોકો વેઇટલૉસ માટે કે પછી પાચનની તકલીફો ઘટાડવા માટે સાદા ઘઉંની જગ્યાએ ખપલી ઘઉં વાપરતા થઈ ગયા છે. અચાનક જ એની આટલી ડિમાન્ડ ઊપડી છે ત્યારે જાણવું જરૂરી છે કે આ ઘઉં છે શું.
એક એવી માન્યતા છે કે આ ઘઉં જિનેટિકલી મૉડિફાઇડ છે, પણ એવું જરાય નથી. આ પણ એક પ્રકારના ઘઉં જ છે અને એ પણ સદીઓથી માણસોની ડાયટમાં રહ્યા છે. જે ‘એમહ્ વીટ’ના અંગ્રેજી નામે પણ ઓળખાય છે એ ખપલી ઘઉં આજથી દસ હજાર વર્ષ પૂર્વે ઇજિપ્ત અને ઇટલીમાં ફિરોનિક સમયમાં રોમન સૈન્ય અને પિરામિડ બનાવનાર મજૂરોનો મુખ્ય આહાર હતો. એ પછી ઇન્ડસવૅલી સિવિલાઇઝેશનના અંતે બીજા ઘણા આહારની સાથે આ ઘઉં પણ ભારતનો હિસ્સો બન્યા. હાલ મહારાષ્ટ્રનાં અમુક ગામડાંઓ ઉપરાંત કર્ણાટક, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં પણ જેની ખેતી થાય છે એવા ખપલી એના અનેક ફાયદાઓને લીધે સૌના ફેવરિટ બની રહ્યા છે. હવે તો ડાયટ કૉન્શિયસ લોકોને પણ એની રોટલીથી છોછ નથી રહ્યો.
શું છે એના ગુણ?
ખપલી ઘઉં કઈ રીતે સાદા ઘઉં કરતાં વધુ ફાયદાકારક છે એ જણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ખપલી ઘઉં વિટામિન્સ, ડાયેટરી ફાઇબર, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. ખપલી ઘઉં એવા જ ફાયદાઓ આપે છે જે મલ્ટિગ્રેનથી ઘણા નજીક છે. જે લોકો રોટલી ખાવાથી ઑબ્સેસ્ડ કે કન્ડિશન્ડ હોય છે, મતલબ જેમનું પેટ રોટલી વગર ભરાતું જ નથી તેમના માટે તો વેઇટલૉસમાં કે કોઈ પણ ડાયટ કન્ડિશનમાં એ ઉપયોગી સાબિત થાય છે. નૉર્મલી તો સાદા લોટ કરતાં ખપલી ઘઉં ખાવા વધુ હિતાવહ છે. ખપલી ઘઉંની અંદરના વિટામિન B3 અથવા નિયાસીન કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે, બ્રેઇન માટે ફાયદાકારક છે અને સંધિવાને અટકાવે છે. વધુમાં ખપલી ઘઉં મૅગ્નેશિયમ અને આયર્નથી સમૃદ્ધ હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન અને પોસ્ટ-પ્રેગ્નન્સી પણ ઍડ્વાઇઝ કરાય છે.’
મોંઘા છે પણ વર્થ છે
પાંચ કિલો રેગ્યુલર ઘઉંનો લોટ જ્યાં ત્રણસો રૂપિયા આસપાસ આવતો હોય ત્યાં ખપલી ઘઉંનો લોટ સાતસો-સાડાસાતસોની આસપાસ હોય છે. ત્યારે સવાલ એ થાય કે શું આ પણ મોંઘા ડાયટ ટ્રેન્ડનો જ ભાગ નહીં હોયને? જોકે એ મોંઘા કેમ હોય છે એ સમજાવતાં જુહુનાં જાણીતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એના આવા ઊંચા ભાવ હોવાનું કારણ એનું નૅચરલ પ્રોસેસિંગ છે. એના લીધે એના ફાયદાઓ પણ વધારે છે. એમાં આર્ટિફિશ્યલ ઇન્ટરૅક્શન બહુ જ ઓછું હોય છે. પ્લસ એનો લોટ ટ્રેડિશનલ વેમાં પથ્થરની ઘંટીની વચ્ચે દળીને બનાવવામાં આવે છે. અનાજમાં રહેલાં તમામ પોષક તત્ત્વો જળવાઈ રહે એની ખાતરી કરવા પરંપરાગત પથ્થરની ઘંટીમાં એને દળવામાં આવે છે. એના આવા નૅચરલ પ્રોસેસિંગને લીધે એના ભાવ વધારે હોય છે પણ સાથોસાથ એના ફાયદાઓ પણ અનેક છે.’
ક્યારે આ ઘઉં ફાયદાકારક?
ખપલી ઘઉં હાઈ ફાઇબર હોય છે એટલે એ ધીમે-ધીમે પચે છે અને લોહીમાં શુગર પણ ધીમે-ધીમે છૂટે છે. એ ઘઉંની રોટલી ખાધા પછી લાંબો સમય તમને ભૂખ નહીં લાગે એટલે વેઇટલૉસ કરવામાં મદદરૂપ થાય છે. હાઈ ફાઇબર હેલ્ધી શુગર અને લિપિડ લેવલ મેઇન્ટેન કરવામાં પણ મદદ કરે છે. ઘઉંના સ્થાને ખપલી ઘઉં સગર્ભા સ્ત્રીઓ માટે સારો વિકલ્પ થઈ શકે છે, કારણ કે એમાં આયર્ન, મૅગ્નેશિયમ, ઝિન્ક અને ફોલેટ જેવાં આવશ્યક પોષકતત્ત્વો છે જે માતા અને બાળકના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. એમાં રહેલો લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ એને કાર્ડિયોવૅસ્ક્યુલર ઇશ્યુઝ, ડાયાબિટીઝ અને વેઇટલૉસવાળા લોકો માટે કન્ઝ્યુમેબલ બનાવે છે.એનું ફાઇબર રિચ કન્ટેન્ટ કાર્બોહાઇડ્રેટના ડાઇજેશનને ડિલે કરીને ગ્લુકોઝ રિલીઝ કારવાની પ્રક્રિયાને ધીમી પાડીને શુગર લેવલ મેઇન્ટેન કરે છે, જે ડાયાબેટિક લોકોને પણ વરદાનરૂપ રહે છે.પાચનની તકલીફો હોય એ લોકો પણ આ ખાઈ શકે છે, કેમ કે એમાં સામાન્ય કરતાં ઓછું ગ્લુટન હોય છે.
ખપલી ઘઉં પોલિફિનૉલ્સનો ઉત્તમ સ્રોત છે જે એક મહત્ત્વપૂર્ણ ઍન્ટિઑક્સિડન્ટ છે. ખપલી ઘઉંનું નિયમિત સેવન કૅન્સર અને ન્યુરોડિજનરેટિવ ડિસીઝને રોકવામાં મદદરૂપ થાય છે.
પ્રોટીનથી ભરપૂર પ્રમાણ મસલ પાવર બિલ્ડ કરવામાં અને મસલ રિપેરિંગમાં પણ મદદ કરે છે. આ પ્રોટીન તમને લાંબા સમય સુધી ફુલ હોવાની ફીલિંગ આપે છે.
પચવામાં સરળ છે. રેગ્યુલર ઘઉંથી વિપરીત કબજિયાત અને ટાઇટ બોવેલ મૂવમેન્ટ ધરાવતા લોકોને માટે પણ ખપલી ઘઉં આસાનીથી પચાવી શકાય છે.
આનો લોટ કઈ રીતે બાંધવો?
ખપલી ઘઉંના લોટ ઉપરાંત એના હોલગ્રેન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ સિવાય એની સેવૈયા કે વર્મિસેલી પણ મળે છે જે દૂધ નાખીને પ્રૉપર ડિઝર્ટ તરીકે ખાઈ શકાય છે. યોગિતાબહેન કહે છે, ‘ખપલી ઘઉં પથ્થર પર દળેલા હોય છે અને એમાં ગ્લુટન ઓછું હોવાથી એનો લોટ થોડો જાડો હોય છે. નવશેકા ગરમ પાણીમાં એનો લોટ બાંધી શકાય છે. આ ઉપરાંત એમાં બીજા લોટ ઉમેરી મલ્ટિગ્રેનની જેમ પણ એનો લોટ બાંધી શકાય છે. એની રોટલી જાડી
બને છે.’
ગ્લુટન સેન્સિટિવિટી
ખપલીમાં રેગ્યુલર ઘઉં કરતાં ઓછું ગ્લુટન જોવા મળે છે એટલે એને ‘ગ્લુટન-ફ્રી’ લોટ પણ ગણાય છે. જે લોકોને લો ગ્લુટન ફાવતું હોય
એમના માટે આ વરદાનરૂપ છે. સીલિએક ડિસીઝ, જે એક પ્રકારનો ડાઇજેસ્ટિવ ડિસીઝ છે એના દરદી અને ગ્લુટન સેન્સિટિવિટીવાળા લોકો માટે આ ઘઉં શ્રેષ્ઠ વિકલ્પ છે, પણ એવા લોકોએ ઓછી માત્રામાં ડાયટિશ્યનની સલાહ લઈને આનો ઉપયોગ કરવો જોઈએ.