બેક યૉર ઑન બ્રેડ

24 January, 2020 03:59 PM IST  |  Mumbai | Sejal Patel

બેક યૉર ઑન બ્રેડ

બ્રેડ

છાશવારે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા ભારતના મુખ્ય શહેરોમાં મળતી મોટી બ્રેડની બ્રૅન્ડ્સમાં બ્રોમાઇડ અને અન્ય કેમિકલ્સની હાજરી હોવાના રિપોર્ટ્‌સ બહાર આવે છે. આ કેમિકલ્સ બૉડી માટે હાનિકારક છે એવું કહેવાય છે. જ્યારે પણ આવા રિપોર્ટ્સ આવે છે ત્યારે બ્રેડમેકર્સ બહાનું આપતાં હોય છે કે એ તો બેકિંગની પ્રોસેસ દરમ્યાન અમુક કેમિકલ્સ કુદરતી રીતે જ બ્રેડમાં પેદા થાય છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે મેંદા જેવી સિમ્પલ કાર્બોહાઇડ્રેટવાળી ચીજોને બહુ ઊંચા તાપમાને ઝટપટ બેક કરવામાં આવે છે ત્યારે આ કેમિકલ્સ પેદા થાય છે. જો મધ્યમ ટેમ્પરેચર પર ઘરે જ બેકિંગ કરવામાં આવે તો આવું કેમિકલ રિઍક્શન ટાળી શકાય છે.

તો ચાલો આજે ઘરે બ્રેડ કેવી રીતે બનાવી શકાય એ વિશે મુલુંડના બેકિંગ-એક્સપર્ટ હંસા કારિયા પાસેથી જાણીએ.

પ્રૂફિંગ સૌથી મહત્ત્વનું

ઘરે બ્રેડ બનાવવી હોય તો સૌથી પહેલાં એ માટે ઘરમાં કઈ-કઈ ચીજો હોવી મસ્ટ છે એની યાદી બનાવી લો. બ્રેડ બનાવવા માટેની સામગ્રી ઉપરાંત બ્રેડ માટેનાં ખાસ ટિન આવે છે એ પણ અલગ-અલગ સાઇઝનાં વસાવી લેવા જોઈએ. જોકે ઘરે બ્રેડ બનાવવી એ લાંબુ અને ધીરજ માગી લેતું કામ છે એટલે જો રાતના ડિનર માટે બ્રેડ જોઈતી હોય તો તમારે બપોરના ભોજન વખતે જ કેટલીક તૈયારીઓ કરી લેવી પડે. આ વિશે હંસા કારિયા કહે છે, ‘બ્રેડ બનાવવા માટે સૌથી મહત્ત્વનું કામ છે પ્રૂફિંગનું. જો પ્રૂફિંગ બરાબર થયું હોય તો અને તો જ બ્રેડ સારી બને. અને એ કામ એકથી દોઢ કલાકનો સમય માગે છે. સીઝન અનુસાર એમાં વધઘટ થાય. ગરમીની સીઝનમાં ૪૫ મિનિટમાં પણ પ્રૂફિંગ થઈ જાય, પરંતુ ઠંડીની સીઝનમાં દોઢેક કલાક જેટલો સમય લાગે. જ્યાં સુધી તમે બાંધેલો ડો સાઇઝમાં ડબલ ન થઈ જાય ત્યાં સુધી એની બ્રેડ બરાબર સૉફ્ટ બનતી નથી.’

ક્રીએટિવિટી

બ્રેડ ઉપરાંત પાંઉ, બર્ગર બન્સ, હૉટ ડૉગ લોફ્સ હોય કે પછી અલગ-અલગ ફ્લેવરની બ્રેડ્સ, બધાની રેસિપીમાં બેસિક ચીજો સરખી જ હોય, પરંતુ એ પછી થોડીક ક્રીએટિવિટી વાપરીને એમાંથી અવનવી ચીજો બનાવી શકાય. એ વિશે વધુ સમજ આપતાં હંસા કારિયા કહે છે, ‘તમને એક વાર બ્રેડનું કામ આવડી જાય એ પછીથી બ્રેડ, પાંઉ, હૉટડૉગ, મસાલા કે સ્વીટ બન કે એના જેવી ચીજોનું બેકિંગ કરવામાં બહુ ઝાઝી વાર નહીં લાગે. યીસ્ટ બરાબર ઍક્ટિવેટ થાય એ જોવાનું અહીં વધુ મહત્ત્વનું છે. બ્રેડનો ડો બનાવતાં આવડી જાય એ પછીથી એમાંથી અવનવી ક્રીએટિવિટી થોડાક માઇનર ચેન્જિસ સાથે બની જાય છે.’

બ્રાઉન બ્રેડનો ટ્રેન્ડ

આજકાલ લોકો મેંદાની બ્રેડને બદલે બ્રાઉન બ્રેડ વાપરે છે, લોકો માને છે કે એમાં ઘઉં હશે, પણ હકીકતમાં એવું નથી હોતું એ હવે સર્વવિદિત છે. એમ છતાં એમાં મેંદો ઓછો હશે એમ માનીને આપણે બ્રાઉન બ્રેડને જ વધુ હેલ્ધી માનીએ છીએ. હંસા કારિયા કહે છે, ‘મોટા ભાગે બ્રાઉન બ્રેડમાં લોકો કલર નાખે છે અથવા કૅરેમલ એસેન્સ નાખે છે જેને કારણે મેંદાનો સફેદ લોટ હળવો બ્રાઉન બને છે. એના બદલે જો તમે પ્યૉર ઘઉંના લોટની બ્રેડ બનાવો તો એ બ્રેડ બ્રાઉન રંગની નહીં પણ હળવો પીળાશ પડતો બ્રાઉન રંગ ધરાવે છે.’

એક વાર બ્રેડનું કામ આવડી જાય એ પછીથી બ્રેડ, પાંઉ, હૉટડૉગ, મસાલા કે સ્વીટ બન કે એના જેવી ચીજોનું બેકિંગ કરવામાં બહુ ઝાઝી વાર નહીં લાગે. યીસ્ટ બરાબર ઍક્ટિવેટ થાય એ જોવાનું અહીં વધુ મહત્ત્વનું છે. બ્રેડનો ડો બનાવતાં આવડી જાય એ પછીથી એમાંથી અવનવી ક્રીએટિવિટી થોડાક માઇનર ચેન્જિસ સાથે બની જાય છે.

- હંસા કારિયા, કુકિંગ એક્સપર્ટ

વેરિએશન્સ કેવાં-કેવાં થઈ શકે?

ફ્લેવર બ્રેડ

બ્રેડને ફ્લેવરફુલ બનાવવી હોય તો સાદી બ્રેડ માટેનો લોટ બંધાઈ જાય એ પછીથી એમાં ગાર્લિક પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર અને ત્રણથી ચાર ચમચી છીણેલી ચીઝ મેળવીને મિક્સ કરી દો અને પછી એ લોટના નાના-નાનાં લુઆ બનાવીને બેકિંગ ટ્રેમાં પાથરીને બેક કરો. આ લુઆ નાના હોવાથી એને બેક થતાં દસ-બાર મિનિટ જ લાગશે.

ચૉકલેટ વ્હીલ્સ

જેમ ચટણી પિનવ્હીલ્સ બનાવ્યાં એમ સ્વીટ રોલ્સ પણ બનાવી શકાય. એ માટે બ્રેડના રોલ્સ બનાવતી વખતે વચ્ચે ચટણીને બદલે છીણેલી ચૉકલેટ અથવા તો નટેલા ચૉકલેટ સ્પ્રેડ પાથરી દેવું અને એ પછીથી બેક કરવા મૂકવું.

હૉટ ડૉગ બ્રેડ્સ

બ્રેડ માટે જે લોટ તૈયાર કરાય છે એને હૉટ ડૉગ જેવા લંબગોળ શેપના લુઆ તૈયાર કરો. આ લુઆને પ્રૂફ કરવા માટે બેકિંગ ટ્રે પર થોડાક અંતર સાથે મૂકો. એની સાઇઝ મોટી થાય એટલે એની પર ઇટાલિયન હર્બ્સ નાખી શકો છો. ત્યાર બાદ દસથી પંદર મિનિટ માટે બેક કરશો એટલે ગરમાગરમ હૉટ ડાૅગ્સ તૈયાર.

ચટણી પિનવ્હીલ

બેસિક બ્રેડનો લોટ બનાવી લેવો. એ પછી ચટણી માટે એક કપ કોથમીર, પા કપ કોપરું, બે લીલાં મરચાં, એક ચમચી આદુંનું છીણ, પાંચ-છ લણસની કળીની પેસ્ટ, એક લીંબુનો રસ, એક કાંદો, એક ચમચી શુગર અને નમક સ્વાદાનુસાર મિક્સ કરીને ચટણી બનાવો. બ્રેડ માટેના લોટને વણીને એની પર ચટણી પાથરી દો અને પછી રોલ બનાવી લો. આ રોલને પાતળા ઓવલ શેપમાં કાપીને એના રોલ્સ તૈયાર કરો. આ બ્રેડના વ્હીલ્સને બેકિંગ ટ્રે પર પાથરીને દસથી બાર મિનિટ માટે બેક કરી લો.

indian food mumbai food sejal patel