લોકોને માતાજીની આડી હોય, મને પિતાજીની આડી છે મને કિચનમાં જવાની મનાઈ છે

15 April, 2020 08:03 PM IST  |  Rajkot | Rashmin Shah

લોકોને માતાજીની આડી હોય, મને પિતાજીની આડી છે મને કિચનમાં જવાની મનાઈ છે

છાશની કૉફી: નાના ભાઈએ કોલ્ડ કૉફી બનાવવાનું કહ્યું ત્યારે શ્રદ્ધાએ દૂધને બદલે ભૂલથી છાશની કૉફી બનાવી નાખી.

‘પપ્પા, તમને નહીં સમજાય’થી કરિઅરની શરૂઆત કરનારી અને આ વર્ષે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ માટે નૅશનલ અવૉર્ડ જીતનારી શ્રદ્ધા ડાંગર સાથે એક વાર એવું બન્યું કે તેના પપ્પાએ જ ઘરના તમામ સભ્યોને આદેશ આપી દીધો છે કે શ્રદ્ધાને કોઈએ કિચનનું કામ સોંપવું નહીં. એન્જિનિયર બનેલી આ ઍક્ટ્રેસે એ પછી પણ અમુક કુકિંગ એક્સપિરિયન્સ એવા કર્યા છે જે કોઈ પણ કૉમેડી સિરિયલના કિસ્સા જેવા લાગે છે. શ્રદ્ધા અહીં પોતાના એ  કિચનના એક્સપિરિયન્સ રશ્મિન શાહ સાથે શૅર કરે છે

ખાતાં મને બધું આવડે, કોઈ તકલીફ ન પડે પણ જો ખાવાનું બનાવતાં આવડવાની વાત હોય તો મને ગણીને ત્રણથી ચાર વરાઇટી આવડે. ચા, કોલ્ડ કૉફી, ભીંડાનું શાક, મૅગી અને પાસ્તા. બસ આપણું કુકિંગ નૉલેજ અહીં પૂરું થઈ ગયું. આનાથી વધારે મને કશું આવડતું નથી. આની પાછળનું કારણ છે. અમારા કાઠિયાવાડમાં માતાજીની આડી હોય છે. માતાજી જે કામની ના પાડે એ કામ નહીં કરવાનું, આને માતાજીની આડી કહે. કિચનમાં જવાની બાબતમાં મને માતાજીની નહીં પણ પિતાજીની આડી છે. મારા પિતાજીની. સાવ સાચું કહું છું હું. મારા પપ્પા વસંતભાઈએ ચોખ્ખી ના કહી છે કે કોઈએ શ્રદ્ધાને કહેવાનું નથી કે તે રસોડામાં આવે કે રસોડાનાં કોઈ કામ કરે. એને લીધે મને કોઈ ઘરમાં પણ કિચનનું કામ કરવાનો આગ્રહ કરતા નથી કે પ્રેશર પણ કરતા નથી એટલે મને જે કોઈ બેચાર વસ્તુ બનાવતાં આવડે છે એ પણ હું મારા માટે જ બનાવું છું અને એ પણ ઇમર્જન્સીના સમયમાં જ. ઘરે કોઈ ન હોય કે પછી બહારથી પાર્સલની અરેન્જમેન્ટ પણ થઈ શકે એમ ન હોય કે ફૂડ પાર્સલ આવે ત્યાં સુધી મારાથી રાહ જોવાય એમ ન હોય. આવી કન્ડિશનમાં જ હું કિચનમાં જાઉં અને એ પણ મેં ઉપર કહી એવી વરાઇટી બનાવવા માટે.

તમને નવાઈ લાગશે પણ મારા પપ્પાની ના હોવાના કારણે આજ સુધી બધાએ મને કિચનથી દૂર રાખી છે. ત્યાં સુધી દૂર કે મને રોટલી વણતાં આવડે છે, એ ગોળ પણ થાય પણ મને રોટલી તાવડી પર શેકતાં નથી આવડતી. રોટલી વણવાનું કામ પણ મારે ત્યારે જ કરવાનું જ્યારે મારી સાથે કોઈ હોય. રોટલી મારે વણવાની અને એને શેકવાની તૈયારી મારાં મમ્મી કે પછી મારી કઝિનની. ધારો કે એ પછી પણ હું એકાદ રોટલી શેકું તો પણ બને એવું કે કાં એ કાચી રહી જાય અને કાં તો એ અડધી બળી જાય.

હું કૉલેજમાં ભણતી ત્યારે અમારી કૉલેજની ફ્રેન્ડ્સ કોઈના ને કોઈના ઘરે નાઇટઆઉટનો પ્લાન બનાવે. એ નાઇટઆઉટમાં ઘરમાં કંઈ ને કંઈ બનાવવાનું હોય તો મેં એ જ કહ્યું હોય કે હું કોલ્ડ કૉફી કે પછી મૅગી બનાવી આપું. બીજું કંઈ બનાવવાનો આગ્રહ થાય તો પણ હું કહું કે બે વાર વિચારી લેજો, પછી તમારે પસ્તાવું પડશે અને જો પસ્તાવું ન હોય તો મને જે આવડે છે એ બનાવવા દો.

મને કિચનમાં નહીં જવા દેવા પાછળ એક નાનકડી ઘટના છે. બન્યું એવું કે એક વખત અમારા ઘરે ગેસ્ટ આવ્યા. ગેસ્ટ આવ્યા ત્યારે મને કહેવામાં આવ્યું કે હું કૉફી બનાવું. બહુ વર્ષો પહેલાંની વાત છે. એ સમયે હું સ્કૂલમાં ભણતી હોઈશ. મને કહેવામાં આવ્યું એટલે હું તો ચાલી કિચનમાં, કૉફી બનાવવા. કૉફી બનાવવાનું શરૂ કર્યું અને અડધી કૉફી બની હશે ત્યાં ગૅસ ખતમ થઈ ગયો અને ગૅસ બંધ થઈ ગયો એટલે હું એવી તે ગભરાઈ કે મેં ઉતાવળમાં એ જે કૉફીનું વાસણ હતું એ સાણસી કે કોઈ કપડાથી ઉપાડવાને બદલે સીધું હાથથી પકડીને નીચે ઉતારી લીધું, ગરમાગરમ તપેલી હાથથી ઉપાડી એમાં મારાં બધાં આંગળાં દાઝી ગયાં. પપ્પા બહુ ગુસ્સે થયા. મારા પર નહીં, ઘરના બધા મેમ્બર પર અને તેમણે એ દિવસે ઘરના બધાને કહી દીધું કે આજ પછી કોઈએ મને કિચનનું કામ સોંપવાનું નહીં અને હું કિચનમાં કોઈ કામ કરીશ નહીં. એ દિવસ અને આજનો દિવસ. ભાગ્યે જ મેં કંઈક બનાવ્યું હશે. ભાગ્યે જ કહેવાય એટલી વરાઇટી મને આવડે છે અને મારી ફૅમિલીમાં કોઈને એની સામે વાંધો પણ નથી.

એ દિવસ પછી હું સૌથી પહેલી જો કોઈ વરાઇટી શીખી હોઉં તો એ હતી કોલ્ડ કૉફી. એની સામે મારી ફૅમિલીનો કોઈ વિરોધ પણ નહોતો, કારણ કે કોલ્ડ કૉફી બનાવવામાં પપ્પાની દીકરી દાઝવાની નહોતી. જોકે એમાં પણ મારાથી બ્લન્ડર તો થયાં જ. એક કિસ્સો કહું તમને. એક વખત અમારે ત્યાં મારા બધા કઝિન અને નાના ભાઈ કેવલના ફ્રેન્ડ્સ આવ્યા. કેવલે ફરમાઈશ કરી કે બધા માટે તું કોલ્ડ કૉફી બનાવ. મને પણ મનમાં થયું કે આ બધાની સામે હું દેખાડી દઉં કે કેવી બેસ્ટ કોલ્ડ કૉફી બનાવું છું.

બધા માટે મેં નવા પ્રકારની કોલ્ડ કૉફી બનાવવાનું નક્કી કર્યું અને કોકો પાઉડર, ચૉકલેટ સિરપ અને આઇસક્રીમ જેવી વરાઇટી ઍડ કરીને મસ્ત લુકવાળી કૉફી બનાવું. મને એમ હતું કે હવે આ બધા બહારની કોલ્ડ કૉફી ભૂલી જશે. મનમાં આવી ઇચ્છા સાથે મેં ફ્રિજમાંથી દૂધનો બાઉલ લઈ મારું કામ શરૂ કર્યું અને મસ્ત ગાર્નિશિંગ સાથે બધા માટે કૉફી બનાવી અને સર્વ કરી. ત્યાં બધામાં બે બાળકો હતાં. ચૉકલેટ જોઈને તે તો ખુશ થઈ ગયાં અને એકઝાટકે ગટગટાવી ગયાં. મને થયું કે એ લોકોને બહુ ભાવી છે તો બીજી વાર તેમનો ગ્લાસ ભરી દઉં. હું એ કામ કરું એ પહેલાં તો મારા ભાઈએ મને કહ્યું કે કૉફી સહેજ ખાટી કેમ લાગે છે?        મેં ચેક કર્યું તો મને પણ ખાટી લાગી. મને થયું કે દૂધ બગડી ગયું હશે એટલે એવું લાગતું હશે પણ એવું નહોતું. થોડી વાર પછી ફરી ફ્રિજ ચેક કર્યું ત્યારે ખબર પડી કે મેં દૂધની નહીં પણ છાશની કૉફી બનાવી હતી! તમને એક વાત કહી દઉં, અમારા ઘરની છાશ એકદમ ઘાટી હોય. બીજા જો જુએ તો તેને દૂધ જ લાગે અને એ દિવસે તો મને પણ દૂધ જ લાગી હતી. એ દિવસે પેલાં બે નાનાં બાળકો સિવાય કોઈએ કૉફી પીધી નહીં. પણ હા, બધાએ એ ટસ્ટ તો ચોક્કસ કરી હતી. મારા ઘરના બાકીના ફૅમિલી મેમ્બરોએ પણ ચેક કરી અને બધા માટે એ એક્સ્પીરિયન્સ વન્સ ઇન અ લાઇફ ટાઇમ જેવો રહ્યો. એ ઘટના પછી હવે હું કૉફી સર્વ કરતાં પહેલાં અચૂક ટેસ્ટ કરું છું. ખાતરી હોય તો પણ ચેક કરી લેવાનું હું ભૂલતી નથી.

ભીંડીનું શાક અને બળેલી રોટલી

હું આજે તમને મારા ભીંડીના શાકની પણ રેસિપી કહું. ભીંડીનું શાક મારા હાથનું બધાને બહુ ભાવે પણ એમ છતાં કહી દઉં કે એ શાક આમ તો બ્લન્ડરમાંથી જ ઊભું થયું છે. બન્યું એવું કે હું શૂટ પર હતી અને મને ત્યાં ઘરનું ખાવાનું બહુ મન થયું. મેં નક્કી કર્યું કે હું આજે જાતે રસોઈ બનાવીને ખાઈશ. કદાચ મારી એ પહેલી ટ્રાય હતી. ભીંડા મને ભાવે પણ ખરા અને એ દિવસે મને માત્ર ભીંડા જ મળ્યા હતા. મેં ઘરે મમ્મી ભાવનાબહેનને ફોન કર્યો અને રેસિપી પૂછતી ગઈ. તેમણે મને સમજાવવાનું ચાલુ કર્યું અને મેં બનાવવાનું ચાલુ કર્યું. શાક બનાવવા મૂકીને હું રોટલી બનાવવા બેઠી. બે જ રોટલી બનાવવાની હતી એટલે મેં મમ્મીને કહ્યું કે હવે હું કરી લઈશ. ફોન મૂક્યો અને આખી રસોઈ રેડી થઈ, પણ જ્યારે શાક મેં ગૅસ પરથી ઉતાર્યું ત્યારે એ અડધું બળી ગયું હતું અને રોટલી તો મારી આંખ સામે જ બળી હતી એટલે એની તો મને ખબર હતી.

બળેલું શાક અને બળેલી રોટલી પ્લેટમાં લઈને હું જમવા માટે બેઠી અને મેં જમવાનું શરૂ કર્યું, પણ શું સ્વાદ આવ્યો છે! વાત નહીં પૂછો તમે. મેં બનાવ્યું હતું એટલે નહીં, ખરેખર સરસ બન્યું હતું. ભીંડો બળી જાય તો એની ક્રિસ્પીનેસ બહુ સરસ લાગે છે. મને તો ભાવતી હોય છે. અડધી કાચીપાકી રોટલી અને ક્રિસ્પી ભીંડી ખાવાની એ દિવસે મને મજા આવી અને એ પછી તો મેં ઇન્ટેન્શનલી એ શાક બાળીને બનાવવાનું શરૂ કર્યું. મેં જેને પણ એ ખવડાવ્યું છે એ બધાને મજા આવી છે. કાચીપાકી રોટલીની વાત નથી ચાલતી, વાત ભીંડીના શાકની છે એટલે એને જ બાળજો.હું રાજકોટની છું એટલે મારા ખાવાપીવાના શોખ થોડા જુદા છે. વાત રાજકોટની આવે એટલે મને રાજકોટની ટિપિકલ બટેટાની વેફર્સ સૌથી પહેલાં યાદ આવે. વેફર્સ અને લીલી ચટણી. હું રાજકોટ ગઈ હોઉં ત્યારે ઇન્ડસ્ટ્રીમાં પણ બધા મારી પાસે વેફર્સ અને ચટણી મંગાવે. જોકે મારા ફેવરિટ જો કોઈ હોય તો એ છે મમ્મીના હાથે બનેલો વઘારેલો રોટલો અને સેવ-ટમેટાનું શાક. મારા માટે આ બને જ બને અને ન બન્યું હોય તો મને લાગે નહીં કે હું ઘરે જમી છું.

Gujarati food indian food mumbai food