લૉકડાઉનમાં દરરોજ એક આઇટમ બનાવતાં શીખું છું

08 April, 2020 07:06 PM IST  |  Rajkot | Rashmin Shah

લૉકડાઉનમાં દરરોજ એક આઇટમ બનાવતાં શીખું છું

ઍક્ટર સુનીલ વિશ્રાણી

અનેક નાટકો, ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત અઢળક ટીવી-ઍડ્સમાં દેખાતા ઍક્ટર સુનીલ વિશ્રાણીની કોરોના-વેકેશન પહેલાં નાસ્તાઓમાં માસ્ટરી હતી, પણ આ વેકેશનમાં તેમણે રેગ્યુલર ફૂડમાં પણ એક્સપર્ટાઇઝેશન મેળવવાનું શરૂ કરી દીધું છે. ખાખરા સૅન્ડવિચ અને ખાખરા ભેળ જેવી વરાઇટી બનાવનારા સુનીલ વિશ્રાણી હવે ખીચડી, પુલાવ અને દાળભાત બનાવતાં પણ શીખી ગયા છે. થૅન્ક્સ ટુ કોરોના. તેમની રસોઈયાત્રા વિશે રશ્મિન શાહ સાથે થયેલી વાતો તેમના જ શબ્દોમાં... 

જેટલો મને ખાવાનો શોખ એટલો જ બનાવવાનો શોખ અને મારા આ શોખ પાછળ કોઈ એકાદ-બે મેન્ટર નથી. બહુબધી મહિલાઓ મેન્ટર છે. મારાં મમ્મી રમ્યાબહેનનું નામ સૌથી પહેલું આવે તો એ પછી નામ આવે મારાં મમ્મીનાં ફ્રેન્ડ પ્રભાઆન્ટીનું. તેમને ત્યાં જઈને રસોઈ શીખ્યો છું, તો મમ્મી અને આન્ટી પછી નામ આવે મારી કઝિન ખુશ્બૂનું. આ ત્રણ ઉપરાંત ફઈ કોકિલાબહેન અને વાઇફ બિજલ. આ બધાં પાસેથી કિચનમાં શું-શું બનાવી શકાય અને કેવી અલગ-અલગ રીતે બનાવી શકાય એનાં એક્સપરિમેન્ટ્સ હું શીખ્યો છું અને મને તેમણે શીખવ્યુ પણ છે.

માંડીને વાત કરું તો અમે કુલ ચાર ભાઈઓ. ઘરમાં જ્યારે મમ્મી રસોઈ બનાવતી ત્યારે અમારા ભાઈના ભાગે શાક સમારવાનું કે છાલ કાઢવાનું કે એવું નાનું-નાનું કામ આવે અને કિચનનું કામ આવે પણ ખરું. પાંચમા ધોરણમાં આવ્યો ત્યારથી આ બધાં કામની આદત પડી ગઈ હતી. જેમ-જેમ મોટો થતો ગયો એમ પાકશાસ્ત્રમાં રસ વધવા માંડ્યો અને મને રસોઈ શીખવાની ઇચ્છા થવા માંડી. ખરું કહું તો પ્રભાઆન્ટી પાસેથી શીખવાનું બહુ મન થતું. એનું કારણ પણ કહું. એક તો તેઓ મમ્મીનાં ફ્રેન્ડ એટલે અમારે ત્યાં તેમની અવરજવર રહ્યા કરે. બીજું એ કે આન્ટી રસોઈ બહુ સરસ બનાવે. રસોઈ પણ અને રસોઈનું પ્રેઝન્ટેશન પણ તેમનું બહુ સરસ હોય. ઇચ્છા એવી થતી કે આન્ટી પાસેથી કંઈક શીખું, પણ કૉલેજ અને નાટકોને કારણે એ શક્ય બન્યું નહીં. આ સિવાય પણ એક કારણ એ હતું કે અમે રહીએ મલાડ અને આન્ટી માટુંગામાં રહે. માત્ર રસોઈ શીખવા તો જઈ ન શકાય. આમ એ ઇચ્છા અધૂરી રહી ગઈ, પણ મારા પાકશાસ્ત્રને સતેજ બનાવવાનું કારણ પ્રભાઆન્ટી કરી ગયાં એ મારે સ્વીકારવું પડે.

સ્નૅક્સ અને શેક્સમાં માસ્ટરી

મને નાસ્તા બનાવતાં બહુ સરસ આવડે છે. કુકિંગમાં હું ફુલ ડિશ કહેવાય એવી આઇટમ શીખ્યો નથી, પણ નાસ્તામાં મારી માસ્ટરી ખરી અને એમાં પણ સૅન્ડવિચ, બર્ગર જેવી વરાઇટી જો કોઈએ મારા હાથની ચાખી હોય તો ગૅરન્ટી, તેને કાયમ માટે યાદ રહી જાય. મિલ્કશેકમાં પણ મેં જાતજાતની વરાઇટી ડેવલપ કરી છે. સ્ટ્રૉબેરી-નટ્સ શેક તમને બહાર ક્યાંય મળશે નહીં, પણ એ મેં ડેવલપ કર્યું છે. મૅન્ગો-આમન્ડ પણ તમને ક્યાંય ચાખવા ન મળે એ મિલ્ક શેક પણ મેં ડેવલપ કર્યું છે. બદામ અને કેરીનો સ્વાદ એકબીજામાં મર્જ થાય ત્યારે એનો સ્વાદ બિલકુલ નોખો થઈ જાય છે અને એ ટેસ્ટ નેરેટ ન કરી શકાય એવો હોય છે.

સ્નૅક્સમાં મારી કોઈ આઇટમ બહુ જાણીતી થઈ હોય તો એ છે ખાખરા-સૅન્ડવિચ. આ આઇટમ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, પણ આ મારા એક્સપરિમેન્ટનું પરિણામ છે. બહારનું કંઈ ખાવાનું મન ન હોય અને ઘરમાં ફટાફટ કંઈ બનાવવું હોય તો આ ખાખરા સૅન્ડવિચ બેસ્ટ છે. એ બનાવવાની રીત પણ સરળ છે. ખાખરા પર કોથમીરની ચટણી અને ટમૅટો કૅચઅપ બરાબર સ્પ્રેડ કરી દેવાનો અને એ પછી એના પર બારીક સમારેલાં ટમેટાં, કૅપ્સિકમ અને ઝીણી સુધારેલી કાકડી પાથરવાની. જો પ્લેન ખાખરા લીધા હોય તો પાથરેલાં આ વેજિટેબલ્સ પર ચાટ મસાલા કે જલજીરા પાઉડર છાંટવો અને જો મસાલા ખાખરા હોય તો ચાટ મસાલા નાખવાની જરૂર નથી. એક આડવાત કહી દઉં. હું જૈન છું. બટાટા, કાંદા કે ગાર્લિક જેવા કંદમૂળ હું ખાતો નથી, પણ જો તમે ખાતા હો અને તમારે એ નાખવા હોય તો નાખી શકાય. જોકે નહીં નાખો તો એનો ટેસ્ટ સરસ આવશે એની ગૅરન્ટી હું આપી શકું.

ખાખરા પર વેજિટેબલ્સ પાથરી દીધા પછી એના પર સેવ, ચીઝ અને કોથમીર પાથરી દેવાનાં અને આ ખાખરા પર બીજો ખાખરો ગોઠવી દેવાનો. આ બીજા ખાખરા પર પણ ચટણી અને કૅચઅપ લગાડવાનાં અને પછી બન્ને ખાખરાની આ સૅન્ડવિચના નાના ટુકડા કરીને એ પીરસવાની. આ ખાખરા સૅન્ડવિચ સાથે જો છાસ હોય તો એની મજા બદલાઈ જાય છે.

સુનીલ સ્પેશ્યલ ભેળ

મારી બીજી એક વરાઇટીની તમને વાત કહું. સુનીલ સ્પેશ્યલ ભેળ. આ માટે તમારે મેથીનાં થેપલાં બનાવીને એને ખાખરા જેવા કડક કરી નાખવાના. ખાખરા જેવા કડક થઈ ગયા પછી એનો ચૂરો કરી નાખવાનો. ખાખરાના આ ભૂકામાં ટમેટાં, કાકડી, સીઝન હોય તો કાચી કેરી, ચણાની તળેલી દાળ, કૅપ્સિકમ, દાડમ, સફરજન જેવી આઇટમ ઍડ કરી બધું મિક્સ કરવાનું અને પછી એ મિક્સ થયેલી વરાઇટી પર તીખી ચટણી ઍડ કરવાની. આ જે વરાઇટી છે એમાં નમકને બદલે સંચળ નાખવાનું અને ઉપરથી લીંબુ નાખવાનું, જરૂરિયાત મુજબ. આ ભેળ સાથે જો દહીં મળી જાય તો જલસો પડી જાય અને દહીં ન હોય તો છાસ પણ પી શકાય. આ બન્ને વરાઇટી તમને ભાવશે અને સૌથી સારી વાત તો એ છે કે આ બન્ને વરાઇટી પાંચ જ મિનિટમાં બની શકે છે.

બિસ્કિટ કેક અને સિન્ડ્રેલા

હું બિસ્કિટની કેક પણ બનાવું છું. બિસ્કિટ કેક બનાવતાં મને મારી કઝિન ખુશ્બૂએ શીખવી છે. મને યાદ છે એ કેક મેં પહેલી વાર બનાવી ત્યારે મારા નાટક ‘લાલીલીલા’ની  ટૂર ચાલતી હતી. પહેલી વાર બનાવેલી એ કેક મેં અમદાવાદ જતી વખતે નાટકની ટીમને ખવડાવી અને એ લોકોને એવી તે ભાવી કે તેમણે અમદાવાદમાં મારી પાસે એ કેક ફરી બનાવડાવી અને મેં હોટેલમાં બિસ્કિટ કેક બનાવી હતી. મારાં ફઈ કોકિલાબહેન પાસેથી મને સિન્ડ્રેલા બનાવતાં આવડ્યું છે. આ સિન્ડ્રેલા તમે ઘરે બનાવી શકો છો. એમાં સ્ટ્રૉબેરી સિરપ, વૅનિલા આઇસક્રીમ, ફૅન્ટા, મિલ્ક અને જેલી ઍડ કરવાનાં. બધી વરાઇટીનું એકેક લેયર બને અને એ લેયર બની ગયા પછી એ ગ્લાસમાં પીરસવાનું. આ સીધું નથી પીવાનું. પીતાં પહેલાં એને મિક્સ કરતા જવાનું અને પીતા જવાનું. ઘરે ચૉકલેટ બનાવવાનું કામ બહુ અઘરું નથી એવું મને લાગે છે, પણ ફ્લેવર્ડ ચૉકલેટ બનાવવી એ એક કળા છે. બ્રાઉન ચૉકલેટ, વાઇટ ચૉકલેટ, ક્રન્ચિસ ચૉકલેટ જેવી અલગ-અલગ ચૉકલેટની સાથે હું મિન્ટ ચૉકલેટ અને બટરસ્કૉચ ચૉકલેટ જેવી નવી કહેવાય એવી વરાઇટી પણ બનાવી શકું છું. અમારે ત્યાં દિવાળીના દિવસોમાં મોટા ભાગે તમને મારા ઘરે મારા હાથે બનેલી ચૉકલેટ જ ટેસ્ટ કરવા મળે. અમુક મિત્રો તો મજાકમાં કહે પણ ખરા કે ચૉકલેટ વધી હોય તો દિવાળી વિશ કરવા ઘરે આવીએ.

ચામાં દાળ-શાકનો મસાલો

ફૂડની બાબતમાં મારાથી બહુ બ્લન્ડર થયાં નથી, પણ હા, એક કિસ્સો મને યાદ છે. એક વખત હું અને મારો ભાઈ સુશીલ ઘરે હતા. ઘરમાં કોઈ નહીં અને મને ચા પીવાનું મન થયું. કિચન સાથે ઘરોબો તો ખરો એટલે કિચનમાં જતાં ડર લાગ્યો નહીં. હું તો ગયો કિચનમાં અને ચા બનાવવાનું શરૂ કર્યું. ચા બનાવતાં મારાથી ચાની પત્તી ડબલ નખાઈ ગઈ. થયેલી ભૂલને સુધારવા મેં દૂધ વધારે નાખી દીધું. મનમાં એમ કે વધારે બનેલી ચા થોડી વાર પછી અમે ભાઈઓ પી જઈશું. બધું નાખીને મસ્ત રીતે ચા પકાવવા મૂકી અને પછી છેલ્લે એમાં ચાનો મસાલો નાખ્યો. રેડી કરીને કપમાં ચા લીધી. જેવી પહેલી શિપ ચાની લીધી કે મોઢું આખું બગડી ગયું. હિંમત કરીને બીજી શિપ લીધી અને પછી સ્વાદ ઓળખ્યો તો ખબર પડી કે ચાનો મસાલો સમજીને જે પાઉડર નાખ્યો હતો એ ચાનો નહીં, પણ દાળ-શાકનો ગરમ મસાલો હતો. આમ એક જ ચામાં બે બ્લન્ડર માર્યાં, પણ એ બે બ્લન્ડર એ જીવનની પહેલી અને કદાચ અંતિમ ભૂલ. એ પછી કોઈ ભૂલ થઈ નથી.

વાઇફના રોજના ક્લાસ

મારાં મૅરેજને ૨૪ વર્ષ થયાં છે. આ ૨૪ વર્ષમાં મેં ક્યારેય રેગ્યુલર રસોઈ શીખવાની કોશિશ નહોતી કરી, પણ અત્યારે લૉકડાઉનના આ ટાઇમમાં હું વાઇફ બિજલ પાસે એ બધું શીખી રહ્યો છું. અમે નિયમ રાખ્યો છે કે દરરોજ એક આઇટમ બનાવતાં શીખવાનું. આમ લૉકડાઉનના આટલા દિવસોમાં મેં ઉપમાથી માંડીને પૌંઆ, સેવ ખમણી, પૂડલા, દાળ ઢોકળી, કેળાની ફ્રૅન્ચ ફ્રાઇઝ, દાળભાત, ખીચડી, પુલાવ જેવી અનેક આઇટમ શીખી લીધી છે. છેલ્લા બે દિવસથી હું બિજલ પાસે રોટલી શીખું છું, પણ સાચું કહું, અઘરું લાગે છે. મારી રોટલી ગોળ થતી નથી. રોટલી ગોળ નથી થતી એટલે મને બરાબર સમજાઈ રહ્યું છે કે રોટલી બનાવવી એ ખરેખર એક આર્ટ જ હશે.

ખાખરા પર કોથમીરની ચટણી અને ટમૅટો કૅચઅપ બરાબર સ્પ્રેડ કરી દેવાનાં અને એ પછી એના પર બારીક સમારેલાં ટમેટાં, કૅપ્સિકમ અને ઝીણી સુધારેલી કાકડી પાથરવાની. મસાલા ખાખરા હોય તો ચાટ મસાલા નાખવાની જરૂર નથી. ખાખરા પર વેજિટેબલ્સ પાથરી દીધા પછી એના પર સેવ, ચીઝ અને કોથમીર પાથરી દેવાનાં અને આ ખાખરા પર બીજો ખાખરો ગોઠવી દેવાનો. આ બીજા ખાખરા પર પણ ચટણી અને કૅચઅપ લગાડવાનાં અને પછી બન્ને ખાખરાની આ સૅન્ડવિચના નાના ટુકડા કરીને એ પીરસવાની. આ ખાખરા સૅન્ડવિચ સાથે જો છાસ હોય તો એની મજા બદલી જાય છે.

Gujarati food mumbai food indian food Rashmin Shah