એવી એવી જગ્યાઓ છે જ્યાં મળે છે ૫૧ પ્રકારનાં સ્વાદિષ્ટ પફ

11 November, 2019 02:48 PM IST  |  Ahmedabad | Pooja Sangani

એવી એવી જગ્યાઓ છે જ્યાં મળે છે ૫૧ પ્રકારનાં સ્વાદિષ્ટ પફ

સ્વાદિષ્ટ પફ ખાવા પહોંચી જાઓ અહીંયા

કેમ છો મિત્રો, દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે અને બાળકોને પણ હવે વેકેશન પૂરું થવા આવ્યું છે ત્યારે હવે ખાવા-પીવાની વાત તો કરવી જ પડે. વેકેશનમાં તમે ઘરના નાસ્તા અને બહારનું જમણ ખાઈને કંટાળી ગયા હો તો હવે અવનવી વરાઇટીની વાતો કરીશું. પફ કે પફ પેટીસ એ એવી વરાઇટી છે જે આજકાલ ફુલ ડિમાન્ડમાં છે. જેમ વડાપાઉં, સૅન્ડવિચ, ભેળ અને પીત્ઝા વગેરેની ડિમાન્ડ ક્યારેય ઓછી થતી નથી અને સૌને ભાવે છે એમ પફ પણ સૌને પ્રિય હોય છે. જોકે આજે આપણે સામાન્ય પફ નહીં પરંતુ પફની અવનવી વરાઇટીની વાતો કરીશું.
એવું કહેવાય છે કે ખાણી-પીણીની કોઈ વાનગીનો ઉદ્ભવ થાય ત્યારે એના મૂળ સ્વરૂપમાં ખાવાની શરૂઆતમાં ખૂબ મજા આવે છે અને લોકો હોંશે-હોંશે ખાય છે, પરંતુ એ વાનગી જેમ-જેમ જૂની થવા માંડે છે એમ લોકો એમાં કંઈક ને કંઈક વરાઇટી માગતા હોય છે. આવી જ વાત પફમાં બની છે. ખારી બિસ્કિટ જેવા નરમ અને ખસ્તા પડની વચ્ચે બટાટાનો તીખો માવો  ભરેલું પફ ખાવાની ખૂબ મજા આવતી હતી અને આવે છે, પરંતુ ધીરે-ધીરે એમાં પણ વરાઇટી આવી અને આજકાલ તો ૫૦ જેટલી વરાઇટીનાં પફ મળે છે.
પફ મૂળ તો ભારતીય વાનગી નથી, પરંતુ એનું સંપૂર્ણપણે ભારતીયકરણ થઈ ગયું છે. એવું કહેવાય છે કે એનું મૂળ નામ પફ પેસ્ટ્રી છે અને પહેલાં એ મીઠી અને પછી ધીરે-ધીરે સંશોધન થઈને નમકીન થવા લાગી. ભારતમાં તો શરૂઆતમાં અમુક બેકરીઓ પોતાની રીતે પફ બનાવવાનું શરૂ કરેલું અને પોતાના ગ્રાહકોને પીરસતી હતી. ધીરે-ધીરે એ ખૂબ લોકપ્રિય થઈ. ઓછી કિંમતમાં એક પફ મળતું હતું, બીજું, એ કોરાં આવે અને એ બેસીને ખાવાની જરૂર નહીં. પફ ખરીદી લો અને ચાલતાં કે પ્રવાસ કરતાં ખાઈ શકાય. વળી એક પફ ખાવાથી પેટ ભરાઈ જતું અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એટલે નાના-મોટા સૌને ભાવવા લાગ્યાં. પછી તો દુકાનથી લઈને લારીઓ સુધી આવી ગયાં. વડાપાંવ, દાબેલી, પીત્ઝા અને ફાસ્ટફૂડ પીરસતાં પાર્લરોમાં પફ મળતાં થઈ ગયાં.
મોટી બેકરીવાળા ધંધાદારી ધોરણે હોલસેલમાં પફ બનાવવા લાગ્યા અને નાના-મોટા ખૂમચા અને દુકાનોમાં વેચવા લાગ્યા. આ બેકરીઓમાં સવારે ૪ વાગ્યે પફ બનવાની શરૂઆત થાય છે એ ૭ વાગ્યા સુધી સેંકડોની સંખ્યામાં પફ બનાવી દે છે. ત્યાર બાદ જ્યાં-જ્યાં ઑર્ડર હોય ત્યાં સપ્લાય કરવામાં આવે છે. આ પફની અંદર બટાટા, ડુંગળી અને વટાણાનો માવો હોય છે અને કહેવાય છે કે લાંબો સમય ટકે એ માટે એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવતાં હોઈ શકે છે. એટલે કોઈ અજાણી જગ્યાએ સાંજે પફ ખાતાં પહેલાં એક વાર એની તાજગીની ખરાઈ કરી લેવી યોગ્ય છે. વળી હવે તો ચાઇનીઝ પફ જેમાં નૂડલ્સ, કોબી, કૅપ્સિકમ અને કોબિજનું સ્ટફિંગ હોય છે, પંજાબી કે છોલે પફ જેમાં છોલે ચણા, પનીર પફમાં પનીર વગેરે મળે છે.
હવે એનાથી પણ આગળ જઈએ તો એવી વરાઇટી મળે છે કે સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે. ચાઇનીઝ સેઝવાન પફ જેમાં સેઝવાન સૉસ નાખેલો હોય છે. વેજિટેબલ પફ જેની અંદર કાકડી, ટમેટાં, ડુંગળી અને મેયોનીઝ નાખેલું હોય છે, શિંગ-સેવ પફ જેની અંદર મેયોનીઝ ઉપરાંત મસાલા શિંગ અને સેવનું મિશ્રણ નાખેલું હોય છે. બીજી પફની વરાઇટી બાબતે આ લેખની અંદર યાદી આપી છે એ જોઈ શકાય. આ બાબતે ઘણા-બધા બેકર્સ જોડે વાત કરી તો તેમનું એવું કહેવું હતું કે આવાં વરાઇટી પફની શરૂઆત આણંદ અને વિદ્યાનગરમાં થઈ હતી, કારણ કે વલ્લભ વિદ્યાનગર શહેર કહેવાય છે અને તેમને ભાવે એ માટે કોઈકે બટાટાના સાદા પફને વચ્ચેથી કાપીને અંદર સ્વાદ પ્રમાણેનું સ્ટફિંગ ભરીને પીરસવાનું શરૂ કરેલું. એ પછી ધીરે-ધીરે અમદાવાદ સહિતનાં શહેરોમાં શરૂ થયું હતું.
અમદાવાદમાં બે ભાઈઓ અભિષેક શેઠિયા અને અમિત શેઠિયાએ પોતાના સ્ટોરમાં વરાઇટી પફ પીરસવાનું શરૂ કર્યું હતું અને લોકપ્રિયતા મેળવી છે. આ વિશે માહિતી આપતાં અભિષેક કહે છે કે ‘તેઓએ શરૂઆતમાં વેજિટેબલ પફ અને ચીઝ પફથી શરૂઆત કરી હતી અને ધીરે-ધીરે ફ્યુઝન પફ બનાવવાનો આઇડિયા આવ્યો અને એની શરૂઆત કરતાં લોકોને પસંદ આવવા લાગ્યાં. લોકોનો અભિપ્રાય મેળવીને દર ત્રણ-ચાર મહિને નવી વરાઇટી લૉન્ચ કરીએ છીએ. ઉનાળા દરમ્યાન અમારી ‘સમર ચાટ પફ’ જેની અંદર તીખી મમરી, કાચી કેરી, ચીઝ અને ચાટ મસાલો નાખીને તૈયાર કરાયો એ લોકોને પસંદ આવી હતી.’
અમિત શેઠિયાએ જણાવ્યું હતું કે ‘અમારા પફની શેલ્ફ લાઇફ ૩૬થી ૪૦ કલાક હોય છે અને અમે વિદેશમાં મોકલવાનું પણ શરૂ કર્યું છે. કિંમત અમારા માટે મહત્ત્વની નથી, પરંતુ લોકોને આનંદ આવે એવી વરાઇટી શોધીને ફ્યુઝન પફ વેચવાનું અમારું લક્ષ્ય છે. વાનગીઓમાં જો તમે વરાઇટી ન આપો તો લોકોનો ટેસ્ટ ધીરે-ધીરે બદલાવા લાગે છે. આથી જૂની વાનગીમાં ફ્યુઝન આજકાલ બહુ ચાલે છે. અમારા પફમાં મુખ્યત્વે ચીઝ અને મેયોનીઝનો બેઝ વધારે હોય છે.’
જૂના અમદાવાદના સારંગપુર વિસ્તારમાં લક્ષ્મી બેકરી નામની ઓછામાં ઓછી ૫૦ વર્ષ જૂની લક્ષ્મી બેકરી આવેલી છે. તેણે પફના આકારમાં ફેરફાર કરીને ભારે લોકપ્રિયતા મેળવી હતી. મુખ્યત્વે બધે અર્ધ ત્રિકોણાકાર અને લંબચોરસ આકારનાં પફ મળતાં હોય છે અને અંદરના ભાગે સ્ટફિંગ ભરેલું હોય. આથી વચ્ચે જ તમને બટાટા અને બીજા સ્ટફિંગનો ટેસ્ટ મળે, જ્યારે આજુબાજુમાં ખારી બિસ્કિટ જેવું લાગે, પણ આ લક્ષ્મી બેકરીવાળાએ ગોળાકાર પફ ચાલુ કર્યાં જેને પફ પેટીસ નામ આપ્યું. આલુ ટિક્કી જેટલી સાઇઝના પફની ઉપર લાલ અને લીલી ચટણી નાખીને આપે. લોકોમાં એવી લોકપ્રિય થઈ કે પછી તો લાઇન લાગવા માંડી અને તમે જ્યારે જાઓ ત્યારે લાઇન હોય અને માગને પહોંચી વળવા માટે સતત ગરમાગરમ પફ દેશી વનમાં બેક થતાં હોય. એટલે લોકોને એનું પણ કુતૂહલ થયું, કારણ કે અન્ય દુકાનો અને બેકરીઓમાં પફ બનાવીને એક ટ્રેમાં મૂકી રાખવામાં આવતાં હોય અને ગ્રાહક માગે ત્યારે અવન કે તવા પર ગરમ કરીને અપાતાં હતાં, પરંતુ અહીં તો દેશી ભઠ્ઠી જેવા અવનમાંથી ગરમાગરમ ઊતરતાં તાજ્જાં પફ ખાવાની મજા પડી ગઈ લોકોને. પછી તો તેમણે અપગ્રેડ થઈને વરાઇટી પફ શરૂ કર્યાં, જેમાં પંજાબી પફ એટલે બટાટામાં લસણ-ડુંગળીવાળાં તીખાં તમતમતાં પંજાબી પફ, છોલે પફ, ચાઇનીઝ પફ, પાસ્તા પફ, પનીર પફ જેવી વરાઇટી કરી અને એ પણ ખાસ્સી લોકપ્રિય છે. ગાંધીનગર સેક્ટર-૨૧માં પણ લક્ષ્મી બેકરી છે અને એ પણ રાઉન્ડ શેપનાં પફ વેચે છે.
નડિયાદ, આણંદ, કડી જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે ત્યાં બેકર્સ ૪૦ જાતનાં કે ૫૧ જાતનાં પફ મળશે એવાં બોર્ડ મારીને આકર્ષવાનો પ્રયાસ કરે છે. નડિયાદની પ્રખ્યાત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નજીક એક શેડ બનાવીને એક યુવકે મારુતિ જનરલ સ્ટોરના નામે ધંધો શરૂ કર્યો, પરંતુ પછી પફમાં વરાઇટી પીરસવા માંડી એ એટલી ચાલી કે એને ત્યાં વિદ્યાર્થીઓનો તડાકો પડે છે. અલગ-અલગ પ્રકારનાં બાવન જાતનાં પફ વેચે છે. પફના બેઝમાં તો વેજિટેબલ પફ જ હોય છે, પરંતુ અંદર સ્વાદ પ્રમાણેનું સ્ટફિંગ નાખીને એનો એક ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે. તમને આશ્ચર્ય થશે કે મલાઈ પફ અને ક્રીમ ઍન્ડ અનિયન વેફર પફ પણ લોકોને જીભે લાગેલાં છે.

ahmedabad Gujarati food