આ પાંચ જગ્યાનું ઊંધિયું ન ખાધું તો શું ખાધું!

14 January, 2020 06:02 PM IST  |  Mumbai Desk | sejal patel

આ પાંચ જગ્યાનું ઊંધિયું ન ખાધું તો શું ખાધું!

ઠંડીની સીઝનમાં જે ખાસ દાણાવાળા શાકભાજી મળે છે એનું લીલા મસાલાઓ સાથેનું શાક એટલે ઊંધિયું. ઊંધિયું નામનો અર્થ આમ તો ઊંધું એટલે કે અપસાઇડ ડાઉન થાય. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે ઊંધિયું એ હકીકતમાં ઊંબાડિયામાંથી ઊતરી આવ્યું છે. માટલામાં વાલોળ, પાપડી, રિંગણ, કંદ, બટાટામાં મસાલો ભેળવીને જમીનમાં ઊંધું દાટી દેવામાં આવતું અને એની ઉપર આગ જલાવીને એને પરોક્ષ ગરમી દ્વારા પકવવામાં આવતું. એ ઉંબાડિયાને માટલાને બદલે કડાઈમાં અને ડાયરેક્ટ ચૂલામાં રાંધવાની શરૂઆત થઈ અને એમાંથી પેદા થયું ઊંધિયું. કડાઈમાં હોવાને કારણે એમાં મસાલાના પ્રયોગો થયા અને એમાંથી જે સૌની દાઢે વળગી ગયું એ સુરતી ઊંધિયું કહેવાયું, જેમાં લીલું લસણ, કંદ, શક્કરિયાં, રાજગિરી કેળાં, બીયાં વિનાની કાકડી, નાનાં રીંગણ અને સુરતમાં જ મળતી વાલ પાપડી આગળ પડતાં હોય છે. મેથીના મુઠિયાંનો સ્વાદ કેવો છે એ પણ ઊંધિયાનો ખરો સ્વાદ નક્કી કરે છે. 

ચાલો, તો મુંબઈના દાયકાઓ જૂનું ફેમસ ઊંધિયું ક્યાં મળે છે એની સફરે.

ઑથેન્ટિક સુરતી ઊંધિયું
મુંબઈમાં એક-બે દાયકાથી રહેતા હોય એવા કોઈને પણ પૂછશો કે ક્યાંનું ઊંધિયું બેસ્ટ? તો એક જ જવાબ આવે, હીરાકાશી. અહીંની ખાસિયત એ છે કે રોજ સુરતથી તાજાં શાકભાજી આવે. સી.પી. ટૅન્ક પાસે આવેલી આ જગ્યા ૮૫ વર્ષ જૂની છે જે ઓરિજિનલી સુરતથી આવેલા હીરાલાલભાઈએ શરૂ કરેલી. હાલમાં તેમની ત્રીજી પેઢી બકુલેશ શાહ અને ગૌરાંગ શાહ એ ચલાવે છે. અહીં દર સીઝનમાં ચારેક મહિના માટે ઑથેન્ટિક સુરતી ઊંધિયું મળે છે. અસ્સલ સુરતી ઊંધિયું એ જ કહેવાય જેમાં તેલ તરબતર થતું હોય. બકુલેશભાઈ કહે છે, ‘જોકે આજકાલ લોકો ડાયટ-કૉન્શ્યસ થઈ ગયા હોવાથી તેલ ઓછું પ્રીફર કરે છે એટલે ઊંધિયું બની ગયા પછી એને નિતારી લેવામાં આવે છે. અસલ સુરતી ખાનારાઓ સામેથી તેલવાળું માગે ત્યારે નિતારેલું તેલ અમે નાખી આપીએ છીએ.’
બારેમાસ શનિ-રવિ અહીં ઊંધિયું મળે છે અને એમાંય શિયાળામાં ચાર મહિના દરરોજ મળે. સુરતથી જેટલો ફ્રેશ માલ મળે એ મુજબ જ પાંચ કિલોથી લઈને પચાસ કિલો સુધીનું ઊંધિયું બને. સ્વાદમાં પૂછવાનું જ ન હોવાથી અહીં તમે જેટલા વહેલા પહોંચી જાઓ એટલું સારું છે.
ક્યાં?: ૨-૪, વિઠ્ઠલભાઈ પટેલ રોડ, મરીન લાઇન્સ ઇસ્ટ, કાવસજી પટેલ ટૅન્ક, ભુલેશ્વર
ક્યારે?: સવારે ૭થી રાતે ૯ સુધી (સોમવારે બંધ)
ભાવ?: ૫૬૦ રૂપિયા કિલો

મુંબઈની અનેક દુકાનમાં પહોંચે છે આ ઊંધિયું
મુંબઈની દરેક ગુજરાતી ફરસાણ અને મીઠાઈની શૉપમાં તમને ઊંધિયું તો મળતું જ હોય છે, જોકે બધા જ લોકો પોતાને ત્યાં બનાવતા નથી હોતા. જે લોકો જાતે નથી બનાવતા એ લોકો ઊંધિયા સ્પેશ્યલિસ્ટ કૅટરર પાસેથી મગાવે છે. કાંદિવલીમાં ફૅક્ટરી ધરાવતું ગુંજન કૅટરર એમાં અગ્રેસર છે. પચીસેક વર્ષ પહેલાં સુધીર દેવાણીએ ઘરઘરાઉ ઑર્ડર મુજબ ઊંધિયું બનાવી આપવાનું કામ શરૂ કરેલું જેનો સ્વાદ લોકોને એટલો દાઢે વળગ્યો છે કે આજે મુંબઈભરના ફરસાણવાળાઓને ત્યાં રોજેરોજ લગભગ બસોથી અઢીસો કિલો ઊંધિયું પહોંચાડાય છે. સુધીરભાઈ ઊંધિયાવાળા કહે છે, ‘અમારે ત્યાં મોડી સાંજથી કારીગરો શાકભાજી ફોલવા અને સાફ કરવા બેસી જાય છે. મુઠિયાં પણ અમે જ બનાવીએ. અમારું ખરું કામ શરૂ થાય રાતે બે-અઢી વાગ્યે. શાક સાફ થઈ ગયા પછી એમાંથી ઊંધિયું બનાવવાનું કામ અડધી રાતે જ થાય. સવારે ચાર-પાંચ વાગ્યા સુધીમાં બધું તૈયાર થાય એટલે પૅકિંગ કરીને બધી શૉપ્સમાં પહોંચાડવા માટે માલ રવાના કરવાનો હોય. સવારે સાતથી નવ દરમ્યાન મુંબઈભરમાં માલ પહોંચાડી દેવાય.’
ગુંજન કૅટરર્સની ગુજરાતી પુરણપોળી પણ મુંબઈભરની ફરસાણ શૉપ્સમાં પહોંચે છે.
ક્યાં: ૭૦૧, જીવન આનંદ, પટેલ નગરની પાછળ,
કાંદિવલી-વેસ્ટ.

ઊંધિયું પુલાવ
તેલથી તરબતર ઑથેન્ટિક ઊંધિયું ન ખાવું હોય પણ ઓછા તેલવાળું અને બાફેલાં શાકભાજીથી બનેલું ખાવું હોય તો બાબુલનાથ સામે આવેલા સોઅમમાં જવું પડે. અહીં ઊંધિયું, પૂરી અને રાયતું સાથે પીરસવામાં આવે છે. જો તમે બધે મળતાં ઊંધિયું-પૂરીથી કંટાળ્યા હો તો અહીં ઊંધિયુ-પુલાવનો ઑપ્શન પણ છે. આ ગ્રીન પુલાવમાં ઊંધિયામાં પડતા તમામ શાકભાજી છે જેનો સ્વાદ પણ ઊંધિયા જેવો જ છે. એને ગુજરાતી કઢી અને પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.
ક્યાં : સોઅમ, સદગુરુ સદન, બાબુલનાથ રોડ, ચોપાટી, ગિરગાંવ.
ક્યારે : બપોરે ૧૨થી રાતે ૧૧ સુધી
ભાવ : ઊંધિયું-પૂરી (૩૫૦ રૂપિયા), ઊંધિયું-પુલાવ (૩૨૦ રૂપિયા)

ઑન્લી સીઝનલ ઊંધિયું
૧૯૫૨માં ઘાટકોપર-ઈસ્ટમાં મોરબીથી આવેલા પુરુષોત્તમ કંદોઈ હરિભાઈ દામોદરની મીઠાઈની શૉપમાં માત્ર અને માત્ર રવિવારે જ ઊંધિયું મળે છે. જોકે આ દુકાનમાં વેચાતી એક પણ ચીજમાં કાંદા-લસણ નથી હોતા એટલે ઊંધિયામાં ભલે લીલું લસણ બહુ જ મહત્ત્વનું ગણાતું હોય, અહીં એ નહીં મળે. જોકે અહીંનું ઊંધિયું ટેસ્ટ કરતાં જ શુદ્ધ સિંગતેલમાં પાપડી, કંદ, શક્કરિયા, લીલી પાપડી, લીલવાના દાણા, સૂરણ, રીંગણ, કેળાં, ટમેટાંની સાથે કોપરું-સિંગદાણાના ભૂકાનો સ્વાદ જીભ પર અલગ તરી આવે છે. શૉપનું સંચાલન સંભાળતા ત્રીજી પેઢીના ભૂપેનભાઈ મીઠાઈવાળા કહે છે, ‘અમે ત્યારે જ ઊંધિયું બનાવીએ છીએ જ્યારે એમાં પડતા બધાં જ શાકભાજી અવેલેબલ હોય. સીઝન ઢળતાં જ શાકભાજી મળવાનું ઘટી જાય તો અમે ઊંધિયાની ક્વૉન્ટિટી પણ ઘટાડી દઈએ. સ્વાદમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નહીં. એટલે જ અમારે ત્યાં દર રવિવારે બપોરે
બાર-એક વાગતાં સુધીમાં ઊંધિયું ઊપડી જ ગયું હોય છે.’

જૈન, સ્વામીનારાયણ અને સુરતી
સીઝન હોય કે ન હોય, તમારે ઊંધિયું ખાવું જ હોય તો એ માટે ઘાટકોપરની વલ્લભબાગ લેનના ટિપ ટૉપ ફરસાણમાં પહોંચી જવું પડે. એટલું જ નહીં, ત્રણ પ્રકારનાં ઊંધિયા મળે. સુરતી ઑથેન્ટિક ઊંધિયું જેમાં ભારોભાર લીલું લસણ અને ગરમ મસાલા છે જે ખાતાં જ એવી તીખાશ વર્તાય કે સિસકારા બોલી જાય. બીજું છે જૈન ઊંધિયું જેમાં કોઈ પણ પ્રકારના કંદ કે લસણ વપરાતાં નથી. ત્રીજું છે સ્વામીનારાયણ ઊંધિયું. આ એવા લોકો માટે છે જે લોકો કાંદા-લસણ નથી ખાતાં, પરંતુ કંદ ખાવાની છૂટ ધરાવે છે. લસણ વિનાનું ઊંધિયું પણ સ્વાદમાં બેસ્ટ. કાઉન્ટર પર બેઠેલા નિર્મલભાઈ ખેતિયા કહે છે, ‘અમે બારેમાસ ઊંધિયું બનાવીએ છીએ. જે પણ શાકભાજી અવેલેબલ હોય એમાંથી બેસ્ટ ઊંધિયું બનાવાય. શિયાળાની સીઝનમાં ક્વૉન્ટિટી વધુ હોય અને તમામ સુરતી શાક મળતાં હોવાથી વધુ ઑથેન્ટિક ઊંધિયું બને.’
ક્યાં : વોરા અપાર્ટમેન્ટ, શૉપ નં ૨, વલ્લભબાગ લેન, અચીજા રેસ્ટોરાં પાસે, ઘાટકોપર-ઈસ્ટ
ક્યારે: સવારે ૬.૩૦થી રાતે ૯.૩૦
ભાવ : ૪૦૦ રૂપિયા કિલો

આ જગ્યાઓ પણ ચૂકવા જેવી નથી
૧. ખીચડી- ધ ગ્લોબલ ફૂડ: વિલે પાર્લે વેસ્ટ, વિદ્યાવિહાર-વેસ્ટ, મુલુંડ-વેસ્ટ, બોરીવલી-ઈસ્ટ.
૨. શ્રી ઠાકર્સ ભોજનાલય, કાલબાદેવી
૩. સુરતી હોટેલ : કાલબાદેવી

Gujarati food mumbai food indian food sejal patel