આ એવી વાનગીઓ છે જેના વિના કોઈ ફંક્શન શરૂ જ ન થાય

22 November, 2019 03:34 PM IST  |  Mumbai | Hansa Karia

આ એવી વાનગીઓ છે જેના વિના કોઈ ફંક્શન શરૂ જ ન થાય

સ્પ્રિંગ રોલ

ફ્રેન્ડ્સ સર્કલનું ગેટ-ટુગેધર હોય, સોશ્યલ ફંક્શન હોય કે ઇવનિંગ પાર્ટી, દરેક પ્રસંગે ભોજનની શરૂઆત કરતાં પહેલાં મન્ચિંગ કરી શકાય એવા સ્ટાર્ટર્સનું સ્થાન બહુ મહત્ત્વનું ગણાય છે. સ્ટાર્ટરમાં શું છે એ પરથી જમણવાર કેવો હશે એનો અંદાજ લગાવી શકાય. ઘરમાં પણ મિત્રોની નાની-મોટી બેઠકો મળે ત્યારે વાતોની સાથે બાઇટ-સાઇઝની આ ચીજો ખાવાની મજા પણ કંઈક ઑર છે. બહુ હાઇ-ફાઇ નહીં, પરંતુ બેઝિક કહેવાય એવી સ્ટાર્ટર્સની રેસિપી શીખી લેશો તો ઓછી મહેનતે પ્રસંગની શાન વધી જશે.

સ્પ્રિંગ રોલ

સામગ્રી

☞ પૂરણ માટે : ૧ વાટકો મિક્સ વેજિટેબલ્સ

☞ કોબીજ અને કૅપ્સિકમ ઝીણાં સમારેલાં

☞ ગાજર પાતળી સ્લાઇસમાં કાપેલું

☞ લીલા કાંદા સમારેલા

☞ એક ચમચી મરચાં અને લસણની પેસ્ટ

☞ અડધો કપ નૂડલ્સ

☞ ઑઇલ અને નમક જરૂરિયાત પ્રમાણે

☞ એક મોટી ચમચી કૅચઅપ

☞ અડધી ચમચી લીલાં મરચાં ઝીણાં સમારેલાં

☞ પા ચમચી કાળાં મરીનો પાઉડર

☞ અડધી ચમચી વિનેગર

☞ અડધી ચમચી સોયા સૉસ

☞ રોટી માટે ઃ એક કપ મેંદો, એક ચમચી રવો, નમક સ્વાદાનુસાર, બે ચમચી તેલ, ચપટીક બૅકિંગ પાઉડર

બનાવવાની રીત

એક પેનમાં થોડું તેલ લઈને ગરમ કરો. એમાં લીલાં મરચાંની પેસ્ટ, લસણ અને આદું નાખો. બરાબર સંતળાય એટલે બધાં જ વેજિટેબલ્સ નાખીને બરાબર હલાવો. સ્વાદાનુસાર નમક ઉમેરો. બધાં જ શાકભાજી થોડાં કાચાં અને થોડાં પાકાં થાય એટલે એમાં બાફેલા નૂડલ્સ ઉમેરો. એના પર કાળાં મરી, વિનેગર, સોયા સૉસ અને કૅચઅપ ઉમેરીને બરાબર હલાવો.

હવે રોટલી માટેની બધી સામગ્રી મિક્સ કરીને થોડો કડક લોટ બાંધો અને ૧૫થી ૨૦ મિનિટ રેસ્ટ કરવા દો. ગુલ્લા પાડીને એની રોટલી વણો અને ત્રાંસી કાપો. ત્રાંસી કાપેલી પટ્ટીઓની બન્ને સાઇડ પર સહેજ પાણી લગાવો અને એમાં ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ ભરો. સ્ટફિંગ ભરીને બે સાઇડ્સ પ્રૉપરલી બંધ કરી દો અને મધ્યમ આંચે ડીપ ફ્રાય કરી લો. રોલ તૈયાર થઈ જાય એટલે ત્રણથી ચાર પીસ કાપીને ગરમાગરમ સર્વ કરો.

તંદૂરી પનીર

સામગ્રી

☞ એક ટમેટું

☞ એક લીલું કૅપ્સિકમ

☞ એક બેલ પેપર

☞ એક મીડિયમ સાઇઝનો કાંદો (સ્ક્વેરમાં કાપેલો)

☞ પનીરના ટુકડા (મીડિયમ સ્ક્વેર સાઇઝમાં કાપેલું)

☞ બટર જરૂરિયાત પ્રમાણે

☞ એક કપ દહીં

☞ એક મોટી ચમચી તંદૂરી મસાલો

☞ પાંચથી છ લસણની કળીની પેસ્ટ

☞ બે ચમચી ટમેટો કૅચઅપ

☞ એક ચમચી કસૂરી મેથી

☞ એક ચમચી લાલ મરચાંનો પાઉડર

બનાવવાની રીત

એક નૉન-સ્ટિક પૅન લો. એમાં એક ચમચી બટર લો. સ્ક્વેરમાં કાપેલાં તમામ શાકભાજી અને પનીરને રોસ્ટ કરો. ધીમી આંચ પર એ બધાને કાચુંપાકું જ રાંધવાનું છે.

દહીંમાં તંદૂરી મસાલો, ચાટ મસાલો અને નમક ઉમેરો. લસણની પેસ્ટ, કૅચઅપ, કસૂરી મેથી, લાલ મરચું ભેગું કરીને બરાબર મિક્સ કરો. એમાં રોસ્ટ કરેલાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરો. ૧૫થી ૨૦ મિનિટ એમ જ રહેવા દો.

ફરીથી પૅન પર થોડું બટર લો અને હવે વેજિટેબલ તથા પનીરના એક-એક ટુકડાને ઍડ કરો. બરાબર રોસ્ટ થાય એટલે ટૂથપિકમાં લેયરની રીતે પરોવીને સર્વ કરી શકાય એવા બાઇટ્સ તૈયાર કરો.

હરાભરા કબાબ

સામગ્રી

☞ એક કપ લીલા ચણા (આખી રાત પલાળી રાખેલા)

☞ એક કપ પાલક (ઝીણી સમારેલી)

☞ એક નાનો કાંદો (બારીક સમારેલો)

☞ બે મોટી ચમચી ફુદીનો (બારીક સમારેલો)

☞ બે મોટી ચમચી કોથમીર (સમારેલી)

☞ એક-બે બ્રેડ સ્લાઇસ (ગ્રાઇન્ડ કરેલી)

☞ એક ચમચી ગરમ મસાલો અથવા તંદૂર મસાલો

☞ એક ચમચી ચાટ મસાલો

☞ નમક સ્વાદાનુસાર

☞ એક ચમચી આદું (વાટેલું)

☞ એક ચમચી લીલાં મરચાં (વાટેલાં)

☞ સજાવટ માટે કાજુના ટુકડા

બનાવવાની રીત

ચણા અને પાલકને મિક્સ કરો. એમાં જરાય પાણી ઉમેર્યા વિના એને ગ્રાઇન્ડ કરી લો. પાલકના પાણીની મદદથી ચણાની સ્મૂધ પેસ્ટ બની જશે, એમાં સમારેલાં કાંદા, ફુદીનો, કોથમીર, આદું-મરચાં નાખો. સ્વાદાનુસાર નમક, ચાટ મસાલો, ગરમ મસાલો અને ગ્રાઇન્ડ કરેલી બ્રેડને બરાબર મિક્સ કરીને પંદરથી વીસ મિનિટ માટે મૂકી રાખો.

તળવા માટે તેલ ગરમ મૂકો. તૈયાર કરેલા મિશ્રણની ટિક્કી જેવું બનાવો. એના પર કાજુનો ટુકડો ચોંટાડો અને ડીપ ફ્રાય કરવા મૂકો. ધીમી આંચે રતાશ પડતી લાલ ટિક્કી થાય એટલે બ્લોટિંગ પેપર પર કાઢી લો.

તેલ શોષાઈ જાય એટલે ચટણી કે સૉસ સાથે ગરમાગરમ સર્વ કરો.

વેજ કનાલી

સામગ્રી

☞ બેથી ત્રણ કપ દહીં

☞ એક લીલું મરચું (સમારેલું)

☞ એક મોટી ચમચી ઝીણો સમારેલો કાંદો

☞ બે-બે મોટી ચમચી ફુદીનો અને કોથમીર (બારીક સમારેલી)

☞ પાંચથી છ સ્લાઇસ મેંદાની બ્રેડ

બનાવવાની રીત

દહીંને એક કૉટનના કપડામાં લઈને એમાંથી પાણી નિતારી લો. એ ડ્રાય થઈ જાય એટલે દહીંના પ્રમાણ જેટલું જ પનીર એમાં મિક્સ કરો. એક લીલા મરચાની રિંગ્સ બનાવીને એમાં ઉમેરો. સ્વાદાનુસાર નમક ઉમેરો. કાંદા, ફુદીનો અને કોથમીર ઉમેરો અને બધાને મિક્સ કરી લો. બ્રેડની સ્લાઇસની કિનારી કાઢીને એને વેલણથી વણી લો. એમાં પેલું તૈયાર કરેલું પૂરણ ઉમેરો અને બ્રેડની કિનારીએ પાણી લગાવીને ફોલ્ડ કરીને બૉલ જેવું બનાવી દો. બૉલને સહેજ ચપટો કરીને તેલમાં ઊંચી આંચે તળી લો.

ડેકોરેશન માટે : તૈયાર બ્રેડના દડાને બે ભાગમાં કાપો. ગ્રીન, રેડ અને યલો કૅપ્સિકમને સહેજ બટર સાથે રોસ્ટ કરી લો અને એના પર ચાટ મસાલો છાંટીને તૈયાર કરો. આ કૅપ્સિકમના ટુકડા અને તૈયાર થયેલા બ્રેડરોલને ટૂથપિકમાં પરોવીને સર્વ કરો. એના પર છીણેલું ચીઝ પણ નાખી શકાય.

લૉલીપૉપ

સામગ્રી

☞ બે મોટા બટાટા (બાફીને ચોળેલા)

☞ પા કપ બાફીને સ્મૅશ કરેલા મકાઈ દાણા

☞ નમક સ્વાદાનુસાર

☞ એક ચમચી ઝીણું સમારેલું મરચું

☞ એક ચમચી આદુંનું છીણ

☞ એક ચમચી ચાટ મસાલો

☞ એક ચમચી ગરમ મસાલો અથવા તંદૂરી મસાલો

☞ એકથી બે બ્રેડ (ગ્રાઇન્ડ કરેલી)

☞ ચીઝના નાના ટુકડા

☞ તળવા માટેની ચીજો ઃ મેંદો અથવા કૉર્નફ્લોર, તળવા માટે તેલ

બનાવવાની રીત

ચીઝ સિવાયની તમામ સામગ્રીને એક બોલમાં મિક્સ કરો. ૧૫થી ૨૦ મિનટ માટે રહેવા દો. ચીઝના નાના ટુકડા કરી લો. ટૂથપિક પર સ્મૂધ સાઇડ પરથી ચીઝનો ટુકડો પરોવો અને એની આજુબાજુ તૈયાર કરેલું પૂરણ લગાવીને લૉલીપૉપ જેવો શેપ તૈયાર કરો. તૈયાર કરેલી લૉલીપૉપ્સને કૉર્નફ્લોર અથવા મેંદામાં રગદોળીને તૈયાર રાખો. તેલ બરાબર ગરમ થાય એટલે ફાસ્ટ ગૅસ પર એને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

એમાં ફ્લેવર માટે તમે પૂરણમાં ફુદીનો અને કોથમીરનાં પાન પણ ઉમેરી શકો છો.

Gujarati food indian food mumbai food