આ સ્વીટલવર્સનાં ઘરોમાં શુગરને છે નો એન્ટ્રી

28 February, 2020 04:21 PM IST  |  Mumbai Desk | Varsha Chitaliya

આ સ્વીટલવર્સનાં ઘરોમાં શુગરને છે નો એન્ટ્રી

અમારું સૂત્ર છે તન કી શક્તિ, મન કી શક્તિ ઘી-ગોળ ઘી-ગોળ
અમે બધા મકોડા જેવા ગળકુડા છીએ. ફરક એટલો કે મકોડા ખાંડ તરફ દોડે અને અમે ગોળ તરફ દોડીએ. મિષ્ટાન્ન ખાધા વગર દિવસ પૂરો ન થાય. એય પાછું ગોળમાંથી બનાવેલું મિષ્ટાન્ન. ગોળ પણ કેવો? દેશી ગોળ જ. પિયર હોય કે સાસરું, નાનપણથી જ અમારા ઘરમાં ૩૬૫ દિવસ ગોળનું વર્ચસ્વ રહ્યું છે. અમે રહ્યા પટેલ જ્ઞાતિના; બાજરાનો રોટલો, દેશી ઘી અને દેશી ગોળ આ ત્રણ વસ્તુ વગર ભાણું ન મંડાય. અમારી ફૅમિલીનું સૂત્ર છે તન કી શક્તિ, મન કી શક્તિ ઘી-ગોળ ઘી-ગોળ.
લગભગ બધી જ રસોઈમાં ગોળ વાપરીએ છીએ. સાંજના સમયે ભૂખ લાગે ત્યારે પણ રોટલીને ચોળી એમાં ઘી-ગોળ નાખી ચૂરમું બનાવીને ખાઈ લઈએ. બહારના આડાઅવળા નાસ્તા તો અમને ગમતા જ નથી. ગોળ શક્તિવર્ધક આહાર છે. એમાં આયર્ન અને કૅલ્શિયમ જેવાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે. ગોળ ખાવાથી શરીરમાં તાકાત આવે છે. આજે તો ઘણા લોકો ગોળ વાપરવા લાગ્યા છે, પરંતુ મારું માનવું છે કે જો ગોળ વાપરવો હોય તો દેશી ગોળ જ લેવો. આપણે ત્યાં બજારમાં જે ગોળ મળે છે એમાં કેમિકલનું પ્રમાણ ઘણું વધુ હોય છે. દેશી ગોળનો રંગ થોડો કાળાશ પડતો હોય છે તેથી ઘણાને નથી ગમતો, પણ અમે તો ટેવાઈ ગયા છીએ. આ તો વાત થઈ ગોળની. જ્યાં ગોળ વાપરી શકાય એમ ન હોય ત્યાં બ્રાઉન શુગર વાપરવાની. જેમ કે સવારની ચા. અમારા ઘરમાં બધા બ્રાઉન શુગરવાળી ચા પીએ છે. લીંબુ શરબત પીવું હોય તો એમાં પણ બ્રાઉન શુગર. થોડો સમય પહેલાં મધનો પ્રયોગ કરી જોયો, પરંતુ એની સ્મેલ ઘરમાં કોઈને પસંદ ન પડી તેથી પડતું મૂકી ફરીથી બ્રાઉન શુગર જ વાપરવા લાગ્યા. આખા વર્ષમાં માત્ર એક વાર શિયાળામાં ગાજરનો હલવો બનાવીએ ત્યારે ખાંડ વપરાય. વાસ્તવમાં પૉલિશવાળી ખાંડ અમે ફક્ત મહેમાનો માટે જ રાખી છે. મહેમાનો આવે ત્યારે છૂટ લેવી પડે એટલે ખાંડનો ડબ્બો ખૂલે. અમારા રસોડામાં ખાંડ અને મીઠું બન્ને માટે નો એન્ટ્રીનું બોર્ડ મારેલું છે. મીઠાની અવેજીમાં સિંધાલૂણ વાપરીએ છીએ. - મીના પટેલ, ઘાટકોપર

ગ્લુકોઝની બૉટલ ચડાવો એના કરતાં પણ વધુ એનર્જી નૅચરલ શુગરમાંથી મળે
ખડી સાકર અને બ્રાઉન શુગર ઘરમાં લાવતા જ નથી. ત્રણ જણના કુટુંબમાં અડધો કિલો ખાંડ છ મહિના ચાલે, મહિને દહાડે માંડ અડધો કિલો ગોળ વપરાય તેમ છતાં અમે જબરદસ્ત ગળકુડા છીએ એમ કોઈને કહીએ તો બધા નવાઈ પામી જાય. દેશી ઢબની મીઠાઈ લાડવા અને ગોળપાપડીમાં ગોળ પડે એટલું જ. આમ ગોળનો વપરાશ પણ ખૂબ ઓછો છે. દૂધવાળી મીઠાઈમાં ખાંડ નાખવી પડે એટલે અમે એય નથી બનાવતાં. આ સિવાયની દરેક સ્વીટ ડિશમાં ખજૂર અને ખારેક હોય. કાં તો નૅચરલ શુગર ધરાવતાં ગ્રીન ફ્રૂટ્સ ઍડ કરવાનાં. કોઈક વાર હની વાપરીએ. કોઈ પણ ફૉર્મમાં મળતી ખાંડ ધીમું ઝેર જ છે એવું સાયન્સ કહે છે તેથી અમે એનો સદંતર ત્યાગ કર્યો છે.
વાસ્તવમાં અમારા ઘરમાં ખાણીપીણીની સિસ્ટમ તદ્દન જુદી છે. રોજબરોજની રસોઈ ગોળ-ખાંડ વગરની તીખી તમતમતી જોઈએ અને જમવા સિવાયના ટાઇમે ભૂખ લાગે ત્યારે મીઠાઈ કે સ્વીટ ડિશ ખાવા જોઈએ. ઍપલ-ચીકુ મિલ્કશેક અને ડ્રાયફ્રૂટ્સ શેક તો ફેવરિટ છે. મોસંબી કે સંતરાનો જૂસ પણ નૅચરલ ફૉર્મમાં જ પીવાનો. શક્ય હોય ત્યાં સુધી આઇસ પણ નહીં નાખવાનો. ઘરમાં પહેલેથી જ બધા હેલ્થ કૉન્શિયસ છે. મારો દીકરો ડૉક્ટર છે. તે કહે ગ્લુકોઝની એક બૉટલ કરતાં પણ વધુ એનર્જી એક ગ્લાસ શુગરકેન જૂસમાંથી પ્રાપ્ત થાય છે. નસમાં શુગર નાખવા કરતાં એને મોઢાથી લો. હા, શુગરકેન જૂસ સાંજે છ વાગ્યા પહેલાં પી લેવાનો. ગળપણ ખાવાની અમારી સ્ટાઇલ આવી નોખી છે. ચા પીવાની તો કોઈને ટેવ જ નથી. સવારે બધાં ખાંડ વગરનું દૂધ પીએ છે. ગરમ દૂધ પીઓ કે ઠંડું દૂધ, નૅચરલ ફૉર્મમાં જ પીવાનું. મારા હસબન્ડ હયાત હતા ત્યારે તેઓ દિવસમાં અડધી ચમચી ખાંડ-ચા નાખેલી એક કપ ચા પીતા હતા. ચાર વર્ષ થયાં તેમને ગયાને, ત્યારથી અડધો કિલો ખાંડ અને પા કિલો ચાની ભૂકી છ મહિનામાંય ખૂટતી નથી. મહેમાનોની આગતાસ્વાગતા માટે ચા-ખાંડના ડબ્બા રાખવા પડે છે. - હિના જોશી, મુલુંડ

અંગૂઠો ખોસીને ગોળ નરમ છે કે કઠણ એની ચકાસણી કરી લઉં
ચા ઊકળે પછી એને ગાળી ઉપરથી ગોળને સમારી નાખી દેવાનો. સવારમાં આવી ચા જોઈએ મારા નાના દીકરાને. ગોળમાં સહેજ મીઠાનું પ્રમાણ હોય એટલે ચા બનતી વખતે ન નખાય, દૂધ ફાટી જાય. ગોળને ઉપરથી નાખવો પડે. બાકીના સભ્યો ખડી સાકરવાળી ચા પીએ છે. અમારો સંયુક્ત પરિવાર છે. બન્ને વહુને માથે રહીને રસોઈમાં ગોળનો વપરાશ વધારતાં શીખવ્યું છે. સીઝનમાં એકસાથે ચાળીસ કિલો ગોળ ભરી લઈએ જેથી આખું વર્ષ એકસરખી વકલ(પ્રકાર)નો ગોળ ખાવા મળે. ગોળ લેતી વખતે હું એમાં અંગૂઠો ખોસીને જોઈ લઉં કે નરમ છે કે કઠણ. નરમ ગોળ સારો કહેવાય. ચાકુથી સમારવો પડે કે દસ્તા વડે ખાંડવો પડે એવો ગોળ ન ચાલે. નરમ ગોળની બનેલી મીઠાઈ મોઢામાં મૂકો ને ભાંગીને ભૂકો થઈ જાય એવી મસ્ત મજાની બને.
ગુજરાતીના ઘરનું ભાણું અથાણા વગર અધૂરું કહેવાય. અમારા ઘરમાં બારેમાસ ગોળકેરીનું અથાણું ખવાય છે. મને ખાવા કરતાં ખવડાવવામાં વધુ રસ તેથી દર વર્ષે બહેન-દીકરીઓ સહિત આઠ ફૅમિલી માટે ગોળકેરીનું અથાણું બનાવીને મોકલું. છૂંદો તો બનાવતા જ નથી. મીઠાઈના શોખીન છીએ તેથી સુખડી ને લાડવા તો બન્યા જ કરે. ઘરમાં ગોળનો વપરાશ વધુ છે, પરંતુ અમુક મીઠાઈમાં ગોળ ન ચાલે તેથી ખડી સાકર રાખવી પડે. શીરો અને દૂધપાક જેવી મીઠાઈ વારંવાર બનતી હોય એટલે ચારેક કિલો ખડી સાકર કાયમ રાખીએ છીએ. અમારા ઘરની બાલ્કનીમાં વાવેલા છોડમાં ગુલાબ ખૂબ આવે છે. ગુલકંદ અને ગુલાબપાક જેવી મીઠાઈ પણ ઘડી-ઘડી બને. હજી ગયા અઠવાડિયે જ ઘરમાં ઊગેલાં ગુલાબમાંથી ગુલાબપાક બનાવ્યો હતો. આ બધી મીઠાઈમાં ખડી સાકર વપરાય. મારા હસબન્ડને આ ઉંમરમાંય મીઠાઈ ખાવાનો ખૂબ શોખ છે. આટલી મીઠાઈ ખાય છે તેમ છતાં નખમાંય રોગ નથી. ખડી સાકર વાપરવાનું બીજું કારણ એ કે ઋતુ બદલાય ત્યારે નાનાં બાળકોમાં શરદી-ખાંસીની તકલીફ થાય. ખડી સાકરથી ખાંસીમાં રાહત થાય છે. બે પૌત્ર અને એક દોહિત્રીની હેલ્થ સારી રહે તેમ જ તેઓ દેશી મીઠાઈઓ ખાતાં શીખે એ માટે ગોળ અને ખડી સાકર બન્ને છૂટથી વાપરીએ છીએ. - કસ્તુર દેઢિયા, ખાર

Gujarati food Varsha Chitaliya indian food mumbai food