હેલ્ધી અને હૅપી કરી દે એવા સૂપ

22 August, 2019 02:10 PM IST  |  મુંબઈ | સૂપ સ્પેશ્યલ - હંસા કારિયા

હેલ્ધી અને હૅપી કરી દે એવા સૂપ

વેજિટેબલ સૂપ

લૅમન કૉરિએન્ડર સૂપ

સામગ્રીઃ ૧ કપ મિક્સ બારીક સમારેલાં શાક, બેબી કૉર્ન, બ્રોકોલી, બેલ પેપર, કૅપ્સિકમ, પર્પલ કોબી, ગાજર, ૧ ટે. સ્પૂન ચોપ કરેલું લસણ, ૩ લીલા મરચાં વચ્ચેથી કટ કરેલાં, ૧ કાંડી લીલી ચા (લૅમન ગ્રાસ) રોલ કરી ગાંઠ મારવી, ૧/૨ ટી સ્પૂન મરી પાઉડર, ૧ લીંબુનો રસ, ૧ લીંબુની ઝેસ્ટ (લૅમન ઝેસ્ટ), ૧/૨ ટી સ્પૂન મૅગી સીઝનિંગ, મીઠું સ્વાદ અનુસાર, ૩ ટે. સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧ ટી સ્પૂન ઓલીવ ઑઇલ, ૨ ટે. સ્પૂન કૉર્ન ફલોર.

રીત : એક કડાઈમાં ઑલિવ ઑઇલ ગરમ કરી બારીક સમારેલાં શાક ઉમેરવા. બે મિનિટ સાંતળવું. હવે લસણ અને લીલા મરચાં ઉમેરવા. હવે ૩ કપ પાણી અને બે ટે. સ્પૂન કૉર્ન ફલોર મિક્સ કરી કડાઈમાં ઉમેરવું. સતત ૩થી ૪ મિનિટ હલાવવું. લૅમન ગ્રાસ બાંધીને ઉમેરવું. બે મિનિટ ઉકાળવું. મૅગી સીઝનિંગ ઉમેરવું. છેલ્લે મરી, લીંબુનો રસ, લૅમન ઝેસ્ટ તથા કોથમીર ઉમેરવી. ગરમાગરમ સર્વ કરવું.

ટમૅટો બેસિલ સૂપ

સામગ્રીઃ ૬ લાલ ટમૅટાં, ૩ કળી લસણ, ૧૦-૧૫ બેસિલનાં પાન, ૧/૨ ટી સ્પૂન મરી, ૧/૨ ટી સ્પૂન મિક્સ હર્બસ, ૧ ટે. સ્પૂન બટર.

રીત : એક કડાઈમાં ટમૅટાંના ટુકડા કરી ૧ ગ્લાસ પાણી ઉમેરી લસણ ઉમેરી ખુલ્લું ૧૦ મિનિટ ઉકાળવું. ઠંડું કરી ગ્રાઇન કરી ગાળી લેવું. એમાં મરીનો ભુક્કો, મીઠું, મિક્સ હર્બસ અને બેસિલને બારીક સમારી ઉમેરવા. ૫ મિનિટ ઉકાળવું અને ગરમાગરમ સર્વ કરવું.

મનચાવ સૂપ

સામગ્રીઃ ૧ કપ મિક્સ બારીક સમારેલાં શાક-ગાજર, ફણસી, કોબી, લીલો કાંદો, શીમલાં મરચાં; ૨ ટે. સ્પૂન બારીક સમારેલાં આદું-મરચાં, લસણ, ૧/૨ ટી સ્પૂન મૅગી સીઝનિંગ, ૧/૨ ટી સ્પૂન મરીનો ભૂક્કો, ૧ ટી સ્પૂન ડાર્ક સોયાસૉસ, ટી સ્પૂન વિનેગર, મીઠું સ્વાદ અનુસાર, ૧ ટી. સ્પૂન તેલ, બે ટે. સ્પૂન કૉર્ન ફલોર.

રીત : કડાઈમાં તેલ ગરમ કરવું. બધાં શાક ઉમેરવા, ૨ મિનિટ સાંતળવું. આદું-મરચાં-લસણ ચોપ કરેલાં ઉમેરવાં. ૩ કપ પાણીમાં ૨ ટે. સ્પૂન કૉર્ન ફલોર મિક્સ કરી ઉમેરવું. સતત ૨થી ૩ મિનિટ હલાવવું પછી મરી, ડાર્ક સોયાસૉસ, વિનેગર તથા મીઠું ઉમેરવું. ગરમાગરમ તળેલા નૂડલ્સ સાથે સર્વ કરવું.

સ્પ્રાઉટેડ મગનો સૂપ

સામગ્રીઃ ૧/૨ કપ ફણગાવેલા મગ, ૧/૪ ટી સ્પૂન હળદર, ૩ કળી લસણ, ૧ ટે. સ્પૂન લીંબુનો રસ, ૧/૨ ટી સ્પૂન મરીનો ભુક્કો, ૧ ટે. સ્પૂન ઘી, મીઠું સ્વાદ અનુસાર.

રીત : ૧/૨ કપ મગ કૂકરમાં બાફી લેવા. ૩ ચમચી મગ અલગ કાઢી લેવા. બાકીના બાફેલા મગ, લસણ અને ૧/૪ કપ પાણી સાથે પીસી લેવા. કડાઈમાં ઘી ગરમ કરીને એમાં મગની પેસ્ટ ઉમેરવી, જરૂર મુજબ પાણી ઉમેરી પતલું કરવું. હળદર, મરી, મીંઠુ તથા લીંબુનો રસ ઉમેરવો. ૨થી ૩ મિનિટ ઉકાળવું. ઉપર બાફેલા મગ ઉમેરી ગરમાગરમ સર્વ કરવું.

ક્રીમ ઑફ ટમૅટો

સામગ્રી : ૬ પાકાં લાલ ટમૅટાં, ૧ નાનો બટાટો, ૧ નાનો કાંદો, ૫ કળી લસણ ૧ નાનો ટુકડો આદું, ૧/૪ ટી સ્પૂન મરી પાઉડર, ૧ ચમચી ક્રીમ, ચપટીક ઑરેન્જ રેડ કલર, ૨ ટી સ્પૂન સાકર, મીઠું સ્વાદ અનુસાર.

રીત : ટમૅટાંના નાના ટુકડા કરવા. બટાટાને ખમણી લેવો. કાંદો ખમણી લેવો. એક કડાઈમાં ટમૅટાં, કાંદા, લસણ અને આદું મિક્સ કરવાં. એક ગ્લાસ પાણી ઉમેરવું. કડાઈને ઢાંકણ ઢાંકવું નહીં, ખુલ્લી જ રાખીને ૧૦ મિનિટ ઉકાળવું. ઠંડું કરી ક્રશ કરી ગાળી લેવું. પછી એમાં મરી, સાકર તથા મીઠું ઉમેરવું, પાંચ મિનિટ ઉકાળવું. ક્રીમથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરવું.

પાલક મૂંગદાલ સૂપ

સામગ્રીઃ ૩ ટે. સ્પૂન પીળી મગની દાળ, દોઢ કપ પાલકનાં પાન, ૧/૪ કપ પાલકની ભાજીનાં પાન, ૨ કળી લસણ, ૨/૪ ટી સ્પૂન મરી પાઉડર, એક ટે. સ્પૂન લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર.

રીત : પીળી મગની દાળને ૧/૨ કપ પાણી નાખી અડધો કલાક પલાળી રાખવી. પછી કડાઈમાં લીંબુ અને મરી પાઉડર સિવાય બધી જ સામગ્રી મિક્સ કરી ૧ કપ પાણી ઉમેરી ખુલ્લું જ પાંચથી સાત મિનિટ ઉકાળવું. વચ્ચે-વચ્ચે ચમચાથી હલાવતા રહેવું. ઠંડું કરી ગ્રાઇન્ડ કરી લેવું. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લીંબુનો રસ ઉમેરવો. પાંચ મિનિટ ઉકાળવું. ગરમાગરમ સર્વ કરવું. (સ્વાદ અનુસાર મરી અને લીંબુનો રસ વધુ ઉમેરી શકાય.)

આમન્ડ બ્રોકોલી સૂપ

સામગ્રીઃ ૧/૨ કપ બ્રોકોલી સાફ કરીને બારીક સમારવી, ૨થી ૩ કળી લસણ, ૨ ટે. સ્પૂન ઝીણો સમારેલો કાંદો, ૯થી ૧૦ પલાળેલી બદામ, ૧ ટી સ્પૂન મિક્સ હર્બસ, ૧/૨ ટી સ્પૂન મરીનો ભુક્કો, ૧/૨ કપ દૂધ, ૧/૨ ફ્રેશ ક્રીમ, ૧/૨ કપ પાણી, ૧ ટી સ્પૂન બટર.

રીત : કડાઈમાં ૧ ટે. સ્પૂન બટર ગરમ કરી બ્રોકોલી સાંતળવી તથા લસણ, કાંદો ઉમેરવો. ૨ મિનિટ સાંતળવું. ૧/૨ કપ પાણી ઉમેરી ૫ મિનિટ ઉકાળવું. ઠંડું કરવું. ક્રશ કરીને ગાળી લેવું. એમાં ક્રીમ તથા દૂધ ઉમેરવું. વધુ પતલું કરવું હોય તો પાણી ઉમેરી શકાય. ઉકળવા મૂકવું. મરી, મીઠું તથા મિક્સ હર્બસ ઉમેરવા. ગરમાગરમ ચીઝ ખમણીને સર્વ કરવું.

સ્વીટ કૉર્ન સૂપ

સામગ્રીઃ ૧/૪ કપ મિક્સ ઝીણું સમારેલું ગાજર, ફણસી, ફલાવર, ૧/૪ કપ સફેદ મકાઈના દાણા, દોઢ ટે. સ્પૂન કૉર્ન ફ‍લોર, દોઢ કપ પાણી, એક ટે. સ્પૂન સાકર, ૧/૮ ટીસ્પૂન ગાર્લિક પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, એક ટી સ્પૂન ઑલિવ ઑઇલ.

રીત : કડાઈમાં તેલ ગરમ કરી શાક ઉમેરીને એક મિનિટ સાંતળવું. મકાઈના દાણા ઉમેરીને એક મિનિટ સાંતળવું. પાણી અને કૉર્ન ફલોર મિક્સ કરી ઉમેરવું. ૫ મિનિટ સતત હલાવવું. પાણી, સાકર, મીઠું અને ગાર્લિક પાઉડર ઉમેરવાં, મિક્સ કરી ગરમાગરમ સર્વ કરવું.

આ પણ વાંચો : વેજ સુશી પણ મળે હોં!

એક્ઝોટિક વેજીટેબલ સૂપ (થાઈ સ્ટાઇલ) : 

સામગ્રીઃ ૨ કપ કોકોનટ ક્રીમ, ૧/૨ કપ સ્લાઇસમાં કટ કરેલાં મિક્સ વેજીટેબલ્સ-બેબી કૉર્ન, બ્રોકોલી, ઝુકિની, બેલ પેપર, ૧/૮ ટી સ્પૂન ગાર્લિક પાઉડર, ચપટી મીઠું, ૧ ટી સ્પૂન ઓલીવ ઑઇલ.

રીત : તેલ ગરમ કરી બધાં શાક સાંતળવાં. ૨થી ૪ મિનિટ સાંતળવું. કોકોનટ ક્રીમ ઉમેરવું. ગાર્લિક પાઉડર તથા ચપટી મીઠું ઉમેરવું. પાતળું કરવું હોય તો પાણી ઉમેરી શકાય. ૨થી ૩ મિનિટ ઉકાળી ગરમાગરમ સર્વ કરવું.

indian food