દિવસે અહીં સોની બેસે અને રાતે ગોટાવાળો...

31 October, 2019 04:08 PM IST  |  મુંબઈ | ખુશ્બૂ ગુજરાત કી - શૈલેષ નાયક

દિવસે અહીં સોની બેસે અને રાતે ગોટાવાળો...

અમદાવાદમાં આવેલા માણેકચોક સ્ટ્રીટ ફૂડ બજારનો નજારો.

કહેવાય છે કે વર્ષો અગાઉ માત્ર પાંચ જણાથી શરૂ થયેલા માણેકચોક ફૂડ બજારમાં આજે ૩૫થી વધુ નાસ્તા–કોલ્ડડ્રિંક્સની લારીઓ છે. રોજ રાત પડતાં જ સ્વાદના રસિયાઓ ઊમટી પડે છે અને અડધી રાત સુધી માણેકચોકની ખાઉગલી ધમધમતી રહે છે: અમદાવાદની આ વિશ્વપ્રસિદ્ધ ખાઉગલી – સ્ટ્રીટ ફૂડ બઝાર પાઉંભાજી, ઢોસા, સૅન્ડવિચ, ભેળપૂરી, પાણીપૂરી, ગોટા–ભજિયાં, ગાંઠિયા, કુલ્ફી, આઇસક્રીમ સહિતની ચટપટી વાનગીઓ ખાવા માટે વિશ્વભરના સ્વાદના શોખીનોમાં વર્ષોથી ફેવરિટ ડેસ્ટિનેશન છે

‘રાત પડે ત્યારે માણેકચોકની અંદર જ્યાફત ઊડે,

અરે પાણીપૂરીને કુલ્ફી ભજિયાં, શેઠ-મજૂર સૌ ઝૂડે.

દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,

અમદાવાદ બતાવું ચાલો..... ’

જેમને માણેકચોકના મેથીના ગોટા અને આઇસક્રીમ બહુ ભાવતા તે ગુજરાતના ગૌરવસમા સંગીતકાર અવિનાશ વ્યાસની આ અમર રચનાએ માણેકચોકની ખાઉગલીને એક આગવી ઓળખ આપી છે. ભારત સહિત વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી કે બિનગુજરાતીઓ વસે છે અને જેઓ સ્વાદના શોખીન હોય તેઓ જ્યારે પણ ગુજરાતના અમદાવાદમાં આવે ત્યારે અચૂક માણેકચોકની ખાઉગલીમાં જઈને મનલુભાવન નાસ્તા કરે જ.

અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ માણેકચોક ખાઉગલી–સ્ટ્રીટ ફૂડ બજાર કે જ્યાંનાં પાઉંભાજી, ઢોસા, સૅન્ડવિચ, સેલ્ફી સૅન્ડવિચ, ઘૂઘરા સૅન્ડવિચ, આઇસક્રીમ સૅન્ડવિચ, ચૉકલેટ સૅન્ડવિચ, ભેળપૂરી, પાણીપૂરી, સેવપૂરી, બાસ્કેટપૂરી, ચવાણું, સેવ-દાળ, ગોટા–ભજિયાં, ગાંઠિયા, કુલ્ફી, આઇસક્રીમ  સહિતની ચટપટી વાનગીઓ ખાવા માટે વિશ્વભરના સ્વાદના શોખીનોમાં વર્ષોથી હૉટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છે.

માણેકચોકની ખાસિયત એ છે કે દિવસે અહીં સોના–ચાંદીનો બિઝનેસ થાય છે અને રાત પડતાં જ સ્ટ્રીટ ફૂડ બજાર ધમધમી ઊઠે છે. સોના-ચાંદીના દાગીના અને લગડીના વેપાર માટે માણેકચોકનું સોની બજાર પ્રખ્યાત છે તેમ રાત પડે માણેકચોકની ખાઉગલી તેના ચટપટા નાસ્તા માટે ફેમસ છે. કહેવાય છે કે વર્ષો અગાઉ માણેકચોકમાં પાંચ જણથી શરૂ થયેલા ફૂડ બજારમાં આજે ૩૫થી વધુ નાસ્તા–કોલ્ડ ડ્રિન્ક્સની લારીઓ પર રોજ રાત પડતાં જ સ્વાદના રસિયાઓ નાસ્તા કરવા માટે ઊમટી પડે છે અને અડધી રાત સુધી માણેકચોક ખાઉગલી ધમધમતી રહે છે.

અમદાવાદના માણેકચોકના સ્ટ્રીટ ફૂડ બજારમાં ત્રીજી પેઢીએ બૉમ્બે ગુલાલવાડીના નામથી  ભાજીપાઉં, સૅન્ડવિચ, પીત્ઝા સહિતના નાસ્તા પીરસતા હેમંત પટેલ અને જય પટેલની વાત અનોખી છે. હેમંત પટેલ ‘મિડ ડે’ને કહે છે ‘મારા દાદા કેશવલાલ પટેલની માણેકચોક પહેલાં બાદશાહના હજીરામાં ચાની કીટલી હતી. દાદા એ જમાનામાં તેમના મિત્રો સાથે મુંબઈ ફરવા ગયા હતા. મુંબઈમાં દાદાએ પાઉંભાજી ખાધા અને તેમને ટેસ્ટી લાગતાં, તેઓને થયું કે આ ધંધો અમદાવાદમાં શરૂ કરવા જેવો છે. આ વિચાર આવ્યો અને તેનો અમલ પણ કરી દીધો. દાદા મુંબઈથી ભાજીપાઉંના કારીગર આનંદને અહીં અમદાવાદ લઈ આવ્યા અને માણેકચોકમાં પાંઉભાજીની વરાયટી એ જમાનામાં ૧૯૬૨માં શરૂ કરી હતી. દાદાએ મુંબઈ પરથી જ અહીં નામ પાડ્યું, ‘બૉમ્બે ગુલાલવાડીના ભાજીપાઉં’ની લારી શરૂ કરી હતી. એ જમાનામાં એક રૂપિયામાં પાંઉભાજી પીરસાતી હતી, આજે ૧૦૦ રૂપિયામાં પાંઉભાજી મળે છે.’

માણેકચોક ફૂડ બજારની માહિતી આપતાં તેમણે કહ્યું કે ‘પહેલાં રાત્રે પેટ્રોમેક્સ ભાડે લાવીને અજવાળું કરી નાસ્તાનો ધંધો કરતા હતા. એ જમાનામાં મિલોના કારીગરો રાત્રે છૂટે, થિયેટરોમાંથી રાતના શૉમાં ફિલ્મ જોઈને પ્રેક્ષકો છૂટે અને અહીં માણેકચોકમાં બેસી નાસ્તો કરીને ઘરે જતા હતા.’

ભાજીપાઉં માત્ર પાંચ રૂપિયામાં મળતા હતા એ સમયની માણેકચોક સ્ટ્રીટ ફૂડ બજારની તસવીર.

‘માણેકચોકના આ ફૂડ બજાર પર કૂક, વેઇટર, સફાઈ કર્મચારી સહિતના ૫૦૦ જેટલા કારીગર નભે છે.’ એમ જણાવતા હેમંત પટેલે કહ્યું કે ‘અત્યારે અહીં ૩૫ સ્ટોલ્સ છે. અમારા ફૂડ બજારમાં વેપારીઓની એકતા સારી છે. બજારની વિશેષતા એ છે કે કોઈ પણ લારી ઉપર કોઈ પણ ગ્રાહક આવે અને નાસ્તો કરવા બેઠા પછી એક જ ટૅબલ પર દરેક જાતના નાસ્તા, આઇસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ મગાવે તો તે સર્વ થાય છે. રાત્રે જ્યારે બજાર બંધ થાય ત્યારે એકબીજાને ત્યાંથી ગ્રાહકો પાસેથી મંગાવેલા નાસ્તાનો હિસાબ વેપારીઓ કરી લે છે.’

માણેકચોકમાં લાઇવ પંજાબી આઇટમો પીરસતા ફૈયાઝ શેખને ત્યાં પનીરની વાનગીઓ ડિમાન્ડમાં હોય છે. તેઓ ‘મિડ ડે’ને કહે છે, ‘અમારે ત્યાં પનીર ટિક્કા મસાલા, પનીર ભુરજી અને પનીર કઢાઈ ફેમસ છે. કસ્ટમર કહે તે રીતે મસાલેદાર વાનગીઓ અમે પીરસીએ છીએ એટલે તેમનો ટેસ્ટ જળવાઈ રહે છે.’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના ડાયરેકટર આશીષ ત્રાંબડિયા ‘મિડ ડે’ને કહે છે, ‘માણેકચોક ફૂડ બજાર ક્યારથી શરૂ થયું તે કહેવું થોડું મુશ્કેલ છે, પણ આ ફૂડ બજાર વર્ષોથી ચાલે છે. માણેકચોક ફૂડ બજારને હેરિટેજ ગણી શકાય કેમ કે એક જમાનામાં માણેકચોક બિઝનેસ સેન્ટર હતું.’

વર્ષોથી રાત્રે ધમધમતું માણેકચોકનું સ્ટ્રીટ ફૂડ બજાર આજે અમદાવાદની એક ઓળખ બની ગયું છે. અહીંની તીખી તમતમતી, ખટમીઠી, ગળચટી, ડિલિશિયસ વાનગીઓ ખાવાનો અનેરો લ્હાવો છે ત્યારે અમદાવાદ આવો તો માણેકચોકની ખાઉગલીમાં લટાર મારવાનું ભૂલશો નહીં, સ્વાદની સોડમ તમને એવા લલચાવી દેશે કે તમે કોઈ ને કોઈ નાસ્તો કરવા બેસી જ જશો.

એ જમાનામાં બે આનામાં ભેળ વેચતાઃ ડાહ્યાભાઈ માળીને અસરાનીએ કહ્યું કે ચટણી નાખો ને કાકા

ગુજરાતી ફિલ્મ ‘મા બાપ’માં મુખ્ય ભૂમિકા ભજવનારા બૉલીવુડના જાણીતા અભિનેતા અસરાની અવિનાશ વ્યાસે લખેલા અને સ્વરબદ્ધ કરેલા ગીત ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ના શૂટિંગ માટે માણેકચોકના સ્ટ્રીટ ફૂડ બજારમાં આવ્યા ત્યારે શૂટિંગ દરમ્યાન ડાહ્યાભાઈની ભેળ ખાવામાં એવો તો ટેસ્ટ પડ્યો હતો કે ૯ વખત ભેળ ખાઈ ગયા હતા.

માણેકચોકમાં જૂના શૅરબજાર પાસે ૬૦ વર્ષથી ભેળપુરીનો ધંધો ચલાવતા અને ભેળપુરીની વિવિધ ૨૪ જેટલી આઇટમ સ્વાદના શોખીનોને પીરસતા ૭૮ વર્ષના ડાહ્યાભાઈ જેઠાજી માળી વર્ષો અગાઉ મોડી રાત્રે થયેલા ફિલ્મના શૂટિંગનાં સંસ્મરણો વાગોળતા કહે છે કે, ‘રાત્રે પોણા અગિયાર વાગ્યાથી પોણા એક વાગ્યા સુધી શૂટિંગ ચાલ્યું હતું. અસરાની ઉપર ફિલ્મના ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું, એ ગીતમાં મને પણ લેવાયો હતો. શૂટિંગ દરમ્યાન અસરાની થોડી થોડી વારે કરીને ૯ વખત ભેળ ખાઈ ગયા હતા. અસરાની મને કહેતા હતા કે ‘લાવો કાકા ભેળ’ એમ કહીને ભેળ ખાવા આવે ને પાછા શૂટિંગ કરવા દોડી જાય, પાછા આવે ને ભેળ માગે. મને તે વખતે અસરાનીએ કહ્યું હતું કે તીખી ભેળ છે, ચટણી નાખો ને કાકા.’

ડાહ્યાભાઈ બજારની વાત કરતાં કહે છે, ‘પહેલાંની ઘરાકીની વાત છોડો, એ સમય જુદો હતો. આજે પણ બજાર મોડી રાત સુધી ચાલે છે, તેમાં પણ શનિવાર અને રવિવારે બજાર ધમધમાટ ચાલે છે. એ જમાનામાં અમે બે આનામાં ભેળ આપતા હતા, આજે ૪૦ રૂપિયામાં ભેળ આપીએ છીએ.’

આશા ભોસલેએ અવિનાશ વ્યાસને કહ્યું કે ‘મારે માણેકચોકનું ચક્કર મારવું છે’ તેમ કહીને રગડા પેટીસની જ્યાફત ઉડાવી હતી

માણેકચોકનું સ્ટ્રીટ ફૂડ બજાર માત્ર આમ નાગરિકોમાં જ નહી પરંતુ આમ નાગરિકોથી લઈને ખાસ નાગરિકોમાં પણ ફેવરિટ રહ્યું છે અને એટલે જ જ્યારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં જ્યારે દર્શન કરવા બૉલીવુડનાં લેજેન્ડરી સિંગર આશા ભોસલે આવ્યાં હતાં ત્યારે તેઓએ ગુજરાતના શિરમોર સંગીતકાર અવિનાશ વ્યાસને માણેકચોકના સ્ટ્રીટ ફૂડ બજારમાં લઈ જવા ખાસ આગ્રહ કર્યો હતો અને અવિનાશ વ્યાસ તેમને લઈ ગયા હતા, જ્યાં આશા ભોસલેએ રગડા પેટીસ અને આઇસક્રીમની જ્યાફત ઉડાવી હતી.

માણેકચોક સ્ટ્રીટ ફૂડ બજાર પર પોતાના પિતાજી અવિનાશ વ્યાસે લખેલું ‘હું અમદાવાદનો રિક્ષાવાળો’ ગીતને અને જૂની યાદોને વાગોળતાં ગુજરાતના અગ્રિમ હરોળના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ કહે છે, ‘પિતાજી મૂળ ખાડિયાના વતની, ગોટીની શેરીમાં રહેતા. ખાડિયા માણેકચોક નજીક આવેલું. એકાદ-બે વખત મને કહ્યું હતું કે માણેકચોકમાં આંટો મારી આવીએ. એમને મેથીના ગોટા બહુ ભાવે અને આઇસક્રીમ પણ ખાય. પિતાજી એ માણેકચોકનો માહોલ જોતા, ત્યાં ભીડ થતી, મોટા માણસો આવે અને મજૂર લોકો પણ અહીં આવે તે જોતાં અને આ માહોલને નજરમાં રાખીને ગીત લખ્યું હતું અને સ્વરબદ્ધ કર્યું હતું. અમદાવાદની વાત નીકળે એટલે માણેકચોકે ભુલાય જ નહીં. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ ગીત કિશોરકુમારે મસ્તીથી ગાયું હતું અને આ ગીત ગાવા માટે તેઓ ઇઝીલી એગ્રી થઈ ગયા હતા.’

માણેકચોકના રાત્રિ સ્ટ્રીટ ફૂડ બજાર સાથે સંકળાયેલા બૉલીવુડનાં ટોચનાં ગાયિકા આશા ભોસલેના રસપ્રદ કિસ્સાને યાદ કરતાં ગૌરાંગ વ્યાસે કહે છે, ‘એક આલ્બમમાં આશા ભોસલેએ ‘માડી તારું કંકું ખર્યું ને...’ ગીત ગાયું હતું અને ભાવવિભોર થઈ ગયાં હતાં. તેઓએ પિતાજીને કહ્યું કે મને ગમે તેમ કરીને અંબાજી દર્શન કરવા છે. આશાજી જ્યારે અમદાવાદ આવ્યાં અને અંબાજી દર્શન કરવા ગયાં ત્યારે પિતાજીને કહ્યું કે તમે માણેકચોકની વાત કરતા હતા તો મારે માણેકચોકનું ચક્કર મારવું છે. પિતાજી આશા ભોસલેને લઈને માણેકચોક ફૂડ બજારમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે રગડા પેટીસ અને આઇસક્રીમ ખાધો હતો.આશા ભોસલે આવ્યાં હોવાથી ભીડ થઈ ગઈ હતી પરંતુ આશાજી બધાને મળ્યાં હતાં.’

Gujarati food indian food