ચામાં આદુને બદલે આંબા હળદર નાખી દીધી હોય તો કેવી ચા બને?

20 November, 2019 01:27 PM IST  |  Mumbai | Rashmin Shah

ચામાં આદુને બદલે આંબા હળદર નાખી દીધી હોય તો કેવી ચા બને?

અરવિંદ વેગડા ચા બનાવતા

તમને એનો અનુભવ નહીં હોય પણ ‘ભાઈ ભાઈ’ તરીકે પૉપ્યુલર થયેલા ગુજરાતી ફોકસ્ટાર અરવિંદ વેગડાને આંબા હળદરવાળી ચાનો સ્વાદ ખબર છે તો બળતા મમરાની સુવાસ પણ ખબર છે અને મૅગીની ખીચડીનો આસ્વાદ પણ તેમણે માણ્યો છે. સ્ટેજ પર તોફાન મચાવી દેતા અરવિંદ વેગડાએ કિચનમાં કેવો તરખાટ મચાવ્યો છે એની વાતો રશ્મિન શાહ સાથે કરી હતી જે તેમના જ શબ્દોમાં વાંચો.

આમ તો હવે મને કિચનમાં સારીએવી ફાવટ આવી ગઈ છે, પણ હું એ પુરુષો જેવો બિલકુલ નથી જેને આખી થાળી બનાવતાં આવડતી હોય. આજે પણ મારી રોટલી અને ગુજરાતનો નકશો બન્ને એકસરખાં જ લાગે. આજે પણ જો હું શાક બનાવવાની કોશિશ કરું તો એ શાકમાં મીઠું ઓછું-વત્તું હોય જ હોય, પણ એમ છતાં હું અમુક વરાઇટીઓમાં હવે માસ્ટર થઈ ગયો છું. અમુક આઇટમમાં તો આપણી માસ્ટરી છે પણ આ માસ્ટરી મળે એ પહેલાં મેં જે અખતરાઓ કર્યા છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે.

નાનો હતો ત્યારે મેં ઘરકામમાં મમ્મીને બહુ મદદ કરી છે. ખાસ કરીને તહેવારો આવે ત્યારે રસોડામાં તેમને હેલ્પ કરાવું. એ સમયે ફરસાણ બહારથી ખરીદવાની ફૅશન નહોતી, ઘરે જ બધું બને. જન્માષ્ટમી કે દિવાળી માટે પૂરી, સેવ, ચકરી જેવી વરાઇટી બનાવવાનું અઠવાડિયા પહેલાં જ ચાલુ થઈ જાય. આ બધું બનતું હોય એમાં આપણી હાજરી હોય. મમ્મી જે કામ સોંપતાં જાય એ કરતાં જવાનું. સંચામાં સેવનો લોટ ભરવાથી માંડીને નાની-નાની પણ ચિત્રવિચિત્ર આકારની પૂરી બનાવી એને બૉટલના ઢાંકણાથી રાઉન્ડ આકાર આપીને પૂરીઓ પાડવાનું કામ હું કરું. ચકરી પણ મમ્મી મારી પાસે પડાવે અને મને એ બધામાં મજા પણ આવે. આ બધું કરવામાં હું જાતજાતના આકાર પણ બનાવું. મેં સ્ટાર જેવા આકારની પૂરી પણ બનાવી છે ને એક વેંત જેવડી મોટી ચકરી પણ બનાવી છે. એ બને એટલે હું એને એકાદ-બે દિવસ સાચવીને રાખું. બધાને દેખાડું અને દેખાડી-દેખાડીને ધરાઈ જાઉં એટલે ખાઈ જાઉં.

આ તો વાત થઈ તહેવારોના નાસ્તાની, પણ આખું વર્ષ ઘરમાંથી મળે એવો એક નાસ્તો હતો વઘારેલા મમરા. આમ તો આ બધા ગુજરાતીના ઘરમાં હોય જ હોય, પણ મારી વાત કરું તો મમરાને મને હદ વહાલા. મને આજે પણ મમરા ખૂબ ભાવે. શો પૂરો કરીને આવું ને મોડી રાતે જો બહુ ભૂખ લાગી હોય તો હું મમરાનો ડબ્બો હાથમાં લઈને બેસી જઉં ખાવા. નાનો હતો ત્યારે રમીને આવીને આ કામ કરતો. જો મમરા તૈયાર ન હોય તો મમ્મી ગરમાગરમ વઘારી આપે અને અનાયાસે તાજા વઘારાતા મમરા મેં બહુ જોયા છે. એક વખત રજાનો દિવસ હતો અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મને બહુ ભૂખ લાગી. આપણે તો પહોંચ્યા રસોડામાં, પણ મમરાનો ડબ્બો ખાલી હતો. મેં જોયું તો બધાં સૂતાં હતાં એટલે મને થયું કે ચાલો, આજે આપણે મમરા વઘારી લઈએ. એ સમયે મારી ઉંમર નવ-દસ વર્ષની માંડ.

મેં તો મમ્મીની મમરાની રેસિપી યાદ કરી અને જેમ યાદ આવતું જાય એમ-એમ વાસણમાં તેલ, મીઠું, મરચું, હળદર બધું ભેગું કરીને સ્ટવ પર મૂકી દીધું અને સ્ટવ ચાલુ કરી દીધો. થોડી વાર પછી તેલ ગરમ થયું હોય એવું લાગ્યું એટલે નાખી દીધા મમરા. મમરા સ્ટવ પર મૂકીને હું બહાર ફળિયામાં ગયો અને બીજા ભાઈબંધો સાથે વાતો કરવા માંડ્યો. મને યાદ જ નહીં કે મમરા મૂકી દીધા પછી મમ્મી એને સતત હલાવતી રહેતી. થોડી વાર થઈને મારા એક ભાઈબંધે મારું ધ્યાન ઘર તરફ દોરવીને કીધું કે અરવિંદ, તારા ઘરમાં આગ લાગી...

મેં પાછળ ફરીને જોયું, ઘરની બારીમાંથી ધુમાડો નીકળે. હું તો ભાગ્યો ઘર તરફ. મને મમરા યાદ આવી ગયા હતા, પણ રૂમમાં જે બધાં સૂતાં હતાં તેમને તો મારા આ પરાક્રમની ખબર નહોતી એટલે એ બધાં આ ધુમાડાને આગ સમજીને ભાગતાં બહારની તરફ આવ્યાં. મમ્મી અંદર ઘરમાં મને શોધે. હું અંદર ગયો ત્યારે મને લઈને તે બહાર આવવા માંડી, પણ મેં તેને રોકીને કહ્યું કે મમ્મી, મમરા બળતા લાગે છે. મમ્મી સમજી ગઈ અને તેણે ભાગીને રસોડામાં જઈ બળતા મમરાનો તવો સાણસીથી ઉતારીને સીધી બહાર આવી ગઈ. એ દિવસે બહુ ખિજાયાં બધાં, પણ આજે આ વાત યાદ આવે છે ત્યારે બધાંને હસવું આવે છે. એ દિવસે મને સમજાયું કે મમરા હલાવતા રહેવા જોઈએ.

હલાવવાનું. આ નાનકડી વાત મારા મનમાં એવી તે સ્ટોર થઈ ગઈ કે મેં બીજો ભાંગરો વાટ્યો. બન્યું એવું કે એ સમયે મૅગી નવી-નવી આવી હતી. એક સાંજે નક્કી કર્યું કે મૅગી હું જાતે બનાવીશ. ઘરે કોઈ ન હોય ત્યારે જ આવા અળવીતરા વિચારો આવે. મેં તો મૅગી મૂકી સ્ટવ પર અને પાણી નાખીને કામ ચાલુ કર્યું, પણ પેલી વાત મારા મનમાં સતત ઘૂમરાયા કરે. હલાવતા રહેવાનું. મૅગી પાણીમાં ઓરીને મેં એને જોર-જોરથી હલાવવાનું ચાલુ કર્યું. ટૂ-મિનિટ નૂડલ્સને પકાવવામાં મેં પંદર મિનિટ લીધી અને પછી તપેલી પ્લેટમાં ખાલી કરી ત્યારે જે મૅગી પ્લેટમાં આવી એ જોઈને નેસ્લેવાળા મૅગી બનાવવાનું બંધ કરી દે. મૅગીની ખીચડી બની ગઈ હતી. જોકે ભૂખ લાગી હતી એટલે એ ખીચડી હું ખાઈ ગયો હતો. આ વાત મેં કોઈને કરી નહોતી. આજે ‘મિડ-ડે’ થકી મારા ઘરનાઓને પણ આ વાત પહેલી વાર ખબર પડશે.

આ બધા મારા નાનપણના કિસ્સાઓ, પણ એવું નથી કે યુવાવસ્થામાં આવ્યા પછી મેં કિચનમાં કુરુક્ષેત્ર ન ખેલ્યું હોય. લગ્ન પછીનો એક કિસ્સો કહું તમને. મારી વાઇફની ચા બહુ સરસ બને. એક વખત શો પૂરો કરીને હું ઘરે આવ્યો. ચા પીવાની બહુ ઇચ્છા થઈ હતી એટલે મેં ચા બનાવવાનું શરૂ કર્યું. દરરોજ જોઉં કે વાઇફ ચા બનાવતી વખતે એમાં આદું પીસીને નાખે. મેં પણ ચાની બધી તૈયારી કરી ગૅસ ચાલુ કરી દીધો અને પછી આદું પીસવાનું શરૂ કર્યું. આદું પિસાઈ ગયું એટલે ચામાં નાખી ને ચા પાકી ગઈ એટલે એ ઉતારીને મસ્ત મજાનો મારો મોટો કપ ભર્યો અને ટીવી સામે આવીને બેસી ગયો.

ટીવી ચાલુ કર્યું, ટીપાઈ પર પગ લાંબા કર્યા અને ચાનો કપ હાથમાં લીધો. હોઠને ચા અડી, જલસો પડી ગયો પણ જેવી એ ચા ગળા નીચે ગઈ કે ખ્યાલ આવ્યો કે બાપુ, તમે નાખ્યું એ આદું નહોતું, ટેસ્ટ અલગ છે. મગજને રિવાઇન્ડ કર્યું અને જાતને ટપારીને કહ્યું કે નાખ્યું એ આદું જ હતું, પણ ટેસ્ટ પરથી લાગે નહીં. હું તો ફરી કિચનમાં ગયો અને જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે આદુંને બદલે મેં ચામાં આંબા હળદર નાખી હતી.

આવા તો અનેક ભગાઓ કર્યા હશે અને કરતો પણ રહેવાનો છું, પણ એનો અર્થ એવો નથી કે હું માત્ર ભગાઓ જ કરું છું. અમુક વરાઇટીઓ હું એવી બનાવું છું કે ઘરના સૌકોઈને મજા પડી જાય. આમાંથી બે વરાઇટી તો આગળ આવી ગઈ. મમરા અને મૅગી. હા, અગાઉ કરેલી ભૂલમાંથી શીખીને આ બન્ને આઇટમ હું હવે બેસ્ટ બનાવું છું. આ ઉપરાંત કામચલાઉ રીતે હું બટાટાપૌંઆ પણ બનાવી લઉં, પણ મારી માસ્ટરી જો કોઈ આઇટમમાં હોય તો એ છે ઉત્તપમ. સૉલિડ ઉત્તપમ હું બનાવું છું. ખીરું તો તૈયાર જ લેવાનું હોય. ઉત્તપમમાં ટમૅટો અને વેજિટેબલ ઉત્તપમની સાથે હું પીત્ઝા ઉત્તપમ પણ બનાવું. આ પીત્ઝા ઉત્તપમમાં બ્રેડને બદલે ઉત્તપમનો બેઝ લેવાનો અને બાકી બધું પીત્ઝાની જેમ ઍડ કરવાનું. ચીઝ પણ નાખવાનું અને ઉપર ટૉપિંગ્સ પણ આવે. કડક બ્રેડ જેટલા નહીં પણ ઉત્તપમ જેટલા સૉફ્ટ પણ નહીં.

બહાર ટૂર પર ગયો હોઉં ત્યારે હું ફૂડ સાથે કોઈ એક્સપરિમેન્ટ્સ નથી કરતો, કારણ કે ત્યારે શો પણ કરવાના હોય અને હું નથી ઇચ્છતો હોતો કે શોખને કારણે કામ પર કોઈ અસર થાય.

હું સૉલિડ ઉત્તપમ બનાવું છું. ઉત્તપમમાં ટમૅટો અને વેજિટેબલ ઉત્તપમની સાથે હું પીત્ઝા ઉત્તપમ પણ બનાવું. આ પીત્ઝા ઉત્તપમમાં બ્રેડને બદલે ઉત્તપમનો બેઝ લેવાનો અને બાકી બધું પીત્ઝાની જેમ ઍડ કરવાનું. ચીઝ પણ નાખવાનું અને ઉપર ટૉપિંગ્સ પણ આવે.

Gujarati food indian food mumbai food Rashmin Shah