હસબન્ડે કિચનમાં રોજ કોઈ એક કામ તો કરવું જ જોઈએ

01 January, 2020 03:12 PM IST  |  Mumbai | Rashmin Shah

હસબન્ડે કિચનમાં રોજ કોઈ એક કામ તો કરવું જ જોઈએ

ગુડ મૉર્નિંગ: ઍક્ટર ધર્મેશ મહેતાની સવાર સીધી કિચનમાં પડે.

એવું માનતા ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ટીવી સિરિયલના ખ્યાતનામ ઍક્ટર ધર્મેશ વ્યાસ રોજ સવારે પત્ની સુરભિને પોતાનાહાથની ચા પિવડાવે છે. આ સાથે કિચનની વાતો કરતાં-કરતાં તેઓ એંસીના દશકના હૉસ્ટેલના દિવસો યાદ કરે છે. હૉસ્ટેલમાં અઢળક કિચન-મસ્તી કરનારા અને ભાતભાતની વાનગીઓ બનાવવાનો એક્સ્પીરિયન્સ લેનારા ધર્મેશ વ્યાસ પોતાના કિચન-પ્રયોગો વિશે રશ્મિન શાહ સાથેની વાતોમાં પોતે કિચનમાં વધારે સમય નહીં ગાળી શકવાનો અફસોસ પણ કરે છે.

ટીવી અને નાટકોના કારણે એવી પરિસ્થિતિ હોય કે હું શું ખાઉં છું એની પણ મને ખબર નથી હોતી. લંચમાં જરા અમસ્તું ખાધું હોય ત્યાં તરત શૉટ રેડી હોય અને તમારે કામ માટે ભાગવું પડે. નાટકોમાં પણ એવું જ બને. ડિનર મોટા ભાગે શો પૂરો કર્યા પછી બાર વાગ્યા પછી લેવાનું હોય એટલે એમાં શું ખાવું એના કરતાં શું-શું ન ખાવું એના પર ધ્યાન વધારે હોય એટલે એ રીતે જોઈએ તો ફૂડ પર હવે બહુ ધ્યાન નથી અપાતું. પણ હા, મારે કહેવું છે કે મારી વાઇફ સુરભિ મારા ફૂડની બાબતમાં બહુ પર્ફેક્શન રાખે છે. અમારે ત્યાં કુક છે પણ એમ છતાં મારી બધી રસોઈ સુરભિ જ બનાવે છે. આ કમ્પલ્શન નથી પણ સુરભિની ચીવટ છે અને આ ચીવટને હું પ્રેમ કહું છું.

બહુ જૂજ લોકોને ખબર છે કે મારા દિવસની શરૂઆત કિચનથી થાય છે. સવારે ફ્રેશ થયા પછી હું સૌથી પહેલો કિચનમાં દાખલ થાઉં અને ચા બનાવું. આ ચા માત્ર મારા માટે ન હોય, પણ મારી અને સુરભિ બન્ને માટે હોય. મારો સન તો હવે અબ્રૉડ ભણે છે એટલે એની માટે બનાવવાનો પ્રશ્ન નથી આવતો, પણ જો એ અહીં હોય તો એના માટે પણ ચા બને. આ વર્ષોનો નિયમ છે. સવારની પહેલી ચા મેં જ બનાવી હોય. પહેલાં હું હૉસ્ટેલમાં હતો એટલે એ સમયે હું ચા જાતે બનાવતો. પછી મુંબઈ આવ્યો એટલે ત્યારે પણ જાતે બનાવવાની આદત અકબંધ રહી. પછી લાઇફમાં સુરભિ આવી. સુરભિ પણ ઍક્ટ્રેસ એટલે તેના પણ શેડ્યુલને ધ્યાનમાં રાખવાનું હોય. આમ એ સમયે પણ ચા ઘણી વાર હાથે બનાવી અને પછી સુરભિને મારી ચા ભાવવા માંડી એટલે આ નિયમ બની ગયો. હું પર્સનલી માનું છું કે હસબન્ડે કિચનમાં કોઈ એક કામ તો દરરોજ કરવું જ જોઈએ. એમાં કશું ખોટું નથી. એને લીધે વાઇફ સાથેની આત્મીયતામાં ઘણો ફરક પડે છે.

મારી ચાની ખાસિયત એ છે કે હું દર વખતે અલગ-અલગ ચા યુઝ કરું છું. આજે આદુંવાળી ચા બનાવી હોય તો બીજા દિવસે ગરમ મસાલો નાખીને ચા બનાવું તો એક દિવસ ફુદીનાની ચા બનાવું. આમ મારી ચા ડેઇલી સરપ્રાઇઝ છે. ઘણી વાર આગલી રાતે જ સુરભિ કહી પણ દે કે આજે જે ચા બનાવી હતી એ રિપીટ કરજે તો હું બીજા દિવસે એ જ ચા બનાવું. પણ જો એવું કહેવામાં ન આવ્યું હોય તો હું સાતેસાત દિવસ અલગ-અલગ ચા બનાવી શકું. કઈ ચા બનાવતા હો તો એ ચાને કેટલી પકાવવી પડે એની પણ મને ખબર પડે. ફુદીનાની ચાને જો વધારે પકાવો તો એ ચા કડછી લાગે, આદુંવાળી ચા જેમ વધારે ઊકળે એમ એની એકેક બુંદમાં આદુંનો રસ પ્રસરે. ગરમ મસાલાવાળી ચા બનાવતા હો તો એ ચામાં ક્યારે મસાલો ઉમેરવો એ પણ એક આવડત છે.

કિચન સાથેની મારી રિલેશનશિપ આમ જોઈએ તો એંસીના દશકથી શરૂ થઈ છે. ૧૯૮૭ના સમયગાળામાં હું બરોડા હૉસ્ટેલમાં ભણતો હતો. અત્યારે હું જે ચા બનાવું છું એ ચાની નેટ પ્રૅક્ટિસ આ હૉસ્ટેલના દિવસોમાં થઈ હતી. એ દિવસોમાં ચાની સાથે હું સવારનો નાસ્તો પણ બનાવતો. લિમિટેડ બજેટમાં મહિનો પૂરો કરવાનો હોય એટલે સવારનો ચા-નાસ્તો બહાર કરવા જવાનું ગમે નહીં. ફિલ્મોનો અનહદ શોખ એટલે એ રીતે પણ ચા-નાસ્તામાં પૈસા વેડફવાને બદલે મૉર્નિંગ શોમાં ફિલ્મ જોવા જવાનું વધારે પસંદ કરું. ફિલ્મોના શોખે મને નાટક અને ટીવી તરફ વાળ્યો એવી જ રીતે ફિલ્મના આ શોખે મને કિચન તરફ વાળ્યો. નાસ્તાની બાબતમાં મારી સામે કોઈની ટક્કર આવે નહીં.

વઘારેલા સેવમમરાથી લઈને ટમૅટો ઑમ્લેટ, ઉત્તપમ, ઉપમા, પૂડલાથી માંડીને ચવાણું અને પાપડ ચેવડો જેવી અનેક વરાઇટી મને બનાવતાં આવડે. ઍક્ચ્ચ્યુઅલી મારી મમ્મી પલ્લવી વ્યાસ અદ્ભુત કુક. નાનપણથી મારા માટે વિશેષ કહેવાય એવાં વ્યંજનો બનાવીને મને ખવડાવતી. તેના ફૂડને લીધે હું ફૂડી થયો એવું કહું તો ચાલે. સ્કૂલ અને કૉલેજ પછી હૉસ્ટેલમાં રહેવાનો સમય આવ્યો એટલે જાતે ફૂડની અરેન્જમેન્ટ કરવાની સમજણ આવી. પહેલાં તો રેસ્ટોરન્ટ કે લારી પર જઈને પેટ ભરી લેવાની આદત પાડી પણ પછી ધીમે-ધીમે એનાથી થાક્યો અને ફિલ્મો પણ લાઇફમાં આવી ગઈ એટલે જાતે કિચન તરફ ટર્ન લીધો. અગાઉ કંઈ બનાવ્યું નહોતું અને આજની જેમ કંઈ યુટ્યુબ કે ઇન્ટરેનટ પણ હતું નહીં એટલે કંઈ પણ બનાવતાં પહેલાં મમ્મી કઈ રીતે એ બનાવતી એ બધું યાદ કરું અને જાતે ટ્રાયલ-એરર પરથી એ બનાવવામાં માસ્ટરી મેળવું. એક સમય તો એવો આવી ગયો કે હૉસ્ટેલના બધા ફ્રેન્ડ્સ મારી રૂમમાં ભેગા થાય અને બધાના માટે મારે એકલાએ નાસ્તો બનાવવાનો. પૂડલા બનાવવાના હોય તો બધાને કામે લગાડી દઉં. એક જણ કાંદા સમારે, એક ટમેટાં, એક બેસન લેવા ભાગે અને એક તેલની વ્યવસ્થા માટે જાય અને કલાક પછી બધાને ગરમાગરમ પૂડલા અને ચાનો નાસ્તો મળે. બાર ફ્રેન્ડ્સ માટે મેં એકસાથે નાસ્તો બનાવ્યો છે.

આગલી રાતે બધા મારી રૂમમાં આવીને બીજી સવારનું રીતસર મેનુ નક્કી કરવા બેસે કે સવારે હવે શું નાસ્તો બનાવવો છે. બધા નક્કી કરે એ મારે બીજા દિવસે બનાવવાનું. રાતથી સવાર સુધીનો એ જે સમય જતો એમાં બધાને મજા પડી જતી. નાસ્તામાં ઉપમા મારી ફેવરિટ આઇટમ છે અને એ હું બનાવું પણ બહુ સરસ. જે દિવસે મેં ઉપમા બનાવ્યો હોય એ દિવસે રીતસરની પડાપડી થાય અને હૉસ્ટેલનો સ્ટાફ સુધ્ધાં આવીને મારે ત્યાં ખાઈને જાય.

ફૂડને લઈને ક્યારેય મેં કોઈ મેજર બ્લન્ડર નથી માર્યાં. એનું કારણ પણ એ છે કે આ બધી પ્રૅક્ટિસ હૉસ્ટેલમાં થઈ છે. જરા નમક ઓછું હોય તો પણ એમાં દોસ્તીનો તડકો હતો એટલે કોઈ ફરિયાદ નહોતું કરતું. સહેજ વધારે તીખું બની ગયું હોય તો પણ એમાં ભાઈબંધીની મીઠાશ હતી એટલે કોઈને એ તીખાશ સામે વાંધો નહોતો. બધા દોસ્તો બહુ પ્રેમથી જમે અને મને છેલ્લે ખબર પડે ત્યારે એ બધા માટે પ્રેમ પણ જાગે. થયેલી એ ભૂલ બીજી વખત સુધારી લઉં.

હવે કિચનમાં જવાનું બનતું નથી એટલે એ બધી ખુશીઓ મિસ કરું છું. કિચનમાં નહીં જવા માટે કારણો પણ છે.

સવારની ચા પછી તરત જ મારે બહાર નીકળવાનું હોય એટલે એની તૈયારીમાં લાગી જાઉં અને ધારો કે મહિનામાં એકાદ દિવસ ફ્રી મળી પણ જાય તો એ દિવસ રેસ્ટ કરવાનું મન થઈ આવે કે પછી બહાર જમવા જવાનું પ્લાનિંગ કરીએ. હું એ દિવસની રાહ જોઉં છું કે કોઈ પણ હિસાબે મને એ દિવસો પાછા મળે જે મેં હૉસ્ટેલમાં એન્જૉય કર્યા હતા. મારી ઇચ્છા છે કે હું એ બધા મૉર્નિંગ બ્રેકફાસ્ટ ફરીથી બનાવું, એ બધા નાસ્તા ફરીથી બનાવું અને એ મારા દીકરા અને સુરભિને ખવડાવું.

હૉસ્ટેલનો ચૂરો ચેવડો

હૉસ્ટેલમાં એક વરાઇટી બનાવીને મોટો ડબ્બો ભરી રાખતો. જ્યારે પણ હૉસ્ટેલ યાદ આવે ત્યારે મને મારી એ વરાઇટી પણ બહુ યાદ આવે છે. એ વરાઇટીનું નામ અમે કંઈ નહોતું પાડ્યું એટલે બધા એને ‘ચૂરો ચેવડો’ કહેતા. આ ચૂરો ચેવડો બનાવવા માટે બહુ મહેનત નહોતી કરવી પડતી. દસ જેટલા ખાખરા લેવાના. આજે તો જાતજાતની ફ્લેવરના ખાખરા આવે છે પણ એ સમયે ખાખરા બે જ પ્રકારના આવતા. સાદા અને મસાલાવાળા. મસાલા ખાખરા લો તો સ્વાદ વધારે સારો આવશે. દસ ખાખરામાં ત્રણ શેકેલા અડદના પાપડ, બે ખીચિયા પાપડ અને એકેક તળેલો અડદ અને ખીચિયા પાપડ લેવાનો. આ બધાને એક થાળીમાં ભાંગીને ભૂકો કરી નાખવાનો. એ પછી એમાં થોડું કાચું તેલ ઉમેરવાનું અને એમાં સહેજ અમસ્તું સિંધાલૂણ, કાળાં મરીનો પાઉડર, હિંગ અને આમચૂર નાખીને બધું મિક્સ કરી દેવાનું. તૈયાર થઈ ગયો તમારો ચૂરો ચેવડો. હું તો હજી આમાં પણ વધારે કરતો. જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ચૂરો લઈ એમાં કાકડી-ટમેટાં અને કોથમીર પણ ઉમેરું અને સાથે એક લીલું મરચું બાજુમાં રાખું. ચૂરો ચેવડો ખાતા જવાનો અને તીખા લીલા મરચાનું બાઇટ લેતા જવાનું.

સસ્તામાં સ્વાદપુરની જાત્રા.

હોસ્ટેલમાં બધા ફ્રેન્ડ્સ મારી રૂમમાં આવીને બીજી સવારનું રીતસર મેનુ નક્કી કરવા બેસે કે સવારે હવે શું નાસ્તો બનાવવો છે. બધા નક્કી કરે એ મારે બીજા દિવસે બનાવવાનું. રાતથી સવાર સુધીનો એ જે સમય જતો એમાં બધાને મજા પડી જતી. નાસ્તામાં ઉપમા મારી ફેવરિટ આઇટમ છે અને એ હું બનાવું પણ બહુ સરસ. જે દિવસે મેં ઉપમા બનાવ્યો હોય એ દિવસે રીતસરની પડાપડી થાય અને હૉસ્ટેલનો સ્ટાફ સુધ્ધાં આવીને મારે ત્યાં ખાઈને જાય.

Gujarati food indian food mumbai food Rashmin Shah