ઉબાડિયું ને લીલી હળદરનું શાક મુંબઈમાં ક્યાં મળશે?

21 January, 2020 02:54 PM IST  |  Mumbai | Divyasha Doshi

ઉબાડિયું ને લીલી હળદરનું શાક મુંબઈમાં ક્યાં મળશે?

વાનગીઓ

ભારતીય વિદ્યા ભવનની બરાબર ક્રૉસમાં નજર નાખો તો ગોથિક સ્ટાઇલની રંગીન કાચવાળી અને વેલથી વીંટળાયેલી બારીઓ ધ્યાન ખેંચે. ધ કલ્ચર હાઉસ હન્ડ્રેડ પર્સન્ટ વેજિટેરિયન વાંચીએ ત્યાર બાદ ખ્યાલ આવે કે આ રેસ્ટોરાં છે. બાબુલનાથની સામેની ગલીમાંથી દાખલ થાઓ તો ગલીના બીજા છેડે આ રેસ્ટોરાંમાં દાખલ થવાનું. અંદર દાખલ થતાં બહારના ટ્રાફિકનો અવાજ અચાનક બંધ થઈ જાય, કંઈક ન સમજાય એવી શાંતિ તમને આવકારે. આઠેક કાળા દાદર ચડીને ઉપર પહોંચો કે પિરિયડ રજવાડાનો માહોલ તમને બીજી જ દુનિયામાં લઈ જાય. જેમનાથી દાદર ન ચડાતા હોય તેમને માટે એક વ્યક્તિ ઊભી રહી શકે એવી હાયડ્રોલિક લિફ્ટ છે. સ્ટાફ તમને સસ્મિત આવકાર આપીને ડાઇનિંગ હૉલ તરફ લઈ જાય. ખુલ્લી ઈંટો અને કલાત્મક ટાઇલ્સ, વુ઼ડની સીલિંગ અને બ્લુઇશ લીલો રંગ ને નેતરની પિરિયડ સ્ટાઇલની ખુરશીઓ માહોલ ઊભો કરે છે. નાટક જોવા જાઓ ત્યારે સ્ટેજનો સેટ મહત્ત્વનો હોય છે. તમને થશે કે રેસ્ટોરન્ટની વાત કરવામાં ડ્રામા-નાટકની વાત કેમ કરી રહી છું. પણ આ જ મજા છે ફાઇન ડાઇનિંગની. સાદી હોટેલ અને ફાઇન ડાઇનિંગ વચ્ચે ભેદ છે. ફાઇન ડાઇનિંગમાં તમે ધારી ન હોય એવી વાનગીઓ એના દેખાવ અને સ્વાદ દ્વારા તમને એક જુદી જ અનુભૂતિના પ્રદેશમાં લઈ જઈ શકે.

કલ્ચર હાઉસની શરૂઆત કોણે અને કેવી રીતે થઈ એની થોડી વાત કર્યા બાદ જ વાનગીના સ્વાદનો પડદો ઊપડશે. આમ પણ અમે કલ્ચર હાઉસની મુલાકાત લીધી એ પહેલાં સૌમ્ય જોશીનું ‘પાડાની પોળ’ નામનું હાસ્ય નાટક જોયું હતું. યોગાનુયોગ એમાં પણ કેવી રીતે ભોજનનો સ્વાદ માણવો એ વિશે ડાયલૉગ હતો. ભાત ભેગો કે છુટ્ટો? ભાત ભેગો હોય તો દાળ એમાં ભળી જાય નહીં તો મંડે થાળીમાં આંટા મારવા. વળી ભોજન પહેલાં ફોન, ટીવી બંધ હોવા જોઈએ અને મગજમાંથી દરેક વિચાર પણ બંધ કરી દેવા જોઈએ. ફક્ત ને ફક્ત ભોજનમય જ તમારી મનઃસ્થિતિ હોય તો જ એનો સ્વાદ આવી શકે. આ ડાયલૉગ મગજમાં લઈને જ અમે કલ્ચર હાઉસમાં પ્રવેશ્યા હતા. અને અંદરનો માહોલ જોઈને વિચાર આવ્યો કે જો કોઈ ગુજરાતી કપલ કે કુટુંબ અહીં આવે તો હૉલીવુડની ફિલ્મમાં દર્શાવે છે એવી રીતે ધારે તો રોમૅન્સને ફરી જીવંત કરી શકે. પણ જો તેમના સ્વભાવ મુજબ ભાઈ તેના મોબાઇલના મેસેજિસ જોવામાં વ્યસ્ત હોય અને બહેન આજુબાજુવાળાએ શું પહેર્યું છે કે શું ખાય છે એ જોવામાં વ્યસ્ત હોય તો કલ્ચર શૉક લાગી શકે છે. કુટુંબ હોય અને બાળકો બૂમાબૂમ કરે કે દોડાદોડી કરે અને વડીલો વાતું કરતાં મેનુમાં નજર નાખીને કહે કે આટલું મોંઘું? તો બસ પતી ગયું. અહીંનું મેનુ પણ તમારે શાંતિથી જોવું પડે. દૂધ કા દૂધ ઓર પાની કા પાની, પેટ મેં ચુહે કૂદ રહે હૈં જેવાં વાક્યોની સાથે વંચાતું મેનુ પણ ડ્રામેટિક છે. ગોટી સોડા, ફાફડા ફૉન્ડ્યુ, કાલાખટ્ટા સ્પિટ્ઝર, ડમરું પાન, ઓસામણ ઑરેન્જ ટમૅટો સૂપ, પેરુ- કુકમ્બર સૂપ, ક્લિયર વેજિટેબલ ઢોકળી સૂપ, જલેબી મિરચી ચાટ, કોલકતા દહીંવડાં, ચકરી સેવપૂરી, ખીચું ખાઉસે, મુંગદાલ બાજરી ખીચું, સાસુમાનો હાંડવો, સ્ટફ્ડ ખીચું, ભાખરી પીત્ઝા, જવાર બાજરી ફલાફલ, કલકત્તા પાન બિરયાની, કેરસાંગરી અને ટક્કર રોટી, એક ટોપના દાળભાત વગેરે વગેરે વગેરે.

આ રેસ્ટોરાંનો આઇડિયા ફાર્માસ્યુટિકલનો વ્યવસાય ધરાવતા ચાર ગુજરાતી વેપારીઓનો છે. દિવ્યેશ ઠક્કર, સમીર ગાંધી, કૌશિક મહેતા અને જયેશ વોરા. જયેશ વોરાને અને બીજાઓને પણ ગુજરાતી ભાષા અને નાટક, સાહિત્ય અને ભોજન પ્રત્યે વિશેષ લગાવ છે. જયેશભાઈનું કહેવું છે કે આજનાં બાળકોને વિદેશી વાનગીઓ અને જન્ક ફૂડનો ચટકો લાગ્યો છે. ઘરે ભોજન પહોંચાડતી ઍપના વધતા વ્યાપને લીધે ઘરનું ગુજરાતી ભોજન વીસરાઈ રહ્યું છે. વળી ગુજરાતી ભોજનને ગોરમે વાનગીની જેમ પીરસાય તો શક્ય છે કે ગુજરાતી જ નહીં, અન્ય પ્રાંતના યુવાનો પણ જુદો ટેસ્ટ ચાખવા માટે પ્રેરાય. એ વિચાર સાથે ગુજરાતી-ભારતીય ભોજન પણ જરા હટકે. એટલે એમાં ઉમેર્યો ગોરમે ડ્રામા. એટલે જો તમે કલ્ચર હાઉસમાં જાઓ તો મોબાઇલ અને મગજના વિચારોને મ્યુટ મોડ પર મૂકીને સ્વાદનો આસ્વાદ કરવા જજો. રેસ્ટોરાંનું વાતાવરણ પર્ફેક્ટ ટેમ્પરેચર જાળવે છે એની નોંધ અમારાથી લેવાઈ ગઈ. બપોરે ગયા હતા એટલે પહેલાં ઠંડા સૂપનો ઑર્ડર આપ્યો. સ્ટાફને ટ્રેઇનિંગ ખૂબ સરસ રીતે આપવામાં આવી છે. તેઓ જ્યારે પીરસે છે ત્યારે તમે જો વાત કરતા હો તો તમને નડતા નથી કે અડતાય નથી અને ખબર પણ ન પડે એ રીતે ડિશના કે ચમચાના અવાજ વિના ટેબલ ગોઠવાય છે અને વાનગીઓ પીરસાય છે. આવો અનુભવ તમને ફાઇવસ્ટાર હોટેલમાં થાય અને એ છતાં અહીં ફાઇવસ્ટાર હોટેલના ભાવ નથી લેવાતા. ગોરમે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાંનો અનુભવ કરવા માટે પણ કલ્ચર હાઉસ જવું જોઈએ. પેરુ-કુકમ્બર સૂપમાં થોડું મીઠું નાખીને પીવાથી ઠંડક લાગે છે. ઑરેન્જ ટમૅટો સૂપ પણ કોલ્ડ સૂપ છે. બાજરા સૂપનો સ્વાદ નવો છે. તો ઢોકળી ક્લિયર સૂપ પણ પંજાબી રેસ્ટોરાંમાં મળતા સૂપ કરતાં નવો અને સ્વાદિષ્ટ સ્વાદ આપે છે. સાથે જલેબી ચાટ અને ખીચું જરૂર ખાઈ શકાય. સ્ટફ્ડ ખીચું ડ્રામેટિક રીતે પીરસાય છે. મોમોની ટોકરી કે જેમાં ગરમ રહે એમાં ગોળ બોલ તમારી સામે પીરસાય. એ બોલને કાંટા ચમચી કે પછી હાથથી પણ ખાઈ જ શકાય. અહીં ગોરમે વાનગી હોવા છતાં હાથથી ખાવામાં કોઈ બાધ નથી. એ બોલને તોડો કે વચ્ચેથી ટિંડોળાનું સૂકું અથાણું ભરેલું દેખાય. તેલ અને લાલચટક મેથિયા સંભાર સાથે એનો સ્વાદ આહાહા... બાજરી-મગની દાળનું ખીચું ગ્લુટન-ફ્રી ખાવાનો આગ્રહ રાખતા હો તો પણ અને ન રાખતા હો તો પણ ચાખવા જેવું છે. ટમટમ ખમણમાં બટરનો સ્વાદ તમને સ્પર્શી જશે. સાથે આઇસ્ડ ઑરેન્જ કૉફી કે કેસર, જેગરી આઇસ ટીના ઘૂંટડા ભરી શકાય અને જો ગરમ ચા કે કૉફી પીવા હોય તો એ પણ મળશે જ. કુલ્લડમાં પીરસાતી કેસર ચા કે રજવાડી મસાલા ચા તમને જે અનુકૂળ આવે એ મગાવી શકો. હજી ડ્રામેટિક નાસ્તો કરવો હોય તો દાબેલી વિથ શૉટ ટ્રાય કરી શકાય. નાની-નાની દાબેલી અને

આમલી-દાડમનું પાણી. કલ્ચર હાઉસના મુખ્ય શેફ પારસ કહે છે કે દાબેલીમાં બટાટાનું પૂરણ નથી પણ શક્કરિયાનું પૂરણ છે કે તરત જ અમે બીજી દાબેલી મોંમાં મૂકીએ છીએ અને ઉપર દાડમ-આમલીના પાણીનો શૉટ. સાથે મસાલા શિંગ અને કુરકુરે પણ મમળાવવા માટે છે. ભોજન કરવું હોય તો ઇજિપ્શિયન વાનગી ફલાફલનો ગુજ્જુ દેશી અવતાર

તમારી સામે સુંદર રીતે પીરસાય. જુવારના પીતા બ્રેડની સાથે બાજરાનું હમસ મોંમાં મૂકતાં જ વાહ બોલાઈ જાય. સાથે ગ્રીન સૅલડ તેમ જ બીટનો વિનેગરી અચાર. ગુજરાતી ખાવું હોય તો પૂરી, રસરંજન આલૂ અને શ્રીખંડની થાળી મગાવી શકાય. શ્રીખંડ ઇનહાઉસ બનાવાય છે શુદ્ધ કેસર અને પિસ્તાં નાખીને. મઠ્ઠા જેવો મીઠો શ્રીખંડ અને પૂરી પણ ગોરમે વાનગી લાગી શકે. રાજસ્થાની થાળી પિત્તોડ કી સબ્જી, ટક્કર રોટી અને કેરસાંગરી વઘારેલા મગાવી શકો કે ગોવિંદ ગટ્ટા અને સાતપડી રોટલી કે સ્ટફ્ડ દાલબાટી અને ચૂરમું. શેફ પારસ રાજસ્થાની હોવાને કારણે પરંપરિત રાજસ્થાની વાનગીઓને પણ ડ્રામેટિક સ્વરૂપ આપી શક્યા છે અને એમાં સ્વાદ પણ લાજવાબ મૂકી શક્યા છે.

પારસી દાલબાટીનો સ્વાદ અમને ન સ્પર્શી શક્યો અને કલકત્તી પાન બિરયાનીમાં પાનનો સ્વાદ  સાથે પાનનું રાઈતું અગેઇન કલ્ચરલ શૉક આપે છે જે અમારી જીભ અને મન પચાવી ન શક્યાં. પરંતુ લોકો એને ખૂબ સ્વાદથી માણે છે. ડમરું ડ્રિન્કમાં મીઠા બનારસી પાનની લહેજત છે જ.  છેલ્લે મધુર મિલન રબડી, ગુલાબજાંબુ અને બુંદી કેકની જેમ પીરસાય ત્યારે શુદ્ધ ઘીમાં બનેલી મીઠાઈની સુગંધ અનુભવી શકાય. એક ડિશમાંથી તમે બીજા ત્રણેક જણ સાથે વહેંચી શકો જો તમે સ્વીટ ટૂથ એટલે કે મીઠાઈ તમારી નબળાઈ ન હોય તો. કલ્ચર હાઉસમાં એક વાર જવાથી બધું ન ખાઈ કે ચાખી શકાય એટલે અમે પણ એક જ લેખમાં બધી જ વાનગીઓ વિશે ન લખી શકીએ. 

કિડ‍્સ માટે અલગ મેન્યૂ

કિડ્સ એટલે કે ખાવામાં નખરાં કરતાં બચ્ચાંઓ માટે પણ જન્ક ફૂડનું મેન્યૂ છે. એ તરફ અમે ફક્ત નજર જ નાખી. કિટી પાર્ટી માટે ખૂબ સસ્તો ઑપ્શન જોઈને અમને થયું કે કિટી પાર્ટીમાં જ અહીં આવવું જોઈતું હતું.

indian food Gujarati food divyasha doshi