જેવો અવાજ, એવી જ ચા એકદમ કડક અને મીઠી

06 November, 2019 01:05 PM IST  |  Mumbai | Rashmin Shah

જેવો અવાજ, એવી જ ચા એકદમ કડક અને મીઠી

કીર્તિદાનના હાથેથી બનાવેલી ચા

એક વખત બાને ચા બનાવી દેવાનું આવ્યું એ પછી લોકગાયક કીર્તિદાન ગઢવીના હાથમાં ચા એવી તે ચડી કે આજે તેના સાથી કલાકારો અને ભાઈબંધો પણ ઘરે આવે ત્યારે કીર્તિદાનના હાથની ચા પીવાનો આગ્રહ રાખે છે. તેમણે પોતાના કિચનના પ્રયોગો વિશે રશ્મિન શાહ સાથે વાતો કરી એ તેમના જ શબ્દોમાં જાણવા જેવો છે.

આમ તો મને રસોડા સાથે કંઈ બહુ લેવાદેવા નહીં. એ આપણું કામ નહીં અને આપણને એમાં બહુ ગતાગમ પણ પડે નહીં, પણ વાત ચાની હોય તો એમાં મારી ચાને કોઈ પહોંચી શકે નહીં એવું પણ હું માનું. ચા અને બ્રેડ ટોસ્ટ બનાવવા સિવાય મને કંઈ આવડતું નથી. મેં શીખવાની કોશિશ પણ નથી કરી અને સાચું કહું તો, મારે એ કરવી પણ નથી. કેટલીક વાતોમાં ઘર યાદ આવે એવા સંજોગો ઊભા થવા દેવા જોઈએ એવું મારું માનવું છે.

ચાની વાત કરું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર ચા બનાવી સત્તર વર્ષની ઉંમરે. બન્યું એવું કે મારી મમ્મીની તબિયત બરાબર નહોતી અને તેને ચા પીવાની ઇચ્છા થઈ. મેં કીધું કે હું બનાવી દઉં તો પહેલાં તો તેણે આનાકાની કરી, પણ પછી મેં આગ્રહ કર્યો કે ઇચ્છા થઈ છે તો વાંધો શું છે, તમે કહેશો એમ કરતો જઈશ. બહુ કીધું એટલે તેણે હા પાડી અને મેં ચા બનાવવાની શરૂઆત કરી. એ બહાર હૉલમાં હતાં. જેટલું પાણી લેવાનું કહે એટલું પાણી લઈને પાછો રસોડામાંથી બહાર આવું અને તેને દેખાડું. પછી દૂધ નાખવાનું કહે એટલે દૂધ નાખીને પાછો બહાર આવું અને દૂધ દેખાડું. ચા નાખવાનું કહે એટલે ભાગતો આવીને ચાની ચમચી દેખાડું કે આટલી નાખવાનીને? ખાંડમાં પણ એમ જ કર્યું અને પછી આદું પીસીને સહેજ આદું નાખ્યું. ચાને બરાબર ઉકાળી અને એ ચા પછી મમ્મીને આપી. મમ્મી એ દિવસે બહુ રાજી થઈ બે કારણસર. એક તો ચા સરસ બની હતી અને બીજું કે ચા તેના દીકરાએ બનાવી દીધી હતી. એ દિવસે મમ્મીને એ વાતનો અફસોસ નીકળી ગયો કે તેને કોઈ દીકરી નથી.

ચા સિવાય આગળ બીજું કંઈ શીખવાની મેં કોશિશ કરી નથી. બ્રેડ ટોસ્ટ બનાવી લઉં, એ પણ અનિવાર્ય હોય તો જ. ટોસ્ટ બનાવતી વખતે એક વખત એવી હાલત થઈ હતી કે ભલભલાને પરસેવો છૂટી જાય. બન્યું એમાં એવું કે ટોસ્ટ મૂકીને હું ભૂલી ગયો કે ટોસ્ટરમાં મેં બ્રેડ મૂકી છે. અમારી ટૂર સમયની વાત છે. ફૉરેન હતા અમે. હું તો શાવર લેવા ચાલ્યો ગયો. બાથરૂમમાંથી બહાર આવી નીકળ્યો તો આખા રૂમમાં ધુમાડો-ધુમાડો. દીવાલ પણ ધુમાડાથી કાળી થઈ ગઈ હતી. મેં તરત જ ટોસ્ટરનો પ્લગ કાઢી નાખ્યો અને બારીબારણાં ખોલી નાખ્યાં. ધુમાડો બહાર ગયો એટલે બહાર દેકારો બોલી ગયો. બધા જોવા આવ્યા. પહેલી નજરે તો એવું જ લાગે કે આગ લાગી છે, પણ પછી બધાને ખબર પડી એટલે બધા હસે. એ સમયે હું એટલું શીખ્યો કે બ્રેડ ટોસ્ટરમાં મૂકીને ક્યાંય જવું નહીં અને કડક થાય એની રાહ જોયા વિના થોડી-થોડી વારે બ્રેડ ચેક કરી લેવી. એ દિવસ પછી એવું બને કે મારા ટોસ્ટ કડક ન હોય, પણ એ બળતા તો બંધ જ થઈ ગયા.

ચાની બાબતમાં મારી હથોટી જો આવી હોય તો એ ફૉરેનની ટૂરના કારણે. સત્તર વર્ષે પહેલી વાર ચા બનાવ્યા પછી લાંબા સમય સુધી મેં ચા નહોતી બનાવી, પણ એ પછી મ્યુઝિકના કારણે બહાર જવાનું થયું અને એમાં પણ ફૉરેન ટૂર શરૂ થઈ એટલે આપણી દેશીમસાલાવાળી ચાની તલબ લાગે. ફૉરેનવાળાને મશીનની ચા કેવી રીતે ગળે ઊતરતી હશે એ પણ આપણને તો નવાઈ લાગે. ફૉરેન જવાનું બનવા માંડ્યું એટલે મેં ફરીથી ચા ઉપર હાથ અજમાવ્યો અને પછી તો મારા હાથની ચા પીવાની આદત મારા સાથીઓને પણ પડવા માંડી. મારા હાથની ચા ઘણા કલાકારોએ પણ પીધી છે. માયાભાઈ આહિરને મારી ચા ભાવે છે. સાંઈરામ દવે તો ઘરે આવે ત્યારે હસતાં-હસતાં શરત પણ મૂકે કે તમે ચા પીવડાવાના હો તો આવું. ચાનાં બધાં વખાણ કરે. જાય પણ ક્યાં, મેં બનાવી હોય એટલે વખાણ કરવા તો પડે જ. બીજા પણ ઘણા કલાકારોએ મારી ચા પીધી છે અને તેમને ભાવે પણ છે, પરંતુ હા, મારી વાઇફને મારા હાથની ચા નથી પસંદ. એની ચા માઇલ્ડ હોય છે, ક્યાંથી મારા હાથનો કડક કસુંબો પી શકે.

મારી ચા આપણી દેશી કાઠિયાવાડી ચા હોય એવી કડક, મીઠી હોય. હું ગરમ મસાલો ચામાં નથી નાખતો, પણ જો ઠંડી હોય કે વરસાદ હોય તો ચામાં વાટેલું આદું કે પીસેલાં તુલસીનાં પાન અચૂક નાખું. ઘણા લોકો ચામાં તુલસીનાં પાન આખા નાખી દે છે, પણ એવું કરવાને બદલે એને અધકચરાં વાટીને નાખજો. ચાની પત્તી સાથે ભળી જતો તુલસીનો સ્વાદ અને એની સુગંધ એવી આવશે કે તમને ઇચ્છા ન હોય તો પણ ચા પીવાનું મન થઈ આવે.

મારી એક ઇચ્છા છે જે મેં આજ સુધી કોઈને કીધી નથી, આજે પહેલી વાર કહું છું. મારે મોરારીબાપુને મારા હાથની ચા પીવડાવવી છે. બાપુ ચા પીને એક વાર વખાણ કરે એટલે ચા બનાવવાનું શીખેલું લેખે લાગે. 

મારા હાથની ચા ઘણા કલાકારોએ પણ પીધી છે. માયાભાઈ આહિરને મારી ચા ભાવે છે. સાંઈરામ દવે તો ઘરે આવે ત્યારે હસતાં-હસતાં શરત પણ મૂકે કે તમે ચા પીવડાવાના હો તો આવું. ચાનાં બધાં વખાણ કરે. જાય પણ ક્યાં, મેં બનાવી હોય એટલે વખાણ કરવા તો પડે જ. બીજા પણ ઘણા કલાકારોએ મારી ચા પીધી છે અને તેમને ભાવે પણ છે, પરંતુ હા, મારી વાઇફને મારા હાથની ચા નથી પસંદ. એની ચા માઇલ્ડ હોય છે, ક્યાંથી મારા હાથનો કડક કસુંબો પી શકે

indian food Gujarati food