કેદીઓના હાથે બનેલાં રોજનાં 100 કિલો ટેસ્ટી ભજિયાં ખપી જાય છે

05 December, 2019 01:49 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

કેદીઓના હાથે બનેલાં રોજનાં 100 કિલો ટેસ્ટી ભજિયાં ખપી જાય છે

ભજિયાં હાઉસ

સામાન્ય રીતે જેલના કેદીઓની વાત આવે તો નાગરિકોના નાકનું ટેરવું ચડી જાય અને મોટા ભાગે તો કેદીઓથી નાગરિકો અંતર રાખે છે, પરંતુ અમદાવાદમાં તો કેદીઓના હાથે બનેલાં ભજિયાં ખાવા સ્વાદના શોખીનોની રોજેરોજ રીતસરની લાઇન લાગે છે અને ભજિયાં ખાવાના શોખીનો અહીં કેદીઓથી અંતર નથી બનાવતા પણ કેદીઓના હાથે બનેલાં મનલુભાવન ભજિયાં ખાઈને કેદીઓને ‘અંતર’માં વસાવી લે છે અને ટેસ્ટી ભજિયાંનાં વખાણ કરતાં ચૂકતાં નથી.

વાચકમિત્રો, નાસ્તાના શોખીનોને ટેસ્ટફુલ ભજિયાંનો સ્વાદ એવો તો દાઢે વળગી ગયો છે કે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓના હાથે બનેલાં રોજનાં અંદાજે ૭૦થી ૧૦૦ કિલો જેટલાં ટેસ્ટી ભજિયાં નાગરિકો ઝાપટી જાય છે. સમાજે કેદીઓના હાથે બનેલાં ભજિયાંનો સ્વીકાર કર્યો છે એટલે જ વર્ષોથી કેદીઓના હાથે બનતાં ગરમાગરમ ટેસ્ટી ભજિયાં ખાવા સવારથી જ સ્વાદના શોખીનો ઊમટી પડે છે. કેદીઓ ભજિયાંના બિઝનેસથી વર્ષે દહાડે ૬૬થી ૬૮ લાખનું ટર્નઓવર કરી રહ્યા છે.

અમદાવાદ સહિત ભારતભરમાં કંઈ કેટલાંય ફેમસ ભજિયાંવાળા છે, પણ અમદાવાદમાં જેલના કેદીઓના હાથે બનતાં ભજિયાંની વાત નિરાળી છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે આર.ટી.ઓ. કચેરી પાસે જેલ ભજિયાં હાઉસ આવેલું છે. સવારથી અહીં મેથીનાં અને બટાટાનાં પિતાવાળાં ભજિયાં સાથે કઢી–ચટણી અને મરચાં સર્વ થાય છે. અહીં તમે બેસીને ભજિયાં ખાઈ શકો એ માટેની વ્યવસ્થા છે. અશોક, જેકાજી સહિતના ભજિયાં બનાવતા કેદીઓ ભજિયાંનો એક ઘાણ ઉતારે ત્યાં તો બીજો ઘાણ તૈયાર કરવો પડે એટલી ડિમાન્ડ અહીંનાં ભજિયાંની છે. સવારે મેથી, મરચાં, બટાટાને સમારવાના કામથી લઈને કઢી-ચટણી બનાવવાનું શરૂ થઈ જાય છે અને એક પછી એક એમ દિવસભર ગરમાગરમ ભજિયાંના ઘાણ ઊતરતા રહે છે અને નાગરિકો ભજિયાંની જયાફત ઉડાવે છે.

જેલનાં ભજિયાં સિંગતેલમાંથી બને છે. બજાર કરતાં અહીં ભાવ ઓછો છે. ભજિયાં બનાવવા માટે મેથી, મરચાં, બટાટા, બેસન સહિતનો માલસામાન ક્વૉલિટીવાળો હોય છે એટલે જેલનાં ભજિયાં વિશ્વપ્રસિદ્ધ બની ગયાં છે. ભજિયાં બનાવવાનું કામ કરતા અશોક ધૂળાજી કહે છે કે ‘અમારા હાથે બનેલાં ભજિયાં ખાવા નાગરિકો રોજેરોજ આવે છે એ જોઈને અમને સારું લાગે છે. છેલ્લાં આઠ વર્ષથી અહીં ભજિયાં બનાવું છું. અહીં આવીને જ હું ભજિયાં બનાવવાનું શીખ્યો છું.’

કેદીઓ દ્વારા બનાવવામાં આવતાં ભજિયાંની વાત કરતાં ડૉ. કે. એલ. એન. રાવ (પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટ) ‘મિડ ડે’ને કહે છે, ‘નો પ્રૉફિટ, નો લૉસ પ્રમાણે આ ભજિયાં હાઉસ ચલાવીએ છીએ. માર્કેટ કરતાં અહીં ભજિયાં સસ્તાં મળે છે. કેદીઓ સમાજમાં પાછા જાય તો સારી રીતે વ્યવસાય પણ કરી શકે એના ભાગરૂપે આ પ્રવૃત્તિ છે. કેદીઓમાં રહેલી આવડતને બહાર લાવવાનો આ પ્રયાસ છે. ભજિયાં બનાવવાના કામમાં જોડાયેલા કેદીઓને સરકારી નિયમ પ્રમાણે પ્રતિ દિન ૧૦૦ રૂપિયા સુધીનું વેતન પણ આપવામાં આવે છે. કેદીઓના કલ્યાણ માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.’

જેલ ભજિયાં હાઉસ પરથી રોજના અંદાજે ૧૬થી ૧૮ હજાર રૂપિયાનાં ભજિયાંનું વેચાણ થાય છે. મહિને અંદાજે સાડાચારથી પાંચ લાખ રૂપિયાનું અને વર્ષે દહાડે અંદાજે રૂપિયા ૬૬થી ૬૮ લાખનું ટર્નઓવર થાય છે. જેલનાં ભજિયાં જી.એસ.ટી. સાથે ૧૭૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે, જ્યારે બજારમાં ૨૦૦ રૂપિયાથી વધુ કિલોનો ભાવ ચાલે છે. રોજના ૯ કેદીઓ ભજિયાં બનાવવાનું કામ કરે છે. ભજિયાં બનાવવા માટે દર મહિને કેદીઓ બદલાય છે.

કેદીઓ ભજિયાં બનાવે? એવી ઉત્સુકતા અને અચરજ સાથે ઘણા નાગરિકો અહીં ભજિયાં ખાવા આવે છે અને ભજિયાં બનાવી રહેલા કેદીઓને એક નજરે જોતા રહે છે. એક પછી એક એમ ભજિયાંનો ગરમાગરમ ઘાણ ઊતરતો જાય અને ભજિયાં ખાવા આવેલા નાગરિકોને ગરમાગરમ ભજિયાં કેદીઓ પીરસતા રહે છે. ક્યારેક અમદાવાદ આવો તો ભૂલ્યા વગર જેલના કેદીઓના હાથે બનેલાં ભજિયાં ખાવા પધારજો, કેદીઓએ બનાવેલાં ભજિયાંનો સ્વાદ તમારી દાઢે વળગ્યા વગર રહેશે નહીં.

ભજિયાં બનાવવા ઉપરાંત જેલમાં બેકરી અને ફ્રેશ નાસ્તા પણ બને છે

કેદીઓના હાથે બનેલી ફરસીપૂરી, સક્કરપારા, ફૂલવડી, સેવ–ગાંઠિયાનો ઉપાડ વધુ થાય છે માત્ર ભજિયાં જ નહીં, પરંતુ શિંગભજિયાં, ફૂલવડી, સેવગાંઠિયા, ચવાણું, સક્કરપારા, ફરસીપૂરી, મેથીપૂરી, ભાખરવડી, ટોસ્ટ, ખારી, નાનખટાઈ, કોકોનટ બિસ્કિટ, સુરતી બિસ્કિટ, સેવમમરા, બ્રેડ સહિતના ફ્રેશ નાસ્તા અને બેકરી આઇટમ બનાવવામાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ માહીર બની ગયા છે. કેદીઓ આ ફ્રેશ નાસ્તા બનાવીને એનું વેચાણ કરે છે.

એવું જાણવા મળ્યું છે કે જેલની અંદર ૨૫ જેટલા કેદીઓ જુદા-જુદા નાસ્તાઓ બનાવે છે. જે વસ્તુની માગ વધુ હોય એ ઑર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે. ઑર્ડર પ્રમાણે રોજ ખારી, ટોસ્ટ અને બ્રેડ બનાવીને સિવિલ હૉસ્પિટલ અને મેન્ટલ હૉસ્પિટલમાં મોકલે છે. જેલમાં નાસ્તાનાં ૨૦૦ ગ્રામનાં પૅકેટ તૈયાર કરવામાં આવે છે. રોજ અંદાજે ૧૫૦ કિલો જેટલો જુદો-જુદો નાસ્તો વેચાય છે. સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કેદીઓએ બનાવેલા નાસ્તાનું કાઉન્ટર છે ત્યાં સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધી નાસ્તાનું વેચાણ થાય છે. કેદીઓના હાથે બનેલી ફરસીપૂરી, સક્કરપારા, ફૂલવડી, સેવ–ગાંઠિયાનો ઉપાડ વધુ થાય છે. કેદીઓ એવા મનલુભાવન નાસ્તા બનાવે છે કે વર્ષે દહાડે અંદાજે ૪૦થી ૫૦ લાખ રૂપિયાનું વેેચાણ થાય છે. નાસ્તા બનાવવાની કામગીરી કરી રહેલા કેદીઓને નિયમ મુજબ વેતન પણ ચૂકવવામાં આવે છે.

Gujarati food indian food mumbai food