હવે પેન્ડન્ટને કહો બાય, અપનાવો ઘૂઘરીવાળાં મૉડર્ન મંગળસૂત્ર

04 August, 2026 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહેલાં ઝીણી ઘૂઘરીવાળાં મંગળસૂત્ર યુવતીઓની પહેલી પસંદ બની રહ્યાં છે ત્યારે શા માટે એ સ્પેશ્યલ છે અને કઈ રીતે સ્ટાઇલ કરી શકાય એ જાણી લો

હવે પેન્ડન્ટને કહો બાય, અપનાવો ઘૂઘરીવાળાં મૉડર્ન મંગળસૂત્ર

એક સમય હતો જ્યારે હેવી મોટાં પેન્ડન્ટ અને જાડાં કાળાં મોતીવાળાં મંગળસૂત્ર મહિલાઓની પહેલી પસંદ હતાં. જોકે હવે બદલાતા સમયને ધ્યાનમાં રાખીને વર્કિંગ વુમન હોય કે નવવધૂ, દરેકને લેસ ઇઝ મોરનો કન્સેપ્ટ વધારે ગમે છે ત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પેન્ડન્ટ વગરનાં, ઘૂઘરીઓવાળાં, ચેઇનવાળાં સ્ટેટમેન્ટ મંગળસૂત્ર વાઇરલ થઈ રહ્યાં છે. આમ તો મંગળસૂત્રની પૅટર્ન અને ડિઝાઇનમાં અવનવા અખતરા થતા રહે છે ત્યારે આ પ્રકારની પૅટર્ન કઈ રીતે ખાસ બની ગઈ છે એ સમજીએ.

શા માટે સ્પેશ્યલ?

ઘૂઘરીવાળાં મંગળસૂત્ર પહેરવામાં બહુ હળવાં હોય છે. એનાથી ગળામાં ભારેપણું લાગતું નથી. આ મંગળસૂત્ર ટ્રેન્ડી નેકલેસ કે સોનાની ચેઇન જેવો રૉયલ લુક આપે છે એટલે વર્કિંગ મહિલાઓ એને વધુ પસંદ કરી રહી છે. આ ઉપરાંત ઘૂઘરીની નાજુક ડિઝાઇન આ મંગળસૂત્રને વધુ ગ્રેસફુલ બનાવે છે. આમાં અમુક મંગળસૂત્ર એવાં પણ આવે છે જ્યાં પેન્ડન્ટને બદલે ફક્ત ઘૂઘરીઓ હોય છે. એ ટ્રેડિશનલ આઉટફિટ કે વારતહેવારે પહેરવામાં પણ સારું લાગે છે.

કેવા પ્રસંગે પહેરી શકાય?

ઘૂઘરીવાળા મંગળસૂત્રની ખાસિયત એ છે કે એ ઑલરાઉન્ડર છે. જો તમે વર્કિંગ વુમન હો તો શર્ટ, કુરતી કે બ્લેઝર સાથે આ મંગળસૂત્ર સારું લાગે છે. પૂજાવિધિમાં કે કૌટુંબિક પ્રસંગોમાં હેવી નેકલેસની જગ્યાએ આ મંગળસૂત્ર જ પૂરતું છે. એ અલગ જ સ્ટેટમેન્ટ લુક આપે છે.

કેવી રીતે સ્ટાઇલ કરશો?

તમે જ્યારે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ, ફ્યુઝન આઉટફિટ કે કૅઝ્યુઅલ સાડી પહેરો ત્યારે આ ઘૂઘરીવાળી ચેઇન એકલી જ પહેરો. એ ગળામાં ખૂબ જ એલિગન્ટ દેખાશે.
આજકાલ ગળામાં બે-ત્રણ નાની ચેઇન લેયર કરવાનો ટ્રેન્ડ છે. ઘૂઘરીવાળા મંગળસૂત્ર સાથે એક નાની સોનાની પ્લેઇન ચેઇન લેયર કરી શકાય. 
મંગળસૂત્રમાં નાની ઘૂઘરીઓ હોવાથી કાનમાં બહુ ભારે ઝૂમખાં પહેરવાને બદલે નાની મૅચિંગ ઘૂઘરીવાળાં ટૉપ્સ, સ્ટડ્સ કે નાનાં હુપ્સ પહેરવાથી લુક વધારે બૅલૅન્સ લાગશે.
સિલ્ક સાડી કે હેવી લેહંગા સાથે પણ જો તમને ગળામાં બહુ હેવી લુક ન જોઈતો હોય તો આ સૉબર મંગળસૂત્રની સાથે કાનમાં હેવી ઇઅર-રિંગ્સ પેર કરી શકો છો.

lifestyle news life and style fashion news fashion gujarati mid day