દીકરા-દીકરીનાં લગ્નમાં શું પહેરવું એ નીતુ કપૂર પાસેથી શીખવા જેવું

19 April, 2022 05:13 PM IST  |  Mumbai | Aparna Shirish

લગ્નપ્રસંગે સજવા-ધજવાની કોઈ ઉંમર નથી હોતી. એમાંય જ્યારે ઘરનો પ્રસંગ હોય ત્યારે સ્ત્રીઓને કંઈક ખાસ દેખાવાની ઇચ્છા હોય છે. એવામાં સોબર અને છતાં ઊડીને આંખે વળગે એવું સ્ટાઇલિંગ કરવું હોય તો રણબીરની મમ્મીનું અનુકરણ કરી શકાય

દીકરા-દીકરીનાં લગ્નમાં શું પહેરવું એ નીતુ કપૂર પાસેથી શીખવા જેવું

મોટા ભાગની સ્ત્રીઓ પોતાના દીકરાનાં લગ્નમાં બધા જ શોખ પૂરા કરવાની ઇચ્છા સાથે જરૂર કરતાં વધુ અને શોભે એનાથી વિપરીત સ્ટાઇલિંગ કરી બેસે છે. હકીકતમાં પોતાના ઘરનાં લગ્નમાં તમે હોસ્ટ છો એટલે તમારાં કપડાંથી લઈને જ્વેલરી સુધી બધું જ આકર્ષણનું કેન્દ્ર રહેવાનું. દુલ્હન પછી જો કોઈ વ્યક્તિ પર નજર પડતી હોય તો એ તેની મમ્મી અથવા સાસુ પર પડે છે. તાજેતરમાં રણબીર અને આલિયાનાં લગ્નના દરેક પ્રસંગમાં નીતુ કપુરે પહેરેલાં કપડા અને જ્વેલરી ચર્ચાનો વિષય બની રહ્યાં છે. અને કેમ ન હોય! તેમનું સ્ટાઇલિંગ હતું જ સાદગીભર્યું અને તોય મોભાદાર. જાણી લો કેવું સ્ટાઇલિંગ દુલ્હા-દુલ્હનની મમ્મીને સારું લાગે.
વટ પડવો જોઈએ | પોતાના દીકરા કે દીકરીનાં લગ્નમાં સ્ટાઇલિંગ માટે ટિપ્સ આપતાં ફૅશન-ડિઝાઇનર સોનલ કોરડિયા કહે છે, ‘મધર ઑફ બ્રાઇડ કે ગ્રૂમનો લુક મોભાદાર અને પ્રભાવ પાડે એવો હોવો જોઈએ. વધુપડતા વર્કવાળાં ચણિયા-ચોળી કે ચમકીલી સાડીઓ કે પછી દેખાવમાં દુલ્હન જેવી જ લાગતી જ્વેલરી સારી નહીં લાગે. નીતુ કપૂરનું જ ઉદાહરણ લઈએ તો તેમણે મેંદીમાં સિમ્પલ ગોટા વર્કવાળો ડ્રેસ અને સંગીતમાં રેશમ વર્કનાં સિમ્પલ ચણિયાચોળી પહેરવાનું પસંદ કર્યું હતું. રેશમ વર્ક હેવી લાગે છે પણ આંખમાં ખૂંચે એવું કે ખૂબ હાઇલાઇટ થાય એવું નથી. વળી ગુજરાતી સ્ટાઇલમાં ડ્રેપ કરેલો લાંબા પાલવનો દુપટ્ટો તેમની આભા વધારે છે. એ સિવાય લગ્નમાં પણ તેમણે લાંબું બ્લાઉઝ અને ઇન્ડિયન હેરિટેજ સમાન બાંધણી અને લહેરિયા જેવાં ફૅબ્રિક્સના સંયોજનવાળાં ઘાઘરા-ચોલી પહેર્યાં છે. જે કલરફુલ પણ છે અને સાથે જ તેમની પર્સનાલિટી અને પ્રસંગ બન્નેને શોભે એવાં છે.
શું પહેરવું? | દીકરા કે દીકરીનાં લગ્નમાં પરિધાન પસંદ કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી મહત્ત્વની બે બાબતો એટલે ઉંમર અને શરીરનો બાંધો. શરીરને શોભે અને પર્સનાલિટી વધુ સારી લાગે એવું પરિધાન પસંદ કરવું. આ વિશે સોનલ કોરડિયા કહે છે, ‘સિમ્પલ, પણ એલિગન્ટ લાગે એવી હૅન્ડલૂમની સાડી કે ઘાઘરા-ચોલી પસંદ કરી શકાય. આપણા ભારતનું ટેક્સટાઇલ ખૂબ રિચ છે. બાંધણી અને પટોળું તો સદાબહાર છે. અહીં જો ડાયરેક્ટ્લી રેડી બાંધણી કે પટોળું પહેરવામાં રસ ન હોય તો આ ફૅબ્રિક્સનો તમારા ડ્રેસ કે સાડીમાં ક્રીએટિવ રીતે સમાવેશ કરાવો. એ સિવાય ચિકનકારી અને ચિકનકારી સાથે મુકાઈશ વર્ક ખૂબ જ સુંદર અને રિચ લાગે છે. ચણિયા-ચોળીમાં પણ ઘાઘરાની કળીઓમાં ડિઝાઇન અને ફૅબ્રિક સાથે એક્સપરિમેન્ટ કરી શકાય. બ્લાઉઝ કે ચોલી એવાં બનાવડાવો જે પર્સનાલિટીને નિખારે.’
 જે નીતુ કપૂરને સારું લાગ્યું એ બધાને સારું લાગશે જ એવું નથી. પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જો કપડાંની પસંદગી કરવામાં આવે તો દુલ્હનને તેનું અટેન્શન મળી રહેશે અને તમને તમારું. મધર ઑફ બ્રાઇડ કે ગ્રૂમનું સ્ટાઇલિંગ દુલ્હન પર હાવી થાય એવું ન જ હોવું જોઈએ.

 મધર ઑફ બ્રાઇડ કે ગ્રૂમનો લુક મોભાદાર અને પ્રભાવ પાડે એવો હોવો જોઈએ. કોઈ પણ હિસાબે તમારાં કપડાં કે જ્વેલરી દુલ્હનના લુક પર હાવી ન થાય એ ધ્યાનમાં રાખવું. તમારા સ્થાનનો મોભો તમારા લુકમાં ઝળકવો જોઈએ - સોનલ કોરડિયા

fashion news fashion columnists