સંતાનોની ફૅશનપંતી વિશે પપ્પાનું શું કહેવું છે?

14 October, 2019 02:10 PM IST  |  મુંબઈ | મૅન્સ વર્લ્ડ વર્ષા​ ચિતલિયા

સંતાનોની ફૅશનપંતી વિશે પપ્પાનું શું કહેવું છે?

પ્રતિકાત્મક તસવીર

યુકેની માર્કેટ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં પચાસ ટકા બ્રિટિશ પુરુષોએ તેમનાં નાની વયનાં સંતાનો મેકઅપ કરે છે એ બાબત અણગમો વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે સોળ વર્ષની ઉંમર પહેલાં બાળકોએ કોઈ ફૅશન ટ્રેન્ડને ફૉલો કરવાની જરૂર નથી. આ સંદર્ભે મુંબઈના પપ્પાઓના અભિપ્રાય જાણીએ..

બાળકોએ ફૅશન ટ્રેન્ડમાં ઝંપલાવવું જોઈએ? છેલ્લાં કેટલાંક વર્ષથી આ પ્રશ્ન ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે પેરન્ટ્સ વચ્ચે ઝઘડા અને દલીલો પણ થતાં રહે છે. નિષ્ણાતો ગાઈ-વગાડીને કહે છે કે નાનાં બાળકોએ લેટેસ્ટ ટ્રેન્ડ સાથે સૂર-તાલ મિલાવવાની આવશ્યકતા નથી, પરંતુ આધુનિક મમ્મીઓ પોતાનાં ટાબરિયાંને નાનપણથી જ ફૅશનેબલ અને સ્ટાઇલિશ બનાવવા કૉમ્પિટિશનમાં ઊતરી હોય એવું વાતાવરણ જોવા મળે છે. મૉડર્ન ડ્રેસથી લઈને મેકઅપ કરવા જેવી છૂટછાટો સંતાનોને મમ્મીઓ પાસેથી સહેલાઈથી મળી જાય છે તેથી તેમને પણ હવે બધું જ પર્ફેક્ટ મૅચિંગ જોઈએ છે.
મમ્મીઓની આ ટેન્ડન્સી માત્ર ભારત પૂરતી સીમિત નથી, આખા વિશ્વમાં આવાં જ દૃશ્યો જોવા મળે છે. જોકે બાળકો ફૅશન કરે એ પપ્પાને ગોઠતું નથી એવા રિપોર્ટ સામે આવ્યા છે. તાજેતરમાં યુકેની માર્કેટ રિસર્ચ બેઝ્ડ કંપનીએ કરેલા એક સર્વેમાં પચાસ ટકા બ્રિટિશ પુરુષોએ તેમના નાની વયનાં સંતાનો મેકઅપ કરે છે એ બાબત અણગમો વ્યક્ત કર્યો હતો. પંદર વર્ષની વય પહેલાં સંતાનોને તેમની મમ્મી દ્વારા આપવામાં આવતી ફૅશન રિલેટેડ છૂટછાટો બિલકુલ પસંદ ન હોવાનું તેમણે કબૂલ્યું હતું. આપણાં ગુજરાતી ઘરોમાં તો પપ્પાને આમેય ફૅશન વિશે ખાસ ગતાગમ પડતી નથી એવી છાપ છે ત્યારે ઉપરોક્ત સર્વે વિશે તેમનો અભિપ્રાય જાણવો રસપ્રદ રહેશે. ચાલો ત્યારે મળીએ મુંબઈના પપ્પાઓને.

દીકરીઓ ટૂંકા ડ્રેસ પહેરે એની સામે વાંધો પડે - નીલેશ ગોરડિયા, અંધેરી
અંધેરીના બિઝનેસમૅન નીલેશ ગોરડિયાને બે દીકરીઓ છે. અગિયાર વર્ષની પુષ્ટિ અને ૧૪ વર્ષની મહેક. દીકરીઓ ટૂંકાં વસ્ત્રો પહેરે એ તેમને પસંદ નથી. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘મેકઅપ સામે મને ખાસ વાંધો નથી, પરંતુ અમુક પ્રકારના ક્લોધિંગનો વિરોધ કરું છું. પેટ દેખાય એવાં ટૂંકાં ટૉપ (ક્રૉપ ટૉપ) અને શૉર્ટ્સ બિલકુલ ગમતાં નથી. મારી વાઇફ પહેલાં ટૂંકાં વસ્ત્રો લઈ આપતી. તેનું કહેવું હતું કે આજે બધી છોકરીઓ આવાં જ કપડાં પહેરે છે. વાઇફ સાથે ચર્ચામાં પડવા કરતાં મને થયું ડેમો બતાવવો જોઈએ. એક વાર રસ્તામાં ટૂંકા ડ્રેસ પહેરીને જતી છોકરીઓની પાછળ થતી અભદ્ર કમેન્ટ્સને પ્રૅક્ટિકલી સંભળાવી. આપણી દીકરીઓ પસાર થતી હશે ત્યારે આવી જ કમેન્ટ્સ થતી હશે એ વાત મગજમાં બેઠી ત્યાર બાદ ટૂંકા ડ્રેસની ખરીદી પર થોડો કન્ટ્રોલ આવ્યો છે. આપણે બૉલીવુડ સ્ટારનું આંધળું અનુકરણ કરીએ છીએ, પણ તેમના પેરન્ટ્સ ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં સંતાનોને નાનપણમાં સિમ્પલ ડ્રેસ પહેરાવતા. પુષ્ટિ અને મહેકને તેમના ફોટો બતાવી કહ્યું કે યુવાનીમાં પગ મૂક્યા બાદ આ સેલિબ્રિટીએ પ્રોફેશનના કારણે ફૅશન અપનાવી છે. હું ઇચ્છું છું કે મારી દીકરીઓ ગ્રૅજ્યુએશન બાદ જે-તે કરીઅર પ્રમાણે ફૅશન અપનાવે ત્યાં સુધી સોશ્યલ કલ્ચર પ્રમાણે ચાલે.’

હું ઇચ્છું છું કે મારી દીકરી બ્યુટિફુલ લાગે - તરલ શાહ, વિલે પાર્લે
માત્ર ચાર વર્ષની ઢીંગલી જેવી રીવાના પપ્પા તરલ શાહ પોતે જ દીકરી માટે લેટેસ્ટ ફૅશનના ડ્રેસ લઈ આવે છે. તેઓ કહે છે, ‘અમે હસબન્ડ-વાઇફ ખૂબ જ શોખીન છીએ. બર્થ-ડે પાર્ટી હોય કે ફૅમિલી-ફંક્શન મારી દીકરી રીવા સ્ટાઇલિશ અને બ્યુટિફુલ લાગવી જોઈએ. ડ્રેસ સાથે મૅચિંગ ટ્રેન્ડી હેર ઍક્સેસરીઝ હોવી જોઈએ એવો મારો પર્સનલ આગ્રહ હોય. હજી તો ચાર જ વર્ષની છે, પણ મધરની કૉપી કરે છે. મમ્મી જેવી લિપસ્ટિક અને નેઇલ-પેઇન્ટની ડિમાન્ડ કરે. જોકે ડ્રેસ અમે જ પસંદ કરીએ. વનપીસ કરતાં જીન્સ સારાં લાગશે એવી સમજ તેને ન પડે. તેની સામે ચાર-પાંચ ડ્રેસ મૂકીએ એમાંથી પસંદ કરી લે. પાર્ટી ડ્રેસનું ફાઇનલ સિલેક્શન રીવાનું હોય. પર્ફેક્ટ લુક માટે પાર્ટીમાં હાઇલાઇટર તરીકે આછો મેકઅપ કરવામાં વાંધો નથી. સ્કૂલમાં ભણતાં બાળકો કંઈ રોજ-રોજ મેકઅપ કરતાં નથી તો પછી બહાર જઈએ ત્યારે ભલેને કરતાં. આ બધું પેરન્ટ્સના શોખની વાત છે. દરેક વ્યક્તિનો એક બેરોમીટર હોય છે. મારા ખિસ્સાને પોસાય છે એટલે લાડ લડાવું છું. અત્યારે તો અમારી ચૉઇસ પ્રમાણે ચાલે છે, દસ-બાર વર્ષની થશે ત્યારે જો તે માઇક્રોમિની ડ્રેસ પહેરવાની ડિમાન્ડ કરશે તો કદાચ મને નહીં ગમે.’

અમારા ઘરમાં ઊંધું છે, વાઇફ ફૅશનેબલ ડ્રેસની ના પાડે - નીરવ શાહ, વિલે પાર્લે
મને ટ્રેન્ડી લુક ગમે છે, જ્યારે મારી વાઇફનું કહેવું છે કે નાનાં બાળકોના ડ્રેસમાં શું ફૅશન હોય? આવો જવાબ આપતાં સાડાચાર વર્ષની અનાયા અને એક વર્ષની માયરાના પપ્પા નીરવ શાહ કહે છે, ‘મને લેટેસ્ટ ટ્રેન્ડ ફૉલો કરવામાં વધુ મજા આવે. આ બાબત વાઇફ સાથે ક્યારેક રકઝક થાય પણ ખરી. તે સ્ટાઇલ કરતાં કમ્ફર્ટ પ્રિફર કરે. અનાયા અને માયરાને એવા ડ્રેસ પહેરાવવા જોઈએ જેમાં તેઓ છૂટથી રમી શકે એવું તેનું માનવું છે. જોકે અનાયાને મારી જેમ ફેશનની બહુ ખબર પડે. રિપિટેશન જરાય ન ચાલે. જુદી-જુદી ડિઝાઇનની અંદાજે પચાસ તો હેરબૅન્ડ હશે તેની પાસે. ડ્રેસ, અન્ય ઍક્સેસરીઝ અને શૂઝનું કલેક્શન તો કાઉન્ટ જ નથી કર્યું. આજકાલ ઘણી લેડીઝ ઑનલાઇન બિઝનેસમાં ઝંપલાવે છે. તેઓ વૉટ્સઍપ પર જે ફોટાે મોકલે છે એવા ડ્રેસિસ તમને મૉલમાં જોવા મળતા નથી તેથી અમે ઑનલાઇન શૉપિંગ જ કરીએ છીએ. મેકઅપ વિશે અત્યારે કહી ન શકું, પણ મારો અંગત મત છે કે તેઓ દસ વર્ષની થાય પછી મેકઅપ કરે તો વાંધો નથી. હમણાં તો પર્ફ્યુમ પણ નથી છાંટવા દેતા. જેમ-જેમ મોટી થશે તેમની ચૉઇસ બદલાશે, પરંતુ ફાધર તરીકે અમુક પ્રકારની ફૅશન માટે કદાચ છૂટછાટ ન આપું.’

ડ્રેસ ઠીક છે, પણ દીકરીના ચહેરા પર મેકઅપ નથી જ ગમતો - વિનીત મહેતા, ઘાટકોપર
ફૅશન ટ્રેન્ડમાં તો હવે પપ્પાનો રોલ મોટો થઈ ગયો છે એવો જવાબ આપતાં વિનીત શાહ કહે છે, ‘હીર બનીઠનીને રહે એ મને બહુ ગમે. પિતા તરીકે મને લાગે છે કે દીકરીને જેટલાં લાડ લડાવો ઓછાં છે. મને વેસ્ટર્ન ડ્રેસ વધુ પસંદ છે. છ વર્ષની ઉંમરમાં તેણે પોતાની પર્સનલ ચૉઇસ ડેવલપ કરી છે. આજથી બે વર્ષ પહેલાં સુધી અમે જે લાવતા એ ડ્રેસ પહેરતી, હવે નથી માનતી. થોડી શરમાળ છે તેથી પેટ દેખાય એવું ન પહેરે. નવરાત્રિમાં ચણિયાચોળી પહેરવામાં આનાકાની કરી હતી. શૉર્ટ્સ ચાલે, પણ પેટ ન દેખાવું જોઈએ. હા, મેકઅપને લઈને અમારા ઘરમાં રકઝક થાય. એક વાર નહીં, સો વાર વાઇફને મેં કહ્યું હશે કે હીરને મેકઅપ નહીં કરી આપ. પરંતુ તે ટ્રેન્ડને ફૉલો કર્યા કરે. નવરાત્રિ દરમ્યાન દીકરીના ચહેરા પર કાળાં ટપકાં જોઈને મને જરાય નહોતું ગમ્યું. આટલી નાની ઉંમરે કેમિકલવાળી બ્યુટી પ્રોડક્ટ્સ વાપરવાથી સ્કિન ખરાબ થઈ જાય. કોઈક વાર એકાદ કલાક માટે લિપસ્ટિક લગાવે ત્યાં સુધી ચલાવી લેવાય, એનાથી વધુ નહીં. મેકઅપની એજ સોળ વર્ષથી નીચે ન હોવી જોઈએ. આમેય દીકરીઓ બ્યુટિફુલ હોય છે તો તેને નૅચરલ રહેવા દો એમાં જ મજા છે.’

fashion