વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ

14 December, 2022 08:01 AM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેત્રી આરોહી પટેલ ઑવરસાઇઝ્ડ કપડાંની દિવાની છે

આરોહી પટેલ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

 

બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરુઆત કરનાર અભિનેત્રી આરોહી પટેલે ઢોલિવૂડમાં સુપરહિટ ફિલ્મોનો ઢગલો આપ્યો છે. ‘લવની ભવાઈ’, ‘ચાલ જીવી લઈએ’, ‘મોન્ટુની બિટ્ટુ’, અને અત્યારે થિયેટમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ દ્વારા દર્શકોનું મનોરંજન કરનાર આરોહી પટેલ આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મારા ઘરમાં વૉર્ડરૉબનો એક લિટર રુમ છે. એક નાનકડો રુમ છે જેમાં સ્લાઇડિંગ ડૉર વાળા વૉર્ડરૉબ અને તૈયાર થવા માટે મિરર છે. 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબમાં ઑવરસાઇઝ્ડ કપડાં બહુ ઑવર હોય ને એ વૉર્ડરૉબ આરોહીનું. મને નવા કપડાં કરતા મારા કઝિન કે પપ્પાના શર્ટ-ટીશર્ટમાં વધારે રસ હોય. હમણા લાસ્ટ વિક જ મારો કઝિન યુએસથી આવ્યો. તેણે મને પુછ્યું હતું કે, તારા માટે યુએસથી શું લાવું ત્યારે મેં એને એમ જ કહેલું કે ત્યાંતી તું મારી માટે તારું કબાટ ખાલી કરીને લાવ. મને યુએસના કપડાંમાં નહીં પણ એના ઑવરસાઇઝ્ડ કપડાંમાં વધુ રસ હતો.

 

આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી

 

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : જ્યારે મમ્મી ખખડાવે ત્યારે સાફ-સફાઈ કરવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો જ નથી.

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : સાચું કહું ને તો મને વૉર્ડરૉબ ગોઠવવાનો કંટાળો આવે. પહેલા કહ્યું એમ, મમ્મી ચિડાય એટલે વૉર્ડરૉબ ગોઠવવા બેસવું જ પડે. અણે બીજું જ્યારે પોતે ચિડચિડ થઈ જાવ ત્યારે વૉર્ડરૉબ ગોઠવવા સમય કાઢું. હું અને મારી બેન વૉર્ડરૉબ શૅર કરીએ છીએ એટલે પછી જો કોઈ વસ્તુ ન મળે એટલે બન્ને એકબીજા પર બુમા-બુમ કરીએ કે, આ તે લીધું છે, આ તે કયાં મુક્યું, વગેરે…વગેરે. અમારા બન્ને વચ્ચે આવી જીભાજોડી થાય એટલે સમજી જઈએ કે, આપણો વૉર્ડરૉબ ગોઠવવાનો સમય થઈ ગયો છે.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : મને સેક્શન મુજબ વૉર્ડરૉબમાં ગોઠવણી કરવાની ટેવ છે. નર્ડી ક્લોથ્સ, સુપરહિરો, માર્વેલ ડી.સી., હૅરી પોટરની સિરીઝ દરેકના પ્રિન્ટ વાળા કપડાં એક સેક્શનમાં, કુર્તી, ટી-શર્ટ જીન્સ એમ દરેકનું અલગ સેક્શન કરીને ગોઠવું.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : હવે માર્કેટમાં વૉર્ડરૉબ ઓર્ગેનાઇઝરનો કનસેપ્ટ પૉપ્યુલર થઈ રહ્યો છે. અમે હમણા જ ઓનલાઈન ઓર્ડર કરીને વૉર્ડરૉબ ઓર્ગેનાઇઝર મંગાવ્યા છે. જેને લીધે કબાટમાં ગોઠવણી કરવામાં અને વસ્તુ લેવામાં બહુ જ સરળ પડે છે. અમે તો વિચાર કર્યો છે કે આ પ્રકારના વધુ ઓર્ગેનાઇઝર મંગાવીએ જેથી કામ સરળ થઈ જાય. હું દરેકને આ જ સલાહ આપીશ. પાછા આ વૉર્ડરૉબ ઓર્ગેનાઇઝર બહુ કૉસ્ટ ઇફેક્ટિવ પણ છે.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : હું તો નાનપણથી મારી બહેન સાથે વૉર્ડરૉબ શૅર કરતી આવી છું. એટલે પોતાનું સ્વતંત્ર વૉર્ડરૉબ શું હોય એ કનસેપ્ટ જ મને નથી ખબર. 

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના ક્યારેય ગણતરી નથી કરી. મારા દરેક કપડાં સાથે મારા ઇમોશન્સ બહુ જોડાયેલા હોય. એટલે મને છે ને, એકપણ કપડાં કાઢવાની ઈચ્છા જ ન થાય. હું આમ સાચવી-સાચવીને કપડાં મુકી જ રાખું. મારી પાસે અત્યારે પણ લગભગ ૨૦૧૨-૧૩ના એટલે કે દસ વર્ષ પહેલાના કપડાં પણ પડ્યા છે. જો કપડું બહુ જ ઘસાઈ જાય અને મમ્મી કહે ને કે, આરોહી આ હવે ઘરમાં પણ પહેરવા જેવા નથી. ત્યારે હું આમ દિલ પર પથ્થર મુકીને એ કપડું જવા દઉં.

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : ના ક્યારેય ગણતરી નથી કરી. મારા દરેક કપડાં સાથે મારા ઇમોશન્સ બહુ જોડાયેલા હોય. એટલે મને છે ને, એકપણ કપડાં કાઢવાની ઈચ્છા જ ન થાય. હું આમ સાચવી-સાચવીને કપડાં મુકી જ રાખું. મારી પાસે અત્યારે પણ લગભગ ૨૦૧૨-૧૩ના એટલે કે દસ વર્ષ પહેલાના કપડાં પણ પડ્યા છે. જો કપડું બહુ જ ઘસાઈ જાય અને મમ્મી કહે ને કે, આરોહી આ હવે ઘરમાં પણ પહેરવા જેવા નથી. ત્યારે હું આમ દિલ પર પથ્થર મુકીને એ કપડું જવા દઉં.

 

આ પણ વાંચો - હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી

 

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : ટી-શર્ટ અને સ્વેટશર્ટ્સનું સેક્શન મારું સૌથી ફૅવરેટ છે.

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : વાઈટ શર્ટ, બ્લૂ જીન્સ, ઑવરસાઇઝ્ડ ટી-શર્ટ, ડિસન્ટ કોટન કુર્તી, એક જોડી જીમ વૅર અને જૅકેટ્સનું કલેક્શન હોય એટલે વૉર્ડરૉબ કમ્પલિટ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : અફકોર્સ કમ્ફર્ટ.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : અરે… ટ્રેન્ડ્સ તો બહુ દુરની વાત છે હું તો કરન્ટલી ફેશનમાં જે હોય તે પણ બહુ ઓછું ફૉલૉ કરું. મારી સ્ટાઇલ મારા મુડને આધારિત હોય છે. બાકી, કૅઝ્યુલ મારી સ્ટાઇલ છે.

 

આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર

 

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?

જવાબ : Wardrobe Malfunctions તો નહીં. પણ હા, આજકાલ એવું થતું હોય છે સ્ટાઇલિશ આર્ટિસ્ટના કમ્ફર્ટ અને તેના પર શું શોભશે તેના કરતા વધારે તેમના પ્રોડક્ટને મહત્વ આપે છે ત્યારે આર્ટિસ્ટ માટે થોડુંક મુશ્કેલ થઈ જાય છે. એમા પણ મારા જેવી વ્યક્તિ જેની સાઇઝ એસ અને એમ વચ્ચેની હોય તેને બહુ તકલીફ થાય. ગમે-તેમ ફિટીંગ કરીને પહેરો અને પછી શૂટમાં એ સચવાય જાય પણ મારા માટે અનક્મફર્ટેબલ થઈ જાય.

ફેશન ફોપાની વાત કરું તો મને હવે સમજાયું છે કે, પેલું ફ્રોક પર બેલ્ટ પહેરવાની જે ફેશન છે ને તે મારા પર સૂટ જ નથી થતી. ફ્રોક પર બેલ્ટ પહેરું ને તો હું સાવ બેબી જેવી લાગું છું. જે ખરેખર ફની લાગે છે.

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : મારા માટે ફેશન એટલે કમ્ફર્ટ.

life and style fashion news fashion dhollywood news aarohi patel rachana joshi wednesday wardrobe