આ રહ્યા સ્કિનના વિલન્સ

10 December, 2019 12:45 PM IST  |  Mumbai | RJ Mahek

આ રહ્યા સ્કિનના વિલન્સ

ફાઈલ ફોટો

સૌથી મોટી વિલન છે આપણી આખાે દિવસ ફેસ વૉશ જ ન કરવાની આદત. આળસ માણસનો મહાન શત્રુ છે એ એમ જ નથી કહેવાયું. આખા દિવસ દરમિયાન આપણા ફેસ પર કેટલી ધૂળ, ધુમાડો અને ગંદકી ઊડતાં હોય છે. ઉપરથી પ્રદૂષણ અને પરસેવો મિક્સ થાય એટલે બસ પતી ગયું. એટલે આખા દિવસમાં ઓછામાં ઓછી બે વાર ફેસ વૉશ કરવો ખૂબ જરૂરી છે.

સ્કિનનો બીજો વિલન છે એક્સપાયર્ડ મેકઅપ વાપરવો. દરેક પ્રોડક્ટની પોતાની અમુક લાઇફ  હોય છે અને એ ડેટ નીકળી ગયા પછી પણ આપણે એનો ઉપયોગ કરતા રહીએ તો એ સ્કિનને ડ્રાય કરી શકે છે, રૅશિસ અને પિમ્પલ કરી શકે છે સ્કિન પર. ઍલર્જી પણ થઈ શકે છે. એટલે દર ૬ મહિને મેકઅપની એક્સપાયરી ડેટ ચેક કરતા રહો.

ત્રીજો વિલન છે આપણે જે પણ મેકઅપ બ્રશ કે સ્પૉન્જ વાપરતા હોઈએ એને પણ દર ૧૫ દિવસે  એક વાર ક્લીન કરવાં જરૂરી છે; કારણ કે એના પર પ્રોડક્ટના થર જામે છે, ધૂળ ઊડે છે જે આપણી સ્કિનને ડ્રાય કરી શકે છે અને રોમછિદ્રોને બ્લૉક પણ કરી શકે છે.

ચોથો વિલન આપણી સ્કિન ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ્સની પસંદગી ન કરવી. એક વ્યક્તિને કોઈ પ્રોડક્ટ સૂટ કરે તો બીજાને પણ કરશે એવું જરૂરી નથી. આપણી સ્કિન ટાઇપ અને સ્કિનટોનને અનુરૂપ જ સ્કિન અને મેકઅપ પ્રોડક્ટ્સ વાપરવી જોઈએ. જો સ્કિન ઑઇલી હશે અને તમે વધુ ક્રીમી અને મૉઇસ્ચરાઇઝ કરતી પ્રોડક્ટ્સ વાપરશો તો પિમ્પલ વધશે, જો તમારી સ્કિન ડ્રાય હશે અને તમે જેલ કે વૉટર બેઝડ પ્રોડક્ટ્સ વાપરશો તો સ્કિન વધુ ડ્રાય અને નિસ્તેજ બનતી જશે.

પાંચમો વિલન વધુપડતી પ્રોડક્ટ્સનો ઉપયોગ. એટલે કે આપણી સ્કિનની જે જરૂરિયાત છે એ જ પ્રમાણે પ્રોડક્ટ્સ વાપરવી જોઈએ. ટીવીમાં ઍડ્સમાં આવતી બધી જ પ્રોડક્ટ્સ વાપરશો તો પણ સ્કિન પર એની અવળી અસરો દેખાશે.

છઠ્ઠો વિલન છે વારંવાર નવી-નવી પ્રોડક્ટ્સના અખતરા કરવા. હંમેશાં કોઈ પણ નવી સ્કિન કૅર પ્રોડક્ટ વાપરતાં પહેલાં પૅચ ટેસ્ટ કરવી એટલે કે થોડી પ્રોડક્ટ લઈને કાન પાછળ લગાડી ૨૪ કલાક જોવું. જો તમને કોઈ બળતરા, રૅશિસ કે ઍલર્જી ન થયાં હોય તો જ એ પ્રોડક્ટ વાપરવી જેથી તમે ફેસ પર થતા નુકસાનથી બચી શકો છો.

સાતમો વિલન છે સ્કિન કૅર પ્રોડક્ટ્સ ખરીદતાં પહેલાં એનાં લેબલ ન વાંચવાં. આ ટેવથી સ્કિનને નુકસાન પહોંચી શકે છે. જેમ કે પૅરાબેન જેવાં કેમિકલ પ્રોડક્ટમાં હશે તો લાંબા ગળે સ્કિન‍ના ગંભીર રોગો થઈ શકે છે. શૅમ્પૂમાં સલ્ફેટ, આલ્કોહૉલ જેવાં કેમિકલ વપરાયાં હોય તો એ તમારા વાળને ડ્રાય બનાવી શકે છે અને વાળ ખરવામાં પણ ભાગ ભજવે છે.

આઠમો વિલન છે સ્ટ્રેસ અને ટેન્શન. આપણે અંદરથી ખુશ ન હોઈએ, નકારાત્મક હોઈએ, બીજાથી ઈર્ષ્યા કરતા હોઈએ તો મનના આ ભાવ તમારા ચહેરા પર પણ દેખાશે. પૉઝિટિવિટી અને ખુશીથી એવો ગ્લો આવે છે જે કદાચ કોઈ મેકઅપ કે ફેશ્યલથી ન આવી શકે.

નવમો વિલન છે કસરત કે વર્કઆઉટનો અભાવ. દિવસમાં ૧૫ મિનિટ પોતાના શરીર માટે વાપરીએ. યોગ, મેડિટેશન, વૉકિંગ કે જિમમાં જઈએ; જેનાથી લોહીનું પરિભ્રમણ સારું થશે. પરસેવો થશે એટલે સ્કિન ક્લીન દેખાશે અને સ્ટ્રેસ ઘટશે, જેનાથી ચહેરા પર કુદરતી ચમક આવશે.

દસમો વિલન છે જન્ક ફૂડ. ચટાકા કરવા કોને નહીં ગમે? પણ એ આપણા શરીરને બહુ નુકસાન પહોંચાડે છે એ આપણે જાણીએ છીએ છતાં ચટાકા પર કાબૂ નથી રાખી શકતા. આપણે નક્કી કરીએ કે બહારનું ખાવાનું માત્ર વીકમાં ૧ વાર કે ૧૫ દિવસે એક વાર ખાઈશું. એમાં પણ થોડા સ્માર્ટ બની શકીએ. મેંદાને બદલે ઘઉંની બ્રેડ, તળેલાને બદલે શેકેલું કે અવનમાં રોસ્ટ કરેલું ફૂડ ખાઈ શકીએ. કોલ્ડ ડ્રિન્કને બદલે જૂસ લઈ કરી શકીએ. ખાવામાં  વધુપડતી ખાંડ સ્કિનને ડ્રાય કરી શકે છે, જેનાથી કરચલી જલદી આવશે અને તળેલો ખોરાક સ્કિનનો સૌથી મોટો વિલન છે.

એટલે જો તમારે હંમેશાં યંગ અને ગ્લોઇંગ રહેવું હોય તો આ ૧૦ વિલનને લાઇફમાંથી બહારનો રસ્તો બતાવવો જ રહ્યો.

fashion fashion news