બ્યુટી હૅક કે સોશ્યલ મીડિયા હાઇપ?

14 April, 2026 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાળમાં કાંદાનો રસ લગાવવાનો તમન્ના ભાટિયાનો ફંડા અપનાવતાં પહેલાં આ જાણી લેજો...

બ્યુટી હૅક કે સોશ્યલ મીડિયા હાઇપ?

હિરોઇન જેવી સ્કિન અને વાળ માટે યુવતીઓ અવારનવાર મોંઘી બ્યુટી-ટ્રીટમેન્ટ્સ અને પ્રોડક્ટ્સ પાછળ દોડતી હોય છે, પણ તાજેતરમાં અભિનેત્રી તમન્ના ભાટિયાએ તેના હેર કૅર રૂટીન વિશે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું વાળના ગ્રોથ માટે કાંદાનો રસ વાપરું છું. એની સ્મેલ અસહ્ય હોય છે, પણ રિઝલ્ટ બહુ સારું મળે છે. ઉનાળાની ગરમીમાં પરસેવો અને પ્રદૂષણને કારણે સ્કૅલ્પ પર ઇન્ફેક્શન અને વાળ ખરવાની સમસ્યા વધે છે ત્યારે કાંદાનો રસ કારગત સાબિત થાય છે.’

કેટલો ઇફેક્ટિવ?
કાંદામાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર હોય છે જે વાળના ગ્રોથ માટે ગુણકારી છે. આ સાથે એ ફંગલ ઇન્ફેક્શન અને ડૅન્ડ્રફને રોકવામાં ઍન્ટિ-સેપ્ટિક જેવું કામ કરે છે. એને વાળના મૂળમાં લગાવવાથી બ્લડ-સર્ક્યુલેશન સારું થાય છે અને વાળને પોષણ પણ મળે છે. આ ફાયદા જાણીને એવું ન સમજવું કે નૅચરલ વસ્તુ હોય એટલે દરેકને માફક આવે જ. એને વાપરતાં પહેલાં અમુક ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. કાંદામાં રહેલું સલ્ફર બહુ તેજ હોય છે. જો તમારી સ્કૅલ્પ સેન્સિટિવ હોય તો ખંજવાળ, લાલાશ કે બળતરા થઈ શકે છે. આથી લગાવતાં પહેલાં પૅચ-ટેસ્ટ કરવી હિતાવહ છે. સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોએ આવા હૅક્સ અજમાવતાં પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જોઈએ. કાંદાની ગંધ એનો માઇનસ પૉઇન્ટ છે. શૅમ્પૂ કર્યા પછી પણ એ જલદી જતી નથી. આથી એને દૂર કરવા માટે કાંદાના રસમાં ગુલાબજળ મિક્સ કરી શકાય. આનો ઉપયોગ અઠવાડિયામાં એકાદ વાર જ કરવો. વધુ પડતા ઉપયોગથી સ્કૅલ્પ ડ્રાય થઈ શકે છે.

tamannaah bhatia beauty tips skin care fashion social media lifestyle news life and style