સમરમાં કેવી ફ્લોરલ સાડી પસંદ કરવી? અનન્યા પાંડે પાસેથી શીખો

25 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉનાળો શરૂ થાય એ સાથે જ ફ્લોરલ સાડીઓની બોલબાલા વધી જાય છે. એવામાં આ વખતે ફ્લોરલ સાડીઓમાં કેવી ​પૅટર્ન અને કેવા કલર ટ્રેન્ડમાં છે એ જાણી લો. સાથે જ એને કેવા બ્લાઉઝ સાથે પહેરવાથી એ ઓવરઑલ લુકની સુંદરતા વધારશે એ પણ જાણી લો.

અનન્યા પાંડેની સાડી

સાડી ગરમીમાં પહેરવા માટે આરામદાયક હોતી નથી. સાડી વજનમાં ભારે હોય છે અને એમાં ગરમી પણ બહુ થાય છે. જો તમારે પણ આ જ ફરિયાદ હોય તો તમે સમરમાં સાડીનું સિલેક્શન કઈ રીતે કરવું અને એને કઈ રીતે સ્ટાઇલ કરી શકાય એને લઈને અભિનેત્રી અનન્યા પાંડે પાસેથી ઇન્સ્પિરેશન લઈ શકો છો. એ માટે મુલુંડમાં પોતાની કસ્ટમાઇઝ્ડ ફૅશનેબલ કપડાંની શૉપ ધરાવતાં ફૅશન-ડિઝાઇનર ભૂમિકા નિસર કેટલીક ટિપ્સ શૅર કરે છે.

ફૅબ્રિક
અનન્યા પાંડેએ જે સાડી પહેરી છે એ શિફૉનની છે. શિફૉનની ખાસિયત એ છે કે એ એકદમ સૉફ્ટ, વજનમાં હળવી અને પહેરવામાં એકદમ આરામદાયક હોય છે. તમે એને આખો દિવસ પહેરીને હરીફરી શકો. એવી જ રીતે તમે જ્યૉર્જેટ, ચિનોનની સાડી પણ પહેરી શકો. એ પણ લાઇટવેઇટ અને કમ્ફર્ટેબલ હોય છે.

પ્રિન્ટ
સમર ફૅશનમાં કોઈ વસ્તુ એવરગ્રીન હોય તો એ ફ્લોરલ પ્રિન્ટ છે જે ક્યારેય આઉટડેટેડ થવાની નથી. જોકે આજકાલ મોટી-મોટી સાઇઝનાં ફૂલોની પ્રિન્ટ હોય એ વધુ ટ્રેન્ડમાં છે. આ ફ્લાવર મોટિફ્સને એવી રીતે ચોક્કસ જગ્યાએ પ્રિન્ટ કરેલા હોય છે કે તમે સાડી પહેરો ત્યારે એ તમારા શોલ્ડર, બૅક કે પલ્લુમાં હાઇલાઇટ થાય. એને કારણે એ વધુ આકર્ષક લાગે. અનન્યા પાંડેની જે સાડી છે એમાં તમે જોઈ શકો છો કે એમાં ઑરેન્જ કલરના મોટા ફ્લાવર્સ પ્રિન્ટ થયેલાં છે.

કલર
સાડી ખરીદતી વખતે કલર-કૉમ્બિનેશનનું ધ્યાન રાખવું જરૂરી છે. અનન્યાની જે સાડી છે એનો કલર ઍક્વા બ્લુ છે અને એની ઉપરની જે ફ્લોરલ પ્રિન્ટ છે જે બર્ન્ટ ઑરેન્જ કલરની છે. આ કલર-કૉમ્બિનેશનના કારણે સાડી પર ફ્લોરલ પ્રિન્ટનો જે ઉઠાવ છે એ ખૂબ સરસ આવી રહ્યો છે. આવા જ બીજા કલર-કૉમ્બિનેશનની વાત કરીએ તો લાઇટ યલો કલરની સાડી પર બ્રાઇટ રેડ કલરનાં ફ્લાવર્સ, લાઇટ પિન્ક કલર પર ડાર્ક બ્લુ કલરનાં ફ્લાવર્સ કે પછી ઑફવાઇટ સાડી પર ડાર્ક પિન્ક કલરનાં ફ્લાવર્સ ખૂબ સરસ લાગે. 

ડિઝાઇન
આજકાલ સાડીઓમાં કટવર્ક પણ ખૂબ ટ્રેન્ડમાં છે. અનન્યા પાંડેની સાડીની બૉર્ડર પર જે વાઇટ થ્રેડથી કામ કરાયેલું છે એ કટવર્ક છે. કટવર્ક સાડીને થોડો વધુ હેવી લુક આપે છે. 

બ્લાઉઝ
અનન્યા પાંડેએ જે સાડી પહેરી છે એની સુંદરતા તેણે પહેરેલા કૉર્સેટ બ્લાઉઝને કારણે ચારગણી વધી ગઈ છે. બ્લાઉઝની બૅક સાઇડમાં તેણે સાડીના કલર સાથે મેળ ખાતાં ફૂલનાં લટકણ લગાવ્યાં છે એ તેની બૅકને વધુ સુંદર બનાવે છે. આમ જોવા જઈએ તો તેની સાડી એકદમ સિમ્પલ છે, પણ એ સાડીને તેણે જે રીતના 
બ્લાઉઝ સાથે પહેરી છે એ તેના ઓવરઑલ લુકને સુંદર બનાવે છે. આવી સાડીઓ સાથે સ્લીવલેસ, હૉલ્ટર-નેક, ઑફ-શોલ્ડર બ્લાઉઝ સારાં લાગે. બૅકસાઇડમાં ઝિગઝૅગ કે બૅકલેસ સારું લાગે. એવી જ રીતે મિડલ એજની મહિલાઓ પફ સ્લીવ, ફ્રિલ સ્લીવ કે પછી બેલ સ્લીવ ટ્રાય કરી શકે.

Ananya Panday bollywood buzz fashion news fashion beauty tips bollywood gossips bollywood social media