દુલ્હનોમાં પૉપ્યુલર આ ઘરેણાંને જોઈને તમને પાછાં લગ્ન કરવાનું મન થશે

13 April, 2019 12:41 PM IST  |  | અર્પણા શિરીષ

દુલ્હનોમાં પૉપ્યુલર આ ઘરેણાંને જોઈને તમને પાછાં લગ્ન કરવાનું મન થશે

નામવાળા કલિરા

શાદી મેં ઝરૂર આના

કલિરે એટલે લગ્ન સમયે દુલ્હનો દ્વારા પહેરાતી એક પ્રકારની બંગડીઓનાં લટકણ. પંજાબીઓમાં આ ઘરેણાંનુ ખાસ મહત્વ છે, પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતી દુલ્હન પણ બંગડી સાથે લટકણ તરીકે કલિરેનો ઉપયોગ કરવા લાગી છે. આજકાલ નામવાળાં, મોર, પોપટ, હાર્ટ વગેરેનાં લટકણવાળાં કલિરે દેખાવમાં જ એટલાં સુંદર હોય છે કે એ પહેરવા માટે લગ્ન કરવાનું મન થઈ જાય. જાણીએ કેવા પ્રકારની ડિઝાઇનો છે ડિમાન્ડમાં.

નામવાળાં કલિરે

હાલના આ ટ્રેન્ડ પ્રમાણે દુલ્હનો પોતાના અને ભાવિ પતિનાં નામ લખેલાં કલિરે ખાસ ઑર્ડર પ્રમાણે બનાવડાવે છે. આ પ્રકારનાં કલિરેની ડિમાન્ડ વિશે હૅન્ડમેડ કલિરે બનાવતી મુંબઈની ચાર્મી શાહ કહે છે, ‘હું નામવાળાં કલિરે બનાવું છું. પહેલાં ફક્ત પંજાબી છોકરીઓ જ કલિરે પહેરતી, પણ હવે આપણી ગુજરાતી દુલ્હનો પણ કલિરે પહેરવાનું પસંદ કરી રહી છે. નામવાળાં ખાસ કલિરે કાપડ પર એમ્બ્રૉઇડરીથી નામ લખી બનાવવામાં આવે છે. આ કલિરેમાં મોતીનાં લટકણ લગાવવામાં આવે છે. દુલ્હનો પોતાના ડ્રેસ પ્રમાણે રંગ અને ડિઝાઇનમાં વિવિધતાની માગ કરે છે. આ પ્રકારનાં કલિરેની કિંમત ૮૦૦થી શરૂ થઈને બે હજાર સુધીની હોય છે.’

ડિઝાઇનર કલિરે

ગયા વર્ષે પ્રિયંકા ચોપડા નિક જોનસને પરણી ત્યારે તેણે ખાસ કલિરે ડિઝાઇન કરાવેલાં. તે ડિઝાઇનર એટલે મ્રિણાલિની ચંદ્રા. જ્વેલરી ડિઝાઇનર મ્રિણાલિની સેલિબ્રિટીઓમાં ડિઝાઇનર કલિરે બનાવવા માટે ફેમસ છે. તેણે પ્રિયંકા ચોપડાનાં કલિરે પણ બનાવ્યાં હતાં. મિડ-ડે સાથે વાત કરતાં તે કહે છે, ‘પ્રિયંકાએ પોતાનાં કલિરેમાં તેની અને નિકની મુલાકાતો દરમ્યાનનાં યાદગાર ચિહ્નોને લટકણ તરીકે બનાવડાવ્યાં હતાં. એમાં અમે પ્રિયંકા અને નિકની આખી લવસ્ટોરી કલિરેમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કૉફીનો કપ, કાર વગેરે ચિહ્નો બનાવ્યાં હતાં અને પ્રિયંકા બાદ આ પ્રકારનાં કલિરે યુવતીઓ ખૂબ પસંદ કરી રહી છે અને ફક્ત પંજાબી જ નહીં, ગુજરાતી અને સાઉથની દુલ્હનો પણ હવે કલિરે પહેરી રહી છે, કારણ કે તેઓ આ પ્રમાણે ખાસ ડિઝાઇન કરાવેલાં કલિરે આયુષ્યભર સંભાળીને રાખવા માગે છે. લગ્નમાં જેમાં લવસ્ટોરી ઉતારી શકાય એવી કસ્ટમાઇઝ્ડ ચીજ કલિરે જેવી એકેય નથી.’

મ્રિણાલિની અનેક સેલિબ્રિટી માટે કલિરે બનાવી ચૂકી છે. સોનમ કપૂર માટે તેણે ખાસ મોરવાળી ડિઝાઇન બનાવેલી. એ સિવાય હવે યુવતીઓ કાર, ખુરશી જેવાં અમુક ચિહ્નો લટકણ તરીકે પસંદ કરી રહી છે. આ વિશે વાત કરતાં મ્રિણાલિની કહે છે, ‘આજના જમાનાની દુલ્હન આ રીતે નવા પ્રકારનાં કલિરે પહેરીને પોતાનું કલ્ચર પણ સાચવે છે અને અને એમાં મૉડર્ન ટચ પણ આપે છે.’

કસ્ટમાઇઝ કલિરેમાં દુલ્હન મૃણાલિની પાસે કેવી ડિમાન્ડ કરે છે એ વિશે તે કહે છે, ‘તાજેતરમાં એક યુવતીએ અમારી પાસે ગાડીઓનાં લટકણવાળાં કલિરે બનાવડાવ્યાં. વાત એવી હતી કે તેનો ભાવિ પતિ ગાડીઓનો ડીલર હતો અને તેને સરપ્રાઇઝ આપવા માટે તેણે આવાં કલિરે બનાવડાવ્યાં, જે તેની ફૅમિલીમાં બધાને ખૂબ ગમ્યાં હતાં. આ સિવાય યુવતીઓ તેમની લવસ્ટોરી પ્રમાણે મોબાઇલ ફોન, ફેસબુક, વૉટ્સઍપનાં ચિહ્નો પણ કલિરેમાં લગાવવાનુ પસંદ કરે છે. આ કલિરે બંગડી જેવાં રેડી ટુ વેર હોય છે. નૉન-પંજાબીઓમાં કલિરે બાંધવાનાં રસમ-રિવાજ ન હોવાને કારણે તેઓ પોતાના લહેંગા સાથે મૅચિંગ એવાં રેડી ટુ વેઅર કલિરે બનાવડાવે છે, જેને લગ્ન પછી પણ વાપરી શકાય.’

આવા પ્રકારનાં કલિરે સોના અથવા ચાંદીના પૉલિશ સાથે બનાવવામાં આવે છે અને માટે જ તેની કિંમત પણ એટલી જ મોટી છે. મ્રિણાલિનીના કલેક્શનમાં સાડાત્રણ હજારનાં સિંગલ પીસ કલિરેથી લઈને ૨૫,૦૦૦થી જેની કિંમત શરૂ થાય એવાં કસ્ટમાઇઝ કલિરે જોવા મળે છે. આ વિશે તે કહે છે, ‘આજે યુવતીઓ જ્યારે લાખો રૂપિયા ચણિયાચોળી પાછળ ખર્ચે ત્યારે, જેને આજીવન સાચવી શકાય એવા ખાસ બનાવેલા કલિરે પાછળ ૨૫,૦૦૦ ખર્ચતી વખતે વધુ વિચારતી નથી. ડિઝાઇન અને થીમ પ્રમાણે બનાવેલાં કલિરાની કિંમત ક્યારેક લાખ સુધી પણ પહોંચે છે.’

ફ્લોરલ કલિરે

પરવડે એમના માટે સાચા અને સસ્તામાં સુંદરતા જોઈતી હોય એમના માટે રંગબેરંગી બનાવટી ફૂલોના હાથમાં પહેરવાનાં લટકણ મેંદી અને સંગીત જેવા પ્રસંગોમાં ખાસ છે. આ પ્રકારનાં સાચાં ફૂલોનાં કલિરેની કિંમત હજાર રૂપિયાથી માંડીને જે પ્રકારનાં ફૂલો અને ડિઝાઇન વપરાશ હોય એમ આગળ વધે છે આજકાલ લગ્નમાં જ્યારે લોકો વધારે ભડકીલા રંગોને બદલે હળવા રંગોનાં કપડાં અને ડેકોરેશન પસંદ કરે છે એમાં કલિરેમાં પણ પિન્ક - ગુલાબ અને સફેદ રજનીગંધાનાં ફૂલો વધુ પસંદ કરાઈ રહ્યાં છે. ગુજરાતી યુવતીઓ હવે પીઠી દરમ્યાન પણ પીળા કપડા સાથે સફેદ અને પીળાં ફૂલોનાં આ પ્રકારનાં લટકણ પહેરે છે, જે તેમની ફ્લોરલ જ્વેલરી સાથે સારાં લાગે.’

પંજાબીઓમાં કલિરેનું મહત્વ

પંજાબી કલ્ચરમાં થનારી દુલ્હનના હાથમાં બાંધવામાં આવતાં કલિરે તેના નવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે એવું માનવામાં આવે છે. અને માટે જ ઘરની દરેક વ્યક્તિ લગ્ન થવાનાં હોય એ દીકરીના હાથ પર આર્શીવાદરૂપે એક-એક કલિરે બાંધે છે. આ સિવાય એક રિવાજ એ પણ છે કે કલિરે બાંધ્યા બાદ ફૅમિલીની લગ્નઇચ્છુક યુવતીઓના માથા પર કલિરે પાડવાની કોશિશ કરવામાં આવે છે અને માન્યતા છે કે જેના માથા પર એ પડે એનાં લગ્ન પહેલાં થઈ જાય.

આ પણ વાંચો : મહિલાઓના સૌભાગ્યની નિશાની, જાણો દુલ્હનના લેટેસ્ટ ચૂડા વિશે

ટ્રેડિશનલ કલિરે

પંજાબીઓના પરંપરાગત કલિરે નાની-નાની છત્રીઓના આકારનાં હોય છે, જેમાં પીપળાનાં પાન જેવી મેટલની પત્તીઓ, મોતી, કુંદન વગેરે લટકાવવામાં આવે છે. આ સિવાય હાલમાં ટ્રેડિશનલ કલિરેમાં થોડા રંગ ઉમેરવા માટે ઊન અને રેશમનાં ફૂમતાં લગાવવાનો પણ ટ્રેન્ડ છે.

fashion life and style