શેક હૅન્ડ્સ વિથ કૉન્ફિડન્સ

18 February, 2020 02:42 PM IST  |  Mumbai | RJ Mahek

શેક હૅન્ડ્સ વિથ કૉન્ફિડન્સ

પ્રતીકાત્મક તસવીર

૧. મૉઇશ્ચરાઇઝરનો અભાવ આપણાં હાથ અને હથેળી ખરબચડાં રહે છે એનું સૌથી મોટું કારણ છે આપણે હાથ પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલી જઈએ છીએ. આપણે હંમેશાં ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ પણ સાથે આપણા હાથ અને બીજાં અંગોને પણ ન ભૂલીએ અને ખાસ કરી શિયાળામાં તો નહીં જ ભૂલીએ જેથી આપણા હાથ અને હથેળીની સ્કિન નરમ રહે.

૨. ક્રીમ કે લોશન આજકાલ બજારમાં ઘણી બૉડી ક્રીમ, લોશન અને હૅન્ડ ક્રીમ પણ મળે છે. આપ એ ખરીદીને પણ લગાવી શકો છો. એનાં નાનાં પૅકિંગ પણ આવતાં હોય છે જે તમારી ઑફિસ બૅગમાં રાખી શકો છો, કારણ કે આજકાલ મોટા ભાગની જગ્યાઓમાં એસી હોય છે જેના લીધે પણ સ્કિન ડ્રાય થતી હોય છે. એટલે વચ્ચે-વચ્ચે જયારે તમને ડ્રાયનેસ લાગે ત્યારે તમે લગાવી શકો છો. હાથ ધોયા પછી પણ ખાસ લગાવો.

૩. સાબુનો વધુપડતો ઉપયોગ આપણને એવી ટેવ હોય છે કે વારંવાર આપણા હાથ ધોતા હોઈએ છીએ. પણ દર વખતે સાબુથી હાથ હોવા જરૂરી નથી, કારણ કે સાબુમાં રહેલાં કેમિકેલ્સના લીધે આપણા હાથ કે હથેળીનું કુદરતી તેલ ધોવાઈ જાય છે અને સ્કિન ખરબચડી બની જાય છે. જ્યાં સુધી સાદા પાણીથી હાથ ધોઈને ચાલતું હોય ત્યાં સુધી હૅન્ડ સોપ કે બીજા સાબુનો ઉપયોગ ન કરો. બને તો લિક્વિડ જેલનો ઉપયોગ કરી શકો છો.

૪. ગરમ પાણીનો ઉપયોગ ખાસ કરીને ઠંડીમાં આપણને ગરમ પાણીથી હાથ ધોવા ગમે છે, કારણ કે હૂંફાળું લાગે છે. પણ જરૂર કરતાં વધુ ગરમ પાણી વાપરીએ તો આપણી સ્કિનનો  કુદરતી ભેજ દૂર થઈ જાય છે, જેને લીધે પણ હાથ કે હથેળી ડ્રાય થઈને ખરબચડા થઈ જતા હોય છે.

૫. ઘરકામ કરતી વખતે મોજાં પહેરીએ મોટા ભાગે આપણે બધાં કામો આમ જ કરતા હોઈએ છીએ, પણ જો તમને વધારે ડ્રાયનેસ ને તકલીફ હોય તો તમે રબરનાં મોજાં પહેરીને ઘરકામ કરી શકો છો, કારણ કે વધુપડતું પાણીમાં રહેવું, કેમિકલ્સવાળાં સોપથી કામ કરતી વખતે પણ સ્કિનનું કુદરતી તેલ ધોવાઈ જતું હોય છે.

૬. હાથનું રક્ષણ શિયાળામાં ઠંડા અને સૂકા પવનોથી અને ગરમીમાં ગરમ પવન અને તડકાથી આપણે આપણા હાથની સ્કિનને બચાવવી જોઈએ. બન્ને સંજોગોમાં આપણા હાથની સ્કિન ડ્રાય થાય છે. તડકાથી કાળી પડે છે અને સૂકી પડવાથી ખરબચડી થતી રોકવા એને ઢાંકવી ખૂબ જરૂરી છે.

૭. થોડી એક્સ્ટ્રા કૅર તમે નારિયેળ તેલ, ઘી અથવા મલાઈ પણ લગાવી શકો છો. નહાવાના પાણીમાં પણ તમે તેલ ઉમેરી શકો છો જેથી તમારી સ્કિન ડ્રાય નહીં થાય. વધુ ડ્રાયનેસ આવતાં તમે સ્કિનના એક્સપર્ટનો સંપર્ક કરી માર્ગદર્શન પણ મેળવી શકો છો. તમે નિયમિત પાર્લરમાં જઈ મૅનિક્યૉર પણ કરાવી શકો છો.

તો આ નાની-નાની પણ અત્યંત ઉપયોગી ટિપ્સ તમે જરૂર અપનાવી તમારા હાથ અને હથેળીને નરમ અને મુલાયમ બનાવી શકો છો જેથી તમારી સાથે હાથ મિલાવતાં કોઈ ખચકાશે નહીં.

fashion fashion news