સમર સ્ટાઇલ માટે પર્ફેક્ટ શર્ટ ડ્રેસ

13 May, 2022 10:36 AM IST  |  Mumbai | Aparna Shirish

મલાઇકા, આલિયા ભટ્ટ અને માનુષી છિલ્લરની જેમ ઓવરસાઇઝ્ડ શર્ટ ડ્રેસ પહેરવો હોય તો શું ધ્યાનમાં રાખવું એ જાણી લો

આલિયા ભટ્ટ

સમર સ્ટાઇલિંગની વાત આવે ત્યારે દરેક પ્રકારના વાઇટ અને શૉર્ટ ડ્રેસિસની બોલબાલા હોય છે. એક આવી જ સમર સ્ટાઇલ એટલે વાઇટ શર્ટ્સ. વાઇટ શર્ટ ખૂબ વર્સટાઇલ છે. કૅઝ્યુઅલથી લઈને ફૉર્મલ અને હવે તો લેહંગા પર પાર્ટીવેઅરમાં પણ વાઇટ શર્ટ માનુનીઓ પહેરતી થઈ છે. હાલમાં વાઇટ શર્ટની ડિમાન્ડ છે ડ્રેસિસમાં. હા, ગોઠણથી થોડી ઓછી લંબાઈનાં અને લૂઝ એવાં વાઇટ શર્ટ આજકાલ ડ્રેસિસ તરીકે ખૂબ ચાલી રહ્યાં છે. ચાલો જાણીએ વાઇટ ડ્રેસને સ્ટાઇલ કરવા માટેની ટિપ્સ.
કેવી રીતે પહેરવો? |  વાઇટ ડ્રેસ પહેરવા માટે કોઈ પર્ટિક્યુલર બૉડી ટાઇપને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. એનું કારણ જણાવતાં ઇમેજ કન્સલ્ટન્ટ મનીષા જૈન કહે છે, ‘શર્ટ ડ્રેસનો કોઈ શેપ નથી હોતો અને ન તો એ બૉડી ફિટ છે એટલે કોઈ પણ એ પહેરી શકે છે. જોકે એ છેવટે એક લાંબું ઓવરસાઇઝ્ડ શર્ટ છે એટલે સ્ત્રીઓ એ પહેરતાં અચકાય છે. શર્ટ ડ્રેસને કૅઝ્યુઅલ કે પાર્ટીવેઅર બન્ને રીતે પહેરી શકાય. પાર્ટી અટેન્ડ કરતા હો ત્યારે શર્ટ ડ્રેસ સાથે હાઈ હીલ્સ કે પછી બૂટ્સ પહેરી શકાય. મલાઇકા અરોરા જેવી સ્ટાઇલ કરવી હોય તો ડ્રામેટિક લુક માટે શર્ટ ડ્રેસ પર એક વેસ્ટકોટ કે ટાઇ પણ પહેરી શકાય. શર્ટ ડ્રેસને કૅઝ્યુઅલી સ્ટાઇલ કરવા માટે શર્ટ સાથે એક જાડો બેલ્ટ પહેરી શકાય. કે પછી આજકાલ જેનો ટ્રેન્ડ છે એવી બેલ્ટ બૅગ પણ સારી લાગશે. ડ્રેસ વાઇટ છે એટલે એની સાથે જે એલિમેન્ટ ઍડ કરો એ કૉન્ટ્રાસ્ટ હોવો જોઈએ.’
ડ્રેસ સાથે લેગિંગ્સ |  શર્ટ ડ્રેસ પહેરવો હોય પણ પગ ખુલ્લા રાખવાનો કૉન્ફિડન્સ ન હોય તો શું કરવું એ વિશે મનીષા કહે છે, ‘જો તમારી હાઇટ હોય તો શર્ટ ડ્રેસની લેંગ્થ ટૂંકી લાગે છે. અહીં બધા પાસે મલાઇકા અરોરા જેવો કૉન્ફિડન્સ ન હોય ત્યારે શર્ટ ડ્રેસિસ લેગિંગ્સ કે સ્કિની જીન્સ સાથે પણ પહેરી શકાય. એ સિવાય ડ્રેસ પર ડેનિમનું જૅકેટ પણ સારું લાગે.’
આ રીતે પહેરેલો શર્ટ ડ્રેસ એક ટ્યુનિક જેવો લુક આપશે. 
શર્ટ ડ્રેસમાં પ્રિન્ટ્સ અને પૅટર્ન્સ |  વાઇટ શર્ટ ડ્રેસ ઇન ટ્રેન્ડ છે પણ એ સિવાય ચેકર્ડ પૅટર્ન પણ સારી લાગશે. વાઇટ શર્ટમાં પણ પેઇન્ટિંગ જેવી ડિજિટલ પ્રિન્ટ પહેરી શકાય.
એ સિવાય હેમલાઇન હાઈ-લો કે ઍસિમેટ્રિકલ હોય એવા શર્ટ ડ્રેસ પણ સારા લાગશે. નેકલાઇન ફેમિનાઇન લાગે એવી પસંદ કરવી. સ્લીવ્ઝમાં બેલ સ્લીવ્ઝ કે ફ્રિલ્ડ લાંબી સ્લીવ્ઝ સ્ટાઇલિશ લાગશે.

 કૅઝ્યુઅલ અને ક્લાસી એવા આ બટનડાઉન કહી શકાય એવા મલાઇકા અરોરાના લુકમાં આઉટફિટ દેખાય શર્ટ જેવું છે, જ્યારે એને પહેરવાનું ડ્રેસની જેમ છે. યોગ્ય રીતે ઍક્સેસરીઝ, શૂઝ અને બૅગ મૅચ કરશો તો એ ચોક્કસ સ્ટાઇલિશ લાગશે.  
મનીષા જૈન, ઇમેજ કન્સલ્ટન્ટ 

fashion news fashion columnists